પેપ્સિકોએ ગુજરાતના ખેડૂતો પર કરેલો કેસ પાછો ખેંચ્યો, તેને ખબર છે આ તેને ભારી પડી શકે છે!

    ૦૪-મે-૨૦૧૯   



 

ગુજરાતમાં બટાકા ઉગાડતા ખેડૂતોની સામે પેપ્સિકો કંપનીએ કરેલો કેસ ગઈ કાલે અચાનક તેણે પાછો ખેંચી લીધો છે. આવું તેણે કેમ કર્યું તે વિચારવા જેવું છે!

શું હતો આ કેસ?

આ કેસ પાછળની ઘટના એવી છે કે પેપ્સિકો એક આતંરરાષ્ટ્રીય કંપની છે. જે ઠંડા પીણા, બટેકાની વેફર અને અન્ય ખાદ્ય પદાર્થ બનાવી વેંચે છે. હવે આ કંપનીએ એક સ્પેશિયલ પ્રકારના બટેકા ઉગાડવાની પેટન્ટ લઈ રાખી છે. આ બટેકા એવા છે જેમાં ભેજ ઓછો હોય છે અને તેને તળવાથી તેની ચિપ્સ કાળી પડતી નથી. આ સ્પેશિયલ બટેકાનું નામ છે એફસી-૫. હવે આ કંપની એક ચોક્કસ કરાર હેઠળ દેશના ખેડૂતો પાસે આ બટેકાનું ઉત્પાદન કરાવે છે. સીધી ભાષામાં સમજીએ તો આ કંપની આ બટેકાના બીજ તેની સાથે જોડાયેલા ખેડૂતોને આપે છે. ખેડૂત તે પોતાના ખેતરમાં ઉગાડે છે, અને પછી અમૂક નક્કી કરેલી કિંમતમાં (સાવ નજીવી કીમતે) આ કંપની ખેડૂત પાસેથી બટેકા ખરીદી લે. કરાર પ્રમાણે ખેડૂત નક્કી કરેલા ભાવે જ આ કંપનીને બટેકા આપશે અને અન્ય કોઇ કંપનીને ખેડૂત બટેકા વેંચી શકશે નહી.

હવે થયું એવું કે પેપ્સિકોને જાણ થઈકે કંપનીથી છુપાવીને ગુજરાતમાં કેટલાક ખેડૂતો આ બટેકાની ખેતી કરે છે. એટલે પેપ્સિકોએ ગુજરાતના કેટલાંક ખેડૂતોના ખેતરમાંથી બટેકા ભેગા કર્યા અને તેની તપાસ કરાવી. કથિત રીતે થયેલી આ તપાસમાં ગુજરાતના ૧૧ જેટલા ખેડૂતો પેપ્સિકો માટે આરોપી લાગ્યા અને તેણે આ ૧૧ ખેડૂતો પર કેસ થોકી દીધો અને બનાસકાંઠાના ૪ ખેડૂતો પાસે તો ૧-૧ કરોડનું વળતર પણ માગ્યું.

 

 

આ ખેડૂતો પાસે એફસી-૫ની જાતના બીજ કેવી રીતે આવ્યા?

પેપ્સિકોએ તપાસ કરાવી જેમાં તેના મતે સાબિત થયું કે ગુજરાતના આ ખેડૂતો તેની પેટન્ટના બટેકા તેની પરવાનગી વીના ઉગાડી રહ્યાં છે. આ માટે આ ખેડૂતો પાસે બીજ ક્યાંથી આવ્યા તો એવું કહેવાય છે કે આ બીજ પંજાબથી આવ્યા છે. પંજાબમાં કેટલાંક ખેડૂતો આ કંપનીના બટેકા ઉગાડે છે. પંજાબના આ ખેડૂતોએ કંપનીની જાણ બહાર આ બટેકાના બીજ ગુજરાતના ખેડૂતોને વેચી દીધા અને એ બીજ ગુજરાતમાં આવી ગયા.

હવે કંપનીનો આરોપ છે કે આ બટેકાની પેટન્ટ કંપની પાસે છે. ચીપ્સ-વેફર બનાવવા કંપનીએ સંશોધન કરી આ સ્પેશિયલ પ્રકારના બટેકાની શોધ કરી છે માટે તેનું ઉત્પાદન કરવાનો અધિકાર તેમનો જ છે. આ ખેડૂતોએ તેમની જાણ બહાર આ બટેકાના બીજ ખરીદી તેનું ઉત્પાદન કરતા તેમણે બૌદ્ધિક સાંપદા અધિકારોનુ હનન કર્યું છે.

ક્યાં કેસ કર્યો પેપ્સિકોએ?

પેપ્સિકોએ આ માટે ગુજરાતના અમદાવાદની વ્યવસાહિક અદાલતમાં કેસ કર્યો હતો. આ કેસમાં કંપનીએ તરત આ ખેડૂતો આ બટેકાનું ઉત્પાદન બંધ કરે તેવી માંગણી કરી છે. ઉપરાંત સાબરકાંઠાના ૪ ખેડૂતો પર તેની બૌદ્ધિક સંપદા અધિકારોના હનન બદલ દરેક ખેડૂત પાસેથી ૧.૦૫ કરોડનું વળતર પણ માગ્યું હતું. નવાઇની વાત એ છે કે આ અદાલતે ખેડૂતોની વિરુધ્ધ ચૂકાદો પણ આપી દીધો હવે આગામી ૧૨ જૂને આ કેસની સુનાવણી થવાની છે.

