નમોના નેતૃત્વ હેઠળનું નવું સમૃદ્ધ, સલામત અને શક્તિમાન ભારત બની શકશે વિશ્વગુરૂ!

    ૩૦-મે-૨૦૧૯

 

ભારતના નવા યુગના આરંભ 

 
પ્રચંડ બહુમતી સાથે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની સત્તાવાપસીએ ભારતના આમ નાગરિકમાં નવા ઉમંગ, ઉત્સાહ તથા ઊર્જાનો સંચાર થયો છે અને નવા ભારતનું ‚પાળું સ્વપ્ન સાકાર થતું તેને દેખાવા લાગ્યું છે. વાસ્તવમાં નરેન્દ્ર મોદીની સત્તાવાપસી એ ભારતના નવા યુગના આરંભનો શુભ સંકેત પણ છે. ૨૦૧૪થી ૨૦૧૯ના નરેન્દ્ર મોદીના સમાપ્ત થતા શાસનના જે અનુભવો રહ્યા છે તેણે આમ નાગરિકમાં હવે એવી શ્રદ્ધા તથા વિશ્ર્વાસ જન્માવ્યો છે.
 

ભારત હવે બનશે પૂર્ણ વિકસિત દેશ 

 
આગામી પાંચ વર્ષો એવા નવયુગનો સંગીન પાયો નાખશે કે જેને પરિણામો ભારત વિકસિત દેશની સૂચિમાંથી બહાર નીકળી પૂર્ણ વિકાસ પામેલા દેશના ધ્યેયને પ્રાપ્ત કરવામાં હરણફાળ ભરી રહ્યો હશે. છેલ્લા બે દાયકાઓ દરમિયાન લડાયેલી તમામ ચૂંટણીઓમાં તમામ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરાઓમાં વીજળી, પાણી અને સડક જેવી પ્રાથમિક સુવિધાઓની હૈયાધારણ આપતા રહ્યા હતા. આ ઉપરાંત રોજગારી તથા કૃષિક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસનાં વચનો આપતા રહ્યા હતા. આ ઉપરાંત ભ્રષ્ટાચાર તથા મોંઘવારી જેવા મુદ્દાઓ ચૂંટણીઓમાં અગ્રસ્થાને ચર્ચાતા રહ્યા હતા.
હવે ૨૦૧૯ની ચૂંટણીમાં આવેલા એક પરિવર્તન પર નજર કરવી રહી. આ ચૂંટણીમાં વીજળી, પાણી કે સડક જેવા વર્ષોથી ચૂંટણીઓમાં અગ્રસ્થાને ચર્ચાતા મુદ્દાઓ સાવ અદૃશ્ય રહ્યા હતા. કારણ ? છેલ્લાં પાંચ વર્ષોના નરેન્દ્ર મોદીના શાસને ભારતનાં તમામ ગામો સુધી વીજળી પહોંચાડી દીધી છે અને પાણી તથા સડકના પ્રશ્ર્નો પણ ઉકેલી નાખ્યા છે. એ જ રીતે આ ચૂંટણીમાં ભ્રષ્ટાચાર કે મોંઘવારીના મુદ્દાઓ અગ્રસ્થાને રહી શક્યા નહીં. આ નવી વાસ્તવિકતાઓ એ વાતની પ્રતીતિ કરાવે છે કે વીજળી, પાણી અને સડક જેવી બુનિયાદી સમસ્યાનો ઉકેલ આવી ચૂક્યો છે અને તે ઉપરાંત જ્યારે આ સરકાર કિસાનોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો પોતાનો સંકલ્પ ઘોષિત કરી ચૂકી છે અને આ જ વર્ષે તમામ ભારતીય નાગરિકોને પોતાનાં ઘરો હશે એવો પોતાનો સંકલ્પ દૃઢતાપૂર્વક દોહરાવતી રહી છે ત્યારે બુનિયાદી જ‚રિયાતોનું લગભગ પૂર્ણ સમાધાન થઈ ગયું હશે.
 

