ચીન - હોંગકોંગ । એક દેશમાં બે સીસ્ટમ હોય ત્યાં સમસ્યા તો આવી જ રહેવાની!

    ૨૮-જૂન-૨૦૧૯

 
 

હોંગકોંગમાં ફરી ભડકો બે કલ્ચર વચ્ચેની લડાઈ

દુનિયાના સમૃદ્ધ દેશોમાં એક હોંગકોંગમાં ફરી ભડકો થયો છે. હોંગકોંગ અત્યારે ચીનના તાબા હેઠળ છે પણ દુનિયાને દેખાડવા ખાતર ત્યાં સ્વાયત્તતા અપાઈ છે. જો કે હોંગકોંગની સંસદમાં ચીન તરફ સાંસદોની બહુમતી છે તેથી ચીન ઇચ્છે એ રીતે જ હોંગકોંગનો વહીવટ ચાલે છે. ચીનની સરકારના ઇશારે હોંગકોંગની સંસદમાં એક પ્રત્યાર્પણ ખરડો લવાયો હતો. આ ખરડા પ્રમાણે હોંગકોંગમાં અપરાધ કરનારી વ્યક્તિને ચીનની સરકારને સોંપી શકાશે અને ચીનમાં તેની સામે કેસ ચલાવી શકાશે.
 
જો કે આ ખરડા પર સંસદમાં ચર્ચા શ‚ થઈ એ સાથે જ ભડકો થઈ ગયો. લાખો હોંગકોંગવાસીઓએ સડકો પર ઊતરી આવ્યા. હોંગકોંગની સરકાર તથા ચીન વિરોધી દેખાવો શરૂ થઈ ગયા. હજારો લોકોએ સરકારી કચેરીઓની આસપાસની સડકો પર ઊતરીને કચેરીઓને ઘેરી લીધી અને ચક્કાજામ કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા. હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કેરી લેમ છે. કેરી લેમની ઓફિસ સુધી તો ના જઈ શકાય કેમ કે ત્યાં ચીનના લશ્કરની કિલ્લેબંધી છે પણ આ ઓફિસ પાસે આવેલી બીજી ઓફિસો જ્યાં આવેલી છે તે પોશ મનાતા લુંગ વોંગ રોડને લોકએ બ્લોક કરી દીધો.

હોંગકોંગમાં હજુ અશાંતિનો માહોલ

દેખાવકારોએ કીમ લેમની ઓફિસ તરફ કૂચ શરૂ કરી. તેમને રોકવા માટે રસ્તા પર ખડકી દેવાયેલા સેંકડો રાયોટ પોલીસે પહેલાં દેખાવકારોને આગળ નહીં વધવાની ચેતવણી આપી પણ તેમને દેખાવકારો ઘોળીને પી જતાં દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણો પણ થઈ. પોલીસે બળ વાપરીને દેખાવકારોને લેમની ઓફિસ સુધી તો ના પહોંચવા દીધા પણ આ દેખાવોના વૈશ્ર્વિક સ્તરે ઘેરા પ્રત્યાઘાત પડ્યા. વિશ્ર્વભરમાં ચીનની ટીકા શરૂ થઈ ને આર્થિક મોરચે પણ તેની અસરો વર્તાવા માંડી. શેરબજારો ગગડવા માંડ્યાં ને હોંગકોંગના અગ્રણી બિઝનેસ લીડર્સે સરકારને ચેતવણી આપવી પડી કે, આ પ્રત્યાર્પણ કાયદાને પસાર કરાશે તો રોકાણકારોનો હોંગકોંગ પરનો વિશ્ર્વાસ ડગી જશે અને હોંગકોંગે મોટું નુકસાન ઉઠાવવું પડશે.
 
ચીન આર્થિક રીતે થતું કોઈ પણ નુકસાન સહન કરવા તૈયાર નથી તેથી છેવટે તેણે હથિયાર હેઠાં મૂકી દીધાં. ચીને આ કાયદો હાલ પૂરતો પડતો મૂકવાની જાહેરાત કરી. તેના કારણે હાલ પૂરતા ઉગ્ર દેખાવો બંધ થઈ ગયા છે પણ આંદોલન ખતમ થયું નથી. હજુ હોંગકોંગમાં દેખાવો ચાલુ જ છે અને અશાંતિનો માહોલ તો છે જ. હોંગકોંગવાસીઓ ચીનને સારી રીતે ઓળખે છે તેથી અંદરખાને આક્રોશ ભભૂકી જ રહ્યો છે. આ ચળવળના આગેવાનોની માગણી છે કે, ચીન કાયમ માટે આ કાયદો નહીં લાવવાની ખાતરી આપે પણ ચીન એ માટે તૈયાર નથી તેના કારણે હજુ દેખાવો ચાલુ જ છે.
 

