૧૧ જુલાઈ : વિશ્ર્વ જનસંખ્યા દિવસ નિમિત્તે વિશેષ | વસ્તીવધારો અભિશાપ કે આશીર્વાદ !

    ૧૧-જુલાઇ-૨૦૧૯   

 
 
 
 
વિશ્ર્વમાં વધી રહેલી જનસંખ્યાની ભયાવહતા અંગે વિશ્ર્વને સાવધાન કરી લોકજાગૃતિ લાવવા માટે દર વર્ષે ૧૧ જુલાઈના રોજ વિશ્ર્વજનસંખ્યા દિવસ મનાવવામાં આવે છે. હાલ વિશ્ર્વની જનસંખ્યા લગભગ ૭ અરબ ૬૩ કરોડ જેટલી છે. એકલા ભારતની જ વાત કરીએ તો આપણી વસ્તી ૧ અબજ ૩૫ કરોડનો આંક વટાવ્યો છે અને હાલ આપણે ચીન બાદ વિશ્ર્વના બીજા સૌથી વધુ વસ્તીવાળા દેશમાં રહીએ છીએ અને ખૂબ જ ટૂંકા ગાળામાં આપણે આ મુદ્દે ચીનને પણ પાછળ પાડી દઈશું. આપણા દેશમાં કેટલી હદે વસ્તીવધારો થયો છે કે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણે માત્ર ૩૩ કરોડ હતા અને આજે તેના માત્ર ૭૦ વર્ષમાં જ ઘણી વસ્તી આ દેશમાં વધી ગઈ છે. જ્યારે તેની સરખામણીએ જમીન અને જીવનજરૂરી  સંસાધનોના સ્રોત જેટલા ૧૯૪૭માં હતા તેટલા જ આજે છે.
 

ભારતમાં વસ્તીઘટાડાના કોઈ જ સંકેત નથી

 
ભારત સહિત વિશ્ર્વ માટે વસ્તીવધારો કેટલી હદે ઘાતક સાબિત થઈ શકે છે તે અંગે તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રની અર્થવ્યવસ્થા અને સામાજિક વિભાગ દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ ૨૦૨૭ સુધી એટલે કે આઠ વર્ષ બાદ ભારત જનસંખ્યાની દૃષ્ટિએ ચીનથી આગળ નીકળી જશે. હાલ આપણી આબાદી ૧૩૫ કરોડ છે, જ્યારે ચીનની ૧૪૨ કરોડ છે. એટલે કે માત્ર ૭ કરોડનું અંતર અને જે આપણે આગામી આઠ વર્ષમાં વટાવી દઈશું. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ ૨૦૫૦ સુધીમાં ભારતની આબાદી ૧૬૪ કરોડ જેટલી થઈ જશે, સાથે સાથે વિશ્ર્વની આબાદી પણ દસ અરબને આંબી જશે. વિશ્ર્વની જનસંખ્યામાં ભાગીદારીની વાત કરીએ તો હાલ ૧૯% આબાદી સાથે ચીન પ્રથમ ક્રમે છે, તો ભારત ૧૮% સાથે બીજા ક્રમે અને ત્યાર બાદ અમેરિકા અને ઇન્ડોનેશિયાનો નંબર આવે છે. અહેવાલ મુજબ આગામી આઠેક વર્ષમાં ચીનની આબાદીમાં ઘટાડો શરૂ‚ થઈ જશે. તેની સામે ભારતની આબાદી ૧૯૬૧ સુધી સતત વધતી જ રહેશે. એટલે કે ભારતની આબાદી ઘટી રહી છે એવા સમાચાર સાંભળી હરખાવા માટે આપણે ૧૯૬૨-૬૩ સુધી રાહ જોવી પડશે અને ત્યારે પણ આપણી જનસંખ્યા ૧૬૮ કરોડ વિશ્ર્વમાં સૌથી વધુ જ હોવાની. જો કે ત્યાર બાદ ભારતની વસ્તી ઘટશે અને આ સદીના અંત સુધી એટલે કે ઈ.સ. ૨૧૦૦ સુધી આપણી આબાદી ઘટી ૧૫૦ કરોડ ઉપર આવી જશે. આપણી સામે ચીન તે વખતે ૧૧૦ કરોડની આબાદી સાથે બીજા નંબર પર હશે એટલે કે હાલ આપણા દેશમાં જેટલી વસ્તી છે તેના કરતાં પણ ઓછી વસ્તી ચીનની હશે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ ૨૧૦૦ની સાલમાં ચીનની આબાદીમાં લગભગ ૪૦ કરોડ સુધીનો ઘટાડો નોંધાશે. જ્યારે અમેરિકાની વસ્તી ૩૩ કરોડથી વધી ૪૩ કરોડ અને પાકિસ્તાનની આબાદી ૧૯ કરોડથી વધી ૪૦ કરોડે પહોંચી જશે.
 

