૧ મે, ૧૯૬૦ના ગુજરાત સ્થાપનાદિને પૂજ્ય રવિશંકર મહારાજનો પ્રેરક સંદેશ

આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂ. ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે.

    01-Jul-2019   
કુલ દૃશ્યો |

 
 

૧ મે, ૧૯૬૦ના ગુજરાત સ્થાપનાદિને પૂજ્ય રવિશંકર મહારાજનો પ્રેરક સંદેશ

આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂ. ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી. દેશને માટે જેમણે નાની-મોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યાં છે, તે સૌ નામી - અનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું.

આપણી શક્તિ

રાષ્ટ્રપિતા ગાંધીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડું અને ગામડાંની પ્રજા રહેતી. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુશળ, ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. ભણેલા ન હોવા છતાં ધંધો-રોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા દરિયાખેડુઓ પણ છે અને ગુજરાતની પ્રજા પાસે અર્થવ્યવહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે.

ગોસેવાનો સાચો માર્ગ : ગોપાલન

ગોસંવર્ધન અને ગોસેવા એ જ એનો સાચો ઇલાજ છે. ગોવધબંધી જેમ અમદાવાદ શહેર અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. (૧૮ વર્ષની નીચેના ગોવંશનો વધ ન થાય એવો કાનૂન ગુજરાત સરકારે કર્યો છે.) એમ થશે તો મને બહુ ગમશે. પણ ઉત્તમ ગોપાલન એ ખરેખર ગોસેવાનો સાચો માર્ગ છે એ કદી ભૂલવા જેવું નથી.
લોકોની ભાષામાં જ લોકોનો વહીવટ,

ન્યાય અને શિક્ષણ

આપણને સ્વરાજ્ય મળ્યાને આજે બાર બાર વર્ષનાં વહાણાં વાયાં, એમ છતાં આપણા સામાન્ય જનોને આપણું રાજ્ય પરાયા જેવું લાગે છે, કારણ કે આપણા વહીવટની ભાષા હજી અંગ્રેજી ચાલે છે. લોકોની ભાષામાં લોકોનો વહીવટ ન ચાલે, લોકો સમજી શકે એ ભાષામાં ન્યાય ન તોળાય, લોકો સમજી શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય, ત્યાં સુધી લોકોને ‘આ અમારું રાજ્ય છે અને તેના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ’ એવી ભાવના નહીં જાગે, રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે. એટલે ગુજરાત રાજ્યે સૌપ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવામાં આવશે. પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધોરણોમાંથી સ્વ. ખેરસાહેબની મુંબઈ સરકારે અંગ્રેજીને બાદ રાખવાની જે નીતિ વર્ષો પહેલાં જાહેર કરીને અમલમાં આણી છે, એ બહુ ડહાપણભરી નીતિ છે, અને એને ગુજરાત રાજ્ય દૃઢતાથી વળગી રહેશે. શિક્ષણનું ધોરણ નીચે ઊતરી ગયું છે, એને ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ, એની પણ ખૂબ વિચારણા કરવી પડશે.

સૌને કામ

ભણેલા તેમજ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે. એ માટે ખાદી અને ગ્રામોદ્યોગ જેવા યોગ્ય ધંધા-રોજગાર શ‚ કરવા. જે ધંધાને રક્ષણ આપવાની જ‚ર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી શિક્ષણપ્રણાલી ઊભી કરવી એમાં સફળતાની ચાવી પડેલી છે.

નોકરી માટે ડિગ્રીની લાયકાત જરૂરી ન રહે

નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છૂટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જ‚ર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઈને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે, તેમાંથી આપણે સહેજે બચી જઈ શકીએ.

પક્ષહિત કરતાં પ્રજાહિતને સ્થાન આપજો

બધા પક્ષોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ આટલું સતત નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્ત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શ‚ કરવા જેવી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્કર્તા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડા પાડવાથી જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રમાં તડાં પડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.

