ઓપરેશન બ્લ્યૂ સ્ટારના ૩૫ વર્ષ પૂરા – શું થયું હતું ૬ જૂન ૧૯૮૪ના એ દિવશે?

    ૦૬-જૂન-૨૦૧૯

 
 
 
૫ જૂન, ઓપરેશન બ્લ્યૂ સ્ટારના પ્રારંભની તારીખ નિમિત્તે વિશેષ
‘ઑપરેશન બ્લ્યૂ સ્ટાર’ ૩૫ વર્ષ પછી પણ ગૂંચવાયેલો કોયડો
 
૫ જૂન, ૧૯૮૪ની રાત્રે ભારતીય સેનાની ટુકડીઓએ શીખોના પવિત્ર ધામ એવા અમૃતસર ખાતેના સુવર્ણમંદિર (શ્રી હરમિંદર સાહેબ)માં પ્રવેશ કરીને ખાલિસ્તાન ચળવળના તે સમયના મુખ્ય નેતા જર્નેલસિંઘ ભિન્દરાનવાલેને પકડવા માટેનું ઓપેરશન ચાલુ કર્યુ. ‘બ્લ્યૂ સ્ટાર’ કોડનેમથી હાથ ધરાયેલ આ ઓપરેશનમાં સેનાના લગભગ ૮૦થી પણ વધુ સૈનિકો શહીદ થયા હતા. લગભગ ૨૫૦થી વધુ સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા અને ખૂબ મોટા પાયે સામાન્ય નાગરિકોનાં પણ મોત થયાં હતાં. એક Internal security ઓપરેશન તરીકે ચાલુ થયેલ આ ઘટનાક્રમ આઝાદી પછીના ભારતીય ઇતિહાસની સૌથી વિવાદાસ્પદ અને હિંસક પ્રત્યાઘાતોને જન્મ આપનાર ઘટના બની રહી. આ ઓપરેશન દરમિયાન થયેલી જાનહાનિ અને શીખોના સૌથી પવિત્ર ધામ એવા શ્રી હરમિંદર સાહેબ ગુરુદ્વારાને પહોંચેલ નુકસાન ઉપરાંત ઇન્દિરા ગાંધીની હત્યા તથા ત્યાર બાદનાં શીખવિરોધી તોફાનો ઓપરેશન બ્લ્યૂ સ્ટારમાંથી જ ઉદ્ભવ્યાં.
 
આજે આ ઓપરેશનનાં ૩૫ વર્ષ પછી પણ ઓપેરશન બ્લ્યૂ સ્ટાર કરવાનો તે સમયે શ્રીમતી ઇન્દિરા ગાંધીનો નિર્ણય બહુ ચર્ચાસ્પદ ગણાય છે અને આ ઓપરેશન પછી ઘણા બધા એવા ખુલાસાઓ અને સત્યો બહાર આવતાં રહ્યાં છે, જે આ નિર્ણય પાછળના ઉદ્દેશ્ય અને decision making process ઉપર શંકા ઉત્પન્ન કરે છે, ઘણાંબધાં પુસ્તકો પણ આ વિષય પર લખાયાં છે, જેમાંથી પણ અમુક પાસાની ચર્ચા આ લેખમાં કરવામાં આવી છે.
 

કેટલાક સવાલો જેના જવાબ નથી !

