ટિકટોક : કેમ તેના પર પ્રતિબંધ લાગવો જોઇએ? કેમ ન લાગવો જોઇએ? કેમ તે ખતરારૂપ છે?

    ૦૧-મે-૨૦૧૯   

 
 
બે ઘડી આનંદ માટે બનેલી એપ્લિકેશનનો જ્યારે દુરુપયોગ થવા માંડે તે આદત અને બાદમાં લત બની જાય અને તેનો ઉપયોગ તમામ હદો વટાવી દે ત્યારે આપણી કલ્પના બહારની હદે પરિસ્થિતિ વણસે છે. ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનના મંડાણથી સમાજ પહેલેથી જ સામાજિક અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરી રહ્યો હતો. પબજી લ્યૂડો, ગેમને લઈ હજી હોહા શાંત થઈ પણ નથી. ત્યાં તો દેશના કિશોર અને યુવાથી માંડી કેટલાક કિસ્સામાં આધેડો પણ નવી ચાઇનીઝ એપ ટિકટોકના ડાકલે રીતસરના ધૂણી રહ્યા છે.
 
‘અહીં પ્રેસ કરો ! સરપ્રાઇઝિંગ ભેટ તમારી રાહ જોઈ રહી છે’, ‘મેમે લાઈવમાં સ્વીટ તમારી રાહ જોઈ રહી છે’, ‘વોચ મેજિકલ ગર્લ્સ લાઈવ’ અથવા ‘કમ સી મી નાઉ ! સોનમ યુ આર ફોલોઇંગ પોસ્ટેડ અ ન્યૂ વીડિયો’. આ નોટિફિકેશન દ્વારા યુઝરને આકર્ષતી અને પંદર સેક્ધડના વિવિધ વિડિયોઝ બનાવીને ઓનલાઈન પોસ્ટ કરવાની સહુલિયત આપતી ચાઈનીઝ એપ ટિકટોક દુનિયાભરની ટીન એજર્સમાં જેટલી લોકપ્રિય થઈ છે, એટલી જ ચિંતા તેને કારણે માતા-પિતાઓને અને સરકારોને થઈ રહી છે. ટિકટોકને ટેક વર્લ્ડમાં ટિકટિક થઈ રહેલા ટાઇમબોમ્બ સાથે સરખાવવામાં આવી રહી છે. આ એપને કારણે ટીનએજ અને તેના કરતાં પણ નાની વયના બાળકો સાથે દુનિયાભરમાં જે કંઈ થઈ રહ્યું છે, એ ચિંતાજનક છે. સપ્ટેમ્બર, ૨૦૧૬માં લોન્ચ થયેલી આ એપ ઓક્ટોબર ૨૦૧૮માં અમેરિકામાં ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ કરતાં વધુ ડાઉનલોડ થયેલી એપ બની. તો જુલાઈ ૨૦૧૮માં આ એપના ૧૫૦ દેશોમાં ૫૦૦ મિલિયન કરતાં વધુ યુઝર્સ હતા. ૭૫ ભાષાઓમાં ઉપલબ્ધ આ એપ ભારતમાં જ ૧૦૦ મિલિયન ડાઉનલોડ ધરાવે છે અને ૨૦ મિલિયન જેટલા સક્રિય વપરાશકર્તા ધરાવે છે. ભારત માટે આ એપ ટાઈમ બોમ્બ જેવી છે કેમ કે, ૧૩ વર્ષ અને વધુ વયનાં બાળકો તથા ટીન એજર્સ તેનો ઉપયોગ કરી શકે છે, પણ આ એપ પરના ગીતો તેના શબ્દો અને આ ગીતો પર હોઠ ફફડાવી વીડિયો રેકોર્ડ કરનારાઓમાં છોકરીઓની સંખ્યા મોટી છે. દ્વિ-અર્થી શબ્દો પર અશ્ર્લીલ ચાળા ધરાવતા આ વીડિયો જોઈને તેમના સહ-વિદ્યાર્થીઓ તરફથી દુર્વ્યવહાર થાય છે અને વિકૃતો માટે તો આ મોકળું મેદાન જ છે. ગયા વર્ષે ઇન્ડોનેશિયાએ આ એપ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો, કેમ કે આ વીડિયોઝમાં જે પ્રકારનાં કપડાંમાં સ્ત્રીઓ-યુવતીઓ-છોકરીઓ દેખાય છે, એ બાળકો માટે અયોગ્ય હોવાની અરજી એક લાખ લોકોએ કરી હતી. તો ફ્રાન્સમાં ટિકટોક એકાઉન્ટ ધરાવતા ૩૮ ટકા યુઝર્સ ૧૧થી ૧૪ વર્ષની વચ્ચેની વયના હતા. તો, ભારતના તમિલનાડુમાં ગત ડિસેમ્બરમાં ૧૦૪ હેલ્પલાઈન પર આવેલા કોલ્સમાંથી ૩૬ જેટલા ટિકટોક સંબંધી કનડગત વિશેના હતા. તો ૨૩ વર્ષના એક યુવાને સ્ત્રીનાં વસ્ત્રો પહેરીને બનાવેલા એક વીડિયો બાદ તેના પર ઓનલાઈન ટીકાઓની ઝડી વરસતાં તેણે કથિતપણે ટ્રેન સામે કૂદી જઈ જીવન ટૂંકાવ્યું હતું.
 

