આવો મળીએ એજન્ડા વગરના માણસોને, એટલે કે બાળકોને...

    ૧૮-મે-૨૦૧૯   

 
 

ચાલો, થોડાં બાળકો વાંચીએ...

 
વૅકેશન આવે છે અને બાળકોને રમતાં જોવાની મઝા આવે છે. ઝાડ નીચે રમતાં બાળકો, સાઇકલ ચલાવી ચિચિયારીઓ કરતાં બાળકો અને ‘મામાને ઘેર જઈએ છીએ’ એવું કહીં પોતાની મુક્તિની જાહેરાત કરતાં બાળકો. આવાં બાળકો ઉપરાંત એવાં બાળકો હોય છે જેમને હજી કોઈ શાળા કે બાલમંદિરમાં જવું પડતું નથી. એમને તો જીવન એટલે મુક્તિ અને જીવન એટલે કાલુ કાલુ બોલવાનું. પણ કોણ જાણે કેમ એક પ્રજા તરીકે આપણે કશુંક ગુમાવી રહ્યા છીએ.
 

બાળકો  એજન્ડા વગરના માણસો

 
બાળકો એ નિર્દોષતાની નિશાળ છે, એમને જોવાની, રમાડવાની મઝા આવે છે, કારણ એમનું (હું વારંવાર જેને એજન્ડા વગરના માણસો કહું છું) સાવ અહેતુક હસવું, રમવું આપણને આનંદ આપે છે. આવાં બાળકો બહુ મોટા વીડિયોગ્રાફર હોય છે, એ જે જુએ છે એનો મનમાં વીડિયો ઉતારે છે, છલોછલ નિર્દોષતા સાથે સાથે બાળક અંદરથી પોતાને તૈયાર કરતો હોય છે. એક જબરદસ્ત સ્વશિક્ષણ થતું હોય છે. હવે આપણે એને સામાજિક બનાવવા કેજી કે એવા બધા પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક પ્રયોગોમાં મૂકીએ છીએ, મૂકવા પણ જોઈએ. એક જ પ્રકારના વાતાવરણને બદલે વધુ વાઈબ્રન્ટ, વધુ રંગીન, ભિન્નતાથી ભરેલું વિશ્ર્વ એની સમક્ષ રજૂ થાય એ સારું છે, પણ એની પ્રક્રિયામાં ‘ફ્રિક્શન’ કે ‘વિરોધાભાસ’ ઊભો થાય છે ત્યારે પ્રશ્ર્નો થાય છે. જેમ કે ચકલીના અવાજોથી એના કાન ભરેલા હોય, બોખા દાંતે દાદાએ ચકા-ચકીની વાર્તા કહી હોય, જ્યારે એ એના મનમાં ‘આ ઊડતો નાનો જીવ ચકલી છે, એનો ભૂખરો અને સફેદ રંગ, એની ઉડાન બધું બોલાતી ભાષામાંથી ગોઠવતો હોય ત્યારે એના મનમાં ‘સ્પેરો’ પ્રવેશે છે. એને એક બીજી ભાષાનું વજન-દબાણ પહેરાવવામાં આવે છે. આપણને ખબર પડે નહીં તેવી રીતે એના નિર્દોષતાના પ્રવાહને એક ગોબો પાડીએ છીએ. માધ્યમના મોહથી આપણે એક માસૂમને સહી ન શકે અને કહેવાની હજી શક્તિ પ્રાપ્ત ન થઈ હોવાથી કહી ન શકે એવી વિટંબણામાં બાળકને મૂકી દઈએ છીએ.’
 

 
 

આ નિર્દોષતાની લૂંટનું શું કરવામાં આવે છે ?

 
કદાચ ભારત એક જ એવો દેશ હશે જ્યાં બાળકોને પોતાની માતૃભાષાથી અલગ કરી દેવા આવો ‘ઉદ્યોગ’ ચાલતો હશે, કારણ આ ભાષાભભકો એક ઓરગન-ટ્રાન્સપ્લાન્ટ જેવા સ્વરૂપમાં આવે છે, પણ ઓરગન-ટ્રાન્સપ્લાટ એ સ્થૂળ ઘટના છે. જ્યારે ભાષાભેળની પ્રક્રિયા વધુ સૂક્ષ્મ અને સંકુલ હોય છે. એની સૂક્ષ્મતાથી અજ્ઞાત મા-બાપ મોંઘા શિક્ષણ માટે આકર્ષાય છે, પણ એમને ખબર નથી હોતી કે અંદર શું રંધાય છે. એ મોંઘું બને છે અને પોસાય કે ના પોસાય પણ બધા ભેગા થઈને એક એવી હોળી ઊજવીએ છીએ જેમાં પ્રહ્લાદ સળગી જાય. બાળક એની નિર્દોષતા ગુમાવે છે એની કિંમત એ આખી જિંદગી ચૂકવે છે. ધનની લૂંટ દેખાય છે, અનુભવી શકીએ છીએ પણ આ નિર્દોષતાની લૂંટનું શું કરવામાં આવે છે ?
  