 
 

ભારતે આગામી પાંચ વર્ષોમાં સંગીન અર્થવ્યવસ્થાનો મજબૂત પાયો નાંખવો પડશે

 
આ પરિપ્રેક્ષ્યમાં ૨૦૧૯-૨૦૨૪નું નવું ભારત કયા સ્વરૂપે આકાર લેશે ? પરમાણુ શસ્ત્રો કે સંગીન લશ્કરી તાકાત દેશની સુરક્ષા માટે જરૂરી હોય છે, પરંતુ માત્ર શસ્ત્રો અને લશ્કરી સરંજામોથી શાંતિ, સ્થિરતા કે સલામતી રાષ્ટ્રને સાંપડતી નથી અને આવું જ હોત તો ૧૯૮૦ના સોવિયેત સંઘનું વિસર્જન ન થયું હોત. આંશિક ક્ષમતા વગર કોઈ પણ દેશ પછી તે લશ્કરી રીતે ગમે તેટલો સજ્જ હોય તો પણ શાંતિ, સ્થિરતા અને સલામતી હાંસલ કરી શકતો નથી. ભારતે આગામી પાંચ વર્ષોમાં સંગીન અર્થવ્યવસ્થાનો મજબૂત પાયો નાંખવો પડશે. અલબત્ત અત્યારે ભારતનું અર્થતંત્ર વિશ્ર્વનું સૌથી તેજગતિથી દોડતું અર્થતંત્ર છે અને ૭.૨ના વિકાસદર સાથે તે વિશ્ર્વની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા બની ચૂકી છે અને ગયા વર્ષે ફ્રાન્સને પાછળ પાડી તે આ સ્થાને પહોંચી ગયું છે. અર્થશાસ્ત્રના પંડિતોનું કહેવું છે કે આગામી વર્ષમાં ભારત વિશ્ર્વ-વ્યવસ્થામાં પાંચમા સ્થાને રહેલા બ્રિટનને પાછળ રાખી પાંચમા સ્થાને પહોંચી જશે. વિશ્ર્વભરના આર્થિક પંડિતોનાં અનુમાનો છે કે ૨૦૫૦ સુધીમાં ભારત, અમેરિકા અને ચીન પછીની ત્રીજી સૌથી મોટી વિશ્ર્વ-અર્થવ્યવસ્થા હશે, હવે આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભારતે ૨૦૧૯-૨૦૨૪નાં વર્ષોમાં પોતાની કમર કસવી પડવાની છે.
 

આ ભારત કોઇની રક્ષા-ઢાલથી બચતું ભારત રહ્યું નથી

 
૨૧મી સદીનું જે ભારત આકાર લઈ રહ્યું છે તે ગઈ સદીમાં અમેરિકાના ઘઉં પર નભતું કે કાશ્મીર સમસ્યામાં અમેરિકા અને પાકિસ્તાનનાં દબાણો આગળ સોવિયેત સંઘની રક્ષા-ઢાલથી બચતું ભારત રહ્યું નથી. કૃષિક્ષેત્રે ક્રાંતિ સર્જી ભારત હવે નવી કૃષિક્રાંતિની તૈયારી કરી રહ્યું છે, તેના અન્નભંડારો ભરેલા છે અને અફઘાનિસ્તાન જેવા પોતાના મિત્રને તાજેતરમાં ૫૦ લાખ ટન ઘઉંની જે નિ:શુલ્ક સહાય પૂરી પાડી હતી તે તેની અન્નસમૃદ્ધિનું દૃષ્ટાંત છે. તો ગઈ સદીનું અમેરિકાના દબાણોનો સામનો કરી રહેલું ભારત હવે તેની સામે આંખમાં આંખ મિલાવીને જોવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લીધું છે. ટૂંકમાં ભારત દક્ષિણ-પૂર્વ એશિયાની પ્રમુખ સત્તા તરીકે વિશ્ર્વભરમાં માન્ય થઈ ચૂક્યું છે. વિશ્ર્વના રંગમંચ પર જે નવી પરિસ્થિતિઓ આકાર લઈ રહી છે અને જે નવા ખેલાડીઓ વિશ્ર્વમંચ પર કદમ માંડી રહ્યા છે તેમાં ભારત અગ્રસ્થાને છે. ભારતે રાષ્ટ્રસંઘના પાંચ વિટો-પાવર ધરાવતા દેશો જેવા કે અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ કે ચીનના જેવું સ્થાન હાંસલ કર્યંુ નથી, પરંતુ નવા વિશ્ર્વમાં જાપાન, જર્મની, બ્રાઝિલ જેવા દેશોની જેમ ભારત પણ અગ્રિમ હરોળમાં પહોંચી ગયું છે અને પરિણામે જી-૨૦ કે જી-૭ જેવા મંચો પર ભારતને માનભર્યંુ સ્થાન મળવા લાગ્યું છે. ટૂંકમાં ભારત હવે માત્ર દક્ષિણ-પૂર્વ એશિયાની મહાસત્તા નથી, પરંતુ વિશ્ર્વની એક મહત્ત્વની સત્તા બની રહી છે. દરમિયાન આ સ્થાને પહોંચાડવામાં નરેન્દ્ર મોદીના છેલ્લાં પાંચ વર્ષોના પ્રયાસોની નોંધ લેવી રહી અને પરિણામે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે ચીનના રાષ્ટ્રપતિ જીન પિંગ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સાથોસાથ હવે નરેન્દ્ર મોદીની ગણના વિશ્ર્વના રાજપુરુષ તરીકે થવા લાગી છે અને આગામી પાંચ વર્ષો દરમિયાન ભારતનું આ સ્થાન વધુ મજબૂત થતું રહેવાનું છે.
 

