ભારતની યુવાપેઢી ‘નોમોફોબિયા’નો શિકાર થઈ રહી છે જાણો શું છે નોમોફોબિયા?

    ૧૫-જૂન-૨૦૧૯   
 

‘Nomophobia’નો શિકાર થઈ રહી છે ભારતની યુવાપેઢી

 
એડોબ નામની એક રિસર્ચ સંસ્થાના સંશોધનમાં ભારતીય યુવાઓમાં ટેક્નોલોજીની લતને લઈને ચોંકાવનારી બાબતો બહાર આવી છે. સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે, ભારતના લોકોમાં ટેક્નોલોજીની લત ખતરનાક હદે વધી રહી છે, જેને પરિણામે યુવાપેઢી ‘નોમોફોબિયા’ (nomophobia) નો શિકાર બની રહી છે ત્યારે સવાલ એ થશે કે આ ‘નોમોફોબિયા’એ પાછી કઈ બલા ?

આપણામાંના ૬૬ ટકા લોકો આ ફોબિયાથી પિડાઈ રહ્યા છે 

 
અસલમાં ફોબિયા  (phobia) શબ્દ ગ્રીક ભાષાના ‘હાઈડ્રોફોબિયા’  (Hydrophobia) શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘પાણીના સંપર્કમાં આવવાનો માનસિક ભય’ થાય છે અને આ ફોબિયા એ કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે. મતલબ કે આપણને કોઈ વસ્તુનો ફોબિયા છે તો આપણને તે વસ્તુને માટે એક પ્રકારનો સતત ડર રહ્યા કરે છે અને આજના ટેક્નોલોજી (Technology)ના યુગમાં ટેક્નોલોજીના વધી રહેલા ઉપયોગે એક તરફ આપણા જીવનને એક તરફ સાવ સરળ બનાવી દીધું છે. પરંતુ તેની સાથે સાથે અનેક પ્રકારની માનસિક સમસ્યાઓ પણ ભેટમાં આપી છે, જેમાંની એક ‘નોમોફોબિયા’ છે. મેલ ઓનલાઈનના એક અહેવાલ મુજબ આપણામાંના ૬૬ ટકા લોકો આ ફોબિયાથી પિડાઈ રહ્યા છે, જેમાં વ્યક્તિને પોતાનો મોબાઈલ ફોન ખોવાઈ જવાનો સતત ભય રહ્યા કરે છે અને આ ભય એટલી હદે રહે છે કે તે ટોઈલેટમાં પણ પોતાનો ફોન સાથે લઈને જ જાય છે. ‘એડોબ’ પણ આ જ વાત કરતા કહે છે કે લગભગ ૬૦ ટકા યુવાઓને પોતાનો મોબાઈલ (Mobile) ફોન ખોવાઈ જવાનો સતત ભય-ચિંતા રહે છે.

અનેક રોગો થઈ રહ્યા છે 

આપણો સમાજ કેટલી હદે ટેક્નોલોજીની માયાજાળમાં સપડાઈ ચૂક્યો છે ? ભારતના સરેરાશ ત્રણ યુવા ગ્રાહક એક સાથે એકથી વધુ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરે છે. આપણી કામકાજી પેઢી એટલે કે જે નોકરી ધંધો કરે છે તે લોકો પોતાનું ૯૦ ટકા કામકાજી સમય આ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે જ વિતાવે છે. સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે, આવા લોકોમાંના ૫૦ ટકા મોબાઈલ પર ગતિવિધિ કર્યા બાદ જ ઓફિસમાં કે અન્ય સ્થળે કોમ્પ્યુટર પર કામ શરૂ કરે છે. આપણા દેશમાં આ બાબત હવે સામાન્ય બની ગઈ છે. પરંતુ મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક સંસાધનોનો અતિઉપયોગ આપણી પેઢીને કેટલો ભારે પડી રહ્યો છે, એની વાત પણ આ સંશોધનમાં કરવામાં આવી છે. ગરદનમાં દુખાવો, આંખોમાં રુક્ષતા, કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ (computer vision syndrome ) અને અનિદ્રાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
 

 
 
‘હાર્ટકેયર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા’ (એચસીએફઆઈ) (Heart Care Foundation of India - HCFI) ના અધ્યક્ષ ડૉ. કે. કે. અગ્રવાલ કહે છે કે, આપણા ફોન અને કોમ્પ્યુટર પર આવતા નોટિફિકેશન કંપન અને અન્ય એલર્ટ આપણને સતત એ તરફ જોવા માટે મજબૂર કરી દે છે. પરિણામે આપણા મગજને અસામાન્ય રીતે સતત સતર્ક અને સક્રિય રહેવું પડે છે. ટેક્નોલોજીની આ આદત લત બની આપણને બેચેની અને એકલતાની ગર્તામાં ધકેલી દે છે. આપણે દૈનિક જુદાં-જુદાં ઇલેક્ટ્રોનિક સંસાધનો સાથે જેટલા કલાકો વિતાવીએ છે. જેને પરિણામે ગરદન, ખભા, પીઠ, કોણી, કાંડા અને અંગુઠાના દુખાવાની સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ છે.