નવી વિમાસણવાળું બાળપણ

 
૧૯૮૩માં મેરી વીન નામની લેખિકાએ એક અદ્ભુત લેખ લખ્યો. લોસ ઓફ હૂડ. એજ ઑફ પ્રોટેક્શન (સુરક્ષાભર્યા લાલનપાલન વિરુદ્ધ તૈયારીઓના ભારવાળું બાળપણ)ને બદલે કશીક નવી વિમાસણવાળું બાળપણ જોવા મળે છે.
મારી પડોશમાં બે બાળકો મારા સૂચન પ્રમાણે ગુજરાતી માધ્યમમાં ભણે છે, એમની માનસિક વિકાસની પ્રક્રિયા, એમનો પ્રતિભાવ-પ્રતિભા અને ગ્રહણશક્તિનાં અનેક ઉદાહરણ એમનાં યુવાન મા-બાપને આનંદ અને સંતોષ અપાવે છે. મેં મારાં અનેક પ્રવચનોમાં કહ્યું છે કે, જે ‘સર્જકતાથી છલકાતા’ હશે એવા લોકો જ ટકશે. ઈનોવેશન જ આ પૃથ્વીને ઇંદ્રલોક બનાવશે. એક નાનકડો બનાવ. ધૈર્ય અને વૈદેહી એવાં આ બે બાળકો, ધૈર્ય હજી તો ખૂબ નાનો છે. એને માંડ નવ વર્ષ થયાં છે. પણ પોલિટિકલ ચર્ચાઓ બરાબર ધ્યાનથી સાંભળે. એમના ઘરમાં પણ ખાસ્સી પોલિટિકલ ચર્ચા થાય. કોંગ્રેસ-ભાજપ એવું ચાલે. હમણાં એક દિવસ કોંગ્રેસનો પ્રચાર કરતી રિક્ષા નીકળી. સોસાયટીમાં બધા લોકો વ્યસ્ત હતા. હું મારા ઘરમાં વાંચતો હતો. જ્યારે આ રિક્ષા પસાર થતી હતી, ત્યારે એ ઘરમાંથી ભાજપનો ધ્વજ લઈ આવ્યો અને હાથમાં પકડી કશું બોલ્યા વિના પાળી ઉપર ઊભો રહ્યો.
 
પોતાની અસંમતિ દર્શાવવા એણે આવું કર્યુ હશે, પણ એની પ્રતિભાવ આપવાની રીતથી લાગે છે કે, ‘એ અંદરથી ઝડપથી મોટો થઈ રહ્યો છે.’ વાસ્તવમાં ગુજરાતી માધ્યમમાં ભણવાનો એને ભારે ફાયદો મળી રહ્યો છે. અંગ્રેજીમાં લખાયેલી સ્માર્ટફોનની કોઈ સૂચનાઓ સમજવામાં એને તકલીફ પડતી નથી, જ્યારે અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાઓ મોટાઓની ગુજરાતી વાત પણ પૂરી સમજી શકતા નથી. એ બધા એમના પરિવાર અને સમાજથી ‘ડિસકનેક્શન’ અનુભવી રહ્યા છે. માતૃભાષા એ માણસનું કાઠું ઘડવાનો કીમિયો છે, એ મૂળ છે, ધરતીની ભાષામાંથી એ નૈસર્ગિક રીતે પોષણ મેળવી લે છે. ડહાપણ શીખવવાની યુનિવર્સિટીઓ નથી હોતી, અને સમજશક્તિનો સેન્સેક્ષ કોઈ માપતું નથી. એ તો જીવનના મેદાનમાં લડાતી લડાઈ છે, પણ બાળકોને મૂળભૂત સમજશક્તિ પ્રાપ્ત કરવાની એમની ઉંમરને એક ફૂંક મારીને ઓલવી નાખવાનું પાપ કરવા જેવું નથી. આ વૅકેશનમાં થોડાં બાળકો વાંચવાનો એક પ્રોજેક્ટ લેવો જોઈએ.