શ્રીમદ્ વલ્લભ મહાપ્રભુ

    ૦૩-મે-૨૦૧૯
 

 
 
(કલિયુગમાં શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના સ્થાપક અગ્નિનારાયણ - યજ્ઞનારાયણના ભૂતલ કૃષ્ણાવતાર)
મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના પ્રાગટ્યની અદ્ભુત કથા
આપણા વેદ, ઉપનિષદ તથા ધર્મશાસ્ત્રોમાં પરમાત્મા શક્તિ (ઈશ્ર્વર)ના હોવાપણા અંગે તથા આ શક્તિના સાર્મથ્યની સત્યતા અંગે શુદ્ધ તાર્કિક તથા વાસ્તવિક વર્ણનો છે. અસત્ય પર સત્યનો અર્થાત્ અધર્મ પર ધર્મના વિજય માટે આ ઈશ્ર્વરી શક્તિ અનેક સ્વરૂપે ચારે યુગમાં પ્રગટી છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ, રામાયણમાં શ્રીરામની જેમ અનેક અવતારી મહાપુરુષોએ અવતાર ધારણ કર્યાં છે. સતયુગમાં દેવાસુર મહાસંગ્રામ, ત્રેતાયુગમાં રામ-રાવણ યુદ્ધ તથા દ્વાપરમાં મહાભારતના યુદ્ધનું વર્ણન છે. પણ હાલ કલિયુગમાં કર્મ અને ભક્તિમાર્ગમાં સત્યની આરાધના માટે સૈદ્ધાંતિક-વૈચારિક યુદ્ધો ખેલાયાં છે, જેમાંથી અનેક સિદ્ધાંતો જેવા કે અદ્વૈત, દ્વૈત તથા શુદ્ધાદ્વૈત વગેરે વિચારધારાઓને પ્રસ્થાપિત કરવા અવતારી મહાપુરુષોનું પ્રાગટ્ય થયું છે, જેમ કે અદ્વૈત સિદ્ધાંત માટે આદ્યગુરુ શંકરાચાર્યજીનું પ્રાગટ્ય થયું. આ પ્રમાણે શુદ્ધાદ્વૈત સિદ્ધાંતની સ્થાપના માટે શ્રીમદ્ વલ્લભ મહાપ્રભુનું પ્રાગટ્ય અદ્ભુત છે.
 
કલિયુગમાં આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક માર્ગે તમામ પ્રકારનાં દુ:ખ, વિષાદ તથા સંશયોના નિવારણ માટે તથા પરમશાંતિની પ્રાપ્તિ માટે શ્રીકૃષ્ણનારાયણને શ્રેષ્ઠ ગણાવતા પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી વૈષ્ણવો માટે તથા સર્વ માટે પૂજનીય રહ્યા છે.
 
મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનો જન્મ ચૈત્ર વદ અગિયારસે સંવત ૧૫૩૫ (ઈ.સ. ૧૪૭૯)માં થયો હતો. કેટલાકના મતે એમની જન્મસાલ સંવત ૧૫૨૯ (ઈ.સ. ૧૪૭૩) પણ છે. મધ્યપ્રદેશમાં રાયપુર પાસે આવેલા ચંપારણ્યમાં શિવા-હરડેના વૃક્ષ નીચે માતા ઇલ્લમાગારુની કૂખે શ્રીમદ્ વલ્લભ મહાપ્રભુનું પ્રાગટ્ય થયું હતું.
 