વસ્તીના ભારણથી શહેરો હાંફી રહ્યાં છે

 
જનસંખ્યામાં થઈ રહેલા અસાધારણ વધારાને પરિણામે વિશ્ર્વભરમાં શહેરોની કેવી દુર્દશા થઈ રહી છે તેની વાત પણ સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ વિશ્ર્વનાં શહેરોમાં ૧૯૭૫ સુધી માત્ર ૭૫ કરોડ લોકો જ રહેતા હતા. આજે આ આંકડો ૪૨૫ સુધી પહોંચી ગયો છે. ભારતની વાત કરીએ તો ૧૯૯૦માં ભારતમાં શહેરી આબાદી માત્ર ૨૨ કરોડ જ હતી, જે માત્ર ત્રણ દાયકામાં જ એટલે ૨૦૧૯માં ૪૫ કરોડની થઈ ગઈ છે અને ૨૦૫૦ સુધી તો આ આંકડો ૮૫ કરોડથી પણ વધુ થઈ જવાનું અનુમાન છે. હાલ વિશ્ર્વની ૫૫% જનસંખ્યા શહેરોમાં વસી રહી છે, જે ૨૦૫૦ સુધીમાં ૬૮% જેટલી થઈ જશે અને ત્યારે વિશ્ર્વનાં શહેરો પર ૨૦૦ કરોડ લોકોનો બોજ હશે અને આમાંના ૯૦% લોકો એશિયા અને આફ્રિકાનાં શહેરોમાં વસતા હશે. ચિંતાનો વિષય એ છે કે, ભારતની રાજધાની દિલ્હી આવાં શહેરોમાં મોખરે હશે. એક અનુમાન મુજબ ૨૦૨૮ સુધી દિલ્હી ૩ કરોડ ૭૨ લાખ લોકો સાથે વિશ્ર્વની સૌથી વધુ જનસંખ્યાવાળું શહેર બની જશે. હાલ દિલ્હીમાં કુલ આબાદી ૨ કરોડ ૯૦ લાખ છે. જ્યારે પ્રથમ નંબર જાપાનની રાજધાની ટોક્યો ૮૩ કરોડ ૭૦ લાખ છે.
એ તો દેખીતી જ વાત છે કે જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ તેનો દબાવ અને પ્રભાવ પ્રાકૃતિક સંસાધનો પર પડે ને પડે જ છે. હાલ ભારતની આબાદી વિશ્ર્વની કુલ આબાદીમાં ૧૭.૫% છે, જ્યારે જમીનની વાત કરીએ તો આપણી પાસે વિશ્ર્વની કુલ જમીનનો માત્ર ૨.૫% ભાગ જ છે. એવી જ રીતે વિશ્ર્વમાં જેટલું પાણી છે એમાંથી માત્ર ૪% જેટલું જ પાણી આપણી પાસે છે. આપણી આબાદી આજે દરરોજના સરેરાશ પચાસ હજારના દરે વધી રહી છે. આટલી બધી વસ્તીને પૂરતું ભોજન મળી રહે તે માટે જરૂ‚રી છે કે આપણું ખાદ્યાન્ન ઉત્પાદન પ્રતિવર્ષ ૫૪ લાખ ટનના દરે વધે. પરંતુ પરિસ્થિતિ શું છે ? આપણી ખાદ્યાન્ન ઉત્પાદન ક્ષમતા ૪૦ લાખ પ્રતિવર્ષ ટનની દરે જ વધી રહી છે. ત્યારે આપણા માટે સૌથી મોટો પડકાર વધી રહેલી આબાદીને બે ટંકનું ભોજન પૂરું પાડવાનો છે. આજે આપણી હાલત શું છે ? હાલ ૨૦ કરોડથી વધુ ભારતીયોને બે ટંક પૂરતું ખાવાનું પણ નસીબ થતું નથી. ગ્લોબલ હંગર ઇન્ડેક્ષ એટલે કે કુપોષણ મામલે આપણે ૧૧૯ દેશોની યાદીમાં ૧૦૩માં સ્થાને છીએ.
 

