અમેરિકા-ચાઈના ટ્રેડવોરની વૈશ્ર્વિક અસરો - ૧૯૯૭-૯૮ની સ્પાઈરલ કરન્સી વોર યાદ કરવી રહી

    ૧૮-મે-૨૦૧૯   

 
સકારાત્મક અને સ્પષ્ટ વલણની વાતો કરતાં ટ્રમ્પ સરકારનાં અધિકારીઓએ ચાઈનાથી આવતા માલ પરની આયાત ૧૦%થી વધારી ૨૫% ગત અઠવાડિયે કરી. વ્યાપારી સંધીઓ છતાં ‘ટ્રેડ વોર’ અંગેની આ દહેશતથી અમેરિકાના કેપિટલ માર્કેટ દસ દિવસથી ઘટતા હતા. થોડોક શ્ર્વાસ ભરી, જાહેરાત પછીએ અવઢવમાં જ રહ્યા. અમેરિકાને છીંક આવે તો યુરોપને તાવ આવે અને બાકીની અર્થવ્યવસ્થાઓ માંદગીમાં જ આની પુષ્ટી વારંવાર અર્થશાસ્ત્રીઓ કરે છે. તેમના મતે આવા નિર્ણયોની તાત્કાલીક અસર નિવેષકો, ઔદ્યોગિકરણ, વિ. પર વર્તાય, પરંતુ ગ્રાહકો સુધી પહોંચતા તેને ૩-૪ મહિનાનો સમયગાળો લાગે છે.
 
ચાઈનાએ ખૂબ સંયમ રાખી, વાટાઘાટો ચાલુ રાખવા પર ભાર મૂક્યો છે, પરંતુ પ્રત્યાઘાતી ડ્યુટી અમેરિકન માલની આયાત પર વધારવાની એ જાહેરાત કરી છે. ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી ચાઈનામાં ન જાય, ચાઈના પોતાના ઉદ્યોગોને સબસીડી આપવાનું બંધ કરે તથા અમેરિકન માલ ત્યાંનું માર્કેટ વધુ પ્રમાણમાં સ્વીકારે તેવી વાટાઘાટો અને અમેરિકન સ્વાર્થ માટે ચાલતી વાટાઘાટો નિષ્ફળ જાય તો ડ્યુટી વધવાને કારણે ખેડૂતોને મુશ્કેલીઓ દૂર કરવા ૧૨ બિલિયન ડૉલર સુધીની વ્યવસ્થાયે અમેરિકાએ કરી છે, પરંતુ તે પુરતું નથી જ. અંદાજીત ૨૦૦ બિલિયન ડૉલરની આયાત પર ડ્યુટી વધારવાથી, તેની વ્યાપક અસર (cascading effect)માં અમેરિકામાં ૧૦ લાખ લોકો બેકાર થવાની સંભાવના છે. અન્ય ૩૨૫ બિલિયન ડૉલરની આયાત પર પણ જો આ જ વલણ રહ્યું તો બીજી ૨૧ લાખ નોકરીઓ જાય, આમ અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ માર્ચ મહિનામાં જ સરકારને જણાવ્યું છે. તો અન્ય પક્ષે આવી વાટાઘાટો દ્વારા અમેરિકાને રાજી રાખવા ચાઈનાએ પોતાના કાયદા બદલવા પડે જે તેને હરગીજ મંજૂર નથી.
 
૫૭૦૦ પ્રોડક્ટ્સની લાંબી યાદીમાં સૌથી મોંઘા થતા પ્રોડક્ટસ એટલે કોમ્પ્યુટરના સર્કિટ બોર્ડ્સ, મોડેમ, રાઉટર, લાઈટીંગ, સાયકલ, ફર્નિચર વિ. જે બધાની ડિઝાઈન્સ અમેરિકન છે એટલે માત્ર અમેરિકામાં જતા માલને નહીં, પૂરા વિશ્ર્વની આયાત પર તેમને રોયલ્ટી મળે જ છે. ચાઈનાની પ્રત્યાઘાતી ડ્યુટીની વૈશ્ર્વિક અસરોમાં અમેરિકાનો જીડીપી ૦.૩% ઓછો થાય તો ચાઈનાનો જીડીપી ૦.૮% ઓછો થાય. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ભારત, વિયેટનામ, ફિલિપીન્સ વિ. ની નિકાસ ૩.૫% થી ૫% સુધીની વધવા છતાં, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ગત જાન્યુઆરી માસમાં કરાયેલ ભવિષ્યવાણી પ્રમાણે, પૂર્વઅનુમાન ૩.૫%ની વૃદ્ધિને ૩.૩% સુધી ઘટાડવામાં આવી છે. ચાઈના-અમેરિકા ટ્રેડવોર કારણના આ ઘટાડામાં અંદાજીત ૭૦% અર્થતંત્રો / દેશોમાં વિકાસદર ઘટી જાય. ચાઈનાની પોતાના અર્થતંત્ર માટેના સંરક્ષણવાદ અને હરણફાળ ભરવામાં અન્ય દેશોને થતી અસર અંગે ચોક્કસ ચિંતા હોઈ શકે, પરંતુ ટ્રમ્પની નીતિ આ બાબતે નબળી હોવાનું પણ અર્થશાસ્ત્રીઓનું મંતવ્ય છે જ. ગત વર્ષે એલ્યુમિનિયમ તથા સ્ટીલની આયાતમાં પણ આ જ પ્રકારના વલણથી અનેક ઉત્પાદકો / દેશોની મુશ્કેલી અજાણી નથી.
 
અમેરિકાના પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ કોર્ડેલ હલના મતે સુરક્ષાત્મક ટેરિફ એટલે આપણી સામે જ તાકેલી બંદૂક. આ નિર્ણયોમાં બનાવટ/ઢોંગ હોય તો મંદી અને હતાશા આવતાં વાર ન લાગે. કોમોડીટી તથા ફાઈનાન્સીયલ માર્કેટમાં અસ્થિરતા અને અનેક દેશોની કરન્સીમાં ઘટાડો / નુકસાનની અસરો ટાળી શકાય નહીં. ૧૯૯૭-૯૮ની સ્પાઈરલ કરન્સી વોર યાદ કરવી રહી. જીડીપી અને સમૃદ્ધિમાં ઘટાડો, આયાતમાં અસહ્ય ઉછાળો, મોંઘવારી અને આર્થિક ત્રાસ, બધામાંથી બચવાના ઉપાય શોધવા રહ્યા.