તેલંગ પ્રદેશ (આન્ધ્રપ્રદેશ)માં વ્યોમ સ્તંભ નામે પર્વતની પાસે કૃષ્ણા નદીની દક્ષિણે કાકરવાડ નામનું નગર હતું. ભારદ્વાજ ગોત્રી બ્રાહ્મણ શ્રી લક્ષ્મણ ભટ્ટજી તથા પત્ની ઇલ્લમાગુરુ તેમના પૂર્વજોની ગોપાલકૃષ્ણ સેવા ભક્તિ - પીઠમાં કૃષ્ણભક્તિમાં સદાયે લીન રહેતા હતા. એક સમયે યજુર્વેદી લક્ષ્મણ ભટ્ટજી યજ્ઞયાગ માટે પત્ની ઇલ્લમાગારુ તથા અન્ય બ્રાહ્મણો સાથે કાશી ગયા હતા. કાશીમાં ભયનું વાતાવરણ હતું તેથી યજ્ઞ કર્યા વિના કાકરવાડ તરફ પ્રયાણ કર્યું. ત્યાંથી દક્ષિણ ભારત પાછા ફરતી વખતે ચંપારણ્યમાંથી પસાર થતાં મહાપ્રભુ પ્રગટ્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટ તથા પત્ની ઇલ્લમાગારુને આ બાળક જીવંત નથી એમ માની તેને હરડેના વૃક્ષની બખોલમાં મૂકી દીધું. બંને પતિ-પત્ની બ્રાહ્મણોની સંગાથે આગળ ચાલવા માંડ્યા. રસ્તામાં એવા વાવડ મળ્યા કે કાશીમાં હવે કોઈ ભય નથી. યજ્ઞ પાર પડશે તેવું માની શ્રી લક્ષ્મણ ભટ્ટજી જે માર્ગે પરત ફરતા હતા તે જ માર્ગે પુન: કાશી તરફ પોતાના કાફલા સાથે પ્રયાણ કર્યું. પત્ની ઇલ્લમાગારુએ જે બાળકને જન્મ આપ્યો હતો તે હરડેના ઝાડની બખોલમાં મૃત સમજી ત્યજેલા બાળકને અગ્નિથી રક્ષાયેલ જોઈ આશ્ર્ચર્ય થયું. પોતાનો જીવંત પુત્ર અગ્નિનારાયણથી રક્ષાયેલ છે તે જોઈ શ્રી ભટ્ટ તથા પત્ની આનંદથી ભાવવિભોર થયાં. આ તેમનું ચોથું સંતાન હતું. માતા આ બાળકને ખોળામાં લે છે. સર્વત્ર આનંદ છવાયો છે. પિતા શ્રી લક્ષ્મણ બાળકને લઈ કાશીમાં યજ્ઞ પૂરો કરી પુન: દક્ષિણમાં કાકરવાડ પધારે છે. કાકરવાડ બાળ મહાપ્રભુનો ઉછેર તથા લાલનપાલન થાય છે. મહાપ્રભુ શ્રી વલ્લભનું પ્રાગટ્ય અગ્નિથી રક્ષાયેલ હોવાથી વલ્લભાચાર્યને અગ્નિનો અવતાર - વૈશ્ર્વાનરાચાર્ય પણ કહે છે. ઋગ્વેદમાં ‘અગ્નિમીડે પુરોહિતમ્’ મંત્રમાં અગ્નિની સ્તુતિ બતાવી છે. તે લૌકિકાગ્નિની સ્તુતિ નથી, પણ સાક્ષાત્ દેવતારૂપ અગ્નિનારાયણની સ્તુતિ છે. આમ કલિયુગમાં શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના સ્થાપક શ્રીમદ્ વલ્લભ મહાપ્રભુ અગ્નિનારાયણ - યજ્ઞનારાયણના ભૂતલ કૃષ્ણાવતાર તરીકે પૂજાય છે.
ભારતમાં શ્રી મહાપ્રભુજીની ૮૪ બેઠકોનું માહાત્મ્ય
શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ શ્રી વલ્લભને આઠ વર્ષની ઉંમરે જનોઈ આપી. આ અગાઉ નાનપણથી તેમણે સંસ્કૃત ભાષામાં વેદ-ઉપનિષદ તથા ગ્રંથોના સાર રૂપ મંત્રો કંઠસ્થ કર્યા હતા.
 
