આવો, ધરતી માતાને શીતળ કરીએ...પર્યાવરણ માટે કંઇક નક્કર કરીએ

    ૧૩-જૂન-૨૦૧૯   

 
 
ભારતને વિવિધ ઋતુઓમાં આનંદ માણવાનો વૈભવ પ્રાપ્ત થયો છે. એક સમયે આપણે ત્યાં ઉનાળો આનંદ-પ્રમોદની ઋતુ ગણાતો હતો. આમ્રમંજરીઓમાંથી આવતી સુગંધ, કોયલના ટહુકા અને ઢગલે-ઢગલા કેરીઓ ભારતના ઉનાળાની ઓળખ હતી. પરંતુ છેક ઋષિ-મુનિઓના સમયથી ચાલી આવતી આ ભારતીય ઉનાળાની ઓળખ હવે ભૂંસાવા માંડી છે. ઉનાળો વધુ ને વધુ આકરો બન્યો છે. આખો દેશ ગરમીની લપેટમાં છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગરમીનો પારો ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો. છેલ્લાં ૬૫ વર્ષમાં સૌથી ભીષણ પ્રી-મોન્સૂન દુકાળ અત્યારે જોવા મળી રહ્યો છે.
 
ગત મહિને જ વિશ્ર્વના સૌથી ગરમ પ્રદેશોની યાદી બહાર પડી તેમાં ૧૫ શહેરો ભારતનાં, એમાંય મધ્ય પ્રદેશનું ખરગોન શહેર સૌથી મોખરે. પછીના ક્રમે ઉત્તર પ્રદેશનાં બે શહેરો, મહારાષ્ટ્રનાં નવ, તેલંગાણાનું એક વગેરે આગ ઝરતાં શહેરો તરીકે નોંધાયા. ગરમી વધતાં કેટલાંય રાજ્યો અને શહેરોમાં રેડ અને યલો એલર્ટ અપાયાં. છતાં ગરમી અને લૂને કારણે ૩૦ કરતાં પણ વધારે લોકોનાં મૃત્યુ થયાં.
 
જળ વાયુ પરિવર્તનની અસરને કારણે સમગ્ર દુનિયામાં ગરમી વધી રહી છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિકરાળ બની છે. છેલ્લાં ૫૦ વર્ષમાં પૃથ્વીના ઉષ્ણતામાનમાં મોટા પાયે વધારો નોંધાયો છે. વધતા ઉષ્ણતામાનને કારણે બરફ ઓગળીને મહાસાગરોમાં ઠલવાઈ રહ્યો છે, ઓઝોનનું સ્તર ઘટી રહ્યું છે, વસ્તી-વિસ્ફોટ, જંગલો આડેધડ કપાઈ રહ્યાં છે, આસ્ફાલ્ટના રસ્તાઓ વધી રહ્યા છે. એ.સી, ફ્રિજ, જેવાં ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ વગેરેથી ગરમી વધી રહી છે, ઔદ્યોગીકરણના નામે કારખાનાં, કાર, વિમાન વગેરેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. ડિઝલ, પેટ્રોલ, કેરોસીનના બેફામ વપરાશથી અપાર કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઠલવાઈ રહ્યો છે.
 
આ બધાને કારણે બીજી અનેક સમસ્યાઓ થઈ શકે છે, બલ્કે શ‚ થઈ ગઈ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું અસ્થિર અને ઘાતક બની જતાં દરેક પાક નિષ્ફળ જશે અને અનાજની કારમી અછત સર્જાશે, વિશ્ર્વવ્યાપી ભૂખમરાની સ્થિતિ જન્મી શકે છે, વિનાશક વાવાઝોડાં વધશે, ગરમીના પરિણામે હવામાં ભેજનું પ્રમાણ વધવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, લૂ જેવા અનેક ચેપી અને ધાતક રોગો ફેલાશે અને જાનહાની વધશે. સમુદ્રની સપાટી ઊંચી આવતા વિશ્ર્વભરના ટાપુઓ ડૂબી શકે છે અને દરિયાકિનારે વસતા લોકો બેઘર બનશે.
 