પાણી-સ્વાસ્થ્ય મુદ્દે આપણા બૂરા હાલ

 
પાણી જેવી સૌથી જરૂ‚રી વસ્તુ માટે પણ આપણે વલખાં મારવા પડી રહ્યાં છે. ભારતમાં ૧૬ કરોડ લોકોને પીવાનું સાફ પાણી પણ નસીબ નથી. ચેન્નઈ જેવાં મહાનગરોમાં તો છપ્પનિયા કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.
 
કોઈપણ દેશમાં સ્વાસ્થ્યનો અધિકાર જનતાના મૂળભૂત અધિકારોમાં એક ગણાય છે. પરંતુ વધતી જતી આબાદીએ આપણી સ્વાસ્થ્ય-સેવાઓની જાણે કે ઘોર ખોદી નાખી છે. લેસેન્ટ નામની શોધ એજન્સીએ પોતાના ગ્લોબલ બર્ડેન ઓફ ડિઝિજ નામના અહેવાલમાં ભારતને સ્વાસ્થ્ય ક્ષેત્રે ૧૯૫ દેશોની યાદીમાં ૧૪૫મા સ્થાને મૂક્યો છે. આપણે ત્યાં દર વર્ષે ૧૨ લાખથી વધુ લોકો માત્ર વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. તો દર વર્ષે ૨૦ લાખ લોકો યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે મોતના મુખમાં ધકેલાઈ જાય છે. ચિંતાજનક બાબત એ છે કે આઝાદી બાદ આપણે આબાદીની દૃષ્ટિએ તો ચાર ગણા થઈ ગયા, પરંતુ સ્વાસ્થ્ય-સેવાના ક્ષેત્રે કાંઈ ઝાઝું ઉકાળી શક્યા નથી. આજે પણ દેશમાં ૧૪ લાખ ડૉક્ટરોની અછત છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના માપદંડ પ્રમાણે પ્રતિ ૧૦૦૦ની આબાદી પર ૧ ડોક્ટર જોઈએ. તેની સરખામણીએ આપણે ત્યાં ૭૦૦૦ની આબાદી પર એક ડોક્ટર છે ત્યારે અંદાજ લગાવી શકાય કે દેશનું સ્વાસ્થ્ય કેટલી હદે કથળેલું છે.
આવી જ પરિસ્થિતિ કાયદો અને ન્યાય વ્યવસ્થાની છે. ભારતમાં દૈનિક રીતે ૧૩,૦૦૦થી વધુ અપરાધ થાય છે. દરરોજ ૨૪૦ અપહરણ, ૧૦૦થી વધુ બળાત્કાર, ૮૦ થી વધુ હત્યા અને ૯૦ જેટલી લૂંટ ધાડની ઘટનાઓ બને છે અને આ તમામ મુદ્દે જ્યાં ન્યાયની આશા છે તે ન્યાયાલયની હાલત શું છે ? દેશનું ન્યાયતંત્ર મુકદમાઓના ભાર હેઠળ દબાયેલું છે. દેશભરની અદાલતોમાં હાલ ૩ કરોડથી પણ વધુ પેઇન્ડિંગ કેસો પડેલા છે.
 
હવે વાત રોજગારીની તો આડેધડ વધેલી આબાદીએ દેશની રોજગારીને કેટલી હદે બર્બાદ કરી નાખી છે તે કોઈને કહેવાની જરૂ‚ર નથી. એક સામાન્ય પટાવાળાની નોકરી માટે ગણતરીની જગ્યાઓ માટે પણ હજારો લાખો બેરોજગાર યુવકોની અરજીઓ આવી હોવાના સમાચાર પણ હવે તો નવાઈ પમાડતા નથી. તાજેતરમાં જ જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં બેરોજગારી છેલ્લાં ૪૫ વર્ષમાં સૌથી વધી રહી છે.
 