કાશીમાં શ્રી વલ્લભે વેદ, સંસ્કૃત વ્યાકરણ તથા ન્યાયાદિ દર્શનનો સંપૂર્ણ અભ્યાસ કરી માત્ર બાર વર્ષની ઉંમરે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. બાળપણમાં માતાના વૈકુંઠવાસ પછી પિતાનો પણ વૈકુંઠવાસ થયો તેથી તેઓ પોતાને મોસાળ વિજયનગર ગયા. ત્યાં શાસ્ત્રોનો પુન: અભ્યાસ કરી ઈશ્ર્વર અંગેના સિદ્ધાંત-શુદ્ધાદ્વૈતની પ્રાથમિક-મનોભૂમિકા બાંધી. તેઓ ગોકુળ, મથુરા અને ઉજ્જયિનીની યાત્રા કરી પુન: કાશીમાં સ્થિર થયા. ત્રીસ વર્ષની ઉંમરે કાશીના દેવન ભટ્ટની ક્ધયા મહાલક્ષ્મી સાથે લગ્ન થયાં. લગ્ન પછી નવ વર્ષ સુધી દેશનાં જુદાં જુદાં તીર્થોમાં ભ્રમણ કરી પોતાનો કૃષ્ણભક્તિનો પુષ્ટિમાર્ગ-શુદ્ધાદ્વૈતનો પ્રચાર કર્યા. તેમણે આ તીર્થસ્થાનોમાં ભાગવત પારાયણ કર્યાં તેમણે જે સ્થળોએ ભાગવત પારાયણ કર્યાં હતાં ત્યાં પુષ્ટિમાર્ગની બેઠકો સ્થાપિત થઈ જે શ્રી મહાપ્રભુજીની બેઠક તરીકે પ્રસિદ્ધ થઈ હતી. આપણા દેશમાં શ્રી વલ્લભાચાર્યજીએ જે પારાયણ કર્યાં હતાં તેવાં ૮૪ સ્થાનો પર આવી શ્રી મહાપ્રભુજીની બેઠકો છે. જ્યાં હાલમાં જન્માષ્ટમી, હોળી-ધુળેટી (રંગોત્સવ) તથા વસંતોત્સવો જેવા ઉત્સવો ધામધૂમથી યોજાય છે. શ્રીકૃષ્ણ - વિષ્ણુભક્તો માટે આ ૮૪ શ્રી મહાપ્રભુજીની બેઠકો યાત્રાધામ રહ્યાં છે. જ્યાં શ્રીકૃષ્ણ શરણં મમ્ ના મંત્રજાપથી જીવન શાંતિ મળે છે.
શ્રી વલ્લભાચાર્યજીનો ઉપદેશ ધાર્મિક ગ્રંથ - સાહિત્યનું નિર્માણ
ભારતમાં ધર્મસંસદો, ધર્મચર્ચાઓ તથા શાસ્ત્રાર્થોનો સિલસિલો પુરાતનકાળથી પ્રવાહિત છે. વિશ્ર્વમાં ધર્મની સમજૂતી તથા આત્મા, પરમાત્મા (ઈશ્ર્વરીય શક્તિ) અંગેનું પ્રચુર જ્ઞાન આ ચર્ચાઓ તથા શાસ્ત્રાર્થોમાંથી સત્ય સ્વ‚પે પ્રગટ્યું છે. તે અનુસંધાને મુખ્યત્વે કાશી-પ્રાચીન નગરી ધર્મનગરી ગણાતી હતી. અહીં વેદ, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્ર જેવા અનેક વિષયો અંગે વિદ્વાન-પંડિતો એકબીજાનાં મંતવ્યોનું સમર્થન તથા ખંડન કરતા. મુખ્યત્વે દ્વૈત-અદ્વૈત સિદ્ધાંતોનું ખંડનમંડન થતું. વિદ્વાનોમાં કલિયુગકાળમાં વાક્યુદ્ધ થતા. આ ઝઘડાના નિવારણ માટે શ્રી વલ્લભાચાર્યજીએ શુદ્ધ અદ્વૈત સિદ્ધાંતનો ઉપદેશ આપ્યો. તેમણે જીવોના ઉદ્ધારનો માર્ગ સૂચવ્યો. ૧૫૫૦માં ગોકુલમાં સ્વયં પ્રભુએ ઉપદેશ આપતાં કહ્યું, ‘જીવનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી એના બધા દોષોનો નાશ થાય છે. બધું ભગવાનને સમર્પણ કરવું અને સમર્પણ નહીં કરેલી વસ્તુનો ત્યાગ કરવો. બ્રહ્મ નિરાકાર છે, પણ સાકાર આનંદસ્વ‚પે છે. જગત અને જીવન બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે. તેઓ સૃષ્ટિના અભિન્ન અંશ છે. જીવ શુદ્ધ નિર્ગુણ બ્રહ્મનો અંશ છે. તેણે સર્વવ્યાપક મહદંશને પામવાનો છે. બ્રહ્મ સત્ય છે તેમ જગત પણ સત્ય છે. હું પ્રભુનો દાસ છું એ ભાવથી તન, મન અને ધનથી પ્રભુની સેવા કરાય તો અહંતાનો નાશ થાય છે અને સંસારની માયામાંથી મુક્તિ મળે છે.’ શ્રી વલ્લભાચાર્યએ સાડા સાત શ્ર્લોકોમાં ‘સિદ્ધાંત રહસ્ય’ ગ્રંથની રચના કરી છે.
 
શ્રી વલ્લભાચાર્યજીએ કર્મ અને જ્ઞાનની સાથે ભક્તિને પણ શ્રેષ્ઠ ગણી છે. શ્રી મહાપ્રભુએ શિષ્ય ગોવિંદ દુબેના મનની વ્યગ્રતા દૂર કરવા જે નવ શ્ર્લોકો લખી મોકલ્યા હતા તેનો મર્મ તથા શાસ્ત્રાર્થ અદ્ભુત છે.
‘બુદ્ધિપ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મ પ્રસીદતું !’
 
કૃષ્ણ મારી બુદ્ધિના પ્રેરક છે, એમના ચરણકમળની મારા પર કૃપા થાઓ ! મહાપ્રભુજીએ આવા સોળ ગ્રંથોની રચના કરી છે.
શ્રી વલ્લભ મહાપ્રભુએ યમુના નદી-તીર્થસ્થાનોએ ઉપદેશ આપતાં ‘યમુનાષ્ટક’ની રચના કરી. તેમણે શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. સકલ સિદ્ધિદા યમુનાજી મનને સુખ આપે છે, યમનો ભય ટાળે છે.
 
મમાસ્તુ તવ સન્નિધો, તનુનવત્વમૈતાવતા
ન દુર્લભતમાં રતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે ॥
અતોસ્તુ તવ લાલના, સુરધુની પરં સંગમાત્
તવૈવ ભુવિ કીર્તિતા, ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતૈ: ॥