૫૫૯ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામાં ધ્રબુકે છે !!

    ૨૮-જૂન-૨૦૧૯

'શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી", જલન માતરીની આ પંક્તિ કચ્છમાં આવેલ કેટલાય શ્રદ્ધા સ્થાનો માટે યથાર્થ ઠરે છે ભલે પછી તે શ્રાવણ કાવડીયે વર્ષોથી ચેરીયાને કોઈ અડકી ન શકતું હોય,કાવડીયાના કુંડમાં ન્હાવાથી ચર્મરોગ મટી જાતો હોય,સણોસરા ગામ આખું રાજાશાહી વખતથી નળિયાવાળા મકાનમાં જ રહેતું હોય કે પછી વાગડ માં આવેલ વ્રજવાણી ઐતિહાસિક સતીસ્મારક ખાતે ૫૫૯ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામાં ધ્રબુકતો હોય !
 
જી હા !.આમ તો વ્રજવાણીના ઈતિહાસને લઈને સમાજ,લોકો અને લેખોમાં અસમંજસ રહેલી છે પણ ઇતિહાસના પાના ઉથલાવીએ તો આજથી ૫૫૪ વર્ષ પહેલા વાગડમાં વ્રજવાણીમાં આહિરો નેસડાઓમાં વસવાટ કરતા,અખાત્રીજમાં મેળામાં એ સમયે યુવાનો મલ્લ-કુસ્તી કરી રહ્યા હતા,બાળકો હીંચકા ખાઈ રહ્યા હતા અને નેસડાની ૧૪૦ આહિરાણીયું સવારના પહોરથી ઢોલના તાલે કદમતાલ મિલાવી રમી રહી હતી,ઢોલીની થાપ પડતી ગઈ ધ્રુજારી ઉત્પન્ન થતી ગઈ અને ૧૪૦ આહિરાણીયું હાથીદાંતના જાડા ચૂડલા અને પગમાં કાંબી-કડ્લો પહેરી રાસડા લેતી રહી,રાત આખી વીતવા આવી ત્યાં સુધી સુધી તેઓના પગ થંભ્યા જ નહિ !
 

 
 
સાંજથી પશુઓની દોહાઈ અને રાતનું વાળું બાકી હતું,નાના બાળકો રોતા રોતા ભૂખ્યા પેટે સુઈ ગયા હતા,બીજા દિવસના પ્રથમ પહોરે ગામના આહિરોનો પીતો ગયો,સ્થળે જઈ જોયું તો બધીયે રાસ રમવામાં મશગુલ હતી.યેન-કેન પ્રકારે તેઓ ન થોભતા ગયેલા આહિરોએ ગુસ્સામાં આવી ઢોલીને તલવાર નો ઝાટકો મારતા તે તત્કાળ મૃત્યુ પામ્યો પણ શૂરાપુરાની જેમ તેના ધડ અને હાથ ઢોલ પર થાપ પડતા જ રહ્યા.સુરની પ્રેમી અને કૃષ્ણની ધૂન પર રાસ રમતી આહિરાણીઓ સમી ગોપીઓએ થંભી ગઈ,ઘરે જવા ઇનકાર કરી તેઓ એ સંગીતના પ્રેમ વિયોગમાં તરત એ જગ્યા એ પ્રાણ ત્યાગ કર્યો જે સ્થળ પર આજેય તે સતીઓના ૧૪૦ પાળિયા છે,ઢોલીનો પાળિયો અને નવું બનેલ સતી સ્મારક છે જેમાં ઢોલીના પાળિયામાં આજે પણ કાન ધરતા એક 'બિટ' સંભળાય છે,માઇક્રોવેવ સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે.વર્ષોથી સંભાળતી આ દંતકથાનો 'ભાસ્કરે' સાક્ષાત્કાર કર્યો,આજ વિજ્ઞાનયુગમાં આ વાત ભલે આપણે માનીએ કે ન માનીએ પણ બને છે એ હકીકત છે,ભલે પછી આ સત્ય પાછળ લોકોની આસ્થાનું ચિતભ્રમ હોય,આ જગ્યાની પ્રવિત્રતા હોય,આજે પણ ધ્રબુકી રહેલ ઢોલીનું જોમ હોય કે પછી ૧૪૦ આહિરરાણીયુંનુ સત !.
 

 
જે પણ હોય આજે પણ અહી આવનારા પ્રવાસીઓ હોંશે હોંશે આ વાતની અનુભૂતિ કરવા સ્મારકની પાછળ આવેલ ઢોલીના પડીએ કાન જરૂર ધરે છે અને બીટ સંભળાય છે તો અમુક પ્રવાસીઓ તો દરેક પાળીયે પાળીયે જઈ અન્ય વાતની સાતત્યતા ચકાસતા હોય છે કે ઢોલીનો પાળિયા માં તો અવાઝ ધ્રબુકે છે પણ શું એ ઢોલી બાદ સત લેનાર આહિરાણીયુના પાળિયામાં પણ કંઈક છે કે નહિ?!.અત્રે ઉલ્લેખનીય છે કે એ ઘટના બાદ સદા પાંચ સદી સુધી આહિરોએ આ સ્થળનું પાણી હરામ કર્યું હતું જે ચાર વર્ષ પહેલા અહી સ્મારકના ભૂમિપૂજન બાદ પાણી ગ્રહણ કરયું હતું,તો હાલ આ સ્થળ પ્રવાસીઓ માટે ફેવરીટ બની ગયું છે તો સાતમ-આઠમ નિમિતે અહી સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરાયું છે,તો આ સ્મારકની નજદીક માં સતીઓની યાદગીરીમાં જે-તે સમયે તળાવની વચ્ચે ૧૪૦ કુવાઓ પણ બાંધવામાં આવેલા છે,જેમાં હાલ અમુક કુવાઓ જ જીવંત છે.
 
- રોનક ગજ્જર,લાખોંદ