સ્પેશિયલ સ્ટોરી । ભોપાલમાં ઇસ્લામી ત્રાસવાદના સમર્થક વિરુદ્ધ સાધ્વીનો જંગ

    ૧૦-મે-૨૦૧૯

 
 
સોનિયા ગાંધીની સેક્યુલર કોંગ્રેસે મુસ્લિમ વોટ બેન્કને ખુશ કરવા માટે હિન્દુ આતંકવાદની થિયરી ઉપજાવી કાઢી હતી. જો કસાબ જીવતો પકડાયો ન હોત તો કદાચ ૨૬ નવેમ્બરના હુમલા પરથી ભગવા ત્રાસવાદની થિયરીને કોંગ્રેસ સરકારે પુરવાર કરી નાખી હોત. આ ભગવા ત્રાસવાદની થિયરીના એક જનક છે દિગ્વિજયસિંહ. ભોપાલમાં દિગ્ગીનો જંગ આ થિયરીના લીધે પ્રતાડિત સાધ્વી પ્રજ્ઞા સામે છે.
 
તમે ચાર ઠગ અને બ્રાહ્મણની વાર્તા સાંભળી જ હશે. ચાર ઠગ હતા. તેમણે વાછરડું લઈને જતા બ્રાહ્મણ પાસેથી વાછરડું પડાવી લેવાનું નક્કી કર્યું. એટલે તેઓ અલગ-અલગ જગ્યાએ ઊભા રહી ગયા, જાણે તેમની વચ્ચે કોઈ સંબંધ જ ન હોય. દરેક ઠગ અમુક અંતરે બ્રાહ્મણને મળે અને કહે, હે બ્રહ્મદેવ ! આ તમારા ખભે કૂતરું કેમ? બ્રાહ્મણ પહેલાં તો વિશ્ર્વાસપૂર્વક કહે, મારા ખભે તો વાછરડું જ છે. પરંતુ બીજી, ત્રીજી અને એમ કરતાં ચોથી વાર બન્યું એટલે બ્રાહ્મણને થયું કે આ લોકો મારા દુશ્મન નથી. વળી, એક નહીં, બે નહીં, પણ ચાર જણ કહે છે એટલે આ વાત સાચી જ હશે. તેણે ખભેથી વાછરડું નીચે મૂક્યું. બસ, ઠગોને તો આ જ જોઈતું હતું. તેમણે વાછરડું લઈ લીધું.
 

 
 
અત્યારના સેક્યુલર રાજકારણીઓ અને સેક્યુલર મીડિયા‚પી ઠગની પદ્ધતિ આ જ છે, ફરક એ જ છે કે તેમને વાછરડું જોઈતું નથી હોતું, પરંતુ બ્રાહ્મણના ખભેથી ઉતારી મૂકવું હોય છે. એટલે જ જ્યારે બલરાજ મધોક જનસંઘના નેતા હોય ત્યારે તેને નિશાન બનાવે, જ્યારે અટલબિહારી વાજપેયી પ્રમુખ બન્યા તો તેમને નિશાન બનાવી બલરાજ મધોકને સારા ગણાવે, અડવાણીજી પ્રમુખ બન્યા તો અટલજી સારા લાગવા લાગ્યા. અડવાણીજી અને અટલજી વચ્ચે કથિત મતભેદોને ઉપસાવ્યા. હવાલા કાંડમાં અડવાણીજીને ટાર્ગેટ બનાવ્યા. નૈતિકતાને ધ્યાનમાં રાખી અડવાણીજીએ રાજીનામું આપી દાખલો બેસાડ્યો પરંતુ તેમાં સેક્યુલર લોબીને ફાવતું જડ્યું. અડવાણીજી પછી ૨૦૦૨થી એમ લાગ્યું કે હવે નરેન્દ્ર મોદીનો સમય આવશે તો તેમને ટાર્ગેટ બનાવવા લાગ્યા. થોડા સમય પછી હિન્દુવાદી રાજનીતિના નવા ચહેરા તેમના ટાર્ગેટ પર હશે.
 

 
 
પરંતુ અત્યારે આ સેક્યુલર ઠગોના ટાર્ગેટ પર Sadhvi Pragya Thakur  (સાધ્વી પ્રજ્ઞા)  છે. આમ તો ૨૦૦૮માં જ આ ઠગોએ સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત વગેરેને ખોટા કેસોમાં ફસાવીને વાછરડાને કૂતરા સાબિત કરવા જેવી ઘટના કરી હતી. તેઓ અત્યારે નિર્દોષ અથવા જામીન પર છૂટ્યાં છે અને ભાજપે તેમાંથી સાધ્વી પ્રજ્ઞાને ભોપાલ પરથી ટિકિટ આપી છે. તેથી આ ઠગો વધુ ભૂરાયા થયા છે. તેમને થયું કે બ્રાહ્મણ વાછરડું પોતાની સાથે દોરીથી બાંધીને લઈ જતો હતો તેના બદલે આ તો ખભા પર ઊંચકી લીધું.

