હમ્બો હમ્બો | આ પુસ્તક વાંચી જવાની નહીં, વાંચવાની હું (અશોક દવે) ભલામણ કરું છું.

    ૦૫-જૂન-૨૦૧૯
 


 
 
પુસ્તક   :    હમ્બો હમ્બો
લેખક    :   તુષાર દવે
પ્રકાશક :   નવભારત સાહિત્ય મંદિર, ગાંધીરોડ, અમદાવાદ
પૃષ્ઠ    :   ૧૧૨
મૂલ્ય    :   રૂા. ૧૩૫/-
સંપર્ક    :   ૯૮૨૫૦ ૩૨૩૪૦
 
ગુજરાતમાં હાસ્યસમ્રાટ તરીકે જે નામ પ્રખ્યાત છે તે શ્રી અશોક દવે દ્વારા પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના લખવામાં આવી છે. વાચક આ પુસ્તકને માણી શક્યા છે તેનો ‘પ્રેરણાપુંજ’ પણ શ્રી અશોક દવે છે. તેઓ પુસ્તકના લેખક વિશે જે મહત્ત્વની વાત જણાવે છે એ ‘તુષાર દવે આજ અને આવતીકાલની પેઢીનો તારક મહેતા છે. એનું હાસ્ય સ્વયંભૂ પ્રગટ થતું હાસ્ય છે, જાણે એને આયાસ જ કરવો પડતો ન હોય !’ પ્રસ્તાવનાની છેલ્લી લીટીમાં તેમણે લખ્યું છે કે આ પુસ્તક વાંચી જવાની નહીં, વાંચવાની હું (અશોક દવે) ભલામણ કરું છું. પુસ્તકના લેખો વિશે આટલો કોંક્રિટ અભિપ્રાય આપનાર હાસ્યલેખકની વાત કેટલી સાચી ઠરે છે એ બાબતનો વિચાર કરતાં કરતાં પુસ્તકના લેખો વાંચવાની શરૂઆત કરી ત્યારે પુસ્તક જેમને અર્પણ કર્યું છે તેવા દાદી જયાબા વિશે લેખક લખે છે કે મારી ભાષામાં રહેલું બરછટપણું જેમની દેન છે, મારા લખાણમાં અનાયાસે જ બાંગ્લાદેશી ઘૂસણખોરીની જેમ ઘૂસ મારીને ઉત્પાત મચાવતા તળપદા શબ્દો જેમનો વારસો છે, અનેક ગૉડગીતો અને લોકકથાઓ જેમને કંઠસ્થ હતી અને એના વડે લોકસાહિત્યની કઠોપકંઠ અને કર્ણોપકર્ણ પરંપરાથી અનાયાસે જ જેમણે મારામાં સાહિત્યરસનું સિંચન કર્યું એવાં મારાં દાદી આદરણીય સ્વર્ગસ્થ શ્રી જયાબાને અર્પણ. આ સમગ્ર વાત પુસ્તકની સમીક્ષામાં ટાંકવાની આવશ્યકતા એટલા માટે જણાઈ કે જેમ જેમ હાસ્યલેખોને માણવાનું... વાંચવાનું ચાલ્યું ત્યારે તળપદા શબ્દોનો વપરાશ જોયો. સાહિત્યરસનું પાન ન કર્યું હોય તે આટલું ઉત્તમ સાહિત્ય તૈયાર ન કરી શકે તે વાત મને અને હૃદયે તરત સ્વીકારી લીધી. વળી ‘અર્પણ’માં પણ હાસ્યરસને પીરસવામાં આવ્યો છે. જે જયાબાના જીવને હાસ્યાંજલિ અર્પે છે.
 
પુસ્તકના લેખનની ઘટનાને પુસ્તક સ્વરૂપે તૈયાર થતાં આઠ-નવ વર્ષનો સમય લાગ્યો છે. વળી ક્યારેય પુસ્તક પ્રગટ કરવા વિશે ન વિચારતા આ લેખક પોતાની વાતમાં કેટલીક ઘટના તથા વ્યક્તિઓની વાતને ટાંકતાં જણાવે છે કે ક્યારેક આપણા દ્વારા થતાં ઘણાં શ્રેષ્ઠ કાર્યો કે સર્જન એ આપણામાં અન્યોએ દાખવેલો વિશ્ર્વાસ હોય છે, જે કાળક્રમે કુદરતની દૈવી ગોઠવણ થકી આરંભથી અંત સુધી પહોંચે છે.
 