 
 
ટિકટોક સહિત ૨૦ એપ્સનો મોબાઈલ પર દબદબો
 
ટિકટોક એપ જેવી વીસેક ચાઈનીઝ વીડિયો એપ મોબાઈલ એન્ટરટેઈન્ટમેન્ટ નેટવર્ક પર દબદબો ધરાવે છે. એક તો આ એપના વીડિયો ગલગલિયાં કરાવે એવા હોય છે, લેખની શરૂઆતમાં આપ્યા છે એવા આકર્ષક નોટિફિકેશનથી લોકોને આકર્ષવામાં આવે છે અને સાવ સ્થૂળ રમૂજ અને અશ્ર્લીલ સામગ્રી તેમાં હોવાને કારણે નાનાં શહેરો અને કસબાઓમાં આ એપની લોકપ્રિયતા જબ્બર છે. મજાની વાત એ છે કે, લગભગ દરેક દેશમાં આ ચાઈનીઝ એપ પર સ્થાનિક સ્ટાર્સ હોય છે. જેમ કે, ભારતમાં અવેઝ દરબારના ૪૨ લાખ જેટલા ચાહકો છે અને રસપ્રદ વીડિયોઝ બનાવનારાઓને ટિકટોક વીડિયો દીઠ પાંચ હજારથી પચાસ હજાર ‚પિયા જેવી રકમ આપે છે આ પ્રકારની એપ્સને કારણે ખાસ તો બાળકો અને કિશોરો સામે જોખમ છે, કેમ કે આ એપ એવી ચેતવણી આપીને છટકી જાય છે કે તેમના મંચ પરની સામગ્રી બાળકો માટે નથી, પણ વાસ્તવમાં ટીનએજ અને ટીનએજમાં ન પહોંચેલા બાળકો જ તેમના ટાર્ગેટ ઓડિયન્સ છે. ૧૮ વર્ષની વય કરતાં ઓછી વયનાઓ જો કોઈ એપનો ઉપયોગ કરવાના હોય તો એપ ડેવલપરે માતા-પિતા કે વાલીની પરવાનગીની ઇન-બિલ્ટ વ્યવસ્થા કરવી જોઈએ, પણ ભારતમાં આ માટે કોઈ નક્કર કાયદો નથી. બિગો લાઈવ અને અપલાઈવ જેવી લાઈવ-સ્ટ્રીમિંગ એપ્લિકેશન્સ બે વ્યક્તિઓ વચ્ચેની વ્યક્તિગત વાતચીત પર કેન્દ્રિત છે છતાંય આ એપ્સ બાળકોને નગ્નતા તરફ દોરે છે તથા તેમને કેટલીક વિચિત્ર હરકતો કરવા પ્રેરે છે. ટૂંકમાં બે ઘડી મોજ-મજા અને અશ્ર્લીલતા વચ્ચેની ભેદરેખા આવા મંચ પર બહુ પાતળી થઈ જાય છે. વળી, આ એપ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હોવાથી ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ કરતાં તેનો ઉપયોગ કરવાનું સરળ પડે છે, પણ તેમની પ્રાઈવસી પોલિસી તથા નિયમાવલી વગેરે અંગ્રેજીમાં હોય છે, આથી બાળકો તથા નાના શહેર-કસબાના વપરાશકર્તાઓ આ બધુ વાંચવાની કડાકૂટમાં પડ્યા વિના જ એપનો ઉપયોગ કરવા માંડે છે અને વીડિયોની લંબાઈ માત્ર ૧૫ સેકન્ડ હોવાથી એક પછી એક વીડિયો જોવામાં ગૂંથાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો ટિકટોકના વીડિયો જોવાનું વળગણ યુઝર્સને લતની હદે વળગ્યું હોવાના કિસ્સા પણ બન્યા છે. વળી, ટિકટોકના સક્રિય યુઝર્સમાં છોકરાઓ કરતાં છોકરીઓનું પ્રમાણ વધુ છે.
 