 

ચીનની દલીલ અને હોંગકોંગ વાસીઓનો ડર

ચીન હોંગકોંગવાસીઓને એવી ગોળી ગળાવે છે કે, આ કાયદો હોંગકોંગના હિતમાં છે. આ ખરડા અનુસાર હોંગકોગમાં રહેતા કોઈ પણ વ્યક્તિને અપરાધની શંકા હોય તો ચીન મોકલી શકાશે ને ત્યાં તેની સામે કેસ ચલાવી શકાશે. ખટલાની સુનાવણી માટે ચીન મોકલવાની પરવાનગી આપવામાં આવી છે. આ માટે ચીનની દલીલ એવી છે કે, હોંગકોંગ સાથે પ્રત્યાર્પણ સંધિ ન ધરાવતા દેશોમાંથી અપરાધ કરીને આવેલા લોકો હોંગકોંગમાં લીલાલહેર કરે છે. તેમની સામે પ્રત્યાર્પણ સહિતની કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. તેના કારણે હોંગકોંગ દુનિયાભરના અપરાધીઓનો અડ્ડો બની ગયું છે. આ કાયદો બનશે તો આવા અપરાધીઓને સજા આપી શકાશે.
 
બીજી તરફ હોંગકોંગવાસીઓ માને છે કે, ચીન આ કાયદાનો દુરુપયોગ પોતાના વિરોધીઓને દબાવવા કરશે. રાજકીય વિરોધીઓને પકડીને જેલમાં ધકેલી દેવાશે અને પછી તેમને ચીન મોકલી દેવાશે. ચીનમાં તેમની સામેના આરોપો સરળતાથી સાબિત કરી દેવાશે કેમ કે ચીનમાં તો ન્યાયતંત્ર સરકારનું ગુલામ છે. ચીનનો ઇતિહાસ જોતાં આ દલીલ ખોટી પણ નથી. ચીનનો ઇતિહાસ લીધેલી વાતને પડતી મૂકવાનો પણ નથી એ જોતાં હાલ પૂરતી ભલે તેણે પીછેહઠ કરી પણ ભવિષ્યમાં આ કાયદો બનાવવા માટે એ મથશે જ તેમાં પણ શંકા નથી. એટલે જ હોંગકોંગવાસીઓને આ કાયદો કદી ના બને એવી ખાતરી જોઈએ છે પણ ચીન એ ખાતરી આપે એ વાતમાં માલ નથી. સામે હોંગકોંગના લોકોને ચીન પર ભરોસો નથી તેથી એ લોકો પણ નમતું જોખે એ વાતમાં માલ નથી. તેના કારણે આ મુદ્દે ફરી મોટો ભડકો થશે એ પણ નક્કી છે.
 

 

લોકોને ચીન પર ભરોસો કેમ નથી?

હોંગકોંગના લોકોને ચીન પર ભરોસો નથી તેનું કારણ સમજવા જેવું છે. હોંગકોંગ અને ચીન વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલે છે. આ સંઘર્ષનું કારણ બંને દેશો વચ્ચેના કલ્ચરનો તફાવત છે. હોંગકોંગ પહેલાં બ્રિટનના તાબા હેઠળ હતું અને એ દરમિયાન હોંગકોંગમાં સંપૂર્ણ આઝાદી હતી. બ્રિટિશ પ્રજાએ હોંગકોંગને વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદી તો આપી જ પણ તેનો જબરદસ્ત આર્થિક વિકાસ પણ કર્યો.
 
જો કે ૧૯૭૯માં ચીને હોંગકોંગ પોતાનો પ્રદેશ હોવાથી તે પોતાને સોંપવા દાવો કર્યો. બ્રિટન ત્યાં લગીમાં દુનિયાભરમાં પોતાની સત્તા સ્થાપવાની માનસિકતામાંથી બહાર આવી ગયું હતું. બ્રિટને ચીન સાથે પણ મંત્રણા શરૂ કરી. છેવટે ૧૯૮૪માં બ્રિટન અને ચીન વચ્ચે કરાર થયા કે, ૧૫ વર્ષ પછી એટલે કે ૧૯૯૭માં બ્રિટન હોંગકોંગ છોડી દેશે.
 
આ કરાર હેઠળ ૧૯૯૭માં હોંગ કોંગ બ્રિટનના તાબા હેઠળથી ચીનના તાબા હેઠળ આવી ગયું. હોંગકોંગના લોકો શાંતિથી જીવતા હતા પણ ચીનનું શાસન આવ્યું પછી તેમની તકલીફોની શ‚આત થઈ. ચીને હોંગકોંગને સ્વાયત્ત પ્રદેશ તરીકે માન્યતા આપી છે અને તેનું વહીવટીતંત્ર અલગ છે. હોંગકોંગનું ચલણ ચીનના સત્તાવાર ચલણ યુઆનથી અલગ હોંગકોંગ ડોલર છે. આ બધું કરીને બાહ્ય રીતે ચીને એવું સ્થાપિત કર્યું કે, હોંગકોંગનાં લોકો પહેલાં જે રીતે જીવતા હતા એ રીતે જ પોતે તેમને જીવવા દેશે.
 
