આપણે કેવી સરકાર ચૂંટવી જોઈએ? સારી સરકારમાં કેવા ગુણ હોવા જોઇએ તેનો વિચાર કર્યો છે?

    ૧૯-એપ્રિલ-૨૦૧૯

 
 
રાજા અને રૈયતનો જમાનો ગયો, હવે નાગરિક અને નેતાનો જમાનો આવ્યો છે. હવે જમાનો આવ્યો છે જનતા અને જનનેતાનો, હવે જમાનો આવ્યો છે લોકો અને લોકપ્રતિનિધિઓનો, લોકસેવકોનો.
 
દેશમાં સામાન્ય ચૂંટણી ચાલી રહી છે ત્યારે નેતાઓની જ નહિ, નાગરિકોની સક્રિયતા પણ વધારવાનો તકાદો છે. ચૂંટણીમાં નેતાઓએ તો પ્રચાર કરવાનો છે, પરંતુ ખરો વિચાર તો નાગરિકોએ જ કરવાનો રહે છે. દેશમાં શાસનની ધુરા કોને સોંપવી જોઈએ, એનો નિર્ણય જનતાજનાર્દને કરવાનો સમય આવી પૂગ્યો છે. નાગરિકોએ સારાસારનો વિવેક કરીને પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો છે અને એ રીતે નવી સરકારની રચનામાં પાયાનું યોગદાન આપવાનું હોય છે. આ સંજોગોમાં દરેક નાગરિકના મનમાં સૌથી મહત્ત્વપૂર્ણ સવાલ એ જાગે છે કે કેવી સરકાર ચૂંટવી જોઈએ ?
 
શ્રેષ્ઠ સરકાર એટલે કેવી સરકાર, એ અંગે દુનિયાભરમાં ખૂબ વિચાર-વિમર્શ થયેલા છે. અનેક થિંક ટેન્ક અને લોકશાહી સંસ્થાઓએ આદર્શ સરકારનાં લક્ષણો પણ પ્રસ્થાપિત કર્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આ મુદ્દે સારી સરકાર અંગે વિચારણા હાથ ધરવામાં આવેલી છે. યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસેફિક દ્વારા એક આલેખ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે, જેમાં સારી સરકારનાં લક્ષણોની વિગતે વાત કરવામાં આવી છે. આપણે આ લક્ષણોને સંક્ષિપ્તમાં સમજીએ...
 

સારી સરકારનાં સાત લક્ષણો

 

(૧) સહભાગિતા

પહેલું લક્ષણ એ છે કે તેમાં સહભાગિતા હોય. સૌ સાથે મળીને કામ કરે, દેશના દરેક નાગરિકને અહેસાસ થવો જોઈએ કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે છે અને તેને ધ્યાને લેવામાં આવે છે. જનતાની લાગણીને સમજીને યોગ્ય નિર્ણય કરે એ જ સરકાર સારી ગણી શકાય.
 

(૨) કાયદાનું શાસન

બીજું લક્ષણ છે, કાયદાનું શાસન. જીસકી લાઠી ઉસકી ભેંસવાળો જમાનો જૂનો થયો, હવે કાયદાનું શાસન ચાલે છે અને તેમાં પણ સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે કાયદાની સામે સૌ સમાન હોવા જોઈએ. સમયાનુસાર કાયદા બનાવે, બદલાવે અને તેનું યોગ્ય અમલીકરણ કરાવે, એવી સરકારની આપણે જરૂર છે. ન્યાયની ગતિ પણ ઝડપી હોવી અનિવાર્ય છે.
 

(૩) પારદર્શકતા

ત્રીજું લક્ષણ છે, પારદર્શકતા. જે સરકાર સૌથી વધારે છુપાવે છે, એ સરકારમાં સૌથી વધારે બખડજંતરો હોઈ શકે છે. લોકશાહીમાં સરકારમાં શું ચાલી રહ્યું છે, એ જાણવાનો લોકોનો અધિકાર હોવો જોઈએ. આપણા દેશમાં માહિતી અધિકારનો કાયદો પણ આ દિશાનું જ પગલું છે.
 

