ગાયની મમતા | એક સરસ ગુજરાતી બાળવાર્તા

    ૦૫-જૂન-૨૦૧૯

 
માના દૂધ પછી જો કોઈનું દૂધ આરોગ્યપ્રદ, પૌષ્ટિક તેમજ પચવામાં સહેલું હોય તો તે ગાયનું દૂધ છે. ગાયના દૂધથી બાળકો નાના-મોટા રોગથી પણ દૂર રહે છે. ઘરમાં એક ગાય પહેલેથી હતી. ઘરમાં નવજાત સભ્ય આવવાથી એવું નક્કી થયું કે વધુ એક ગાય રાખવી. બીજે દિવસે ગાય ઘરના આંગણે હતી. તેનું નામ સુરભિ રાખવામાં આવ્યું. તે ખૂબ સીધી, સુંદર અને પ્રેમાળ હતી.
 
દાદા-દાદી ગાયની બહુ સેવા કરતાં. દાદીમા રોજ ગાયને દોહતાં અને દૂધ પોતાના પૌત્ર-પૌત્રીઓને પીવડાવતાં. નાનાં બાળકો ગાય માતાનું દૂધ પીતાં ગયાં અને હૃષ્ટ-પુષ્ટ થતાં ગયાં.ઘરમાં રાધા નામે અન્ય ગાય પણ હતી. તેણે પણ આજ એક સુંદર વાછરડાને જન્મ દીધો. તેમના ઘરમાં આનંદ વ્યાપી ગયો. પરંતુ ભાગ્યમાં કંઈક અલગ જ હતું. વાછરડું દીધાના થોડા જ કલાકોમાં તેને આ દુનિયામાં એકલું મૂકીને રાધા મૃત્યુ પામી. નવજાત વાછરડાને ઉછેરવાની મુશ્કેલી ઊભી થઈ ગઈ. ઘરમાં બધા સભ્યોની આંખમાં સુરભિ હવે આશાનું કિરણ હતી.
 
માતા-પિતા તે બન્ને વાછરડાંને સુરભિ પાસે લઈ ગયાં. પણ આ શું ? તે પોતાના બચ્ચાને દૂધ પીવા દેતી, પણ રાધાના બચ્ચાની કોણ જાણે તેને કઈ રીતે ખબર પડી જતી, તે નજીક આવે એટલે તેને સૂંઘીને લાત મારી દેતી. બિચારું બદનસીબ વાછરડું ! સુરભિ તરફ સ્નેહભરી નજરે જોયું. ત્યારે જાણે એમ લાગતું કે તે સુરભિની આંખોમાં પોતાની માની છબી શોધી રહ્યું છે અને જ્યારે તે દુ:ખભર્યા અવાજ સાથે ભાંભરતું તો એમ લાગતું કે જાણે તે સુરભિને આજીજી કરતું હોય કે તેને પણ દૂધ પીવા દે.
 
માતા-પિતા સુરભિને પંપાળતાં રાધાના બચ્ચા માટે મનાવવાની લાખ કોશિશ કરતાં પણ તે એમને શિંગડાં બતાવી ડરાવતી. સુરભિએ કુટુંબમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. સૌ કોઈ તેને આદરથી જોતાં અને બોલાવતા પણ બિચારા નાના વાછરડાની ચિંતા સૌને સતાવતી હતી. તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. હવે શું થશે ? વાછરડાના ભાગ્યમાં જે લખ્યું હશે તે થવાનું એમ વિચારી માતા-પિતા ઘરમાં આવી સૂઈ ગયાં. પરંતુ આંખમાં નિરાંત નહોતી, મનમાં ઉચાટ હતો. તે આખી રાત પડખાં ફેરવતાં રહ્યાં. રાધાના નવજાત વાછરડાંનો કરુણ ચહેરો તેમને યાદ આવતા હૃદય ચિરાતું હતું. નાનું વાછરડું ભૂખથી ટળવળતું ભાંભરી રહ્યું હતું. એકાએક અડધી રાતે વાછરડાનો ભાંભરવાનો અવાજ બંધ થઈ ગયો. તેમણે તુરંત ઊઠી ઘરની બહાર આવી વાડામાં જોયું તો તેઓ આશ્ર્ચર્યચકિત થઈ ગયા.
 
તેમણે જોયું કે સુરભિ પોતે જઈને એ નાના વાછરડા પાસે ઊભી હતી. નાનુ વાછરડું તેને પોતાની મા સમજીને દૂધ પી રહ્યું હતું અને સુરભિ તેને વાત્સલ્ય ભાવે જીભથી ચાટી રહી હતી. એવું લાગતું હતું કે જાણે સુરભિની મમતાએ પેલા વાછરડાનું જીવન બચાવી લીધું.
 
આ તરફ ગાય-વાછરડા વચ્ચે પ્રેમની વર્ષા થઈ રહી હતી તો પેલી તરફ માતા-પિતાની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી.