આવો, એક મજબૂત સરકાર બનાવીએ, એક વાર ફરી બહુમતીની સરકાર...

    ૧૯-એપ્રિલ-૨૦૧૯

 
 
ઝડપથી વિકાસ પામતી ૨૧મી સદીમાં, ભારતીય લોકતંત્ર માટે લોકસભા ચૂંટણી રૂપે, એપ્રિલ-મે માસમાં નિર્ણાયક ઘડી આવી છે. યુવા ભારતમાં નવા જોડાયેલ ૮ કરોડ મતદારો કે અંદાજીત ૫૦%થી વધુ ૩૫-૪૦ વર્ષની વયના મતદારોમાં યુવાનીનો થનગનાટ, આકાંક્ષાઓ, સ્વ-સમાજ અને દેશની પ્રગતિ અંગેની મહત્ત્વકાંક્ષાઓ અને માપદંડો, ગઈ સદીના મતદારો કરતાં કે પહેલાંની ચૂંટણીઓ કરતાં, અત્યંત વિચારશીલ, સઘન અને પરિણામલક્ષી હોય તે સ્વાભાવિક છે. મોબાઈલ, ઈન્ટરનેટ, મેટ્રોમાં ઉછળતું આ યુવાધન આમેય વધુ માહિતગાર અને પરિપક્વ.
 
પારદર્શક લોકતંત્રમાં હવે ચૂંટણી કમિશનની, પ્રતિનિધિઓ ચૂંટવા અંગેની શરતોમાંય દાગી સમાજસેવકો પર ભારે તબાહી અને તેમને સંઘરતી પાર્ટીઓએ પણ ઉમેદવારોનો ક્રિમિનલ રેકોર્ડ રેડીયો, ટીવી અને અખબારોના માધ્યમથી ત્રણ વખત જાહેર કરવાના પ્રાવધાનને કારણે, ભારતીય સ્વચ્છતા અભિયાનમાં - મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે એક નવું છોગું ઉમેરાયું. મતદારો એવા ક્રિમિનલના પડછાયાથી દૂર રહી શકશે.
 
સ્વસ્થ સમાજને મજબૂત સરકાર જ જોઈએ, મજબુર નહી. ૧૯૯૪થી ૨૦ વર્ષના ગાળામાં મીલીજૂલી, ગઠબંધન સરકારો પ્રમાણમાં સમાધાનકારી અભિગમવાળી રહી. શંભુમેળામાં પ્રાથમિક્તાઓ બદલાય જ. ભ્રષ્ટાચારી, મૌન અને નબળી સરકારને દૂર કરી, ભારતીય મતદારોએ ૨૦૧૪માં ભાજપાને સંપૂર્ણ બહુમતી આપી, મજબૂત સરકાર ચૂંટી જેના કાર્યકાળ દરમિયાન પારદર્શક વહીવટી, સતત અને ઝડપી સુધારો, મજબુત અર્થતંત્ર વિ. અનુભવ્યું. ગરીબોનું ઉત્થાન, સર્વસમાવેશક નીતિ, વૈશ્ર્વિક અર્થતંત્ર સાથેના યથાયોગ્ય જોડાણ, ઓછો ફુગાવો, માળખાગત સુવિધાઓનો અદ્ભૂત વિકાસ અને ઉત્તમોત્તમ વિદેશ નીતિએ દેશને ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું તેવું વિદેશી સંસ્થાઓ અને વૈશ્ર્વિક મહાસત્તાઓનું આકલન છે.
 
આમ છતાં, શાસન માટેનું સમવાયી માળખું, પ્રદેશવાદ, જ્ઞાતિ-જાતિ ધર્મના સમીકરણોમાં પ્રજાને વહેંચીને દાયકાઓથી સમાજસેવા અને રાજનીતિના નામે માહિર રાજકીય ઠગો, પ્રાદેશિક પાર્ટીઓના માધ્યમથી પ્રજાને એકજૂથ કરવાને બદલે વિભાજીત કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારો આ બાબતે સૌથી વધુ પ્રભાવિત. તેમને લોભ-લાલચ આપી રાષ્ટ્રીય પ્રવાહથી વંચિત રાખવામાં જ આવી પાર્ટીઓ અને રાજનેતાઓનું અસ્તિત્વ. અન્યથા માયાવતી, મુસ્લિમોને એકજૂથ રહી, મત વિભાજીત ન કરવા અપીલ ન કરે. અખિલેશ નામે સમાજવાદી છતાં કુટુંબ વિભાજીત કરી, વધુ લોકસભા સીટો અંકે કરવાની હોડમાં, માયાવતી સાથે ગઠબંધન ન કરે. મમતા ઘુસણખોર બાંગ્લાદેશીઓ પ્રત્યે સહાનુભુતિ ન વર્તે, કેરળ સરકાર પરંપરાઓ તોડીને શબરીમાલા મંદિરના ભક્તોમાં ‘મુસ્લિમો’ ભક્તો ન ઘુસાડે. કોંગ્રેસ દેશની આન, બાન, શાન ભૂલીને ‘હિન્દુ આતંક’ જેવા મનઘડંત માત્ર આક્ષેપો નહીં, હિન્દુઓ ઉપર ક્રિમિનલ કાર્યવાહી કરી, દેશ માટે મુસ્લિમ આતંકીઓ સામેની લડાઈમાં, નામોશી ના ઉભી કરે. કે આવા સમાજસેવકો, ટોળે મળીને કે સ્વતંત્ર રીતે, અલ્પબુદ્ધિથી દેશની સેના બહાદૂરીભરી સફળ કાર્યવાહીઓ, જેમાં દુશ્મન હણાયો - ઘવાયો અને વૈશ્ર્વિક પરિપ્રેક્ષ્યમાં તેજહીન થયો હોય તેનાં પ્રમાણ ઘરમાં બેસીને વારંવાર ન માંગે.
 
