ક્યાંક તમે પણ આવું વાસી ભોજન ખાઈ રહ્યા નથી ને ?

    ૩૦-મે-૨૦૧૯

 
 
એક દિવસ એક ખાનદાની શેઠે ભગવાન બુદ્ધને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું. બુદ્ધે તેમના આગ્રહનો સહર્ષ સ્વીકાર કર્યો. જો કે તેમના શિષ્યોએ શેઠને સૂચના આપી કે, તથાગત માત્ર તાજું ભોજન ગ્રહણ કરે છે. શેઠે ખુશી-ખુશી એ વાતને સ્વીકારી લીધી. નિયત સમયે ભગવાન બુદ્ધ શિષ્યો સહિત શેઠની હવેલી પર પધાર્યા. શેઠે ખૂબ જ આદર-સન્માનપૂર્વક બુદ્ધના ચરણ ધોઈ આસન આપ્યા બાદ જણાવ્યું. ભગવાનની દયાથી અમારા વડવા અમારા માટે એટલું બધું મૂકતા ગયા છે કે, અમારે કમાવાની જ‚ર જ નથી. અમારી આગલી સાત પેઢી બેઠાં-બેઠાં ખાય તોય ખૂટે નહીં એટલી બધી સંપત્તિ અમારી પાસે છે. વાતચીતના થોડા સમય બાદ સૌના માટે ભોજન પીરસાયું, પરંતુ ભોજન સામે આવતાંની સાથે જ બુદ્ધે કહ્યું, ‘વત્સ, તને જણાવી દેવામાં આવ્યું હતું કે, અમે માત્ર તાજું ભોજન જ ગ્રહણ કરીએ છીએ.’ આ તો વાસી ભોજન છે. તેનો સ્વીકાર અમે ન કરી શકીએ. પેલા શેઠે હાથ જોડતાં કહ્યું, ‘પ્રભુ, કલાકોની મહેનત બાદ આ ભોજન તૈયાર થયું છે. તમે આને વાસી કેમ કહી રહ્યા છો ?’ ભગવાન બુદ્ધે ગંભીરતાથી જવાબ આપ્યો, ‘કારણ કે આમાં તારી કશી જ મહેનત નથી. તારા વડવાઓની મહેનતના ધનમાંથી આ ભોજન બન્યું છે. જે દિવસે તારી ખુદની મહેનતથી કમાયેલા ધનમાંથી ભોજન બનશે તે જ ભોજન તાજું કહેવાશે અને તે દિવસે હું ખુશી ખુશી તમારું ભોજન ગ્રહણ કરીશ.’ આટલું કહી બુદ્ધ ભોજન કર્યા વગર ઊઠી ગયા.