નરેન્દ્ર મોદી સરકારને નવેમ્બર ૨૦૨૦ સુધીમાં રાજ્યસભા પણ બહુમતી મળી જશે : રીપોર્ટ

    ૨૮-મે-૨૦૧૯   

 
 

નવેમ્બર ૨૦૨૦ પછી નરેન્દ્ર મોદી જે કરવું હશે તે કરી શકશે

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી ભાજપ માટે બીજુ લક્ષ્ય હવે રાજ્યસભા છે. અહીં હજુ પણ ભાજપને બહુમતી પ્રાપ્ત નથી. એક રીપોર્ટ પ્રમાણે ભાજપ નવેમ્બર ૨૦૨૦ સુધી સંસદના ઉપલાગૃહમાં એટલે કે રાજ્યસભામાં પણ બહુમતી પ્રાપ્ત કરી લેશે. જો આવું થઈ ગયું તો પછી નરેન્દ્ર મોદીને જે કામ કરવું હશે તે સરળતાથી કરી શકશે. અનેક મહત્વના બિલો તે પાસ કરાવી શકશે અને તેને દેશમાં લાગૂ પણ કરાવી શકશે.
 
જો આંકડા તરફ જોઇએ તો રાજ્યસભામાં કુલ ૨૪૫ સાંસદ હોય છે. જેમાથી ભાજપના ૭૩ સહીત એનડીએના ૧૦૨ સભ્યો છે. કોંગ્રેસ સહિત યુપીએના ૬૫ સભ્યો છે. આ ઉપરાંત અન્ય પક્ષોના ૭૩ સાભ્યો છે. બહુમતી માટે ૧૨૩ સભ્યોની જરૂર છે. એટલે અહીં કોઇની પાસે હાલ તો બહુમતી નથી. પણ આ રીપોર્ટ પ્રમાણે એનડીએ આગામી નવેમ્બર સુધીમાં આ બહુમતીનો ૧૨૩નો આંકડો પાર કરી શકે છે. હવે આ આકંડો કેવી રીતે પાર કરશે?
 
રાજ્યસભા એક સ્થાઈ ગૃહ છે જે ક્યારેય ભંગ થતું નથી. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે. દર બે વર્ષે રાજ્યસભાના ૧/૩ સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થાય છે અને આ બેઠકો પર ચૂંટણી યોજાય છે. આ વર્ષે રાજ્યસભામાંથી ૧૦ બેઠકો ખાલી થવાની છે અને આવતા વર્ષે બીજા ૭૨ જેટલા સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે. આમાંથી ૫૫ બેઠકો એપ્રિલમાં ખાલી થવાની છે. હવે આ બેઠક પર ભાજપને પોતાના સભ્યો મોકલવા માટે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે. આ ઉપરાંત નવેમ્બર ૨૦૨૦ સુધી ૧૪ રાજ્યોની ૭૫ રાજ્યસભાની બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ, ગુજરાત અને મધ્યપ્રદેશની બેઠકો પણ સામિલ છે. ગુજરાતની બેઠક જીતવા ગુજરાતમાં હલચલ શરૂ થઈ ગઈ છે. જો આવું ને આવું વાતાવરણ રહ્યું તો રાજ્યસભામાં પણ એનડીએની બહુમતી આવતી જણાય છે.
 
જો રાજ્યસભામાં બહુમતી આવી ગઈ તો મોદી સરકાર ગમે તે કરી શકે છે. તેમના અગત્યના બિલો જેવા કે ત્રિપલ તલાક બિલ, મોટરવાહન એક્ટ, સિટીજનશિપ બિલ, ભૂમિ અધિગ્રહણ બિલ રાજ્યસભામાંથી પાસ કરાવી શકે છે અને ૩૭૦ની નાબૂદી, ૩૫અને દૂર કરવી પણ શક્ય બની શકે છે. રામ મંદિર પણ બની શકે છે.