જયારે આ મહાપૂરૂષે ગામના લોકોને સાચો ધર્મ સમજાવ્યો

    ૦૧-મે-૨૦૧૯
 
 
એક વિદ્વાન બ્રાહ્મણ પોતાનાં ગામનાં ખેતરોમાં ફરી રહ્યા હતા, ત્યારે અચાનક એક વેદનાભરી ચીસ સંભળાઈ. તે સમજી ગયા કે આ ચીસ કોઈ સ્ત્રીની હતી. તેમણે માન્યું કે મહિલા કોઈ સંકટમાં હોવી જોઈએ.
 
તેમણે ઘટનાસ્થળે દોડી જઈ જોયું કે આ સ્ત્રીના પગે સર્પદંશ થયો હતો. આ સ્ત્રી ખેતરમાં કામ કરતી દલિત મજૂર હતી.
 
ડંખવાળા ભાગને કસીને બાંધવા માટે દોરી આમતેમ ખોળવા લાગ્યા પણ દોરી ક્યાંયથી મળી નહીં. તરત જ તેમણે પોતાની જનોઈ ઉતારીને તે સ્ત્રીના પગે બાંધી દીધી અને ડંસેલા ભાગ પર તેમણે ચીરો મૂકી, દબાવી વિષયુક્ત લોહી બહાર કાઢી નાખ્યું. ત્યાં સુધીમાં તો અન્ય લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. પેલી સ્ત્રી બચી ગઈ.
 
આ ઘટનાના સમાચાર જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે કેટલાક સંકુચિત વિચારોવાળા લોકો આ વિદ્વાનની ટીકા કરતાં કહેવા લાગ્યા, ‘બ્રાહ્મણ થઈ પોતાની પવિત્ર જનોઈ એક અછૂત જાતિની સ્ત્રીના પગે બાંધી તમે અપકૃત્ય કર્યું છે.’
 
પરંતુ આ મહાશયે આ ટીકાની કોઈ પરવા ન કરતાં કહ્યું, ‘આપણો સાચો ધર્મ તો વિપત્તિમાં પડેલ વ્યક્તિના પ્રાણ બચાવવાનો છે. એક જ ઈશ્ર્વરે બનાવેલા જીવોમાં ભેદભાવ કેવો ?’
 
આ મહાપુરુષ હતા હિન્દી સાહિત્યના પ્રખર સાહિત્યકાર આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી.