જીવન અને મરણ તો સંસારનો નિયમ છે

    ૦૪-એપ્રિલ-૨૦૧૯

 
 

પુત્ર પ્રભુની થાપણ છે

 
બિરવરિયા નામની એક ઉચ્ચ વિચારની બાઈ હતી. તેના પતિનું નામ મહાત્મા રબ્બી હતું. તેનો પતિ પણ વિદ્વાન અને જ્ઞાની હતો. તેમને તેઓના જેવા જ બુદ્ધિશાળી બે પુત્રો હતા. દુર્ભાગ્યવશાત્ બેઉ પુત્રો એકસાથે ઊંચેથી પડ્યા અને મરણ પામ્યા. તે વખતે મહાત્મા રબ્બી ઘેર ન હતા. બાઈને તત્ક્ષણ બહુ દુ:ખ થયું, પણ પછી વિચાર કર્યો કે, જન્મ-મરણનો પ્રવાહ રોકી શકાય તેવો નથી. પરમાત્માની માયા એવી જ છે. જીવન અને મરણ તો સંસારનો નિયમ છે. લાગણીને કારણે દુ:ખ થાય તે સ્વાભાવિક છે પણ તેને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી.
 
પતિ ઘેર ન હોવાથી છોકરાઓના શબને પાસેના ઓરડામાં રાખી મૂક્યાં. જ્યારે પોતાના પતિ રબ્બી ઘેર આવ્યા ત્યારે જાણે કંઈ થયું જ નથી એમ હસતે મુખે તે સામી ગઈ અને માનથી તેમને બેસાડ્યા. પતિએ પૂછ્યું, ‘અરે, મારા બંને દિકરાઓ કેમ દેખાતા નથી.’
 
પત્નીએ કહ્યું, ‘એ બંને બહાર ગયા છે. પણ તમે મને એક જવાબ આપો કે ‘આપણે ત્યાં કોઈની થાપણ છે તો તેને પાછી આપી દઉં ?’
 
રબ્બી બોલ્યા : ‘અત્યારે ને અત્યારે જલદી આપી દે.’
ત્યારે બાઈએ છોકરાનાં શબ બતાવ્યાં ! રબ્બી દેખીને દંગ થઈ ગયા !
બાઈ બોલી : ‘ખુદાએ આપ્યા અને ખુદાએ લીધા તેમાં આપણે શું ?’
રબ્બી પોતાની સ્ત્રીનું જ્ઞાન જોઈ પ્રસન્ન થયા. આવી સ્ત્રીઓ જ ગૃહની લક્ષ્મીઓ છે અને તે ઘરને શોભાવે છે.