 

 

કંપનીએ કેમ કેસ પાછો લીધો?

મજાની વાત એ છે કે પેપ્સિકો આટલું લડયા પછી ૨ મેના રોજ એક જાહેરાત કરે છે. જાહેરાત એવી કરે છે કે ખેડૂતો પર અમે કરેલો કેસ અમે પાછો લઈએ છીએ. કંપનીના કહેવા પ્રમાણે ગયા ગુરૂવારે કંપનીના પ્રતિનિધિઓએ ગુજરાતના સચિવ જે.એન.સિંઘ સાથે એક બેઠક કરી હતી અને બેઠક બાદ કંપનીએ આ કેસ પાછો લેવાનો નિર્ણય દીધો છે.

સવાલ એ છે કે આ બેઠક બાદ કંપનીએ કેસ કેમ પાછો લેવાની વાત કરી. ઉલ્લેખનીય વાત એ છે કે બૌદ્ધિક સંપદાના કાયદાઓના જાણકારોનું કહેવું છે કે કંપનીનું આવું વલણ યોગ્ય નથી. આ તો થીક પણ ભારતમાં આમ પણ અનેક જગ્યાએ પેપ્સિકો કંપનીની વસ્તુઓનો વિરોધ ચાલી રહ્યો છે. એવામાં તેણે ખેડૂતો પર કેસ પણ કર્યો. આ કેસથી માત્ર ગુજરાતના જ નહી પણ દેશભરના ખેડૂતોના મનમાં પેપ્સિકો વિરુધ્ રોષ જાગ્યો છે. દેશની જનતા પણ પેપ્સિકોની વિરુધ્ધ થોડે અંશે આ સંદર્ભે થઈ છે. જે સોશિયલ મીડિયા પર પણ દેખાય રહ્યું છે. દેશમાં પેપ્સિકોની વસ્તુનો બહિસ્કાર કરવાની માંગ પણ ક્યાંક થઈ છે. આ બધું જોઇને કંપની થોડી હલી ગઈ છે. ખેડૂતો પર કરેલા કેસની ભૂલ તેને થોડાક જ દિવસોમાં સમજાવા લાગી છે અને તેણે ખેડૂતો સામે કરેલા કેસ તેની મુદત આવે તે પહેલા જ પાછા ખેંચી લેવાની વાત કરી છે.

કિસાન સંધનું શું કહેવું છે?

આ સંદર્ભે કિસાન સંઘે પણ એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે પેપ્સિકો ખેડૂતો સામે બિનશરતી કેસ પાછો ખેંચે તો જ તેને માન્ય ગણશું. નહિતર કંપની ગમે ત્યારે પોતાના આ બયાનથી ફરી શકે છે. કિસાન સંઘનું કહેવું છે કે આવી બહુરાષ્ટ્રીય કંપની હંમેશાં કિસાનોનું શોષણ કરે છે. હાલ તો પડદો પડી ગયો એવું લાગે છે પણ સરકારે અને લોકોએ આ માટે હંમેશાં જાગૃત રહેવું પડશે…જોકે હાલ ગુજરાત સરકારે પણ કહ્યું છે કે અમે ખેડૂતોની સાથે જ છીએ.

 

 

કંપની ઘેરાઈ ગઈ છે?

મહત્વની વાત એ છે કે ખેતી જે તે રાજ્યનો વિષય છે. અને કાયદો પણ સ્પષ્ટ છે કે આ કાયદાની વ્યાખ્યા કરવાનું કામ પણ જે તે રાજ્યનું જ છે. હવે કંપની ચારે તરફથી ઘેરાઈ ગઈ છે તો બેઠક યોજી કેસ પાછો ખેંચવાની વાતો કરી રહી છે. લાગે છે કે લોકો અને ખેડૂતોનો રોષ ઓછો કરવા કંપની આ ખેડૂતોને બીજી રીતે હેરાન કરી શકે છે અથવા આ ખેડૂતોને સાથે રાખી તેમની સાથે કોઇ કરાર પણ કરી શકે છે

કંપનીનો કેસ મજબૂત નથી

કેટલાક લોકો કહે છે કે પેપ્સિકોએ કરોડો રૂપિયાનો ખર્ચ કરી આ સ્પેશિયલ બટેકા વિકસિત કર્યા છે માટે કંપનીને નફો કમાવાનો અધિકાર છે. પણ આ લોકોને એ જાણી લેવું જોઇએ કે આ જે એફસી-૫ જાતિના બટેકા છે તેની નોંધણી કંપનીએ ૨૦૧૬માં “એક્સેન્ટ વેરાઈટી” એટલે કે જે પહેલેથી જ ઉપલબ્ધ છે તેવી વસ્તુના રૂપે કરાવી હતી. આનો મતલબ એ થાય છે કે કાયદાકીય રીતે જ નહી પણ નૈતિક રીતે પણ કંપની દ્વારા ખેડૂતો પર કરાયેલો કેસ કમજોર છે. માટે કંપની પાસે કેસ પાછો લેવા સિવાય કોઇ વિકલ્પ જ નથી…કોઇ પણ કંપની ખેડૂતોને તેમનું ઉત્પાદન જે તે કંપનીને જ વેચવા માટે બાદ્ય ન કરી શકે. જો પેપ્સિકો બટેકા ખરીદવા માંગે છે તો તેને ખેડૂતોને યોગ્ય કિંમત આપવી જ પડશે. કંપની પાસે આ જ એક વિકલ્પ છે…..