માતા-પિતા અને બાળકોમાં જે સંઘર્ષ થાય છે તેના માટે ૩૦ ટકા સ્માર્ટ ફોન જવાબદાર

તેઓ જણાવે છે કે, આ પ્રકારનાં ઉપકરણો મારફતે સૂચનાઓ અને માહિતીઓનો જે ધસમસતો પ્રવાહ આપણી સમક્ષ ઠલવાય છે, તે આપણા મગજની ગ્રેમૈટર ડેન્સિટીને અસર કરે છે. જે આપણા મગજનાં ભાવનાત્મક નિયંત્રણ માટે ખૂબ જ જરૂરી છે. તે ખોરવાઈ જતાં આપણને ખૂબ જ ઝડપથી તણાવ અને એકલતામાં ધકેલાઈ જઈએ છીએ. ત્યારે આ સમસ્યાનું નિદાન શું ? જવાબમાં તેઓ જણાવે છે કે સ્વાસ્થ્ય માટે ટેક્નોલોજીનો વિવેકપૂર્વકનો ઉપયોગ જ એક માત્ર ઉપાય છે, પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો ટેક્નોલોજીના જાણે ગુલામ બની ગયા છે અને આપણે આપણી આગામી પેઢીને પણ એ જ રસ્તે ધકેલી રહ્યા છીએ. પરિસ્થિતિ કેટલી ગંભીર છે ? માતા-પિતા અને બાળકોમાં જે સંઘર્ષ થાય છે તેના માટે ૩૦ ટકા સ્માર્ટ ફોન જવાબદાર હોય છે. આજે લગભગ તમામ લોકો સૂતા પહેલાં ૩૦થી ૬૦ મિનિટ ફોન પર વિતાવે છે.
 

 

બચવાના ઉપાય આ રહ્યા 

આમ સ્માર્ટ ફોન અને ટેક્નોલોજીનું વળગણ આપણા સમાજ માટે વધુ ને વધુ ઘાતક સાબિત થઈ રહ્યું છે ત્યારે તેનું નિદાન આગળ જણાવ્યું તેમ ટેક્નોલોજીનો વિવેકપૂર્વકનો ઉપયોગ છે, છતાં કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન રાખી આપણે ખુદને આ રોગમાંથી બચાવી અન્યને પ્રેરણા આપી શકીએ છીએ. જેમ કે ઇલેક્ટ્રોનિક કરફ્યુ એટલે કે સૂવાના એક કલાક પહેલાં કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરવાનું ટાળો. ફેસબૂકને બ્રેક દર ત્રણ મહિને ઓછામાં ઓછા ૭ દિવસ ફેસબૂકને સંપૂર્ણપણે રજા આપી દો. એટલું જ નહીં અઠવાડિયામાં એક દિવસ તમામ પ્રકારની સોશિયલ સાઈટથી દૂર રહો. જો શક્ય હોય તો દિવસમાં ત્રણ કલાકથી વધુ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી બચો. મોબાઈલ ફોન પર પણ નિયમ બનાવી બે કલાકથી વધુ સમય સુધી વાત કે ચેટ કરવાથી દૂર રહો. મોબાઈલ ફોનની બેટરી દિવસમાં એક જ વાર ચાર્જ કરવાનો નિયમ બનાવો.
 
આમ આ નાના-નાના અનુશાસનના નિયમો કદાચ શરૂઆતમાં કોઈને ખૂબ અધરા લાગે, પરંતુ આજ નાની-નાની અનુશાસનાત્મક બાબતો તમને મોનોબોફિયા જેવી મનોવૈજ્ઞાનિક બીમારીથી બચાવશે. પરિવાર અને સ્નેહીજનોને પણ પ્રેરણા પૂરી પાડશે. આખરે આપણા સ્વાસ્થ્યનો સવાલ છે મિત્રો, કારણ કે એક સ્વસ્થ્ય વ્યક્તિ જ સ્વસ્થ પરિવાર બનાવી શકે છે. સ્વસ્થ્ય પરિવાર થકી જ સમાજ અને સમાજ થકી જ સ્વસ્થ્ય રાષ્ટ્રનું નિર્માણ થાય છે અને સ્વસ્થ્ય રાષ્ટ્ર નિર્માણની જવાબદારી આપણા સૌની છે.