ચીફ જસ્ટિસના વિવાદમાં સત્ય ઝડપથી બહાર આવવું જ જોઈએ

    ૦૧-મે-૨૦૧૯   
 
 
જ્યોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે, ‘ન્યાયતંત્ર એ શાસનનો અચલ મોભ છે !’ હમણાં જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે તેમના હાઉસ સ્ટાફ મહિલા દ્વારા જાતીય સતામણીના આક્ષેપોના ધરતીકંપથી આ મોભ, ધ્રુજી ગયો. હાઉસ સ્ટાફ તથા નોકરીમાંથી બરતરફ થયેલ મહિલાએ પોતાની જાતીય સતામણી કરી હોવાનો પત્ર સુપ્રીમ કોર્ટના તમામ જજને લખ્યો અને ચરુ ઉકળ્યો. ચીફ જસ્ટિસે નિરપેક્ષ ભાવે સ્વ બચાવમાં કહ્યું, ‘મારા પર થયેલા આક્ષેપો હું નકારી પણ નહીં શકું, કારણ કે હું એટલો નીચો પણ ઊતરવા નથી માંગતો !’
 
સુપ્રીમ કોર્ટ નાગરિકોની શ્રદ્ધા અને વિશ્ર્વાસનું કેન્દ્ર, સન્માનમાં સર્વોપરી છે. થોડા સમયથી રાફેલ, પ્રેસ કોન્ફરન્સ, અનિલ અંબાણીના જામીન અંગેની ખોટી માહિતી વગેરે વિવાદને કારણે લોકોનો વિશ્ર્વાસ ડગમગ્યો પણ ન્યાયતંત્રના ઊજળા ઈતિહાસને કારણે આ વિશ્ર્વાસ તૂટ્યો નથી એ બાબતનો સંતોષ. આ આરોપને સર્વોચ્ચ અદાલતે સમગ્ર ન્યાયપાલિકાની આબરું, તથા આવા આક્ષેપોમાં કોર્પોરેટ જગતની સંડોવણી સાથે સાંકળ્યો. આ કેસનું સત્ય ઉજાગર કરવા એક નિવૃત્ત ન્યાયાધીશની કમિટી બનાવી, સીબીઆઈ, આઈ.બી. અને દિલ્હી પોલીસ કમિશ્ર્નરને સામેલ કરી તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન શ‚ કર્યંુ. તો ચીફ જસ્ટીસ સામેના આરોપો અંગે ૩ જજની કમિટી બની જેમાં હવે બે મહિલાઓ છે.
 
આ કેસની અનેક બાજુઓ છે. દેશના ચીફ જસ્ટિસને પોતાનું કામ કરતાં અટકાવવા, તેમના કામમાં વિક્ષેપ સર્જવા કે તેમને હોદ્દો છોડવાની ફરજ પાડવાનું એક મોટું ષડ્યંત્ર રચાયાના ઘટસ્ફોટથી દેશના કાનૂની જગતમાં હાહાકાર મચી ગયો છે. ચીફ જસ્ટિસને પણ ભ્રષ્ટ કરવાના પ્રયાસનું દુ:સાહસ કોઈએ આચર્યું અને તેમાં નિષ્ફળતા મળતાં તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠા પર કાદવ ઉછાળવાનું કાવતરું ઘડાયું. કદાચ આ આક્ષેપો સાચા હોય તો એ પણ અસ્વસ્થ કરી મૂકે તેવા છે. દેશના ન્યાયતંત્રના સર્વોચ્ચ પદાધિકારી પર પણ જો આ રીતે દબાણ લાવવવાનો પ્રયાસ થતો હોય તો બદ્ઇરાદા ધરાવતાં તત્ત્વો ન્યાયતંત્રમાં અન્ય કક્ષાએ કેવાં કેવાં કાવતરાં આચરતાં હશે ? બીજી તરફ ચીફ જસ્ટિસ પર ફરિયાદી યુવતીએ એક્સપાર્ટી જજમેન્ટ દ્વારા તથા તેના સગા અને અન્ય કોઈ કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકાયાનો આરોપ છે. જેની ઉતાવળ અને સમયગાળો પ્રશ્ર્નાર્થ ઊભો કરે છે. આ યુવતી પર સુપ્રીમ કોર્ટમાં નોકરી અપાવવાના બહાને નવીન નામના વ્યક્તિ સાથે ઠગાઈ કર્યાનો કેસ, તેણે ખાધેલી જેલની હવા અને તેના કારણે તેને સસ્પેન્ડ કરી હોવાના પુરાવાય છે. તેની સત્યતાય ફરી ચકાસવી રહી. આરોપોના સંદર્ભમાં સ્પેશિયલ બેંચ દ્વારા જે રીતે કાર્યવિધિ હાથ ધરાઈ તે પછી કેટલાય સિનિયર કાનૂનવિદોએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે, ન્યાયના સિદ્ધાંત મુજબ આ ફરિયાદમાં ખુદ ચીફ જસ્ટિસ પર આક્ષેપો થયા છે તેથી તેમણે આ કાર્યવાહીથી અળગા રહેવું જોઈતું હતું.
 
