વિશેષ સ્ટોરી । હિન્દુત્વનો વિરોધ કરનાર દિગ્વિજયસિંહ આખરે હિન્દુત્વને શરણે !

    ૧૮-મે-૨૦૧૯   

આજકાલ ભોપાલમાં લોકસભાની ચૂંટણી લડતા બે પ્રતિસ્પર્ધિઓ - કોંગ્રેસના દિગ્વિજયસિંહ અને ભાજપાના સાધ્વી પ્રજ્ઞા ઠાકુર - ચર્ચાના ચાકડે ચઢેલ છે. ૧૯૪૫માં રાજવંશમાં જન્મેલા, ઇ.ઊ. મિકેનિકલ એન્જિનિયર થયેલા દિગ્વિજયસિંહને લોકો દિગ્ગિરાજા તરીકે પણ ઓળખે છે. અનેક વિચિત્રતાઓથી ભરેલો તેમનો સ્વભાવ ક્યારેક આપણને ગુંચવાડામાં પણ મુકી દે છે. થોડીક ઘટનાઓ જોઈએ.
 
- તોફાની હરકતો કરવાના શોખીન દિગ્ગિરાજાએ ૨૩ જુલાઈ, ૨૦૧૩ના રોજ ભરી સભામાં મીનાક્ષી નટરાજનને ‘સો ટચ કા માલ’ કહી અશ્ર્લીલ ભાષામાં ઠેકડી ઉડાવેલી.
 
- તો ૧૦ નવેમ્બરે ૨૦૧૨ના રોજ કેજરીવાલ પર કટાક્ષ કરતાં બોલેલા કે કેજરીવાલ અને રાખી સાવંત એક જેવાં છે. બન્ને કશુંક દેખાડવા ખૂબ પ્રયત્ન કરે છે પણ તેમની પાસે દેખાડવા માટે કંઈ નથી.
 
- ૨ નવે. ૨૦૧૧ના રોજ બે આદરણીય મહાનુભાવો માટે ટિકા કરતાં દિગ્ગિરાજાએ કહ્યું, ‘સ્વામી રામદેવ અને શ્રી શ્રી રવિશંકર ઢોંગી અને વેપારી છે.’
 
- બાળાસાહેબ ઠાકરે મૃત્યુ પામ્યા છે તેમ માની ટ્વીટર પર શ્રદ્ધાંજલિ પણ આપી દીધી. વધુમાં પરિવારજનોને સાંત્વના પણ લખી દીધી પછી ભૂલ સુધારવા ક્ષમા પણ માગી લીધી.
 
- તો ૨૭ જૂન, ૨૦૧૪ના રોજ રાહુલ ગાંધીને લપેટમાં લેતાં કહી નાખ્યું કે, "રાહુલનો ટેમ્પરામેન્ટ રૂલર (RULLER) નો નથી. તેમને લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી લેવાની જરૂર હતી. પણ તેમણે ના પાડતાં મલ્લિકાર્જુન ખડગેને જવાબદારી આપવી પડી.
 
- તો ૯ જાન્યુ. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગંભીર પરાજય થતાં એક અંગ્રેજી સમાચાર પત્ર સાથે વાતચીત દરમિયાન બોલી નાખ્યું કે, "લોકસભાની ચૂંટણી રાહુલના મૌનને કારણે હાર્યા છીએ. એક ૬૩ વર્ષના નેતા (મોદીજી) યુવાનોને આકર્ષી શક્યા જ્યારે ૪૪ વર્ષના યુવાન નેતા (રાહુલ) આમ ન કરી શક્યા તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.
 
રંગીન મિજાજ ધરાવતા દિગ્ગિરાજાએ ૬૮ વર્ષની ઉંમરે ૪૪ વર્ષીય પત્રકાર તથા એન્કર અમૃતા રાય સાથે પુન:લગ્ન કરી લીધા. તેમણે પોતાના આ લગ્નની જાહેરાત ચેન્નાઈમાં મોડેથી કરી. દિગ્ગિરાજાને ચાર પુત્રીઓ અને એક પુત્ર પણ છે તે આપની જાણ સારું. એક વાર પૂ. શંકરાચાર્યે નિવેદન કરેલું કે દરેક હિન્દુએ બે પત્ની રાખવી જોઈએ. તેઓશ્રીનું આ વિધાન પોતાને અનુકૂળ લાગતાં દિગ્ગિરાજા બોલી ઉઠ્યા કે, ‘શંકરાચાર્ય મારા ગુરુ છે. દરેક હિન્દુએ બે પત્નીઓ રાખવી જોઈએ એમ કહ્યું હોય તો હું એમાં સહમત છું (નિવેદન તા. ૨૭/૮/૧૪) અહીં દિગ્ગિરાજાની ચતુરાઈભરી મજાક પણ દેખાય છે.’
 