લોકશાસનની સાચી ચાવી લોકકેળવણી

લોકશાસનની સાચી ચાવી છે લોકકેળવણી. વહીવટ ચલાવવામાં રાજ્યકર્તાઓને દંડશક્તિનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જેવાં આકરાં પગલાં લેવા જ ન પડે, એવી રીત શોધવી જોઈએ. તેમ છતાં કોઈ કારણસર ગોળીબાર અનિવાર્ય થઈ પડે તો તેની જાહેર તપાસ કરાવવી જોઈએ. આજકાલ નાના નાના છોકરાઓને હું જોઉં છું, એમની સમજણ અને એમનું શૌર્ય અને એમનું પાણી જોઉં છું, ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં છું પણ મા-બાપોએ કુટુંબો મારફત અને પોતાના જીવન મારફત જે સુસંસ્કારો સીંચવા જોઈએ, એમાંથી આપણે કાંઈક પાછા પડ્યા છીએ, કેવળ પૈસા અને મોટાઈ કમાવવામાં પડ્યા છીએ. શિક્ષકો પણ એમના હાથમાં જે અમોલી મૂડી મૂકવવામાં આવી છે, એની કેટલીક જવાબદારી છે એનું ભાન પણ વીસર્યા લાગે છે.
 
સરકાર તથા રાજકીય પક્ષો પણ કેળવણી તથા કેવળણીમાં કામ કરનારાઓ પ્રત્યે જેવું ધ્યાન આપવું જોઈએ તેવું નથી આપી શક્યા. આ ત્રણેય જો પોતાનું કર્તવ્ય બરાબર બજાવવા લાગી જાય તો આજે જુવાનોની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ પ્રજાના હિતમાં વપરાતો થઈ જાય અને આપણે ખૂબ સુખી થઈ શકીએ. 

ખમીરવંતી પ્રજા

રાષ્ટ્રપિતા ગાંધીજી અને સરદાર સાહેબની નજર પ્રત્યેક ક્ષણે ભારતનાં ગામડાં અને તેની પ્રજા ઉપર રહેતી હતી તથા તેમના વિકાસમાં જ તેઓ ભારતનો વિકાસ જોતા હતા.
 
ગુજરાતની પ્રજા પણ ખૂબ જ ખમીરવંતી, સાહસિક, અર્થવ્યવહાર કુશળ અને વહેવારુ મહાજનો ધરાવતી છે. આ બધી શક્તિનો ગુજરાતના હિતમાં સરકાર યોગ્ય ઉપયોગ કરે તો ગુજરાત થોડા સમયમાં સમૃદ્ધિનાં શિખરે પહોંચશે તે વિશે મારા મનમાં બિલકુલ શંકા નથી.
 
પૂ. મહારાજે એમ પણ કહેલું કે, ‘સરકાર ખેતી અને પશુપાલન તરફ વધુ પ્રાધાન્ય આપે, ભૂમિ શોષણનું નહીં પણ પોષણનું સાધન બને, આ દેશમાં આજે ચોખ્ખાં ઘી-દૂધ મળવાં દુર્લભ થયાં છે તે આપણી કેટલી દુર્દશા કહેવાય ? એટલે ગૌસેવા અને ગૌસંવર્ધન આખા ગુજરાત રાજ્યમાં હોવી જોઈએ.’
 
પૂ. મહારાજે એમ પણ જણાવેલું કે, ‘સ્વરાજ્ય મળ્યા પછી અતિ પવિત્ર ઉત્પાદકક્ષમ શક્તિ ઘટતી જાય છે અને આપણે ભોગપ્રાપ્તિ માટે એને અન્ન તથા ઘી-દૂધ કરતાં પૈસાની અગત્ય વધુ ગણીએ છીએ. તેથી ખેતી જેવો પવિત્ર ધંધો છોડીને નાણાં પાછળ પડ્યા છીએ.’

મંત્રીઓ કેવા હોવા જોઈએ

તેમણે રાજ્યના વહીવટદારો અને અમલદારોને લક્ષમાં રાખીને એમ પણ કહેલું કે, ‘આપણા પ્રધાનો, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ અને કરકસરનું તત્ત્વ અપનાવીને પ્રજાના માનસ ઉપર સારી છાપ ઉપજાવી ઉત્તમ પ્રકારનું તત્ત્વ માર્ગદર્શન આપી શકશે.
 
બંગલાઓ, મોટરો, ફર્નિચર, મોટાઈ દેખાડવાની રીતભાતો, હોટલો, મિજબાનીઓ એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પાડવી જોઈએ. રાજ્યનાં કામોમાં અને અંગત જીવનમાં આ તત્ત્વ દેખાવા લાગશે તો પ્રજા પર તેની જાદુઈ અસર પડશે. આજે લાંચરુશવત, કાળા બજાર અને અન્ય બદીઓ ઠેર ઠેર જોવા મળે છે. તે માટે રાજ્યે સહકાર સાધીને તેને દૂર કરવાનો દૃઢ નિર્ધાર કરવો પડશે.
 
