આપો ટુકડો, હરિ આવે ઢૂકડો

    ૦૯-મે-૨૦૧૯
 
 
સોરઠ આ પંથકમાં વીરપુર નામનું ગામ આવેલું છે, જે લીલીછમ વાડીઓથી લહેરાતું છે. અહીં વાડીઓમાં મોરલાઓ થનક-થનક નાચે છે. વૃક્ષોની ઘેરી ઘટામાં કાળી કોયલડી છુપાઈ મીઠા ટહુકાર કરે છે. સંત, શૂરા ને ભક્તોની અહીં કથા પડેલી છે. અહીંનો માનવી માયાળુ છે.
 
આ ગામની વાત કરું છું : સવારનો પહોર હતો. ભગવાન સવિતા નારાયણ ક્ષિતિજ પર પધાર્યા હતા. પંખીઓનો મીઠો કલરવ સંભળાતો હતો. વેપારીઓ પોતપોતાની દુકાનો ખોલતા હતા. એવામાં પાંચ સાધુની મંડળીએ બજારમાં ધૂન મચાવી.
 
ગોવિંદની એ ધૂન સૌને પ્રિય લાગી, પરંતુ કંઈક આપવું પડશે એમ વિચારી તેઓ દુકાનના કામમાં ગોઠવાઈ ગયા.
 
પણ આ તો સાધુ, વેપારીઓને એમ છોડે તેવા ક્યાં હતા ? તેઓ ચીપિયો ખખડાવતા, ખંજરી વગાડતા, મુખમાં ગોવિંદનું નામ લેતા દુકાને ફરે છે ને ટહેલ ઉઘરાવે છે. સામે વેપારીઓ ખિજાય છે. તેઓ બોલે છે, ‘હજુ તો અમારે બોણીએ થઈ નથી ને તમે ટહેલ ઉઘરાવવા નીકળી પડ્યા છો ? જલારામની દુકાને જાઓ, એ તમારી સઘળી માંગણી પૂરી કરશે. એ સાધુ સંતોનો પૂરો હામી છે. રવિકિરણથી કમળ ખીલે એમ એ તમને જોઈને ખીલી ઊઠશે. એ એકલો તમારા પાકા ભોજનની વ્યવસ્થા કરી દેશે.’
‘અચ્છા અચ્છા’ કહી સાધુમંડળી આગળ વધી. ત્યાંથી જલારામની દુકાને આવી ઊભી રહી. એક સાધુએ જોરથી પોકાર કર્યો : ‘ભક્ત જલારામનો જય હો. રાધેશ્યામનો જય હો. ભગવાન સબકા ભલા કરે. સંતો કે લિયે ભોજન કા પ્રબંધ હો જાય.’ આવું બોલી ઉમળકાથી એક સરસ મજાનું ભજન લલકારી દીધું.
 
જલારામે નીચે ઊતરી ભક્તિભાવે એમને વંદન કર્યાં. ત્યારબાદ જોઈતી માહિતી પૂછી એમને એમના મુકામ ભણી રવાના કર્યા. રવાના કરતાં કહ્યું, ‘બાપજી, હું તમારા માટે સીધું સામાન લઈને આવું છું.’
 
જલારામે દુકાનમાંથી સાત સાધુ જમે એટલું સીધું બાંધવા માંડ્યું. લોટામાં ઘી ભર્યંુ. જોઈતો ગોળ લીધો. એની પોટલી બાંધી માથે ઉપાડી. સાધુના મુકામ ભણી ડગ માંડ્યા. ત્યાં જ એના વાલાકાકા શ્ર્વાસભેર આવી પહોંચ્યા.
 
વાલાકાકાએ જલારામને પૂરેપૂરો ઊધડો લીધો. જલારામે પ્રભુનું સ્મરણ કરી કહ્યું, ‘કાકા, આટલા બધા ગરમ થવાની જરૂર નથી. પોટલીમાં તો છોડિયાં છે ને લોટામાં પાણી છે. તમારે જો તપાસ કરવી હોય તો કરી લો.’
 
કાકાને જલારામ પર વિશ્ર્વાસ ના બેઠો. એમણે પોટલીમાં ને લોટામાં હાથ નાખી જોયું તો એમાં જલારામના કહેવા પ્રમાણે જ હતું.
ભક્તોના હૃદય તો ભક્તિથી ઊભરાતાં હોય છે. એમની વાણીની તોલે શાસ્ત્રો પણ ના આવે. એમની વાણી કદી અસત્ય ના ઠરે. જલારામની વાણી સત્ય ઠરી. વાલાકાકા છોભીલા પડી ગયા. ચડાવા કરીને લાવનાર વાણિયાના મુખ પર કાળી શાહી ઢળી ગઈ.
 