 
 

હવે આપણે દિગ્ગિરાજાનો ધાર્મિક આસ્થાવાળો ચહેરો પણ જરા જોઈ લઈએ :

 
- સન ૧૯૯૭માં હરિદ્વારમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. રજ્જુભૈયા તથા મા. અશોકજી સિંઘલની સાથે મંચ પર દિગ્વિજયસિંહ પણ ઉપસ્થિત હતા. વિશ્ર્વ હિન્દુ પરિષદના સંમેલનમાં કોંગ્રેસી આગેવાન ઉપસ્થિત રહે તે જરા નવાઈભર્યંુ પણ લાગે, પણ તેઓ હિંમતભેર ઉપસ્થિત હતા. સંમેલન બાદ ઘણા સમય બાદ દિગ્ગિરાજાએ વિશ્ર્વહિન્દુ પરિષદની, હિન્દુત્વની તથા મા. અશોકજી સિંઘલની કટુ શબ્દોમાં ટીકા કરી ત્યારે વિહિપના કાર્યકર્તાઓએ હરિદ્વારમાં યોજાયેલા વિરાટ સંમેલનમાં દિગ્વિજયસિંહની મંચ ઉપરની ઉપસ્થિતિનો ફોટો બતાવ્યો ત્યારે પલટી મારીને દિગ્ગિરાજા બોલી ઉઠેલા, ‘હું વિહિપના નિમંત્રણને લીધે આવ્યો ન હતો. હું તો કાંચીના શંકરાચાર્યના નિમંત્રણથી સંમેલનમાં આવ્યો હતો.’ બસ, આ જ તેમના વ્યક્તિત્વની ગરબડ !
 

 
 
- ૨૦૧૮ની મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક હતી. ત્રણ ત્રણ ટર્મથી જામી પડેલી ભાજપા સરકારની સામે સંઘર્ષ કરવા તથા લોકપ્રિયતા મેળવવા કોઈક પ્રકારના બિનરાજકીય કાર્યક્રમો કરવા જ‚રી હતા. ચતુર દિગ્ગિરાજાએ નર્મદા પરિક્રમાનો કાર્યક્રમ ઘોષિત કરી દીધો અને સમયપત્રક મુજબ પોતાની પત્ની અમૃતા રાય સાથે, ભગવો ઝંડો હાથમાં લઈ તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ પૂ. શંકરાચાર્ય સ્વ‚પાનંદ સરસ્વતીજીના આશીર્વાદ લઈ દિગ્ગિરાજા નર્મદા પરિક્રમા માટે નીકળી પડેલા અને ૯ એપ્રિલ, ૨૦૧૮ના રોજ આ દંપતીએ ૩૩૦૦ કિલોમીટરની પદયાત્રા ૧૯૨ દિવસમાં પૂરી કરી. નર્મદા મૈયા પરની પોતાની અપાર  શ્રદ્ધા ! વ્યક્ત પણ કરી અને તેમનો શ્રદ્ધાવાન અને કહેવાતો (So Called) બિનરાજકીય ચહેરો પણ લોકોએ જોયો. હવે દિગ્ગિરાજાના વ્યક્તિત્વની એક એવી પણ પ્રોફાઈલ જોઈએ, જે હિન્દુત્વની વિરોધી દેખાય છે.
 