અભિપ્રાયો, સિદ્ધાંતો, માન્યતાઓ આ બધાંથી ઉપર સત્ય હોય છે. આ આરોપોની કબર નીચે સૂતેલું સત્ય અનિષ્ટ દબાણો હેઠળ દબાઈ ગયું છે. સુપ્રીમના ન્યાયમૂર્તિઓની બેંચ રચાયા બાદ એક ધારાશાસ્ત્રીએ પોતાને ચીફ જસ્ટિસ સામેના કાવતરા માટે જંગી રકમની ઓફર કરાઈ હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો છે.
 
ન્યાયતંત્ર પરનું દબાણ કોઈ સંજોગોમાં સાંખી લેવાય નહીં, અહીં કોઈ જાતની ધાકધમકી, પ્રલોભનો વગેરેનું કલુષિત વાતાવરણ રચવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગે છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાના શાસન માટે આ બાબત બહુ જોખમી છે. મુખ્ય ન્યાયાધીશ દેશનું ઉચ્ચ પદ છે, તે શંકાથી પર હોવા જોઈએ. તેથી અત્યંત ઝડપથી દૂધનું દૂધ અને પાણીનું પાણી જરૂરી છે, આની પાછળ રહેલાં તત્ત્વોની ભાળ મળે, તેઓ ઉઘાડા પડે, દેશ તેમને ઓળખે, તેમની સામે કાનૂની રાહે કામ ચાલે અને કસૂર બદલ શકય તેટલી આકરામાં આકરી સજા મળે તે અનિવાર્ય છે. બંધારણમાં કાયદા અન્વયે દેશનું શાસન સુદ્ધાં યોગ્ય દિશામાં ચાલે તેની જવાબદારી ન્યાયતંત્રની છે. તેના વડા ભારતના રાષ્ટ્રપતિને ય નિમણુંક સમયે સોગંદ લેવડાવી ફરજ પાલનની કટિબદ્ધતાનું ઉચ્ચારણ કરાવે છે.
 
સરકાર સહિત ભલભલા ચમરબંધીઓનો કાન ન્યાયતંત્ર આમળે છે, વખતો વખત જનસામાન્યના હિતમાં ચુકાદો આપી દેશનું માર્ગદર્શન કરે છે, દેશના સામાન્યમાં સામાન્ય માણસ માટે શ્રદ્ધાનું કેન્દ્ર, વિશ્ર્વાસનું સરનામું અને ન્યાય માટેની છેલ્લી આશાનો આશરો એક માત્ર ન્યાયતંત્ર છે. તેથી ન્યાયતંત્રમાં જ અન્યાય પણ ના ચાલે અને ન્યાયાધીશનો ન્યાય થાય તે જરૂરી છે. તો જ આશાનો છેલ્લો આશરો અકબંધ, અડીખમ રહી શકશે. મહાત્મા ગાંધી કહેતા હતા કે, ‘સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.’ કમ સે કમ આપણે આપણને વહેલો ન્યાય મળે એ માટે ય જાગ્રત રહીએ.