જલારામ તો એ પોટલી અને એ લોટો લઈ સાધુની જમાત પાસે આવ્યા. એમને પ્રેમથી જમાડ્યા.
 
આ જલારામનો જન્મ ઠક્કર જ્ઞાતિમાં રાજબાઈની કૂખે સંવત ૧૯૫૬ના કારતક સુદ ૭ને સોમવારના રોજ થયો હતો. પિતાનું નામ પ્રધાન હતું. એમનાથી મોટાભાઈ બોઘાભાઈને નાનાભાઈ દેવજીભાઈ હતા.
 
બાળપણમાં માતાપિતા ગુજરી જવાથી કાકાના આશરે જીવન ગુજારતા હતા. આ જ સુધી કાકાને ત્યાં રહી વેપાર ખેડી કાકાને સુખી ને સમૃદ્ધ બનાવ્યા હતા. આજના બનાવે એમનું મન ખારું ધૂંધવાડ બનાવી દીધું હતું.
 
બીજા દિવસે તેઓ કાકાથી અલગ થઈ અન્નક્ષેત્ર ચલાવવા લાગ્યા. પત્ની વીરબાઈ પતિના કાર્યમાં સહયોગ આપવા લાગ્યાં.
 
જલારામે એક વ્રત લીધેલું. ભૂખ્યાંને ભોજન આપવું ને બને તેટલું ભજન કરવું. શરૂઆતમાં અન્નક્ષેત્ર ચલાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ આવતી. પતિ-પત્ની મહેનત મજૂરી કરી અન્નક્ષેત્ર ચાલુ રાખતાં.
 
પછી તો પ્રભુની દયા ઊતરી. જલારામ પ્રત્યેની શ્રદ્ધાથી પ્રેરાઈ ગામના ખેડૂતો આવી અનાજ, ગોળ, દાળ, શાક વગેરે આપી જતા.
 
આમ જલારામના આંગણે કાયમી સદાવ્રત બંધાઈ ગયું.
 
આખા સોરઠ પંથકમાં ને ગુજરાતમાં જલારામનું અન્નક્ષેત્ર પ્રખ્યાત થઈ ગયું. જેઓ સૌરાષ્ટ્રની યાત્રાએ આવે તેઓ વીરપુરમાં આવવાનું ને જલારામનાં દર્શન કરવાનું ચૂકે નહીં. ગામમાં કોઈ ભૂખ્યોદૂખ્યો આવે તો નાનું છોકરુંય એને જલારામનું ઘર દેખાડી દેતું. જલારામ પણ આંગણે આવેલા અતિથિનું ભાવભીનું સ્વાગત કરતા.
 
દિવસે તો શું રાત્રે બાર વાગે કોઈ અતિથિ આવે તો એને એટલા જ પ્રેમથી પતિ-પત્ની સ્વાગત કરતાં. એને કઢી રોટલો ખવડાવી સુવાડતા.
 
અન્નક્ષેત્ર ચલાવતાં ચલાવતાં જલારામ અને વીરબાઈ પ્રભુનું ભજન કરતાં. તેઓ પ્રભુને વિનવતાં : ‘હે પ્રભુ ! તું અમારી ગરીબની ઝૂંપડીએ પધાર. અમે શેરી વળાવીને સજ્જ કરી છે. આંગણિએ સાથિયા પૂર્યા છે. તું આવીશ તો અમે તને ફૂલડાંથી વધાવી લેશું. અમને તારા દર્શન વિના કશું ખપતું નથી.’
 
એમના આંગણિયે પ્રભુ તો ના આવ્યો પણ એક સાધુ આવ્યો. એનું શરીર ઘરડું હતું. રંગે શ્યામ હતો. ડગુમગુ એની ચાલ હતી. હાથમાં લાકડી હતી. માથે ધોળા વાળ હતા. જોતાં જ આંખને અજંપો થાય એવા તેના દીદાર હતા.
 
દંપતીએ સાધુને આવકાર આપ્યો. જલારામે કહ્યું, મહાત્મા બોલો, ‘હું આપની શી સેવા કરું ?’
 
સાધુએ કહ્યું, ‘જલારામ, હું ભિક્ષા માટે આવ્યો નથી. ખાસ કામ માટે આવ્યો છું. સાંભળ, મારી સેવા કરનાર કોઈ નથી. આપવા ઇચ્છો તો મારી એક માંગણી છે. આ તારી પત્ની વીરબાઈ મને આપી દે. આ સિવાય મારી કોઈ માંગણી નથી.’
 
સાધુની આવી અઘટિત માગણીથી દંપતી સ્તબ્ધ બની ગયું. બંનેએ એકબીજા સામે જોયું, ‘આંખોના ભાવમાં હૈયાની વાત વાંચી લીધી.’ જલારામે પત્નીને શ્રદ્ધાભર્યાં સ્વરે કહ્યું, ‘પ્રિયે, આજનો દિવસ આપણા માટે ભાગ્યશાલી છે. મારો અને તમારો ફેરો સફળ થયો છે. સાધુ સાથે જવામાં આપનો શો અભિપ્રાય છે ?’
 