જો કે અંદરખાને તેણે હોંગકોંગ પર કબજો કરવાના પેંતરા પણ શરૂ કર્યા. ચીનમાં સામ્યવાદ છે જ્યારે હોંગકોંગમાં લોકશાહી છે. ચીનમાં અભિવ્યક્તિની આઝાદી નથી. ચીન હોંગકોંગમાં પણ એ નિયંત્રણો લાદીને લોકોની સ્વતંત્રતા છીનવી રહ્યું છે. સાથે સાથે ચીન પોતાના લોકોને હોંગકોંગમાં ઘૂસાડી રહ્યું છે. ચીનાઓમાં પણ આર્થિક રીતે નીચલા સ્તરના લોકો આવીને ઝૂંપડપટ્ટીઓ બનાવવા માંડ્યા છે. તેના કારણે હોંગકોંગ તેની ઓળખ ગુમાવી બેસશે એવું લોકોને લાગે છે. ચીના મોટા ભાગે સ્ટ્રીટ ફૂડ વેચે છે. તેમના માટે નવી માર્કેટ્સ બાંધવાની માગણી લોકો કરે છે પણ તંત્ર એ સાંભળતું નથી. તેના કારણે લોકોમાં આક્રોશ છે.
 
ત્રીજું મોટું કારણ પ્રદૂષણ છે. ચીને હોંગકોંગની પાસેના વિસ્તારોમાં બાંધેલાં મોટાં કારખાનાંના કારણે પ્રદૂષણ ખતરનાક હદે વધ્યું છે. હોંગકોંગ વિશ્ર્વમાં સૌથી સ્વચ્છ દેશ ગણાતો કેમ કે ૯૦ ટકા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે છે. હવે બેફામ પ્રદૂષણ થાય છે ને શિયાળાના ચાર મહિના તો કશું દેખાય જ નહીં એવી હાલત થઈ જાય છે.
 
આ બધાં કારણોસર હોંગકોંગનાં લોકો ચીન સામે લાંબા સમયથી મોરચા માંડીને બેઠા હતા. ચીન પોતાનું કલ્ચર થોપે છે એ હોંગકોંગને મંજૂર નથી. હવે ચીને પ્રત્યાર્પણને લગતો કાયદો થોપવા માંડ્યો તેથી લોકોઓ આક્રોશ ભડકી ઊઠ્યો. જો કે ચીનનો ઈતિહાસ જોતાં એ આ વિરોધને ગાંઠે એ વાતમાં માલ નથી. ચીન પોતાની લશ્કરી તાકાતથી આવા વિરોધને દબાવી દેવામાં માને છે. ચીને તો લોકશાહીની માગ કરનારા પોતાના વિદ્યાર્થીઓ પર ટેંકો ચલાવીને ટિનાનમેન સ્ક્વેરમાં લોહીની નદીઓ વહાવી હતી. હોંગકોંગમાં વિરોધને દબાવી દેવા માટે પણ ચીન ગમે તે કરશે જ.
 

 

હોંગકોંગ દુનિયાના સૌથી સમૃદ્ધ શહેરોમાં એક

 
હોંગકોંગનો કુલ વિસ્તાર માત્ર ૧૧૦૪ ચોરસ કિલોમીટર છે અને તેની વસતી ૭૫ લાખ છે પણ વિશ્ર્વના સૌથી સમૃદ્ધ શહેરોમાં તે એક છે. હોંગકોંગમાં માથાદીઠ આવક ૪૮ હજાર પ્રતિ ડૉલર છે. મતલબ કે દરેક વ્યક્તિ મહિને ત્રણ લાખ ‚પિયા સરેરાશ કમાય છે. હોંગકોંગ સમૃદ્ધ છે છતાં ત્યાં જીવન શાંત છે અને પ્રદૂષણમુક્ત છે કેમ કે ૯૦ ટકા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે. ધનિકો જ કાર વાપરે છે, બાકી સામાન્ય લોકો તો ટ્રેનમાં જ મુસાફરી કરે છે.
 
બ્રિટિશ શાસનના કારણે હોંગકોંગમાં ભવ્ય ઇમારતો બની. આજે દુનિયામાં સૌથી વધારે ગગનચુંબી ઇમારતો એટલે કે સ્કાયસ્ક્રેપર્સ હોંગકોંગમાં છે. વિક્ટોરિયા હાર્બર હોંગ કોંગનું સૌથી લોકપ્રિય આકર્ષણ છે. અહીંની તોતિંગ ઇમારતોનો પણ ભારે દબદબો છે. ચીના આ બધું બગાડી રહ્યા છે તેથી હોંગકોંગના લોકોને ચીન સામે આક્રોશ છે.
 
- જય પંડિત