 
ઓપરેશન બ્લ્યૂ સ્ટાર સંબંધિત સૌથી મોટો સવાલ મનમાં ઊઠે કે વાત આટલી બધી વણસી જાય અને સૈન્યની મદદ લેવી પડે એવી પરિસ્થિતિ પંજાબમાં ઊભી જ કેમ થવા દીધી ? જર્નેલસિંઘ ભિન્દરાનવાલે ૧૯૮૪ના પહેલાં ઓછામાં ઓછા ૬ વર્ષથી ખાલિસ્તાન ચળવળ અને તેને સંબંધિત પંજાબમાં થઈ રહેલી હિંસામાં સામેલ હતો તે વાત કાંઈ સરકારથી પણ છૂપી નહોતી. આટલા બધા સમય સુધી સરકાર અને પોલીસને જાણ હોવા છતાં પણ ભિન્દરાનવાલેને રોકવા માટે કોઈ ઠોસ પગલાં લેવામાં કેમ નહોતાં આવ્યાં ? શ્રી હરમિંદર સાહેબમાં ભિન્દરાનવાલેએ આશ્રય લીધા પછી પણ ગુરુદ્વારામાં અંદર કારસેવાના નામે જતી માલ ભરેલી ટ્રકોના મારફતે હથિયાર લઈ જવામાં આવતાં હતાં તે વાત સરકારથી પણ છૂપી નહોતી. તો તે વખતે આ હથિયારોના એકત્રીકરણ અને ભિન્દરાનવાલેને આટલા તાકતવર બનાવતાં પરિબળો સામે કેમ કોઈ નક્કર પગલાં લેવામાં નહોતાં આવ્યાં એ એક પ્રશ્ર્ન છે. આ અંગે ચોક્કસ જ ઘણીબધી થિયરી છે. જેમાં મુખ્યત્વે શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમર્થકો એમ કહે છે કે પરિસ્થિતિ તેમના કાબૂ બહાર હતી અને સમગ્ર સ્થાનિક તથા પોલીસતંત્ર ભિન્દરાનવાલેના કાબૂમાં હતું. પરંતુ આ તો very simple theoretical solution to a practical & complex issue જેવું કહેવાય. ખરેખર, આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ એ અંગે ઘણાં બીજાં કારણો પણ માનવામાં આવે છે અને એમાંનું એક એ કે કદાચ શ્રીમતી ગાંધીએ શ‚આતમાં ભિન્દરાનવાલેને રોકવા માટે કોઈ પ્રયત્નો જ નહોતા કર્યા. આ અંગે શ્રી કુલદીપ નાયરે તેમના ૮ જુલાઈ, ૨૦૧૨માં India Todayમાં પ્રકાશિત એક લેખમાં તેમના પુસ્તક Beyond the lines - An autobiographyના એક ભાગનો ઉલ્લેખ કર્યો હતો, જેના પ્રમાણે ભિન્દરાનવાલેને ઉપર લાવવામાં કોંગ્રેસનું છૂપું સમર્થન હતું જે આ દ્વારા અકાલી દળને ૧૯૭૭ની પંજાબમાં જીત પછી હરાવવા માંગતી હતી. આવા જ ઘણા બધા સંદર્ભો ઓપરેશન બ્લ્યૂ સ્ટાર સંબંધિત લખાયેલ લેખોમાં જોવા મળે છે. (ત્યારબાદ થયેલા કોંગ્રેસ વિરોધ પછી આ ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો હતો.)
 

 

ઓપરેશન સનડાઉન કેમ નહીં ?

 
કોઈપણ કારણસર એકવાર આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ પછી ભિન્દરાનવાલેને પકડવાનું અને પંજાબમાં ઊઠેલ હિંસક આંદોલનને રોકવું જ‚રી હતું તે બાબતે કોઈ શક નથી, પરંતુ આ માટે કયો રસ્તો અપનાવવો અને શું ઓપરેશન બ્લ્યૂ સ્ટાર એ સાચો રસ્તો હતો કે નહીં એ ચોક્કસ એક ચર્ચાસ્પદ વિષય છે. ઓપરેશન બ્લ્યૂ સ્ટારની સાથે સાથે એક બીજો ઓપરેશન સનડાઉનનો રસ્તો પણ RAW સેના દ્વારા સરકાર સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ઓપરેશન સનડાઉનના પ્લાન પ્રમાણે એક cover operationમાં સ્પેશિયલ કમાન્ડોઝ સુવર્ણમંદિરમાં હેલિકોપ્ટર મારફતે પ્રવેશ કરી ભિન્દરાનવાલેને પકડે એવી યોજના હતી, પરંતુ આ પ્લાન શ્રીમતી ગાંધી દ્વારા એટલે નામંજૂર કરવામાં આવ્યો હતો, કારણ કે તેઓ કોઈપણ પ્રકારની civil casualties (સામાન્ય નાગરિકનાં મોત) થવા દેવા માંગતાં નહોતાં, પરંતુ પ્રશ્ર્ન એ ઊઠે કે જો આ જ ઉદ્દેશ્ય હતો તો ઓપરેશન બ્લ્યૂ સ્ટાર કેમ પસંદ કરવામાં આવ્યું, જેમાં એક ભિન્દરાનવાલેને પકડવા માટે સેના દ્વારા frontal attack કરવાના હતા, જેના ભાગરૂપે ગુરુદ્વારામાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓના જાનનું જોખમ સ્વાભાવિક હતું. ઓપરેશન સનડાઉનની ક્ષમતા માટે પણ શ્રીમતી ગાંધીને ઘણા બધા વિશ્ર્વસનીય અભિપ્રાયો મળ્યા હતા. તેમ છતાં પણ કેમ ઓપરેશન બ્લ્યૂ સ્ટારને ઓપરેશન સનડાઉનને બદલે પસંદ કરવામાં આવ્યું હતું (નિર્ણય સરકારી હતો) ? ઓપરેશન બ્લ્યૂ સ્ટાર એક રીતે ઉંદર મારવા માટે આખું ઘર તોડવા જેવી વાત હતી. શું તેમા civil casualtiesની શક્યતા દેખીતી રીતે વધારે નહોતી ?
 

