પરિચય દેના બહુત કઠિન હૈ, ક્યોંકિ ગતિમાન હૂં - સ્વામી સત્યમિત્રાનંદગિરિજી

    ૨૫-જૂન-૨૦૧૯   

 

નિવૃત્ત શંકરાચાર્ય પદ્મભુષણ સ્વામી સત્યમિત્રાનંદગિરિજી થયા બ્રહ્મલીન

ભારતમાતા મંદિરના સંસ્થાપક, નિવૃત્ત શંકરાચાર્ય પદ્મભુષણ સ્વામી સત્યમિત્રાનંદગિરિજી હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ મંગળવારની સવારે હરિદ્વાર ખાતે આવેલા પોતાના નિવાસ સ્થાને બ્રહ્મલીન થયા. તેઓ છેલ્લા ૧૫ દિવસથી અસ્વસ્થ હતા. તેમનો ઉપચાર દહેરાદૂનની એક હોસ્પિટલમાં થઈ રહ્યો હતો. લાંબા સમય સુધી વેન્ટીલેટર પર રાખ્યા બાદ તેમને પોતાના આશ્રમે લાવવામાં આવ્યા હતા. અહીં તેઓ બ્રહ્મલીન થયા. આ વિશે જાણકારી મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીજીએ આપી હતી. તેમણે જણાવ્યું કે સ્વામી સત્યામિત્રાનંદ ગિરીના નિવાસ સ્થાને તેમની રાઘવ કુટીરમાં આવતી કાલે (બુધવારે) સમાધિ આપવામાં આવશે. આવો તેમના વિશે થોડું જાણીએ…
 

નિવૃત્ત શંકરાચાર્ય પદ્મભુષણ સ્વામી સત્યમિત્રાનંદગિરિજી

 
ભારતભૂમિ વસુંધરા ભૂમિ ગણાય છે. અહીં અનેક મહાપુરુષો જન્મ્યા છે. જેઓ આજે પણ પરમેશ્ર્વરના આદેશને માથે ચડાવી માતૃભૂમિ અને માનવ કલ્યાણનાં કાર્યો નિરંતર કરી રહ્યા છે. આ મહપુરુષોમાંના એક એટલે સ્વામી સત્યમિત્રાનંદગિરિજી. જગતનો પરિચય સ્વામીજીને છે પણ જગતને કદાચ સ્વામીજીનો પરિચય નહિ હોય. પોતાના માનવ કલ્યાણના કામના કારણે તેમને પોતાનો પરિચય આપવાનો અવસર પણ કદાચ નહિ મળ્યો હોય. તો આવો, જાણીએ સ્વામી સત્યમિત્રાનંદગિરિજીના પ્રેરક જીવન વિશે...
લોકમાનસની ઇચ્છા હોય છે કે મહાપુરુષોનાં જીવનચરિત્રો તેમને વાંચવા, સાંભળવા મળે. આવી જ પ્રબળ ઇચ્છાના કારણે એક વ્યક્તિએ સ્વામી સત્યમિત્રાનંદજીને તેમનો પરિચય આપવા કહ્યું તો કવિહૃદય સ્વામીજીએ ખૂબ જ સુંદર અને કવિત્વમય પ્રત્યુત્તર આપતાં કહ્યું કે,

‘પરિચય દેના બહુત કઠિન હૈ, ક્યોંકિં અભી ગતિમાન હૂં
ઇષ્ટદેવ કા આરાધક મૈં પાવક સા દ્યુતિમાન હૂં.’

મહાપુરુષોની આવી જ મહાનતા હોય છે. એટલે હંમેશાં પોતાની પ્રસિદ્ધિથી તેઓ દૂર રહેતા હોય છે. પણ આપણા જેવા સામાન્ય લોકોને તેમના જીવનમાંથી પ્રેરણા મળતી હોય છે. માટે આવા બહુઆયામી વ્યક્તિત્વનો પરિચય મેળવવો પણ પ્રેરણાદાયી બની રહે એમ છે.
 

 સ્વામીજી સાથે સાધનાના પ્રમુખ ટ્રસ્ટી સ્વ. રમણભાઈ શાહ । સ્વામીના આશીર્વાદ હંમેશાં સાધના સાથે રહ્યા
 