દેશમાં અહિન્દુ વસ્તી-વિસ્ફોટ અનેક પડકારો સર્જે છે

 
ભારતમાં થઈ રહેલા આડેધડ વસ્તીવધારા માટે વિશેષજ્ઞો મુસ્લિમ સમુદાયના ઊંચા જન્મદરને પણ કારણભૂત માને છે. ૨૦૧૦માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સ્ટડીઝ (આઈઆઈપીએસ)ના અહેવાલ મુજબ ૧૯૬૧માં ભારતની કુલ આબાદીમાં હિન્દુઓ ૮૩.૫ ટકા હતા. તેની સામે ૨૦૧૧ના સામાજિક-આર્થિક વસ્તી ગણતરીના આંકડા મુજબ ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટીને ૭૯.૮ ટકા થઈ ગઈ છે. એટલે કે હિન્દુઓની જનસંખ્યામાં ૩.૭ ટકાનો ઘટાડો થયો છે. તેની સામે મુસ્લિમો જે ૧૦.૭ ટકા હતા તે વધીને ૧૪.૨ ટકા થઈ ગયા છે. કોઈપણ સમુદાયમાં જનસંખ્યાની વધઘટ એ વાત પર નિર્ભર રહે છે કે તે સમાજની મહિલા તેના જીવનકાળમાં કેટલાં બાળકોને જન્મ આપે છે. જોજ એક મહિલા પોતાના જીવનકાળમાં બે બાળકોને જન્મ આપે છે તો તે આબાદી સ્થિર રહેવાનો સંકેત છે. જોકે આબાદી સ્થિરતાનો આંકડો ૨.૧નો જન્મદર માનવામાં આવે છે, પરંતુ આ બાબતે મુસ્લિમ સમાજનો જન્મદર ૨.૭ ટકા છે, જેની સામે હિન્દુ મહિલા પોતાના જીવનકાળ દરમિયાન ૨.૩ ટકાથી પણ ઓછાં બાળકોને જન્મ આપે છે. જોકે અહીં એ વાત પણ નોંધવી રહી કે, મુસ્લિમોમાં પણ હવે જન્મદર ઘટી રહ્યો છે.
 
પરંતુ દેશનાં અનેક રાજ્યો એવાં છે જ્યાં મુસ્લિમ વસ્તીમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં આઘાતજનક રીતે વધારો થયો છે તેની પાછળ મુસ્લિમોનો ઊંચો જન્મદર કે ઘૂસણખોરી પણ એટલી જ જવાબદાર છે. પશ્ર્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં ૨૦૦૧માં મુસ્લિમ આબાદી ૨૫ ટકા હતી જે ૨૦૧૧માં વધીને ૨૭ ટકા થઈ ગઈ છે. અહીં થઈ રહેલા સતત વસ્તીવધારાને કારણે ૨૪ પરગણા, મુર્શિદાબાદ, બિરભૂમ, માલદા જેવા જિલ્લાઓ મુસ્લિમ બહુમતીમાં આવી ગયા છે, પરિણામે હિન્દુ સમુદાયને ત્યાંથી પલાયન થવા મજબૂર બનવું પડ્યું છે. હવે અહીંના મુર્શિદાબાદ, માલદા, ઉમટી, દિનાજપુરમાં પણ આ જ હાલત થઈ રહી છે. અહીં હિન્દુઓના એક દાયકાના વસ્તી વૃદ્ધિદર ૧૦.૮ ટકાની સામે મુસ્લિમોનો વસ્તી વૃદ્ધિદર ૨૧.૮ ટકા એટલે કે ડબલ રહ્યો છે.
 
કેરલમાં પણ આ જ હાલત છે. અહીં હાલ ૩.૫૦ કરોડની આબાદીમાં હિન્દુઓ માંડ ૫૪.૭ ટકા જેટલા છે જ્યારે મુસ્લિમો ૨૬.૬ ટકા અને ઈસાઈઓ ૧૮.૪ ટકા છે. અહીં ઈસાઈઓ અને મુસ્લિમોનો જન્મદર તો કાબૂમાં છે, પરંતુ હિન્દુઓમાં મતાંતરણને કારણે બન્ને ધર્મના અનુયાયીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
 
 
પૂર્વોત્તર રાજ્ય અસમમાં પણ આ જ હાલત છે. એક સમયે ૧૦૦ ટકા હિન્દુ આબાદીવાળા આ રાજ્યમાં હાલ ૩૪.૨ ટકા મુસ્લિમ આબાદી વધી ગઈ છે. અહીંના ૨૭ જિલ્લામાંથી ૯ જિલ્લાઓ મુસ્લિમ બહુમતીમાં આવી ગયા છે, પરિણામે અહીં અસમી બોલનારા લોકોની સંખ્યામાં પણ જબરજસ્ત ઘટાડો આવ્યો છે.
 