(૪) સંવાદી ભૂમિકા

ચોથું લક્ષણ છે, સંવાદી ભૂમિકા. સરકારે શાસન સંદર્ભે સતત સંવાદ જાળવી રાખવો જ‚રી છે. સરકારને જ્યારે સવાલ કરવામાં આવે ત્યારે સરકારની ફરજ છે કે તે જવાબદારીપૂર્ણ રીતે ઉત્તર આપે. સરકારે સવાલોને આવકારવા જોઈએ અને સમયસર અને સત્યનિષ્ઠ જવાબો આપવા જરૂરી છે.
 

(૫) સર્વસંમતિ

પાંચમું લક્ષણ છે સર્વસંમતિ. સરકાર કોઈ એક વ્યક્તિ કે જૂથના ઇશારે નહીં, પરંતુ સર્વસંમતિના ધોરણે ચાલવી જોઈએ. જે કોઈ નિર્ણય લેવામાં આવે, તે સૌની સંમતિના આધારે લેવાય. વાંધા-વિરોધનાં પાસાંઓનો વિચાર થાય અને સૌની વાતને ધ્યાને લઈને એકંદર મતિ ઊભી કરીને આગળ વધવાનું વલણ ધરાવતી સરકાર જ સારી સરકાર ગણાય.
 

(૬) સમાનતા અને સર્વસમાવેશકતા

છઠ્ઠું લક્ષણ છે, સમાનતા અને સર્વસમાવેશકતા. સરકાર એવી હોવી જોઈએ, જેમાં ખરા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ હોય. સરકાર સામે સૌ સમાન હોવા જોઈએ. નાત-જાત-ધર્મ-કોમ કે લિંગના ભેદભાવો સરકારને ન સ્પર્શવા જોઈએ. સરકારમાં સૌને ન્યાયપૂર્ણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
 

(૭) પ્રભાવકતા અને સજ્જતા

સાતમું લક્ષણ છે, પ્રભાવકતા અને સજ્જતા. દેશ હિતમાં નિર્ણય લેવા અને વિકાસના માર્ગે આગળ વધવા માટે સરકાર સજ્જ-સક્ષમ હોવી જોઈએ અને એટલી પ્રભાવક હોવી જોઈએ કે તે લક્ષ્યાંકોને સમયસર પૂર્ણ કરી શકે. આઠમું લક્ષણ છે, ઉત્તરદાયિત્વ. સરકાર જવાબદાર હોવી જોઈએ. દેશમાં સારું થાય એનું શ્રેય પણ તેને જાય અને જે કંઈ દુર્ઘટનાઓ-નકારાત્મક ઘટનાઓ ઘટે તેની જવાબદારી પણ તેણે સ્વીકારવી પડે. આ ઉત્તરદાયિત્વની ભાવના જ સરકારને વધારે જવાબદાર અને સભાન બનાવી શકે છે.
 

તમે શું માનો છો ?

આ તો થયા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ણવાયેલાં લક્ષણો. આગળ વાત કરીએ તો સરકારમાં એવું વિઝન હોવું જોઈએ, જે દેશને પ્રગતિના પંથ તરફ દોરી જાય. દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે સતત ચિંતનશીલ અને સક્રિય સરકાર જ દેશનું ભલું કરી શકે છે. જોકે, સામાન્ય લોકો એવી સરકાર ઇચ્છે છે, જે તેમના દુ:ખદર્દ સમજે અને એનું નિવારણ લાવે. દેશની સુરક્ષા હોય કે આર્થિક સધ્ધરતા હોય, દેશની સરકાર સ્પષ્ટ નીતિ સાથે અસરકારક રીતે આગળ વધવા માટે, સૌને સાથે લઈને પ્રગતિ કરવા માટે નેતૃત્વ પૂરું પાડવા સક્ષમ હોવી જ‚રી છે. આપણા દેશમાં રામરાજ્ય આદર્શ ગણાય છે, ગાંધીજીએ પણ રામરાજ્યની કલ્પના કરી હતી અને સ્વરાજનો ખયાલ વિકસાવ્યો હતો. લોકોની આશા-આકાંક્ષાઓને પૂર્ણ કરવાની નિષ્ઠા ધરાવતી સરકાર જ સારી સરકાર ગણાય. સત્તાની ભૂખ નહીં, પરંતુ સ્વદેશપ્રેમ જેની પ્રાથમિકતા હોય, એવી સરકાર આપણે ચૂંટવી જોઈએ. તમે શું માનો છો ?
 
- ડૉ. દિવ્યેશ વ્યાસ