આ આખો મામલો એ હદે ગૂંચવાયેલો છે કે ન પૂછો વાત. એક તો સોશિયલ મીડિયાના સંપર્કમાં વહેલા આવવાનો ઇસ્યુ એટલો નવો છે કે માતા-પિતા, શિક્ષકો કે ઈવન તબીબો પાસે પણ પૂરી જાણકારી નથી કે આ મંચથી અસરગ્રસ્ત થયેલા બાળકો-કિશોરો-યુવાનો સાથે કઈ રીતે કામ પાડવું. આથી, આ ટેક્નોલોજીના ભયસ્થાનો અને સમસ્યાઓ વિશે નવી પેઢીને માહિતગાર કરવાના પ્રયાસો છૂટા-છવાયા છે. તો, ટિકટોકના ઝડપી પ્રસાર છતાં ભારતમાં ફરિયાદ નિવારણ માટે આ એપની કોઈ ઓફિસ નથી. અન્ય સોશિયલ મીડિયા મંચ માટે આ વ્યવસ્થા ફરજિયાત કરવાની દિશામાં સરકારે નક્કર પગલાં લીધાં છે. આ પ્રકારની એપ પર અશ્ર્લીલ સામગ્રી અપલોડ કરનાર વ્યક્તિ પોતાની મંજૂરી સાથે આવું કરતી હોય તો પણ એ કાયદાનો ભંગ કરે છે અર્થાત્ આવું કરવું એ ગુનો છે. સરકાર તથા અન્ય એજન્સીઓનું ધ્યાન આ પ્રકારની એપ અને તેના કારણે બાળકો-કિશોરો સામે ઊભા થતાં જોખમ તરફ દોરાય એ આવશ્યક છે. ફરિયાદો થશે તો એજન્સીઓ પગલાં લેવા સક્રિય થશે.
 