પૂર્વોત્તરનાં અન્ય રાજ્યોમાં પણ જનસંખ્યા અસંતુલનને કારણે રાષ્ટ્રીય અને ધાર્મિક સુરક્ષા મોટો પડકાર બની ગઈ છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ મિઝોરમમાં માત્ર ૨.૭૫ ટકા જ હિન્દુ બચ્યા છે. લક્ષદ્વીપમાં ૨.૭૭, નાગાલેન્ડમાં ૮.૭૫, મેઘાલયમાં ૧૧.૫૩ તો એક સમયે હિન્દુ બહુમતીવાળા રાજ્ય મણિપુરમાં ૪૧.૪૯ અને અ‚ણાચલ પ્રદેશમાં ૨૯.૪ ટકા જ હિન્દુઓ બચ્યા છે.
 
આ તમામ એવાં રાજ્યો છે જ્યાં છાસવારે દેશની અખંડિતતાને પડકારતી ગતિવિધિઓ પ્રકાશમાં આવતી રહી છે. દેશવિરોધી આંદોલનો અને અલગાવવાદની ઘટનાઓ અહીં બનવી સામાન્ય બાબત બની ગઈ છે. એટલે કે ભારતના જે જે ભાગમાં હિન્દુઓ સામે અહિન્દુની વસ્તી વધી છે તે તે ભાગમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓએ માથું ઊંચક્યું છે. આમ, ધાર્મિક વસ્તીવિસ્ફોટ એ કોઈપણ દેશની આંતરિક સુરક્ષા અને રાષ્ટ્રની અખંડિતતા માટે મોટો પડકાર બની શકે છે તેનું સૌથી મોટું ઉદાહરણ ભારત છે.
 

વસ્તી નિયંત્રણની માંગ અને તેનો વિરોધ

 
આમ ભારતના અનિયંત્રિત વસ્તીવધારાએ આપણા દેશના ખોરાક-પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ, કાનૂન વ્યવસ્થા અને રોજગારીની એક પ્રકારે ઘોર જ ખોદી કાઢી છે. ત્યારે એક વર્ગ એવું માને છે કે, ગમે તે ભોગે વસ્તીવધારાના આ અસુરને નાથવો જ જોઈએ. પછી ભલે તેના માટે સંસદમાં કાયદો જ કેમ લાવવો ના પડે !
 
જો કે એક તરફ દેશમાં વ્યાપ્ત તમામ સમસ્યાઓ માટે દેશમાં થઈ રહેલા આડેધડ વસ્તીવધારાને જવાબદાર ગણાવી તેના વિરુદ્ધ સંસદમાં નિયમ બનાવી. વસ્તીને નિયંત્રણમાં કરવાનો કટ્ટર આગ્રહી વર્ગ છે. તો દેશમાં અન્ય એક વર્ગ દેશમાં એક-બે બાળકની નીતિને લાંબાગાળા માટે ખતરા સમાન ગણાવી તેનો વિરોધ કરી રહ્યો છે ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓએ ડેમોગ્રાફિક ડિવિન્ડની વાત મૂકી છે. આ અર્થશાસ્ત્રીઓ માને છે કે કેટલીક વાર સરકાર નિષ્ફળ જાય ત્યારે જવાબદારી પોતાના માથે લેવાને બદલે પોપ્યુલેશનના માથે ઠોકી દે છે. વસતિ વધી ગઈ છે એટલે સરકાર નિષ્ફળ જાય છે તેવો તર્ક રજૂ કરે છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડનો વિચાર કરનાર નિષ્ણાતો માને છે કે વસ્તીવધારો રાષ્ટ્રીય જીડીપીમાં ચોક્કસપણે વધારો કરી શકે છે. જો સરકાર પાસે વધતી વસ્તીની સામે રોજગારીની તકો ઊભી કરવાની યોજના હોય તો વસ્તીવધારો આશીર્વાદ‚પ બની શકે છે.
 

