જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને નેશનલ કૉન્ફ્રેંસને સરખી સીટ મળી છે…શું હશે જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય?

    ૨૮-મે-૨૦૧૯



 

જમ્મુ-કાશ્મીરનું આ વખતનું પરિણામ કંઇક અલગ આવ્યું. વર્ષ ૨૦૧૪માં જે લોકસભાનું ઇલેક્શન થયું હતું તેમાં કુલ છ બેઠકોમાંથી ૩ ભાજપને અને ૩ પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી)ને મળી હતી. આ વખતે એટલે કે ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને કોઇ નુકસાન થયુ નથી, તેને તો તેની ત્રણ બેઠકો મળી જ છે પણ ૨૦૧૪માં બાકીની જે ત્રણ બેઠકો પીડીપીએ જીતી હતી તે હવે નેશનલ કોનફ્રેંન્સને (એનપી) મળી છે. અહીં ભાજપે જમ્મુ, ઉધમપુર અને લદ્દાખની બેઠક જીતી લીધી છે અને અનંતનાગ, શ્રીનગર અને બારામુલાની બેઠક એનસીએ જીતી લીધી છે, જે ૨૦૧૪માં પીડીપીએ જીતી હતી.

શ્રીનગરમાં એનસીના અધ્યક્ષ ફારૂક અબ્દુલા ઉમેદવાર હતા. તેની જીત અહીંથી લગભગ નક્કી જ લાગતી હતી પણ બારામુલામાં એનસીના અકબર લોન અને પીપલ્સ કૉન્ફ્રેંસના રાજા એજાજ વચ્ચે ભારે ટક્કર હતી. પણ અહીં અકબર લોન ૩૦ હજાર વોટથી જીતી ગયા છે.

રસપ્રદ પરિણામ એ રહ્યું કે જમ્મુ કશ્મીરની અનંતનાગ બેઠકે અપસેટ સર્જ્યો. અહીંથી પીડીપીની અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી હબૂબા મુફ્તીએ ચૂંટણી લડી હતી, જેને કારમી હાર મળી છે. અહીં તે ત્રીજા નંબરે રહી. એનસીના જસ્ટિસ હસૈનન મસૂદને ૪૦૧૮૦ મત મળ્યા અને વીજયી થયા. બીજા નંબરે કોંગ્રેસના ગુલામ અહમદ મીર રહ્યા અને ત્રીજા નંબરે મહબૂબા રહી. આ કારમી હાર પછી હાર સ્વીકારતા મહેબૂબાએ ટ્વીટર પર લખ્યું કે “લોકોને પોતાનો ગુસ્સો બતાવવનો હક છે.”

મહેબૂબા પોતાના જીવનમાં બીજીવાર હારી છે. મહત્વની વાત એ છે કે આ અનંતનાગ બેઠક પીડીપીનો ગઢ ગણાતી હતી. અહીં મહેબૂબાની જીત નક્કી જ હતી પણ આ વખતે પરિણામ અલગ આવ્યું. આ લોકોનો ગુસ્સો જ હતો. અલગાવવાદથી હવે કાશ્મીરની જનતા પણ નફરત કરે છે. એક તો જમ્મુ-કાશ્મીરમાં મતદાન ખૂબ ઓછું થયુ અને તેમાં પણ પીડીપીને એક પણ બેઠક ન મળી. આ મહેબૂબા માટે મનન અને ચિંતાનો સમય છે. આવું એટલા માટે કે અહીં જેટલા લોકોએ મતદાન કર્યું તે જાનના જોખમે કર્યું. મતદાન થયુ અને પીડીપીની વિરુધ્ધ થયું.

ભાજપ માટે શ્રીનગરમાં જીત અને તેની ત્રણય બેઠક સાચવાઈ ગઈ તે આનંદની વાત છે. તેમણે જે મુદ્દા સાથે અહીં ચૂંટણી લડી તે લોકોને પસંદ પડ્યા છે. રાષ્ટ્રવાદના મુદ્દા પર પહેલીવાર કેન્દ્રની ચૂંટણી લડવામાં આવી અને કાશ્મીરની જનતાએ અહીં ભાજપનો સ્વીકાર કર્યો.

હવે જ્યારે જમ્મુ કશ્મીરની છ બેઠક એનપી અને ભાજપમાં વહેચાઈ ગઈ છે ત્યારે જોવાનું રહ્યું કે જમ્મુ-કાશ્મીરનું ભાવિ કેવું રહેશે?