ઇન્ડોનેશિયામાં સરકારે ટિકટોક પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો, પણ ટિકટોકના પ્રતિનિધિઓએ જકાર્તાની મુલાકાત લીધી અને અયોગ્ય સામગ્રીને પોતાના મંચ પરથી વીણી વીણીને દૂર કરવા માટે તેઓ વધુ લોકોને નોકરી પર રાખશે એવી બાંહેધરી અપાયા બાદ પ્રતિબંધ હટાવી લેવાયો હતો. ચાઈનીઝ એપ એક જ એક ક્લિક પર ઢગલાબંધ ડેટા માટે યુઝર્સ પાસેથી મંજૂરી મેળવી લે છે. આમાં લોકેશન કોન્ટેક્ટ્રસ, ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ અને નેટવર્ક પર પૂર્ણ પહોંચ જેવી મંજૂરીઓનો સમાવેશ થાય છે. વળી, આ મંચ પરની યુઝરની વિગતોના સંરક્ષણની ખાતરી પણ તેઓ આપતા નથી. ટૂંકમાં, પ્રાઇવસીનું પૂર્ણપણે ધોવાણ અને સમાજ કંટકો બાળકો સુધી પહોંચી શકે એવી પૂરેપૂરી શક્યતા જોતાં આ એપ અત્યંત જોખમી ગણાય. ચાઈનીઝ માલની જેમ ચાઈનીઝ એપ્સનું ગણિત પણ બજાર કબજે કરવાનું હોય છે. અમેરિકન એપ્સ અને સોશિયલ મીડિયા મંચ પોતાના પ્રતિસ્પર્ધીઓ પર સ્પર્ધાત્મક લાભ જાળવી રાખી બિઝનેસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ચાઈનીઝ એપ્સ આંકડા વધારવાને મહત્ત્વ આપે છે. ઓછા ખર્ચે માર્કેટમાં છવાઈ જવું અને એપની સામાજિક અથવા અન્ય અસરો વિશે વિચારવામાં તેઓ વધુ સમય લગાડતા નથી. ટિકટોકની સફળતા બાદ ફેસબૂકે ટિકટોક જેવી વિશિષ્ટતાઓ ધરાવતી એપ લાસ્સો શ‚ કરી છે. પણ આના વિશે બહુ ઓછા લોકો જાણે છે અને ન તો ફેસબૂકે આ મંચને લોકપ્રિય બનાવવા માટે માર્કેટિંગ ઝુંબેશ હાથ ધરી છે. ફેસબૂક પાણી ચકાસી રહ્યું છે, પણ બધી જ વાઈરલ એપ ટિકટોક જેટલી સફળ નથી રહી એ પણ વાસ્તવિકતા છે. જો કે, ટિકટોકને કારણે ઊભું થયેલું જોખમ વધુ નક્કર વાસ્તવિકતા છે. સ્વદેશી જાગરણ મંચ દ્વારા ટીકટોકનો વિરોધ કરી તેના પર પ્રતિબંધ લાદવાની વાત કરી છે, કારણ કે તે ચાઈનીસ કંપની છે, અહીં અશ્ર્લીલતાનો ભંડાર છે અને ડેટા ચોરી કરે છે.
 
Tiktok app પર પ્રતિબંધ ?
 
જંગલમાં આગ જેટલી ઝડપથી નથી ફેલાતી તેના કરતાં વધુ ઝડપે યુવાનોમાં ટીકટોક નામની એપ્લીકેશન વાઈરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ દરેક યુવાન માટે ટીકટોક શબ્દ કે એપ નવી વાત નથી. ટીકટોક યુવાનોને એક એવું મંચ આપે છે કે જ્યાંથી યુવાનો પોતાની એક્ટિંગ અને ક્રિયેટિવિટી દુનિયા સમક્ષ મૂકી શકે છે. આનું પરિણામ એ આવ્યું છે કે અનેક સમીક્ષકો અહીંના કલાકારોને ફિલ્મમાં લેવાની વાતો કરી રહ્યા છે. અને વાત પણ સાચી લાગે તેવી છે. એક દૂર નાનકડા ગામમાં બેઠેલો યુવાન ટીકટોક પર જે એક્ટીંગ કરી બતાવે છે તેવી એક્ટિંગ બોલીવૂડના અનેક કલાકારો માટે કરવી અશક્ય લાગે. આ એપની સારી વાત છે પણ આ એપની ખરાબ વાતો પણ સામે આવી રહી છે અને અનેક દેશોમાં આ એપ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. જેમ કે...
 
તમિલનાડુની સરકારે ટીકટોક પર પ્રતિબંધ લાદવાની વાત કરી હતી
 
ટીકટોક પર અશ્ર્લીલ વીડિયોની ભરમાર છે, જેની ખરાબ અસર આપણા યુવાનો પર પડી રહી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી તમિલનાડુની સરકારે ટીકટોક પર પ્રતિબંધ લાદવા કેન્દ્ર સરકારને ભલામણ કરવાની વાત કરી છે. તમિલનાડુના પ્રસારણ મંત્રી મણિશંકરનું કહેવું છે કે આ એપ યુવાનોને અને બાળકોને ગુમરાહ કરે છે.
 