ભગવા આતંકવાદની કોંગ્રેસની થિયરી ઉપજાવી કાઢેલી હતી

 
જામીન પર છૂટેલાને ઉમેદવારી ન કરાવાય તેવી જો પરંપરા હોય તો તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કાર્તિ ચિદમ્બરમ્ સહિત અનેકોને ઉમેદવારી મળે નહીં. હવે જ્યારે ભગવા આતંકવાદ Saffron terror ની કોંગ્રેસની થિયરી ઉપજાવી કાઢેલી હતી તે સાબિત થઈ રહ્યું છે ત્યારે સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી સામે વાંધો ન હોવો જોઈએ અને હોય તો કોંગ્રેસે પહેલાં તો પોતાના પક્ષે જોવું જોઈએ, જ્યાં પ્રિયા દત્તના સમર્થનમાં ૧૯૯૩ના વિસ્ફોટોમાં સજા પામેલા અભિનેતા સંજય દત્ત પ્રચાર કરી રહ્યા છે. બીજું એ પણ છે કે કોંગ્રેસે કોંકણમાં રત્નાગીરી-સિંધુદુર્ગમાંથી જે નવીનચંદ્ર બંદીવાડેકરને ટિકિટ આપી છે તેઓ સનાતન સંસ્થાના સમર્થક હોવાનું કહેવાય છે. અને કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં મહારાષ્ટ્ર ત્રાસવાદ વિરોધી ટુકડીએ નાલાસોપારા હથિયાર કેસમાં ગૌરક્ષક વૈભવ રાઉતની ધરપકડ કરી હતી. તે વખતે તેના સમર્થનમાં યોજાયેલા કાર્યક્રમમાં બંદીવાડેકરે ભાષણ આપતાં કહ્યું હતું કે, અમને આશ્ર્ચર્ય છે કે જે વ્યક્તિ ગાયની રક્ષા કરવા સંઘર્ષ કરે છે તેને ત્રાસવાદીનું બિરુદ અપાય છે. કહેવાનો અર્થ એ છે કે કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે.
 
હકીકતે વિગત ઘણાં વર્ષોથી એવી અનેક કડીઓ મળી છે જેના પરથી એ સાબિત થાય છે કે સોનિયા ગાંધીની સેક્યુલર કોંગ્રેસે મુસ્લિમ વોટ બેન્કન ખુશ કરવા માટે હિન્દુ આતંકવાદની થિયરી ઉપજાવી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૭૧થી ભારતમાં ગંગા એરલાઇન્સના અપહરણથી ત્રાસવાદ શરૂ થયો. તે પછી ૧૯૮૦ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં તે મોટો થયો અને ૧૯૯૦થી ૧૯૯૫ના સમયમાં તેમજ ૨૦૦૪થી ૨૦૧૪ના સમયમાં તેનું સૌથી વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું. આ બધામાં ઇસ્લામિક ત્રાસવાદ જવાબદાર હતો, જેનું સપનું માત્ર કાશ્મીરને આઝાદ કરાવવાનું નહોતું, પરંતુ ભારતમાં ગજવા એ હિન્દ કરીને શરિયાનું શાસન સ્થાપવાનું હતું.
 
જ્યાં સુધી ભારતમાં આ ત્રાસવાદ હતો ત્યાં સુધી વિશ્ર્વના શક્તિશાળી દેશો તેને સ્થાનિક પ્રશ્ન કહીને ગણકારતા નહોતા. વળી, ભારત સામે પાકિસ્તાનનો તેમને એટલે પણ ખપ હતો કે જેથી અફઘાનિસ્તાનમાં તે રશિયા સામે લડી શકે. પરંતુ ૨૦૦૧માં અમેરિકામાં થયેલા હુમલા પછી અટલબિહારી વાજપેયીની સરકારે વિશ્ર્વ સમુદાયને ઇસ્લામિક ત્રાસવાદ અંગે સચેત કરવાનું અને પાકિસ્તાન આમાં મુખ્ય સૂત્રધાર હોવાનું જે અભિયાન સક્રિય રીતે હાથ ધર્યું તેના લીધે ધીમેધીમે વિશ્ર્વ સમુદાયને પણ આ વાત સમજાઈ. પરંતુ ૨૦૦૪માં સત્તાપલટો થયો અને ૨૦૦૮ આવતા સુધીમાં ભારતમાં ત્રાસવાદ એટલો વકર્યો કે કોંગ્રેસ માટે ૨૦૦૯ની ચૂંટણી જીતવી પ્રશ્ર્ન થઈ પડ્યો.
 