આ સમસ્યા હજુ વિકરાળ ન બને તે માટે અત્યારથી જ વ્યક્તિગત અને સંગઠનાત્મક પ્રયાસો શરૂ કરી દેવા જરૂરી છે. ગરમીની આ ગ્લોબલ સમસ્યામાંથી ઊગરવા છેક ૧૯૭૨થી યુ.એન.ના માધ્યમથી વૈશ્ર્વિક પ્રયત્નો ચાલે છે. ૧૯૭૨માં સ્ટોકહામમાં યુ.એન.નું પ્રથમ સંમેલન મળ્યું, પછી ૧૯૮૭, ૧૯૯૨ અને ૧૯૯૭માં ક્યોટો પરિષદ યોજાઈ જેમાં કાર્બન ઉત્પાદ પર કાપ મૂકવાનું નક્કી થયું. આ સંધિ અમેરિકાએ પાછળથી નામંજૂર કરી પણ ભારતે અને અન્ય દેશોએ સ્વીકારી યોગ્ય પગલાં ભર્યા. દુનિયામાં ૧૯૫ દેશોએ તૈયાર કરેલા મુસદ્દામાં વૈશ્ર્વિક તાપમાનને નીચે લઈ જવાનો પ્રસ્તાવ અને જળ વાયુ પરિવર્તનને દૂર કરવા વર્ષ ૨૦ર૫ સુધી મોટા પાયે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવાઈ. ગ્લોબલ વોર્મિંગથી બચવા વિશ્ર્વના દેશોએ સ્વયંભૂ ય અનેક પ્રયોગો કર્યા. ભૂતાને પોતાના દેશમાં પ્રદૂષણ કરતી કંપની પર પ્રતિબંધ મૂકતાં નક્કી કર્યું છે કે, પ્રદૂષણને કારણે ગરમી વધે તે અમને મંજૂર નથી. અમારી ઔદ્યોગિક પ્રગતિ ભલે ઓછી થાય પણ પર્યાવરણ ક્ષેત્રે પ્રગતિ વધુ આવકાર્ય છે. ઇન્ડોનેશિયાના સારાગોવા શહેરના લોકો અઠવાડિયે એક દિવસ પેટ્રોલપંપો બંધ રાખે છે, ફ્રાન્સના પેરિસ શહેરના લોકો મોટાભાગે સાઇકલ દ્વારા આવન-જાવન કરે છે, સ્વીડનના મિનિસ્ટ્રી ઓફ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ મંત્રીએ ૨૦૨૦ સુધીમાં ખનિજ તેલનો ઉપયોગ નહિવત કરવાનું આયોજન કર્યું છે. વર્ષ ૨૦૦૪નું નોબેલ પારિતોષિક જીતનાર કેન્યાના વાંગારી મથાઈએ ૧૯૭૭થી કેન્યામાં ગ્રીન બેલ્ટ મૂવમેન્ટ અભિયાન છેડી ૩ કરોડથી વધુ વૃક્ષો વાવ્યાં છે. ભારતમાં સુનીતા નારાયણ, મધુસરિન જેવી મહિલાઓ કાર્બન ડાયોક્સાઈડ ઘટાડવા વરસોથી અભિયાન ચલાવે છે.
 
ગરમી દૂર કરવા માટે વધારે વૃક્ષો વાવવાં, પેટ્રોલ, ડિઝલ જેવાં ઈંધણો, એ.સી, ફ્રિજ જેવાં ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઓછો કરવો ખૂબ જરૂરી. ભારત સરકાર આ બાબતે છેલ્લાં પાંચ વર્ષથી વધુ સજાગ બની છે. થર્મલ પાવર પ્લાન્ટ ઓછાં કરી સોલાર પાવર પ્લાન્ટ્સ વધાર્યા. જળ, જમીન અને જંગલને નુકસાન ન પહોંચે તેવા સમપોષિત વિકાસ તરફ પહેલ કરી તથા લોકોને વધુ વૃક્ષો વાવવા, જંગલોનો નાશ ન કરવા તથા વૈકલ્પિક ઊર્જાનો ઉપયોગ વધારવા માટે અપીલ કરી છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા ૨૦ બિંદુના કાર્યક્રમ અંતર્ગત દેશના દરેક સ્થાન પર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઘટાડવા માટેનું ખાસ આયોજન છે. સરકાર સાથે નાગરિકો, સ્થાનિક કોર્પોરેશનો, સંગઠનો અને સંસ્થાઓ ય આમાં સહભાગી બને છે. બિહારના ભાગલપુરમાં દીકરી જન્મે તો ૧૦ વૃક્ષો વાવવાનો નિયમ છે. આજે ગામના ૫૦૦૦ ૫રિવારો દોઢ લાખ વૃક્ષો વાવીને હરિયાળો સંદેશ વિશ્ર્વને આપી રહ્યા છે. ભારતની ગંગા, કૃષ્ણા, નર્મદા, કાવેરી જેવી કેટલીયે મહાન નદીઓ સુકાઈ રહી છે. જેને પુનર્જીવિત કરવા સદ્ગુરુ જગ્ગી વાસુદેવે નદી બચાવો અભિયાન હેઠળ સંઘ અને સમાજના સહયોગથી નદીના બંને કિનારે વૃક્ષો વાવવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું. મધ્યપ્રદેશ સરકારે બે વર્ષ પહેલાં સૂકી નદીઓના કિનારે ૬ કરોડથી વધારે વૃક્ષો વાવી ઓક્સિજન ઉત્સર્જન દ્વારા ગરમી ઘટાડવાના સરાહનીય પ્રયત્નો કર્યા, ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, જયપુર, કર્ણાટકમાં ય ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના દાખલારૂપ પ્રયોગો અને અભિયાનો સરકાર, સંગઠન અને વ્યક્તિગત ધોરણે થઈ રહ્યાં છે.
 
આવો, આપણે પણ ધરતીને શીતળ કરવાના શુભ કાર્યમાં જોડાઈએ અને આપણી આવનારી પેઢીઓને આગમાં રાખ થતી બચાવીએ.