આ બાળક અધ્યાત્મક્ષેત્રે ખૂબ આગળ વધશે

19 સપ્ટેમ્બર, 1932ના દિવસે આગ્રાની વિજયનગર કોલોનીમાં એક બ્રાહ્મણ પરિવારમાં સ્વામી સત્યમિત્રાનંદગિરિજીનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું અમ્બિકાપ્રસાદ પાંડેય. તેમના પિતા શિવશંકર પાંડેય કાનપુરની એક પ્રાથમિક શાળામાં શિક્ષક હતા, જેમને ‘આદર્શ શિક્ષક’ તરીકે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને ‘રાષ્ટ્રપતિ પુરસ્કાર’થી સન્માનિત પણ કર્યા હતા. માતા ત્રિવેણીદેવી ગૃહિણી હતાં. તેઓ સરળ, સાત્ત્વિક અને શાંત સ્વભાવનાં હતાં. માતા-પિતાના સંસ્કારોનો પ્રભાવ સ્વામીજીના જીવન પર પડ્યો અને ભારતને એક મહાપુરુષ મળ્યા. એવું કહેવાય છે કે તેમના શૈશવકાળ દરમિયાન એક મહાત્માએ ભવિષ્યવાણી કરી હતી કે, તેઓ અધ્યાત્મક્ષેત્રે ખૂબ આગળ વધશે અને પોતાની શક્તિઓ થકી લાખો લોકોનું ભલું કરશે. આ ભવિષ્યવાણી આજે સાચી પડી છે.

સત્યમિત્ર નામ આ સ્વામીજીએ આપ્યુ

અંબિકાપ્રસાદ (સ્વામીજીનું બાળપણનું નામ)ને બાળપણથી જ અધ્યાત્મક્ષેત્રે વધુ રસ હતો. તેમની વૈરાગ્યની વૃત્તિએ તેમને લાંબા સમય માટે ઘરમાં રહેવા ન દીધા. એક દિવસ ઘરે કહ્યા વગર તેઓ આગરાથી નૈમિષારણ્ય પહોંચી ગયા. અહીં તેઓ જગદાચાર્ય સ્વામી નારદાનંદ સરસ્વતીના ગુરુકુળમાં પહોંચ્યા. સ્વામી નારદાનંદજીએ આ બાળકની અધ્યયનશક્તિને પારખી લીધી અને બાળકને ‘સત્યમિત્ર’ નામ આપી પોતાના ગુરુકુળમાં પ્રવેશ આપ્યો. ગીતાનું અધ્યયન કરવા તે વિદ્વાન સ્વામી વેદવ્યાસાનંદ સરસ્વતીજીનું તેમને સાંનિધ્ય મળ્યું.

આ બ્રહ્મચારીમાં શંકરાચાર્ય બનવાનાં લક્ષણ છે

અધ્યયનની સાથે અહીં તેમણે કાનપુરની ડી.એ.વી. કાલેજમાં અને ત્યાર પછી આગળનો ઉચ્ચઅભ્યાસ આગરા વિશ્ર્વવિદ્યાલયમાં કર્યો. એવું કહેવાય છે કે આ અભ્યાસ દરમિયાન જ સ્વામીજી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, રાજર્ષિ ટંડન જેવા મહાપુરુષોના સંપર્કમાં આવ્યા અને રાષ્ટ્રસેવાનો - માતૃભૂમિની સેવાનો વિચાર તેમનામાં રોપાયો. અભ્યાસ પછી ‘સાહિત્યરત્ન’, ‘ચરિત્રનિર્માણ’ અને ‘ગીતા સંદેશ’ નામનાં સમયિકોનું સંપાદન પણ કર્યું. મહત્ત્વની વાત એ છે કે ‘ગીતા સંદેશ’ના વાચક અને વિદ્વાન એવા જ્યોતિષાચાર્ય પં. સૂર્યનારાયણ વ્યાસને આ સમયિકનું સ્તર ઊંચું લાગ્યું. આથી તેમણે પત્રિકાના સંપાદક સ્વામીજીની જન્મકુંડળી તૈયાર કરી. જેમાં તેમણે લખ્યું કે, ‘આ બ્રહ્મચારીમાં શંકરાચાર્ય બનવાનાં લક્ષણ છે. તેમનામાં દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મદર્શનનો પ્રચાર-પ્રસાર કરવાની અદ્ભુત ક્ષમતા છુપાયેલી છે.’ આ બાબતની જ્યોતિષવાણી સાધુસમાજમાં ફેલાઈ ગઈ. એવામાં એક દિવસ ગંગા કિનારે સ્વામીજીને મહાપુરુષ વિશ્ર્વેશતીર્થજી મળ્યા. આથી સ્વામીજીએ તેમને પ્રણામ કર્યાં તો વિશ્ર્વેશતીર્થજીએ કહ્યું કે ‘તુમ્હેં પ્રણામ નહીં કરના હૈ, તુમ્હેં સંસાર પ્રણામ કરેગા...’
બસ પછી તો થોડા જ દિવસો બાદ 29 એપ્રિલ, 1960ના રોજ સ્વામી સદાનંદ ગિરિજીએ સંન્યાસ લીધો અને તેમનું સ્થાન સ્વામીજીને મળ્યું. સ્વામી સત્યમિત્રાનંદજીને શંકરાચાર્ય પીઠ પર બિરાજમાન કરવામાં આવ્યા અને તેઓ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સત્યમિત્રાનંદગિરિ નામથી સુપ્રતિષ્ઠિત થયા.
 