- સૌ પહેલાં ૨૦૦૮ની ઘટના લઈએ. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયા જેમાં ૩૦ લોકો મૃત્યુ પામ્યા. ૧૯ સપ્ટેમ્બરે જામિયાનગરના બાટલા હાઉસ ખાતે પોલીસે એન્કાઉન્ટર થયું જેમાં બે ત્રાસવાદી મરાયા, બે ભાગી ગયા. જે હાલમાં કુખ્યાત આતંકી સંગઠન ઈંજમાં છે. આ ઘટનામાં પીઆઈ મોહનચંદ્ર શર્મા શહિદ થયા. જે આતંકી પકડાયો તે આઝમગઢનો હતો. જેને દિલ્હીની સાકેત કોર્ટે મોહનચંદ શર્માની હત્યા માટે દોષિત ઠેરવ્યો. હવે પ્રશ્ર્ન ઊભો થયો કે આ એન્કાઉન્ટર સાચુ કે ખોટુ, ગૃહમંત્રી ચિદમ્બરમ્એ આને સાચુ એન્કાઉન્ટર કહ્યું. જ્યારે દિગ્ગિરાજાએ આ એન્કાઉન્ટરને બનાવટી કહ્યું. એક જ સરકારના બે મોભીઓના મંતવ્યો જુદા જુદા. આઝમગઢના મુસ્લિમોને ખુશ કરવા દિગ્ગિરાજાએ આને ખોટું એન્કાઉન્ટર કહ્યું એટલું જ નહીં. બલ્કે દિગ્ગિરાજા પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓના પરિવારોને આશ્ર્વાસન આપવા આઝમગઢ પણ પહોંચી ગયા. આશ્ર્ચર્યની વાત એ છે કે ૨૦૦૯માં ભારત સરકાર દ્વારા શહીદ મોહનચંદ શર્માને અશોકચક્ર એનાયત થતાં બધુ સાવ સ્પષ્ટ થઈ ગયું હોવા છતાં દિગ્ગિરાજાએ કહ્યું, ‘પોતે જીવે છે ત્યાં સુધી બનાવટી એન્કાઉન્ટર કહેવા બાબતે માફી નહીં માગે. હું મારા નિવેદનને વળગી રહું છું.’ આ છે તેમનો પક્ષપાતી ચહેરો.
હિન્દુત્વને બદનામ કરનારી ટોળીના તેઓ અગ્રેસર પણ બની ગયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમનું નિશાન બની ગયો છે. કોંગ્રેસનું અધિવેશન ૨૦૧૦માં બુરાડીમાં હતું જેમાં તેઓ બોલી ઉઠ્યા. ’છજજ’ નાઝીઓની પાર્ટી જેવી છે. અલબત્ત તેમણે સંઘને ફાસીવાદી પાર્ટી તો ન જ કહી, કારણ કે ફાસીવાદ સોનિયાજીના પિયર ઈટાલીમાં પેદા થયો હતો અને વિશેષમાં સોનિયાજીના પિતાશ્રી પૌલા માઈનો મુસોલીનીના ખાસ મિત્ર હતા અને પોતે કટ્ટર ફાસીસ્ટ પણ હતા.
 
૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ કસાબ આણી કંપનીએ તાજ હોટેલ પર આતંકી હુમલો કર્યો. આ આતંકી હુમલામાં ૧૭૪ જેટલાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા. અંતે કસાબ જીવતો પકડાયો. આ સમગ્ર હુમલો પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠન દ્વારા સુનિયોજિત હતો. તેમ છતાં આ દિગ્ગિરાજાએ કહ્યું, ‘આ હુમલામાં છજજનો હાથ છે. છજજને આઈએસઆઈ તરફથી પૈસા પણ મળે છે.’ વળી તેમણે કહ્યું, ‘૨૬/૧૧ના હુમલાના બે કલાક પહેલાં એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડના વડા હેમંત કરકરેએ મને ફોન કર્યો હતો કે માલેગાંવ બ્લાસ્ટની તપાસ બાબતે મને હિન્દુત્વાદીઓ દ્વારા ધમકીઓ અપાતી હતી. તેથી હેમંત કરકરેની હત્યામાં હિન્દુ કટ્ટરવાદીઓનો હાથ હોઈ શકે.’ પણ જ્યારે તેમને ફોનના નંબરો અને સમય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ગેંગેફેંફેં કરવા લાગ્યા.
 
- મુંબઈમાં ૧૩ જુલાઈ, ૨૦૧૧ના રોજ ઝવેરીબજાર ખાતે તથા અન્યત્ર બોમ્બ વિસ્ફોટો થયા હતા. બરાબર આ વખતે પણ દિગ્ગિરાજા બોલી ઉઠ્યા કે, "આ વિસ્ફોટોમાં સંઘનો હાથ હોઈ શકે. મારી પાસે પૂરતા પુરાવા છે. આ વિસ્ફોટો બાબતે સંઘની પણ તપાસ થઈ જોઈએ. આ નિવેદન ૧૭/૭/૨૦૧૧ના સમાચાર પત્રોમાં છપાયું હતું. અલબત્ત કોંગ્રેસના નેતા ગુરુદાસ કામત બોલી ઊઠ્યા હતા કે, "ઝવેરી બજારના હુમલામાં સરકાર અને પોલીસની લાપરવાહી જ જવાબદાર છે.
 