 
 

તો જ ભારત વિશ્ર્વના અન્ય દેશો સામે ટક્કર લઈ શકશે

 
ભારત આર્થિક રીતે મજબૂત રાષ્ટ્ર બને કે વિશ્ર્વસત્તા બને તેના મૂળમાં તેના નાગરિકનો વિકાસ રહેલો છે. ૧૭મી-૧૮મી સદીમાં પશ્ર્ચિમી રાષ્ટ્રો ઔદ્યોગિક ક્રાંતિનો લાભ લઈ સમૃદ્ધિ ટોચે પહોંચી શક્યા હતા. કારણ કે તેઓ પારો વિશ્ર્વકક્ષાની શિક્ષણસંસ્થાઓ હતી. ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ અથવા તો હાર્વર્ડ જેવી વિદ્યાપીઠો એ જ્ઞાનની ગંગા વહેવડાવી એવા સમર્થ વિદ્વાનો પેદા કર્યા કે તેઓએ સમગ્ર વિશ્ર્વનો નકશો પોતાના જ્ઞાન-વિજ્ઞાનને બળે બદલી નાંખ્યો. ભારતે વિશ્ર્વસત્તા બનવા માટે આવાં શ્રેષ્ઠ વિદ્યાકેન્દ્રો ઊભાં કરવા પડશે. અલબત્ત, આપણી આઈ.આઈ.ટી. જેવી સંસ્થાએ વિશ્ર્વભરમાં નામના પ્રાપ્ત કરી છે અને ઇન્ફર્મેશન ક્ષેત્રે (આઈ.ટી. ક્ષેત્રે) વિશ્ર્વભરમાં પોતાનો ડંકો બજાવ્યો છે અને તેવું જ અંતરિક્ષ ક્ષેત્રે ભારતે કરી બતાવ્યું છે. જ્ઞાનની આ વિકાસકૂચ આગળ સતત વધારે રાખવી પડશે અને તો જ ભારત વિશ્ર્વના અન્ય દેશો સામે ટક્કર લઈ શકશે. ભૂતકાળના ભારતમાં જેમ તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠો હતી તેવી શિક્ષણસંસ્થાઓ જ્ઞાન, સમૃદ્ધિ અને શક્તિનું વરદાન બની રહેશે. નવા ભારતે આ દિશામાં સઘન પ્રયાસો જારી રાખવા પડવાના છે.
 
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું ૨૦૧૯-૨૦૨૪નું ભારત સમૃદ્ધ, સલામત અને શક્તિશાળી હશે તેવી આમ નાગરિકની આકાંક્ષા અને આશા છે. આ નવું ભારત આતંકવાદ કે સીમા પારથી આવતી હિંસાખોરીનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ હશે, પરંતુ આ સાથે સમૃદ્ધ, સલામત અને શક્તિશાળી ભારત અન્ય કોઈ રાષ્ટ્ર કે પડોશી માટે ભય‚પ પણ નહીં હોય અને ગાંધી-બુદ્ધનો આ દેશ સૌ માટે શાંતિ અને પ્રેમનું ઝરણું બની રહેશે.
 

- વિદ્યુત ઠાકર