The Tashkent Files : વિવેચક નહીં પરંતુ સામાન્ય નાગરિકની નજરે

    ૧૦-મે-૨૦૧૯

 
 
બીજી ઓક્ટોબરના દિવસનું શું ગાંધીજીના જન્મદિવસ સિવાય પણ કોઈ મહત્ત્વ છે ? 'Taskent' શબ્દને કઈ રીતે બોલાય અને આ જગ્યા ક્યાં આવી ? Mitrokhian archiever કે જેણે દુનિયાના ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજનૈતિક હસ્તીઓ અને જાસૂસી સંસ્થા (KGB)ના સંબંધો પર પ્રશ્ર્નો ઉઠાવ્યા એ શું છે ? આ અને આવા ઘણા પ્રશ્ર્નો મેં કોઈ દિવસ વિચાર્યા જ ન હતા અને આવું કંઈક વિચારવા માટે પ્રેરિત કરે અથવા આ બાબતે માહિતી આપે તેવું કોઈ સાહિત્ય અમને ભણવામાં આવ્યું હોય તેવું પણ યાદ નથી.
 
ભારતીય રાજનૈતિક ઇતિહાસના આ મહત્ત્વના પાનાઓ જે ભારતના બીજા વડાપ્રધાન સ્વ. શ્રી લાલબહાદુર શાસ્ત્રીના તાશ્કંત 'Taskent' ખાતે થયેલ રહસ્યમય મોત સાથે જોડાયેલા છે, તેને કંઈક અંશે આપની સમક્ષ મુકતી ફિલ્મ એટલે 'The Tashkent Files'. ફિલ્મ ચાલુ થતા પહેલા અને પત્યા પછી ડિસ્ક્લેઇમર આપે છે કે આમાં બતાવેલ ઘણા ખુલાસાઓની કોઈ ‘પૂર્ણ પૃષ્ટિ’ થઈ શકે એમ નથી. તે છતાં પણ, શ્રી શાસ્ત્રીના તાશ્કંત સાથે થયેલા આકસ્મિક અવસાનનું કારણ હાર્ટ એટેકે જ હતું તે વાત આ ફિલ્મ જોયા પછી તો માનવામાં આવે એમ જ નથી.
 
 
 
 
ઇતિહાસ અને કહાનીનું મિશ્રણ કરતી આ ફિલ્મ એક કાલ્પનિક પાત્ર પત્રકાર રોહિણી ફુલે (શ્ર્વેતા બાસુ પ્રસાદ)ની શ્રી શાસ્ત્રીના મૃત્યુ વિશે સત્ય જાણવાની જર્ની ઉપર આધારિત છે. એક કાલ્પનિક કમિટી પ્રોસીડીંગ (કે જેમાં નેતાઓ, ઇતિહાસકાર વગેરે એકસાથે બેસીને શ્રી શાસ્ત્રીજીના મૃત્યુ વિશે ચર્ચા કરે છે)ના આધાર પર આ ફિલ્મ શ્રી શાસ્ત્રીના મૃત્યુ સાથે સંબંધિત ઘણા બધા રસપ્રદ તથ્યો અને થિયરી આપણી સમક્ષ રજૂ કરે છે. શ્રી શાસ્ત્રીના મૃત્યુની સાથે સાથે ૧૯૭૦ના દાયકામાં ભારતીય રાજકારણમાં પણ ઘણા બધા તથ્યો અને થિયરી આવરી લેવામાં આવ્યા છે. ૧૯૬૬માં તાશ્કંત ખાતે પાકિસ્તાન ખાતે એક સમજોતા પર સહી કર્યા બાદ શ્રી શાસ્ત્રીનું રાત્રે અચાનક અવસાન થયું હતું. આમ તો હાર્ટ એટેકથી થયેલ કહેવાતા આ આકસ્મિક મૃત્યુ અને તે પહેલાં અને પછીના ઘણા જ મહત્ત્વના મુદ્દા, તથ્યો વગેરે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. ભારત દેશના વડાપ્રધાન જેવી ઉચ્ચ હસ્તીના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ પણ નહોતું કરવામાં આવ્યું. એ વાત રહસ્યમય લાગે છે. (ફિલ્મમાં જણાવ્યા અનુસાર શ્રી વાજપેયી, શ્રી અડવાણી વગેરે નેતાઓએ તે સમયે પોસ્ટમોર્ટમ માટે પ્રસ્તાવો મૂક્યા હતા જે ફગાવી દેવામાં આવ્યા હતા.) આ ફિલ્મ જોયા પછી પહેલી જ વાર ખબર પડી કે શ્રી શાસ્ત્રીના મૃત્યુ પછી ભારત અને રશિયામાં રજૂ થયેલ મેડિકલ રિપોર્ટ્સમાં તફાવત હતા.
 