સ્વદેશી જાગરણ મંચ દ્વારા પણ ટીકટોકનો વિરોધ
 
આવી જ રીતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા પણ ટીકટોકનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આ ટીકટોક નામની સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે દરેક ભારતીયોની એ જવાબદારી છે કે કોઈ એવા દેશ કે વ્યક્તિને થનાર ઈકોનોમીકલી ફાયદો રોકવો જોઈએ જે ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ આતંકવાદનો સમર્થક હોય.
 
 

 
 
ભારતીયોના ડેટા ચોરી રહી છે આ એપ
 
તમને જણાવી દઈએ કે ટીકટોક ચાઈનીઝ વિડિયો એપ છે જેણે ભારતમાં ઘૂસણખોરી કરી છે. ટીકટોક જેવી ૨૦ જેટલી ચાઈનીંઝ એપ્સ ભારતમાં ઘૂસી આપણા મહત્ત્વના ડેટાની ચોરી કરે છે અને ભારત વિરુદ્ધ તેનો ઉપયોગ કરે છે.
ભારત સરકારે હમણાં જ ડેટા પ્રોટેકશન અને પ્રાઇવસી માટે એક ડ્રાફટ તૈયાર કર્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ કન્ટેન્ટ ખૂબ સરળતાથી મૂકી શકાતું હોય તેવી એપ્સને વધારે સાણસામાં લેવાની વાત કરી છે. આ ડ્રાફટની અસર કેટલાક ચાઈનીસ એપ્સ પર નક્કી પડવાની.
 
 ટીકટોક એપ વિશે
 
ટીકટોક એપ વિશે વાત કરીએ તો અહીં ૧૫ સેકન્ડનો વિડિયો બનાવવાની પરવાનગી આપવામાં આવે છે. વિડિયોમાં નિર્દોષથી માંડી ખુલ્લેઆમ બીભત્સ ક્ધટેન્ટ યુઝર્સ પોસ્ટ કરે છે. વર્તમાન સમયમાં સૌથી વધુ જે એપ્સ ડાઉનલોડ થાય છે તેમાં ટીકટોકનું નામ પણ છે. પ્લે સ્ટોર પર આ એપ્સને ૧૦ કરોડ કરતાં વધુ વાર ડાઉનલોડ કરાયું છે. દુનિયામાં ૮૦ કરોડ વાર ડાઉનલોડ થયું છે. ભારતમાં આ એપના લગભગ ૨૦ કરોડ એક્ટિવ યૂઝર્સ છે.
 
 
યુવાનોને અહીં વિડિયો બનાવી પૈસા કમાવવાની લાલચ આપવામાં આવે છે
 
ટીકટોક તેના ક્રિયેટર્સને વિડિયો દીઠ ‚રૂ. પ૦૦૦ થી પ૦,૦૦૦ આપે છે. વિડિયોના ક્ધટેન્ટ અને પ્રભાવના વ્યાપના આધારે વિડિયો બનાવના૨ને પૈસા અપાય છે. આ પૈસા કમાવાની લાલચમાં અહીં અશ્ર્લીલ વિડિયો વધારે જોવા મળે છે જે ખતરાજનક વાત કહેવાય.
 
વિશેષજ્ઞોના મતે એ બાબત સમાજ પર નિર્ભર છે કે, તે આ પ્રકારની એપ્સનો ઉપયોગ કેવી રીતે કરે છે. કોઈ પણ વસ્તુની લત યોગ્ય નથી ને નથી જ. તાજેતરમાં જ ટિકટોક એપ પર પોતાને મહિલાના રૂપમાં રજૂ કરતો વીડિયો શેર કરતા એક યુવકને એટલા તો મ્હેણાં (કોમેન્ટમાં) સાંભળવા પડ્યાં કે તેણે આત્મહત્યા કરી લીધી હતી. દિલ્હી હાઈકોર્ટના જજ રિમા કોહલી કહે છે કે, સોશિયલ મીડિયાના આ જમાનામાં વ્યક્તિની ખાનગી માહિતી ક્યારે અને કેવી રીતે બહાર આવી જાય છે તેની પર કોઈ જ નિયંત્રણ ન હોવાથી કુટુંબ વ્યવસ્થા ખાસ કરીને લગ્ન જેવી પવિત્ર વ્યવસ્થા પર સંકટ તોળાવા લાગ્યું છે. સોશિયલ મીડિયા પર સતત વ્યસ્તતાને કારણે પોતાના જીવનસાથી માટે પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યો અને સમ્માનમાં સતત ઓટ આવી રહી છે હવે તે લગ્ન માટે જે જાહેરાતો આપવામાં આવે છે તેમાં લખવામાં આવે છે કે, ભાવિ ક્ન્યા, વરને ફેસબૂક કે સોશિયલ મીડિયાની આદત ન હોય તે જરૂરી છે.
 
