આપણને પ્રેરણાની - એક માત્ર તણખલાની – જરૂર હોય છે

    ૨૫-મે-૨૦૧૯   

 

મન ના હારે હાર, મન ના જીતે જીત

સમગ્ર યુરોપ યુનાનના સૈન્યથી ત્રસ્ત હતું. અજેય ગણાતી યુનાની સૈન્યની એવી તો ધાક હતી કે, જે દેશ પર આક્રમણ થતું તે લડ્યા વગર જ હાર માની લેતો, ત્યારે રોમના સેનાપતિએ જોયું કે એક પછી એક પરાજયને કારણે લોકો હિંમત હારી ચૂક્યા છે. તેમનામાં યુનાનીઓ સામે પડવાની હિંમત જ નથી બચી. આ મન:સ્થિતિને બદલવી જોઈએ. સીઝરે પોતાના દેશની દીવાલે - દીવાલે એક વાક્ય લખાવી દીધું : "યુનાની સૈન્ય ત્યાં સુધી જ અજેય છે, જ્યાં સુધી આપણે તેની સામે ઘૂંટણીએ પડ્યા રહીશું. આવો, યુનાની સૈન્ય સામે ચટ્ટાનની માફક ઊભા થઈએ.
 
માત્ર આ એક વાક્યે રોમની જનતા પર જાણે જાદુ કર્યો. રોમ અને યુનાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને અજેય મનાતી યુનાની સેનાનો કારમો પરાજય થયો. આપણી સાથે પણ આવું જ થાય છે. જ્યારે આપણે આપણી શક્તિઓને ઓળખવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે આપણો આત્મવિશ્ર્વાસ ડગી જાય છે અને નાની નાની મુશ્કેલીઓ પણ પહાડ જેવી લાગવા માંડે છે અને આપણને લાગવા માંડે છે કે પરિસ્થિતિ સામે હથિયાર હેઠાં મૂકવા સિવાય આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. પરંતુ આપણને પ્રેરણાની - એક માત્ર તણખલાની – જરૂર હોય છે, જે ભડકો બની આપણી તમામ મુસીબતોને સ્વાહા કરી દે. આપણે આપણી અંદર છુપાયેલી શક્તિઓને જાગૃત કરવાની જરૂર માત્ર હોય છે.