 
 
કોઈ પણ કારણસર, ઓપરેશન બ્લ્યૂ સ્ટાર પસંદ કરવામાં આવ્યું તે પછી પણ તેનું અમલીકરણ કરવાની રીતમાં પણ ઘણા જ ચર્ચાસ્પદ પાસાં છે. સૌ પ્રથમ ઓપરેશનનો ઓપરેશન બ્લ્યૂ સ્ટાર માટે પસંદ કરવામાં આવેલ સમય શીખોના ગુરુ અર્જુન દેવના શહીદી દિવસની આસપાસ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તે સમયે સુવર્ણમંદિર પરિસરમાં ઉપસ્થિત હતા. જો civil casualties સરકારની સૌથી મોટી ચિંતા હતી તો આવી સમય પસંદ કરવાનું કોઈ કારણ હોઈ શકે ?
 

 

સૈન્યની ટુકડીઓને આ પ્રકારના ઓપરેશન માટે કોઈ જ તાલીમ મળેલી નહોતી

 
આ ઉપરાંત લેફટેનન્ટ જનરલ બ્રાર (જેમણે આ ઓપરેશન લીડ કર્યુ હતું.) દ્વારા લિખિત પુસ્તક Operation Blue Star - The true storyમાં જણાવ્યા પ્રમાણે આ ઓપરેશન તેમની સાથે ૩ જૂન, ૧૯૮૪ના દિવસે પ્રથમ વાર ચર્ચાયું હતું. સમગ્ર ઓપરેશનનો પ્લાન બનાવવા માટે તેમની પાસે ૪૮ કલાકથી પણ ઓછો સમય હતો. ઓપરેશનમાં સામેલ થનાર ઘણી બધી સૈન્યની ટુકડીઓને આ પ્રકારના ઓપરેશન માટે કોઈ જ તાલીમ મળેલી નહોતી. આ પ્રકારના ઓપરેશન માટે તાલીમ અપાયેલ frontier special force વિશે લેફ. જન. બ્રારને ૪ જૂન, ૧૯૮૪ના જ પહેલી વાર જાણકારી અપાઈ હતી. ઓપરેશન પછી લેફ. જન. બ્રાર અને તે સમયના વેસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ. જન. ક્રિષ્નાસ્વામી સુંદરજીના જણાવ્યા પ્રમાણે ઓપરેશન પહેલાં સૈન્ય પાસે મર્યાદિત ગુપ્ત માહિતી જ હતી અને જેથી કરીને ભિદરાનવાલે અને શાબેગસિંઘ દ્વારા વધેલા પ્રતિકારને પહોંચી વળવામાં પૂરતી તૈયારી નહોતી થઈ. શું આવા સંજોગોમાં અને આટલા ઓછા સમયમાં (અને કદાચ અપૂરતી તૈયારી સાથે) આવું ઓપરેશન કરવાનો નિર્ણય ઉતાવળભર્યો નહોતો ? ૫ જૂન, ૧૯૮૪ની રાત્રે ૧૦.૩૦ વાગે ચાલુ થયેલ આ ઓપરેશનમાં સવારે ૭.૩૦ વાગ્યા સુધીમાં જ ભારતીય સૈન્યે ૫૦થી વધુ સૈનિકો ગુમાવ્યા હતા. ત્યારબાદ વિજયંત ટેન્કના ઉપયોગથી સુવર્ણમંદિરના અકાળ તખ્તને મોટા પાયે નુકસાન થયું હતું. આ ઓપરેશનમાં ૮૩ સૈનિકો શહીદ થયા, ૨૪૯ સૈનિકો ઘાયલ થયા, ૪૯૩ જેટલા શીખ ચરમપંથીઓ માર્યા ગયા અને ૮૬ ચરમપંથીઓ ઘાયલ થયા, ૧૫૯૨ લોકોની ધરપકડ થઈ. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. જેમાં દેશભરમાં ૮ હજાર કરતા વધુ શીખોને મારી નાંખવામાં આવ્યા. માત્ર દિલ્હીમાં ૩ હજાર કરતાં પણ વધુ શીખો મરાયા હતા. ]
 

 
 
આવડા મોટા પ્રત્યાઘાતનો અણસાર શું સરકાર પાસે ન હતો ? આ ઓપરેશન અને તેના દ્વારા થયેલું નુકસાન ભારતીય ઇતિહાસનું એક જ ખૂબ જ હિંસક પ્રકરણ બન્યું છે. આજે ૩૫ વર્ષ પછી પણ આ ઓપરેશન અંગે મળેલા વિપરીત પ્રતિભાવોને વિચારવાની કોઈ જરૂર શું નહોતી ? (એવું કહેવાય છે કે ઇન્દિરા ગાંધીએ શ્રી વાજપેયીને આ અંગે વાત કરી હતી અને તેઓએ આવું ઓપરેશન ન કરવા સ્પષ્ટ સલાહ આપી હતી.) લેફ. જન. સિંહાએ જ્યારે સુવર્ણમંદિર પર આ પ્રકારનું ઓપરેશન કરવાની સ્પષ્ટ ના પાડી હતી, ત્યારે તેમને અવગણીને અને તેમના Due promotionને અવગણીને આ ઓપરેશન કરવાનો નિર્ણય શું સરકારની જીદ નહોતી ?
 
- રૂચિતા શાહ