 
 
પુસ્તકની અનુક્રમણિકામાં જોવા જઈએ તો ૩૯ હાસ્યલેખોનો સમાવેશ પુસ્તકમાં થયો છે પણ પૃષ્ઠ ૧થી લઈ ૧૧૨ સુધી અવિરત હાસ્ય વેરાતું જોવા મળે છે. લેખોની શૈલી રસાળ છે. પુસ્તકનું પ્રથમ પ્રકરણ - હાસ્યલેખ એટલે ‘સરકારે બાઇક સાથે હેલ્મેટ નહીં પણ ગાભો ફરજિયાત કરવો જોઈએ’ મથાળું વાંચીને જ મોજ આવી જાય. વળી વાસ્તવિક ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને હાસ્યને વણી લેવાયું છે. વર્તમાનમાં ઘટતી નાની મોટી ઘટનાઓ ક્યારેક આપણા મનમાં તાણ વરતાવી જાય ત્યારે તે ઘટનાઓ અંગેના આ હાસ્યલેખો મનની તાણને દૂર કરવાનો રામબાણ ઇલાજ બની જાય છે. આળસ એક ખોજ. આવાઝ કે હમે તુમ (ન) જગાઓ...! આવા શીર્ષક હેઠળ આળસ વિશે લખવું અને તે પણ હસવું આવી જાય એવું... કેવી રીતે લખાય ? અને લખાય તો તે ધારી અસર નિપજાવે કે કેમ ? એટલે કે હાસ્ય ફેલાવે કે કેમ ? આવા પ્રશ્ર્નોનો ઉત્તર લેખને માણીએ ત્યારે સ્વયં મળી જાય છે. મજાના વિષયોને અવનવાં ઉદાહરણો અને સરળ શબ્દભંડોળનો સુભગ સમન્વય પુસ્તકના પ્રત્યેક લેખોમાં જોવા મળે છે.
 
જીવનમાં ઘણાં સદ્કાર્યો સરળતાથી થઈ જતાં હોય છે અને આપણે કરી શકતા હોઈએ છે. પણ જો કોઈ ઉત્તમ સદ્કાર્ય હોય તો રડતાને હસાવવું.. પણ આ પુણ્ય કમાઈ શકે તેવું સામર્થ્ય સૌ કોઈમાં હોતું નથી. પુસ્તકના લેખ કે આવા ઉત્તમ લેખો દ્વારા પુણ્યનું મસમોટું ભાથું બાંધી લીધું છે. આજના ભાગદોડ અને ગળાકાપ હરીફાઈના યુગમાં જીવતો પ્રત્યેક માનવી સતત તાણ અનુભવે છે. ખૂબ ખૂબ ‚પિયા, પ્રતિષ્ઠા પદ કે હોદ્દો કમાનાર વ્યક્તિ હાસ્યથી અલિપ્ત થતો જાય છે. હળવાશને માણવાનો જાણે સમય જ નથી અને કદાચ હવે સૌમાં એવી આવડત પણ નથી રહી ત્યારે આવા લેખો વાચકને શાતા આપે છે. જીવનની પળોને હળવાશ આપે છે.
 
પુસ્તકના પ્રત્યેક હાસ્યલેખ પછી ‘ફ્રી હીટ’ મૂકવામાં આવી છે તે વાંચીને પણ મજા આવી જાય છે. જ્યારે સમય ઓછો હોય અને હાસ્યની જરૂર હોય ત્યારે આવી બે-ત્રણ લીટીની ફ્રી હીટ ફ્રી ઓફ કોસ્ટ હાસ્યને મોં પર લાવીને મૂકી દે છે. પુસ્તકના લેખોમાં... અવારનવાર આવતો શબ્દ એટલે પુસ્તકનું શીર્ષક હમ્બો... હમ્બો... ક્યાંક ક્યાંક લોલમલોલ ચાલતું હોય ત્યારે હળવાશથી સ્વીકારી લેવા માટે વપરાતો શબ્દ એટલે હમ્બો... હમ્બો...
 
તો ચાલો, આપણે પણ આવા હાસ્યના ફુવારા નીચે ભીંજાઈને અંદરની-અંતરની ઢાકને પામવા પુસ્તકના વાચક બનીએ. સ્વયં હાસ્યાન્વિત બનીએ અને અન્યો સુધી આ હાસ્યસુખને વહેંચીને આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવી લઈએ. મેં તો પુસ્તકની સમીક્ષા આપ સુધી પહોંચાડી એ પુણ્ય કમાઈ લીધું. તમે શું કહો છો ? હઓ... હમ્બો... હમ્બો...!