- આપણને સૌને ખબર છે કે જાકીર નાઈક એક વિવાદાસ્પદ ઇસ્લામી ઉપદેશક છે. જાકીર નાઈક ખુલ્લં ખુલ્લા બોલે છે કે તમામ મુસ્લિમોએ આતંકવાદને ટેકો આપવો જોઈએ. મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ તેની સામે ચાર્જશીટ નોંધાયેલી છે. આતંકવાદ વિરોધી ધારાનો તે આરોપી છે અને હાલ તે ભારત છોડી મલેશિયામાં દેશ-વિરોધી પ્રવૃત્તિ ચલાવે છે. દુ:ખની વાત એ છે કે આ ભયાનક કુખ્યાત દાનવ અંગે દિગ્ગિરાજાએ કહ્યું કે, ‘જાકીર નાઈક તો શાંતિદૂત છે.’ તેમનું આ નિવેદન ૭/૭/૨૦૧૬ના રોજ વર્તમાનપત્રોમાં પણ છપાયું હતું.
 
- ૭ મે, ૨૦૧૧ના રોજ દિગ્ગિરાજાએ અલકાયદાના વડા ઓસામા બિન લાદેન માટે ઓસામાજી જેવો સન્માનસૂચક શબ્દ વાપર્યો હતો અને જયપુરની કોંગ્રેસની ચિંતન બેઠક બાદ મહાસચિવ દિગ્વિજયસિંહે આતંકી હાફિઝ સઈદને હાફિઝ સઈદ સાહેબ કહ્યા હતા. આમ દેશભક્તોનું અપમાન અને દેશ શત્રુઓનું સન્માન દિગ્ગિની ચાલ રહી છે.
 
- કોંગ્રેસ મહામંત્રી દિગ્વિજયસિંહ વારાણસી સ્થિત વિદ્યામઠમાં પૂ. શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીને મળવા ગયા હતા. ત્યાર બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાને સનાતનધર્મી ગણાવ્યા હતા. તેમણે પત્રકારોને કહેલું કે, ‘હિન્દુત્વ જેવો કોઈ શબ્દ નથી અને હું હિન્દુત્વમાં માનતો નથી.’ આ સંવાદ તા. ૧/૨/૨૦૧૬ના વર્તમાનપત્રોમાં છપાયો હતો.
 

 
 
આ પ્રકારનું વિવાદી વ્યક્તિત્વ ધરાવતા દિગ્વિજયસિંહે ભોપાલમાં તેમના ચુનાવ અભિયાનનો પ્રારંભ હઠયોગ યજ્ઞથી કર્યો. કોમ્પ્યુટરબાબાએ આ હઠયોગ યજ્ઞનું આયોજન સરકારની પરવાનગી લીધા સિવાય કર્યંુ. ૫૦૦૦ જેટલા હઠયોગીઓએ આ યજ્ઞમાં ભાગ લીધો. મસ મોટી ભંડારાની રકમ તેમને આપવામાં આવી. સમારંભમાં દિગ્ગિરાજાએ ગાય માતાનું પૂજન પણ કર્યંુ અને ગાય માતાને પ્રેમથી ચારો ખવડાવી પુણ્યકાર્ય પણ કર્યંુ. યજ્ઞના અંતે ભોપાલની શેરીઓમાં ભગવા ઝંડાઓ સહિત રેલી કાઢી સમગ્ર ભોપાલને ભગવામય પણ બનાવી દીધું. એવું લાગ્યું કે દિગ્વિજયસિંહ પોતે પણ ભગવામય બની ગયા છે.
 
હવે પ્રશ્ર્ન એ થાય છે કે હિન્દુત્વનો ખુલ્લં ખુલ્લા વિરોધ કરનાર આ રાજવી એકાએક ભગવાધારી કેમ બની ગયા ? લોકોના મનમાં પ્રશ્ર્ન છે કે જે દેખાય છે તે... હિન્દુત્વની સ્વીકૃતિ છે કે દંભ ?
 
આસ્થા છે કે પ્રપ્રંચ ?
સત્ય છે કે ભ્રમ ?
જો સત્ય હોય તો અત્યંત આનંદની વાત છે. બાકી તો સીતામૈયાનું અપહરણ કરવા માટે લંકેશને આખરે ભગવો વેશ જ ધારણ કરવો પડ્યો હતો !
અસ્તુ...
***
 
- સુરેશ ગાંધી 
(લેખક : સાધના સાપ્તાહિકના ટ્રસ્ટી છે)