સાચા અર્થમાં અર્ધાંગના બનેલ પતિભક્તાએ કહ્યું, ‘નાથ, તેજીને ટકોરો બસ છે. સાધુની સેવા કરવા મારા હૃદયમાં સેવાનાં પૂર ઊભરાઈ રહ્યાં છે. આપના વચનનું પાલન કરવું એ જ મારો સ્ત્રીધર્મ છે.’
 
પત્નીનો આવો સાનુકૂળ જવાબ સાંભળી જલારામે પત્નીના માથે બંને હાથ મૂક્યા. પત્નીને લઈ તેઓ સાધુ પાસે ઝૂક્યા અને કહ્યું, ‘પ્રભુ ! પ્રેમની આ ભેટ સ્વીકારો, મારા પર અમીદૃષ્ટિ કરી મુજ અધમને કૃતાર્થ કરો.’
 
વીરબાઈ સાધુની સંગાથે જવા તૈયાર થયાં. ઘરડા બાપને દીકરી ટેકો આપે તેમ ટેકો આપી ઊભા કર્યા. હાથમાં લાકડી આપી.
 
પતિ-પત્નીનો જીવનભરનો સંગાથ ટેકને ખાતર બંનેએ છોડી દીધો. વેલાના વછૂટ્યા હોય એમ વીરબાઈએ પતિને છેલ્લા રામરામ કર્યા. આ પછી તે સાધુને દોરતી જંગલ ભણી ચાલી નીકળી.
 
બરાબર જંગલ મધ્યે એક શીલા આવી. સાધુએ ત્યાં બેઠક લીધી. ખભા પરની ઝોળી ઉતારી હાથમાં આપતાં કહ્યું, ‘થોડી વાર તમે અહીં બેસજો. મારા દંડ અને ઝોળીનું ધ્યાન રાખજો. હું ન આવું ત્યાં લગી અહીંથી ખસશો નહીં.’ આટલું કહી સાધુ જંગલમાં અદૃશ્ય થઈ ગયા. રાત પડી. સાધુ પાછા ન આવ્યા તે ન જ આવ્યો.’
 
ગીરના એ ભયંકર જંગલમાં વીરબાઈએ એકલાંએ રાત વીતાવી.
 
એવામાં સવાર થયું. પંખીઓ જાગ્યા. વટેમાર્ગુઓ જંગલમાં આવજા કરવા લાગ્યાં. ગામનો એક માણસ વીરબાઈને ઓળખી ગયો. તે આવી કહેવા લાગ્યો : ‘માતાજી, તમે અહીં એકલાં ક્યાંથી ?’
 
જવાબમાં વીરબાઈએ અથથી ઇતિ સુધીની બનેલી કથા કહી સંભળાવી. છેલ્લે કહ્યું, ‘મારાથી હવે ઘરે અવાય નહીં. સાધુ મહારાજે અહીંથી ખસવાની ના પાડી છે.’
 
ખબર પડતાં જલારામ આવ્યા. કહ્યું, ‘દેવી, ભગવાન આપણને હાથતાળી આપી અંતર્ધાન થઈ ગયા છે. એનાં દર્શન વિના જીવન અકારું લાગશે.’ આટલું કહેતાં જલારામ પ્રેમવિભોર બની ગયા. એ જ અવસ્થામાં પ્રભુને પ્રાર્થના કરવા માંડી. પતિના સાદમાં પત્નીએ સૂર પુરાવ્યો. પતિ-પત્નીની સાચી ભક્તિથી પ્રભુ પ્રસન્ન થયા. બંનેને દર્શન આપ્યાં. બંને ધન્ય ધન્ય બની ગયાં. બાકીનું જીવન એમણે જનસેવા અર્થે વિતાવ્યું.
 
જલારામે જીવનમાં એક સિદ્ધાંત રાખ્યો હતો. ‘આપો ટુકડો, હરિ આવે ઢૂકડો’ આંગણે આવેલાને પ્રેમથી જમાડવો એ હતો એમનો સર્વોચ્ચ જીવનધર્મ.
 
ભક્ત જલારામે ૮૧ વર્ષની વયે સંવત ૧૯૩૭ના મહા વદ દશમને રવિવારે દેહત્યાગ કર્યો.
 
ભક્ત જલારામનું અન્નક્ષેત્ર આજે પણ ધમધમતું છે. વીરબાઈને આપેલા દંડ અને ઝોળા વીરપુરમાં આજે હયાત છે. નાતજાતના ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિને અહીં પ્રેમથી ભોજન અપાય છે.