શું એબી ડિવિલિયર્સ દક્ષિણ આફ્રિકાની ટીમમાં પાછો ફરશે? ડિવિલિયર્સે ઇચ્છા જાહેર કરી છે!

    ૦૬-જૂન-૨૦૧૯

 
વર્લ્ડ કપ ૨૦૧૯ શરૂ થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ સતત ત્રણ મેચ હારી ગઈ છે. પહેલા ઇંગ્લેન્ડ સામે પછી બાંગ્લાદેશ સામે અને ગઈ કાલે ભારત સામે દક્ષિણ આફ્રિકા હારી ગયું છે. આ જોતા હવે દક્ષિણ આફ્રિકાની ટીમને એબી ડિવિલિયર્સની કમી જણાઈ રહી છે. આવા સમયે સોશિયલ મીડિયામાં પણ ડિવિલિયર્સને ટીમમાં જગ્યા આપવાની વાત થઇ રહી છે. ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ પછી પણ ડિવિલિયર્સે વલ્ડ કપ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પણ તેમ છતાં તેને ટીમમાં જગ્યા મળી ન હતી.
 
એવું માનવામાં આવી રહ્યું છે કે ડિવિલિયર્સે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડુ પ્લેસિસ, કોચ ઓટિસ ગિબ્સન અને પસંદગીકાર- સંયોજક લિંડા જોંડી સાથે આ સંદર્ભે સંપર્ક કર્યો હતો. ડિવિલિયર્સે કહ્યું હતું કે તેઓ ફરી ટીમમાં વાપસી કરવા માંગે છે. પરંતુ મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યુ કે આ હવે શક્ય નથી.
 
ESPNcricinfo નો રીપોર્ટ કહે છે કે ડિવિલિયર્સે ટીમમાં વાપસીની ઇચ્છા વ્યક્ત કરી હતી પણ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી અને તેના પર વિચાર પણ કરવામાં આવ્યો નથી.
 
આવું કેમ થયું? ડિવિલિયર્સને કેમ ટીમમાં લેવામાં ન આવ્યો તો તેની પાછળ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડના કેટલાક નિયમો પણ હોઇ શકે. જે નિવૃતિ પછી ડિવિલિયર્સ માટે પાળવા શક્ય નહી હોય. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડના મતે ખેલાડી વર્ષ દરમિયાન ઘરેલું ક્રિકેટની સાથે આતંરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમેલો હોવો જોઇએ જે નિવૃતિ બાદ ડિવિલિયર્સ રમ્યો નથી.
બીજુ કે ડિવિલિયર્સની નિવૃતિ બાદ જે નવા ખેલાડીઓને વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવ્યા તેની સાથે પણ બોર્ડ અન્યાય કરવા માંગતું નથી. હવે જો ટીમમાં ડિવિલિયર્સ પાછો આવે તો કોઇ એક ખેલાડીને બહાર બેસાડવો પડે. જે તેની સાથે અન્યાય થયો ગણાય. માટે હાલ તો દક્ષિણ આફ્રિકાનું ક્રિકેટ બોર્ડ પણ ચિંતામાં છે. વર્લ્ડ કપની મેચોમાં સંળગ ત્રણ હાર પછી ફરી કદાચ બોર્ડ ડિવિલિયર્સને ટીમમાં જગ્યા આપવાનું વિચારી શકે.
 
પણ શું આ શક્ય બની શકે? શું ડિવિલિયર્સની ક્રિકેટ જગતમાં પાછી એન્ટ્રી થસે? થવી જોઇએ, કમસે કમ ડિવિલિયર્સના કરોડો ફેન તો આવું જ વિચારી રહ્યા છે. આ બધાની વચ્ચે ડિવિલિયર્સે ટ્વીટ પણ કરે છે કે હાલ આપણી ટીમને સપોર્ટ કરવામાં ધ્યાન આપો, હજુ ઘણો સમય છે….