ભીષ્મ-પ્રતિજ્ઞા

    ૦૧-મે-૨૦૧૯

 
ઘણાં વરસો પહેલાંની આ વાત છે
 
ભારત દેશના હસ્તિનાપુરમાં ચંદ્રવંશના રાજાઓ રાજ્ય કરતા હતા. આ વંશમાં રાજા પ્રતીપ પછી એમનો પુત્ર શાંતનુ રાજગાદીએ આવ્યો. એમનાં લગ્ન મહર્ષિ જહ્નુની પુત્રી ગંગા સાથે થયાં હતાં. લગ્ન સમયે ગંગાએ શરત કરી હતી કે એ જે કંઈ કામ કરે તે કરવા દેવું. એ માટે જો રાજા એને રોકશે તો પોતે ચાલી જશે. રાજાએ તેને વચન આપ્યું. સમય જતાં ગંગાએ પ્રથમ પુત્રને જન્મ આપ્યો. ગંગાએ તેને નદીમાં પધરાવી દીધો. રાજા એને આમ કરતાં રોકી ન શક્યો. આ પ્રમાણે સાત પુત્રોને જન્મતાવેંત ગંગાએ નદીમાં પધરાવી દીધા. આઠમા પુત્રને લઈ ગંગા ચાલી. રાજાએ તેને આમ કરતાં રોકી એટલે તે પુત્ર રાજાને સોંપી ગંગા જતી રહી. રાજાએ એ પુત્રનું નામ દેવવ્રત રાખ્યું. રાજાએ તેનો પ્રેમથી ઉછેર કર્યો. દેવવ્રત બારેક વર્ષનો કુમાર થયો. ત્યારે એક ઘટના બની.
 
એકવાર રાજા યમુના નદીના કિનારે ટહેલતો હતો. ત્યાં એમણે એક સુંદર કુમારિકાને જોઈ. તે ક્ધયાનું નામ સત્યવતી હતું. રાજાને તે ગમી ગઈ. તેણે સત્યવતી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. સત્યવતીએ એના પિતાને મળવા કહ્યું,
 
સત્યવતી એક માછીમાર ક્ધયા હતી. રાજા સત્યવતીના પિતાને મળ્યો અને લગ્નની વાત કરી. સત્યવતીના પિતાએ શરત મૂકી. મારી દીકરી સત્યવતીનો પુત્ર જ રાજગાદી પર બેસવાનો હોય તો એને તમારી સાથે પરણાવું.
 
આ સાંભળી રાજા શાંતનુ મૂંઝાયો. રાજાને અગાઉની રાણી ગંગાથી દેવવ્રત નામનો એક પુત્ર હતો. નિયમ મુજબ તે પાટવી કુંવર હોવાથી રાજગાદી એને જ મળે આથી રાજા નિરાશ થઈ મહેલે પાછા ફર્યા. દેવવ્રતે જોયું કે પિતા કોઈ ચિંતામાં છે. દેવવ્રતે પિતાને આ અંગે પૂછ્યું. થોડા દિવસ રાજાએ વાત ન કહી. છેવટે વાત કહેવી પડી. દેવવ્રત કહે, ‘પિતાજી, ચિંતા ના કરો. હું એમને મનાવી લઈશ.’ પછી દેવવ્રત જાતે સત્યવતીના પિતાને મળવા ગયો. તેણે પ્રતિજ્ઞા કરતાં કહ્યું, ‘હું પ્રતિજ્ઞા કરું છું કે હું રાજગાદી માટે કદી મારો હકદાવો આગળ ધરીશ નહીં. આપના પુત્રી સત્યવતીનો પુત્ર જ રાજગાદી પર આવશે.’
 
સત્યવતી આ સાંભળી ખુશ થઈ. તેને થયું કે પિતાજી હવે મારાં લગ્ન રાજા સાથે કરાવશે. પરંતુ પિતાએ દેવવ્રતને કહ્યું, ‘કુમાર, તમારી વાત તો ઠીક છે. તમે પિતાના સુખ ખાતર રાજગાદીનો ત્યાગ કરો. પરંતુ ભવિષ્યમાં તમારા પુત્રો રાજગાદીની માગણી કરે તો ? એનું શું ? એ સમયે સંઘર્ષ થાય ને ?’
 
દેવવ્રતને આ વાત સાવ કાઢી નાખવા જેવી ન લાગી. ભવિષ્યમાં દીકરાઓ હક માગી શકે છે ને એ ન્યાયયુક્ત પણ છે. દેવવ્રત વિચારમાં પડી ગયો. તે વિચારવા લાગ્યો કે હું લગ્ન જ ન કરું તો આવી સમસ્યા ભવિષ્યમાં પેદા જ નહીં થાય.
 
દેવવ્રત હાથમાં નદીના પાણીની અંજલિ લઈ ગંભીરપણે બોલ્યો, ‘હું ચંદ્ર, સૂર્યની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે હું લગ્ન કરીશ નહીં. આજીવન બ્રહ્મચર્ય પાળીશ.’
 
આવી આકરી પ્રતિજ્ઞા દેવવ્રતે લીધી. આવી પ્રતિજ્ઞાને ભીષ્મ અર્થાત્ ભીષ્ણ પ્રતિજ્ઞા કહેવાય. તેથી એ પછી દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાયા લાગ્યા. એમણે લીધેલી આકરી પ્રતિજ્ઞા પણ ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાઈ.
 
ત્યારબાદ શાંતનુનાં લગ્ન સત્યવતી સાથે થયાં.