અલ્પેશ ઠાકોરને લઇ ગુજરાતનાં રાજકારણમાં પરિવર્તનનાં એંધાણ, કહ્યું કોંગ્રેસના અનેક ધારાસભ્યો પક્ષપલટો કરી શકે છે

    ૨૮-મે-૨૦૧૯

 
 
 
રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બનાસકાંઠાનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને સાથે ધવલસિંહ ઝાલાએ આજે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે.. જોકે નીતિન પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે શું ચર્ચા થઈ તેની વાત જાહેર કરવામાં આવી નથી પણ એવો અંદાજ લગાવી શકાય કે ગુજરાતના રાજકરણમાં એક જોરદાર વળાંક આવવાનો છે.
 
30 મે પછી નરેન્દ્ર મોદીની નવી સરકારના શપથ ગ્રહણ બાદ ગુજરાતમાં વીજય રૂપાણી સરકારના મંત્રી મંડળમાં પણ મોટા પાયે ફેરફારો થાય એવી સક્રિયતા આજે જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપના ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. જેને પગલે પરબત પટેલ(બનાસકાંઠા), એચ.એસ.પટેલ(અમદાવાદ(પૂર્વ)), ભરતસિંહ ડાભી(પાટણ) અને રતનસિંહ(પંચમહાલ)એ ધારાસભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે. તો બીજી તરફ આજે ચાર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા આશા પટેલ, જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને રાઘવજી પટેલે ધારાસભ્યપદના શપથ લીધા છે.
 
મહત્વની વાત એ છે કે મંત્રી પરબત પટેલ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આ ખાલી પડેલા મંત્રીપદ માટે અલ્પેશ ઠાકોરથી લઈને અનેક નામ ચર્ચાઈ રહ્યા છે. જોકે આ માત્ર ચર્ચા છે. ભાજપ તરફથી કોઇ સત્તાવાર જાહેરાત થઈ નથી. આ બધી ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે આજે અલ્પેશ ઠાકોરે એપ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપમાં જોડવાના સંકેત આપ્યા અને એ પણ કહ્યું કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે છે.
 
આ ઉપરાંટ વર્તમાન મંત્રી મંડળમાં પણ ખાતા ફેરફાર થાય એવી શક્યતાઓ દેખાઇ રહી છે. ચર્ચા ચાલે છે કે પ્રદિપસિંહ જાડેજાની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભ પટેલના ખાતામાં પણ ફેરફાર થઇ શકે છે. મહત્વની વાત એ છે કે આ બાબતે માત્ર મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. સત્તાવાર કોઇ જાહેરાત થઈ નથી.