પરિવારમાં પણ નવરાસને સમયે માતા-પિતા-બાળકો એક સાથે તો હોય છે, પરંતુ મોબાઈલ તેમની વચ્ચે જાણે કે જોજનોનું અંતર પેદા કરી નાખે છે. હાલ પરિવારમાં એકમેકના સાથ કરતા મોબાઈલનો સાથ વધુ ગમે છે.
 
મનોવૈજ્ઞાનિક અશ્ર્વિની કુમાર મોહંતી કહે છે કે, આ પ્રકારની એપ્લિકેશનના અતિ ઉપયોગથી વિદ્યાર્થીઓની એકાગ્રતા પ્રભાવિત થઈ રહી છે. બાળકો કલાકોના કલાકો આ પ્રકારની ફાલતુ એપ્લિકેશન પાછળ વેડફી મારે છે, જેની સીધી અસર તેમના અભ્યાસ પર થાય છે. જ્યારે નોકરિયાત વર્ગોના કામકાજ પર પણ તેની સીધી અસર પડે છે. તે કહે છે કે તેને આ ઉપરાંત તમારી ખાનગી માહિતી ચોરી લેવાના સાયબર ફ્રોડ, સાયબર બુલિંગ, હેકિંગ અને વાયરસ હુમલાનો ખતરો પણ સતત રહ્યા કરે છે.
 
આ બધા વચ્ચે કેટલાંક લોકો આ પ્રકારની એપ્સ થકી ભારતની ભાવી પેઢીને માનસિક અને શારીરિક રીતે નકામી બનાવી દેવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્ર તરીકે પણ જોઈ રહ્યાં છે. ક્યારેક પબ્જીના નામે તો ક્યારેક ટિકટોકના નામે ભારતની આખેઆખી પેઢીને નિશાન બનાવવામાં આવે છે. જો કે આ માત્ર જ શંકા-કુશંકાઓ જ છે. તેના કોઈ નક્કર પુરાવા હજુ સુધી મળ્યા નથી. ત્યારે તેને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કહેવું વહેલું લેખાશે. પણ આ પ્રકારની એપ્લિકેશનો ભારતની પેઢીને ફાયદો ઓછો અને નુકસાન વધુ કરાવે છે તે નક્કી છે.
 
ભારતમાં પબ્જી અને ટિકટોક પર પ્રતિબંધો લગાવવાની વાતો થાય છે અને કેટલાક પ્રસંગોમાં લાગે પણ છે, પરંતુ ભારતીય ન્યાય-વ્યવસ્થાની અમુક મર્યાદાઓ છે. તેને કારણે તે પ્રતિબંધો હટી જતા હોય છે. તાજેતરમાં ટિકટોક પર પ્રતિબંધને લઈ આવું જ થયું, ત્યારે આપણે ખુદ જ સોશિયલ મીડિયા પર સ્વનિયંત્રણ લાદવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. ટિકટોક જેવી એપ્લિકેશનનો ઉપયોગ બે ઘડી આનંદ માટે થાય તેમાં કંઈ જ વાંધો નથી, પરંતુ તેનો દુરુપયોગ થવા માંડે, તેનું અતિવળગણ થવા માંડે અને જ્યારે તેને કારણે દુર્ઘટનાઓ સર્જાવા લાગે ત્યારે સમાજે ચેતી જવાની જરૂર છે.