એકલા ૨૦૦૮ના વર્ષમાં જ આટલી મોટી ત્રાસવાદની ઘટના બનેલી.

 
૧. વર્ષના પહેલા દિવસે ૧ જાન્યુઆરીએ- ઉત્તર પ્રદેશના રામપુરમાં લશ્કર-એ-તોઇબાએ સીઆરપીએફ શિબિર પર હુમલો કરી આઠ જવાનોને શહીદ કર્યા.
 
૨. ૧૩ મે ૨૦૦૮ના રોજ જયપુરમાં છ વિસ્તારોમાં નવ બોમ્બ ધડાકામાં ૮૦ લોકોનાં મૃત્યુ થયાં અને ૨૧૬ ઘાયલ થયા.
 
૩. ૨૫ જુલાઈ ૨૦૦૮ના રોજ બેંગ્લુરુમાં આઠ ઓછી તીવ્રતાવાળા ધડાકા થયા જેમાં એકનું મૃત્યુ થયું.
 
૪. આના પરથી પણ સરકાર સચેત ન થઈ જેથી બીજા દિવસે ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં ૧૭ શ્રેણીબદ્ધ બોમ્બધડાકા થયા, જેમાં ૫૬નાં મૃત્યુ થયાં અને ૨૦૦ ઘાયલ થયા. તેમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરને પણ નિશાન બનાવાયું હતું.
 
૫. ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ દિલ્લીનાં બજારોમાં પાંચ બોમ્બધડાકા થયા, જેમાં ૩૩નાં મૃત્યુ અને ૧૩૦ ઘાયલ થયા.
 
૬. આના પરથી પણ સરકાર સચેત ન થઈ અને માત્ર પખવાડિયાની અંદર જ ૨૭ સપ્ટેમ્બરે દિલ્લીમાં ફરીથી બે બોમ્બધડાકા થયા જેમાં ત્રણનાં મૃત્યુ અને ૨૧ ઘાયલ થયા.
 
૭. ૨૯ સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના માલેગાંવમાં બે બોમ્બ ધડાકા થયા, જેમાં નવનાં મૃત્યુ થયાં અને તે જ દિવસે ગુજરાતના મોડાસામાં વિસ્ફોટ થયો, જેમાં એકનું મૃત્યુ થયું.
 
૮. ૧ ઑક્ટોબરે અગરતલામાં પાંચ બોમ્બધડાકામાં ચારનાં મૃત્યુ અને ૧૦૦ ઘાયલ થયા.
 
૯. ૨૧ ઑક્ટોબરે ઇમ્ફાલમાં બોમ્બધડાકામાં ૧૭નાં મૃત્યુ અને ૩૦ ઘાયલ થયા.
 
૧૦. ૩૦ ઑક્ટોબરે ગુવાહાટીમાં ૧૦ બોમ્બધડાકા થયા જેમાં ૮૧ જણાનાં મૃત્યુ અને ૪૭૦ ઘાયલ થયા.
 
૧૧. ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ તો અજમલ કસાબની ટોળીએ રીતસર ચાર દિવસ શહેરને બાનમાં લીધું અને ગોળીબાર તેમજ બોમ્બધડાકા દ્વારા ૧૭૪ જણાની હત્યા કરી. ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા.
 
આમ, એકલા ૨૦૦૮માં જ ત્રાસવાદની ૧૧ ઘટનાઓ, ૬૦થી વધુ બોમ્બધડાકા થયા, ૪૬૬ જણાનાં મૃત્યુ થયાં અને ૧૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા.
 

દિગ્વિજયે ઇસ્લામિક ત્રાસવાદીઓને બચાવી લીધા છે

 
જો અજમલ કસાબને વીર શહીદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલેએ પોતાને કસાબે ગોળી મારી હોવા છતાં પકડી રાખ્યો ન હોત તો કદાચ ૨૬ નવેમ્બરના હુમલા પરથી ભગવા ત્રાસવાદની થિયરીને કોંગ્રેસ સરકારે પુરવાર કરી નાખી હોત, કારણ કે કસાબ સહિત દસ ત્રાસવાદીઓના હાથ પર ભગવા રંગનું રક્ષાસૂત્ર બંધાયેલું હતું. તેમને અપાયેલા નકલી આઈ.ડી.માં તેમનાં નામ પણ હિન્દુ જ હતાં. તેમને હિન્દી શીખવાડવામાં આવી હતી. તે પછી પકડાયેલા ત્રાસવાદી અબુ જુંદાલે તો સ્વીકાર્યું હતું કે ત્રાસવાદીઓ હિન્દુ હોવાનું સાબિત કરવાની યોજના જ હતી.
 