પૂ. દાદાએ વહીવટ કેવો હોય, રાજ્યની સમગ્ર વહીવટ લોકોની ભાષામાં અને ન્યાય તથા શિક્ષણને ઉચ્ચતમ રક્ષણ આપીને કરવો પડશે. લોકો સમજી શકાય તેવી ભાષામાં શિક્ષણ ન અપાય - ન્યાય ન તોળાય. લોકો સમજી શકે તેવી ભાષામાં વહીવટ ન ચાલે ત્યાં સુધી લોકોને આ અમારું રાજ્ય છે અને તેના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ તેવી ભાવના પેદા થશે નહીં. રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે. એટલે હું આ સ્થળેથી એવું કહું છું કે ગુજરાત રાજ્યે સૌપ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં જ ચાલશે. શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટે પરીક્ષાઓ પણ ગુજરાતીમાં લેવાશે.
 
પ્રાથમિક શિક્ષણમાં પ્રથમ સાત ધોરણમાંથી મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન સ્વ. ખૈરસાહેબનો મુંબઈ સરકારે અંગ્રેજોને બાદ રાખવાની જે નીતિ એ વખતે જાહેર કરી અમલમાં આપી તે બહુ જ ડહાપણ ભરેલી નીતિ છે. આ નીતિને ગુજરાત રાજ્ય વળગી રહેશે. શિક્ષણનું ધોરણ નીચું ઊતરી ગયું છે. તેને ઊંચું લાવવા માટે ગુજરાતની સરકારે ખૂબ ઊંડો વિચાર કરવાની પણ તેમણે લાલબત્તી ધરી હતી.

જનતાની વચ્ચે જાવ

પૂ. દાદાએ પ્રધાનોને ઉદ્દેશીને એમ પણ કહેલું કે, વિક્રમ રાજાની માફક આપણા મંત્રીઓ કે અધિકારીઓ ભલે વેશપલટો કરીને નગરચર્યા જોવા ન નીકળે પણ કોઈ પણ ખાતાની ઓફિસ ઉપર જઈ કોઈ પણ જાતની હોહા કે જાહેરાત કર્યા વિના સ્થળ ઉપર પહોંચી જઈને કામ તપાસવાનો શિરસ્તો પાડશે. તો ઘણું બધું જાણવાનું મળશે અને કર્મચારીઓને પણ તેમનું કામ ઝડપથી અને સુંદર રીતે પાર પાડવાની ચાનક ચઢશે.

વિરોધ પક્ષોની ફરજ

પૂ. દાદાએ વધુમાં એમ પણ કહેલું કે ‘બધા પક્ષોને મારી વિનંતી છે કે તેઓ એટલું સતત નજર સમક્ષ રાખે કે ‘આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્ત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શ‚ કરવા જેવી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે તેનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે. તેમણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી અને સમજ આપવાનું જણાવીને કહેલું કે ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે તે માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવા જોઈએ. તો જ લોકોનું સાચી સમજ આપી શકીશું.
 
પૂ. દાદાએ ગ્રામ સ્વરાજ્યનો આશય સમજાવીને પછાત, આદિવાસી જનતા અને અસ્પૃશ્યતા, નશાબંધીનો અમલ કરવામાં રાજ્ય સરકારને સરદારના આપણે વારસદારો છીએ એટલે એ વારસાને શોભાવવા અનુરોધ કર્યો હતો.

ગાંધીને પગલે ચાલીશને ગુજરાત ?

પૂ. દાદાએ ગુજરાત રાજ્યની સ્થાપનાના દિવસે આપેલાં મંગલ પ્રવચન અને પ્રેરક સંદેશામાં અંતે કહેલું કે ‘પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદ્બુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુ બળ આપે તેવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ.’ આ પ્રસંગે ગુજરાતના મૂર્ધન્ય કવિ સ્વ. ઉમાશંકર જોષીએ એક ભાવના પ્રેરક કાવ્ય કહેલું, તેના શબ્દો હતા :
 
‘ગાંધીને પગલે પગલે...તું ચાલીશને ગુજરાત ?’
 
 
 
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.