 
 
શ્રી શાસ્ત્રીના મૃત્યુના માત્ર બે સાક્ષીઓ તેમના સહાયક અને પર્સનલ ડૉક્ટર ત્યાર બાદ થોડા જ દિવસોમાં ‘અકસ્માત’માં મૃત્યુ પામ્યા હતા.
 
# શ્રી શાસ્ત્રીનું પાર્થિવ શરીર જ્યારે ભારત લાવવામાં આવ્યું હતું. ત્યારે તેના પર લોહી અને લોહીના દાગ હતા.
 
# શ્રી શાસ્ત્રીના મેડિકલ રિપોર્ટ ઉપર તેમને ઘટનાસ્થળે સૌપ્રથમ તપાસનાર કરનાર રશિયન ડૉક્ટરના હસ્તાક્ષર જ નહતા.
 
# શ્રી શાસ્ત્રીના કાયમના સહાયક રામનાથ જ હંમેશા તેમને રાત્રે દૂધ અને ઇસબગુલ આપતા, પરંતુ એ દિવસે શ્રી શાસ્ત્રીના રૂમમાં દૂધ, એક બીજા કૂક જાનમહંમદ દ્વારા મૂકવામાં આવ્યું હતું.
 
(રામનાથનું પણ ટૂંક સમયમાં એક અકસ્માતમાં નિધન થયું હતું.)
 
આવા ઘણા બધા ચોંકાવનારા તથ્યોના આધારે આ ફિલ્મ શ્રી શાસ્ત્રીના મૃત્યુ અંગેની અમુક થિયરી (જેના પ્રમાણે આ એક હત્યા હતી)ને વિશ્ર્લેષણ કરે છે અને સાથે સાથે આ થિયરી અનુસાર આમ કરીને કોનો ફાયદો થયો હતો એ વાતો પણ ઉઠાવવામાં આવે છે. આ આખા ઘટનાક્રમમાં ભારતીય સરકારના નિષ્ક્રિયતા પણ દર્શાવવામાં આવી છે.
 
ઇતિહાસની એક વણઉકેલાયેલી આ કડીમાં ખરેખર સત્ય શું છે એ તો કદાચ આપણા જેવા સામાન્ય નાગરિક માટે જાણવું દુર્લભ કહી શકાય. As the film Says "Truth is luxury" પરંતુ ઇતિહાસની આ આટલી મોટી ઘટના સાથે સંબંધિત ઘણા બધા પુરાવાઓ, પહેલાં અને પછી બનેલ ઘટનાક્રમો વગેરે આ ફિલ્મ જોયા પછી પહેલી વાર જાણવા મળ્યા. તે સાથે જ અનેક પ્રશ્ર્નો પણ ઉઠ્યા કે આટલી મોટી ઐતિહાસિક વાત સાથે સંકળાયેલ આ રહસ્યોની આપણને થોડી પણ જાણકારી કેમ નથી ? કેમ આમાંનું કશું પણ આપણા ઇતિહાસનાં અભ્યાસક્રમમાં ન આવ્યું ? બંધ બારણે રાજકારણમાં કેવા કેવા સોદાઓ થતા હશે ? શું આપણે બતાવેલી વાતો જ જોઈ છે કે ક્યારેય પણ સત્ય જોયું છે ?
 
ફિલ્મના અંત ભાગમાં રશિયન એજન્સી KGB દ્વારા ભારતના તે સમયના ટોચના નેતાઓને ત્યાં પૈસા ભરેલી સૂટકેસ નિયમિત રીતે પહોંચતી હોવાનું જણાવતી બાબતોનો પણ ઉલ્લેખ છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થયેલ પુસ્તકોમાં લેખકો દ્વારા આવા દાવા કરવામાં આવ્યા હોય તો શું તેની તપાસ જરૂરી નહોતી? આવી કોઈ તપાસ કેમ નહોતી થઈ ? આ ફિલ્મ જોયા પછી ઉઠેલા આ પ્રશ્ર્નોના જવાબ મેળવવા અને જિજ્ઞાસાને સંતોષવા ઘણું વાંચવું પડશે એવું લાગે છે. પરંતુ એક વાતનો આનંદ છે કે ઘણી બધી નકારાત્મકતાને બાજુ પર મૂકીને પણ મેં આ ફિલ્મ જોઈ. વિવેચકની દૃષ્ટિએ નહીં, કોઈ નિષ્ણાંતની દૃષ્ટિએ નહીં, કોઈ ફિલ્મમેકરની દૃષ્ટિએ નહીં પરંતુ એક સામાન્ય જિજ્ઞાસુ નાગરિકની દૃષ્ટિએ જોતા આ ફિલ્મ ચોક્કસ જોવા જેવી લાગી.
 
- રુચિતા શાહ