હવે તો પાકિસ્તાને પોતે પણ એ સ્વીકારી લીધું છે કે પાકિસ્તાની ત્રાસવાદીઓએ જ ૨૬ નવેમ્બરમાં મુંબઈમાં આતંક મચાવ્યો હતો. તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફે ગયા વર્ષે ૧૨ મેએ જ આ વાત જાહેરમાં કહી હતી. પરંતુ ૨૦૧૦માં, અત્યારે સાધ્વી પ્રજ્ઞાને જેમની સામે ટિકિટ મળી છે તે દિગ્વિજયસિંહે એક પુસ્તકનું વિમોચન કરેલું. આ પુસ્તકનું નામ હતું- ૨૬/૧૧- આરએસએસ કી સાઝિશ. ટૂંકમાં, કોંગ્રેસને ખતરો પાકિસ્તાન કરતાંય વધુ આરએસએસ તરફથી અનુભવાતો હતો જેથી આવાં ષડયંત્રો દ્વારા તેના પર ફરીથી પ્રતિબંધ મૂકી શકાય. કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં અંડર સેક્રેટરી રહી ચૂકેલા આર. વી. એસ. મણિએ તો આના પર પુસ્તક લખી અનેક ઘટસ્ફોટો કર્યા છે. તેમણે કહ્યું છે કે હિન્દુ ત્રાસવાદની થિયરી ઉપજાવીને દિગ્વિજયસિંહે અનેક સાચા ઇસ્લામી ત્રાસવાદીઓને બચાવી લીધા છે. સમજૌતા ઍક્સ્પ્રેસનો આરોપી આરીફ કસમાની ભાગી ગયો. મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં બિલાલ નામનો આરોપી ભાગી ગયો.
 
મણિએ તેમના પુસ્તક હિન્દુ ટેરર : ઇન્સાઇડર એકાઉન્ટ ઑફ મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સના સીડિંગ ઑફ હિન્દુ ટેરર પુસ્તકમાં લખ્યું છે કે એક વાર જ્યારે તેમને તત્કાલીન ગૃહપ્રધાન શિવરાજ પાટીલે બોલાવ્યા ત્યારે તેમની કેબિનમાં દિગ્વિજયસિંહ અને મહારાષ્ટ્રના ત્રાસવાદ વિરોધી ટુકડીના વડા હેમંત કરકરે બેઠા હતા. તે વખતે તેમને ત્રાસવાદી હુમલાઓ વિશેની માહિતી જણાવવાનું કહેવાયું. જાણે શિવરાજ પાટીલની જગ્યાએ દિગ્વિજય અને કરકરે જ સાચા બોસ હોય તેમ તેઓ બંને તેમને બધું પૂછતા હતા, જ્યારે પાટીલને કોઈ પ્રશ્ર્ન નહોતા. તેમને કાંઈ પડી જ નહોતી. મણિના કહેવા પ્રમાણે, આ હુમલાઓમાં ઇસ્લામિક ત્રાસવાદ જવાબદાર હતો તે વાતથી Digvijay singh અને કરકરે ખુશ નહોતા. આ વાત જૂન ૨૦૦૬ની છે. મણિના કહેવા પ્રમાણે, આ જ સમયે હિન્દુ ત્રાસવાદની થિયરીનાં બીજ વવાઈ ગયાં હતાં. આ બધા પ્રયાસોમાં સાધ્વી પ્રજ્ઞા પર જે વિતાડાયું છે, તે દર્દનાક છે. અને આ બધું કર્યું હેમંત કરકરે સહિતના પોલીસ અધિકારીઓએ. હેમંત કરકરે શહીદ છે પરંતુ તેમનું આરૂપ પણ હતું. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર મુંબઈ સ્થિત એક ગુજરાતી પત્રકારે લખ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર અત્યાચારથી હચમચી ગયેલા એક પોલીસ અધિકારીએ ડ્રિંક પર બોલાવીને તેમને વાત કરી હતી કે હેમંત કરકરે તેમના પર કેટલા અમાનવીય અત્યાચાર ગુજારે છે.
 
હવે એ જોવું રહ્યું કે ભોપાલના મતદારો કોને સમર્થન આપે છે ? હિન્દુ આતંકવાદની ખોટી થિયરી ઉપજાવી મુસ્લિમ ત્રાસવાદીઓને છોડી મૂકવામાં સહાયરૂપ થનાર અને ત્રાસવાદીઓના પ્રેરણારૂપ ઝાકિર નાઇકના સમર્થક દિગ્વિજયને કે પછી યાતનાના નરકમાંથી હિંમતભેર બહાર આવેલાં સાધ્વી પ્રજ્ઞાને ?
 
- જયવંત પંડ્યા