આંતરિક અને બાહ્ય સુરક્ષામાં, સાથે જ શ્રેષ્ઠ કુટનીતિ દ્વારા અનેક રાષ્ટ્રો સાથે મૈત્રી અને આર્થિક સંબંધો, દુશ્મન દેશને એકલો-અટૂલો પાડી ‘આતંકવાદ’ વિરોધી અભિયાનમાં ‘મોદી’ સરકારનો કાર્યકાળ અભૂતપૂર્વ, પ્રભાવશાળી અને સંતોષજનક રહ્યો છે તે બાબતે દેશ-વિદેશમાં સહમતી છે જ.
 
છેલ્લા એક વર્ષના બધા જ સર્વેક્ષણો, આ સરકારને અને ભાજપાને "એક બાર ફિરસે કે બહુમતી મેળવવામાં સહમત છે જ. માત્ર છેલ્લા થોડા અઠવાડીયામાં ‘જુમલેબાજી’ દ્વારા અપાતા પોકળ વચનોને કારણે કોંગ્રેસ ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમ ફેલાવી શકે તેવા અભિપ્રાયો ઊભા થયાં છે. જેમ વાયદાઓમાં ‘દલા-તરવાડી’ વૃતિ હોય તેમ સોશિયલ મીડિયા અને ફેક ન્યુઝના ઉપજાઉ માધ્યમથી, મતદારોને ગુમરાહ કરીને, છેલ્લા છ મહિનામાં ત્રણ રાજ્યોમાં મળેલી જીતથી પ્રભાવિત થઈને કોંગ્રેસે આ નીતિને તેજ કરવાનો પ્રયત્ન આદર્યો જે લોકતંત્ર માટે ઘાતક અને સર્વેક્ષણોમાં પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસને મત જરૂર વધુ અપાવે, સીટો નહીં, ક્યાંક ત્રિપક્ષી કે ચતુર્પક્ષીય લડાઈમાં, અણધારી સીટો જીતાય કે હરાય પણ ખરી.
 
આવા સંજોગોમાં ‘ગુજરાત’ના મતદારોની વિશેષ જવાબદારી ખરી જ. ભૂતકાળમાં કેન્દ્રમાં મીલી-જુલી-નબળી સરકારોનો ભોગ ‘ગુજરાત’ની પ્રજા બની છે. નર્મદા યોજના હોય, ઓઈલની રોયલ્ટી હોય કે રાજ્યના બજેટ અંગે પ્લાનિંગ કમિશન દ્વારા સંમતિ સાથે કેન્દ્રની નાણાં ફાળવણી હોય, ‘ભાજપા’ સરકારે ૨૬ સીટો સાથે માત્ર મજબૂતી નહીં, ગુજરાતના મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી પદે આરૂઢ કરવાનો શ્રેય મુખ્ય જ. નવી તકમાં ભાજપાના પ્રમુખ અને પ્રધાનમંત્રી એક સાથે લોકસભામાં હોય ત્યારે સંપૂર્ણ ગુજરાતનું પ્રતિનિધિત્વ એકજૂથ હોય તેનું ગૌરવ ગુજરાતને કેટલું ? ૨૦૧૪થી સવિશેષ ? અને સમગ્ર દેશના ચૂંટણી સર્વેક્ષણો જો તેની તરફેણ કરતા હોય તો અન્ય વિચારધારામાં ભરમાઈ જાય તેમાં ગુજરાતનું ગૌરવ શું ?
આવો, એક મજબૂત સરકાર બનાવીએ.