 સ્વામીજી સાધનાની મુલાકાતે આવ્યા હતા તે સમયની તસવીર...સાથે સાધનાના તંત્રી મુકેશભાઈ શાહ તથા પૂર્વ તંત્રી બચુભાઇ ઠાકર

ભારતીય સંસ્કૃતિનો પ્રભાવી પ્રચાર-પ્રસાર

આ સાથે જ ધર્મનો પ્રચાર કરવાની એક મોટી જવાબદારી તેમના પર આવી. તેમણે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશનાં ગામોમાં જઈને પોતાનું કામ પણ શરૂ કરી દીધું. 1962માં સ્વામીજી પહેલીવાર વિદેશમાં નૈરોબી ગયા. પછી તો ઇંગ્લન્ડ, અમેરિકા, જાપાન, થાઈલેન્ડ, મલેશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાં સ્વામી ધર્મના પ્રચાર-પ્રસાર માટે ગયા. અનેક દેશોનો પ્રવાસ કરી તેમણે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવી પ્રચાર-પ્રસાર કર્યો.

માનવસેવા, માનવકલ્યાણના માર્ગ પર આગળ વધ્યા

મહત્ત્વની વાત એ છે કે સ્વામીજી માત્ર શહેરો અને વિદેશોમાં જ ન ફર્યા પણ છેવાડાના માનવી સુધી પહોંચવા અંતરિયાળ ગામોમાં પણ ગયા. અનેક પછાત વિસ્તારોમાં ગયા. વનવાસી ક્ષેત્રોમાં ગયા. અહીં તેમણે આપણા લોકોની ખરાબ પરિસ્થિતિ જોઈ. તેમને ખૂબ દુ:ખ થયું. અને તેમણે શંકરાચાર્ય પદ છોડવાનું વિચાર્યુ. સ્વામીજીના જીવન પર વિવેકાનંદ, ગોસ્વામી તુલસીદાસ, રાજર્ષિ ટંડન, દીનદયાળ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખર્જી જેવા મહાન પુરુષોનો પ્રભાવ રહ્યો છે. તેનાથી વિશ્ર્વ માનવકલ્યાણની ભાવના તેમનામાં જાગૃત થઈ અને બધું જ ત્યાગ કરી માનવસેવા, માનવકલ્યાણના માર્ગ પર આગળ વધ્યા.
 

 

પહેલા એવા રાષ્ટ્ર-સંત જેમણે ભારતમાતાનું મંદિર બનાવ્યું

સ્વામીજી પહેલા એવા રાષ્ટ્ર-સંત છે જેમણે સ્વામી વિવેકાનંદના સપનાનું ભારત બનાવવાની કલ્પના સાથે, આક્ટોબર 1979માં હરિદ્વારમાં ભારતમાતા મંદિર બનાવ્યું છે. જે મંદિર આજના યુવાનોને અને ભાવિ પેઢીને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓ સંદેશ યુગો સુધી આપતું રહેશે.
આજે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી પણ ભારતમાતાનું ગૌરવ વધારવા સ્વામીજીના સઘન પ્રયત્નો તેમના અનુયાયીઓ દ્વારા અવિરત ચાલુ જ રહેશે. સમન્વય સેવા ટ્રસ્ટ, ભારતમાતા જન હિત ટ્રસ્ટ, સત્યમિત્રાનંદ ફાઉન્ડેશન દ્વારા સ્વામીજીના નેતૃત્વમાં માનવકલ્યણનાં કામો થઈ રહ્યાં છે. દેશ-વિદેશમાં અસંખ્ય સમન્વય પરિવારો દ્વારા માનવતાના અનેક મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પો હાલમાં ચાલી રહ્યા છે. સ્વામીજીએ દેશની મહાન વિભૂતિઓનું સન્માન કરવા એક ‘સમન્વય અલંકાર પુરસ્કાર’ પ્રદાન કરવાની શરૂઆત પણ કરી હતી. સ્વામીજી દ્વારા સ્થાપિત સમન્વય સેવા ટ્રસ્ટ દ્વારા ફિઝીયોથેરેપી સેન્ટર, અન્નક્ષેત્ર, ગ્રંથાલય વગેરે જેવા અનેક પ્રકલ્પો આજે ચલાવાઈ રહ્યા છે. જે તેમના ગયા પછી પણ સમાજમાં સેવાની સુવાસ ફેલાવતા રહેશે.

સ્વામીજીના વ્યક્તિત્વના આ મુખ્ય ત્રણ પાસાઓ

ભારતમાતા અને ગંગા મૈયાની રક્ષા કરવી, માનવ માત્રની પીડા દૂર કરવી અને પ્રાચીન ભારત તથા આધ્યાત્મિક ચિંતનને નવા ભારતની ચેતના અનુરૂપ લોકહિતકારી બનાવવી... સ્વામીજીના વ્યક્તિત્વના આ મુખ્ય ત્રણ પાસાઓ રહ્યા હતા. આવા રાષ્ટ્રસંતને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આજે તેઓ બ્રહ્મલીન થયા છે ત્યારે તેમનું પ્રેરણાત્મક જીવન ભારતવાસીઓ માટે હંમેશાં આદર્શ બની રહેશે…