 
 

ઘટતી જનસંખ્યા દેશના વિકાસમાં અવરોધરૂપ

 
જાણીતા આર્થિક વિશેષજ્ઞ ડૉ. ભરત ઝૂનઝૂનવાલા કહે છે કે સંયુક્ત રાષ્ટ્રનો એ તર્ક જેમાં તે કથળી રહેલા જીવનસ્તર માટે પૃથ્વી પર વધી રહેલી જનસંખ્યાને જવાબદાર ગણાવ્યો છે. તેનાથી હું સહમત નથી. જો વસ્તીવધારાને ઉત્પાદન ક્ષેત્રે વાળવામાં આવે તો જીવનસ્તરમાં આમૂલ સુધારો આવી શકે છે. એટલે કે સમસ્યા લોકોને રોજગારી અપાવવાની છે નહીં કે વસ્તીવધારાની જનસંખ્યાના આર્થિક વિકાસ પર ઉપરોક્ત પ્રભાવ જોઈને જ ચીને પણ પોતાની એક સંતાનની પોલિસીમાં પરિવર્તન કરવું પડ્યું છે.
 
૧૯૭૯માં જીઓવિંગના નેતૃત્વમાં ચીન દ્વારા એક સંતાનની નીતિને લાગુ કરવામાં આવી હતી. ત્યાં એકથી વધુ બાળકો પેદા કરનાર દંપતીને આકરો દંડ ફટકારાય છે અને દંડ ન ભરવાની સ્થિતિમાં બળજબરીથી ગર્ભપાત પણ કરાવી દેવાતો. આ કઠોર નીતિને પરિણામે ચીનની જનસંખ્યા તો નિયંત્રણમાં આવી ગઈ અને ચીનાઓની તાકાત સંતાનોના પાલન-પોષણને બદલે ધનોપાર્જનમાં લાગી ગઈ. પરિણામે ૧૯૯૦થી ૨૦૧૦ દરમિયાન ચીનનો આર્થિક વિકાસ દર ૧૦ ટકાના દરે વધ્યો, જે જોઈ વિશ્ર્વની આંખો પહોળી થઈ ગઈ. પરંતુ ૨૦૧૦માં ચીનની પરિસ્થિતિમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. પરિસ્થિતિ લગભગ ઊલટી થવા લાગી. ૧૯૫૦થી ૧૯૮૦ દરમિયાન અહીં જે મોટા પ્રમાણમાં બાળકો જનમ્યા હતા. તેનો લાભ મળવાનો બંધ થયો અને ૧૯૮૦ બાદ તો એક સંતાનની પોલિસીએ જન્મદર સાવ ઓછો કરી દીધો હતો. પરિણામે ૨૦૧૦ બાદ અહીં કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરતા યુવાઓની સંખ્યામાં અસાધારણ ઘટાડો નોંધાયો. એક સમયે પૂરઝપાટે દોડતો ઉત્પાદન અચાનક જ ડચકા ખાવા લાગ્યું સાથે સાથે વૃદ્ધોની સાર સંભાળનો ખર્ચ પણ વધવા લાગ્યો. જેની સામે એ બોઝને વહન કરનારાઓની સંખ્યા ઘટવા લાગી. વિશેષ તો મુજબ ૨૦૧૦માં ચીનની ઉત્પાદન-ક્ષમતામાં જે ઘટાડો નોંધાયો છે તેના માટે અહીં ઘટી રહેલા યુવાઓની સંખ્યા કારણભૂત છે.
 
પરિણામે ચીને પણ હવે તેની એક જ બાળકની નીતિને રદ કરી બે બાળકોની નીતિ અપનાવી છે જેથી કરીને તેની પાટેથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને આવનારા સમયમાં પાટે ચડાવી શકાય.
 
ચીનના આ ઉદાહરણથી સ્પષ્ટ છે કે, આબાદી પર નિયંત્રણ કરવાનો લાભ અલ્પકાલીન હોય છે. બાળકો ઓછાં પેદા થવાથી કેટલાક સમય સુધી સંતાનોત્પત્તિનો બોજ ઘટે છે અને વિકાસદર વધે છે, પરંતુ લાંબા ગાળે દેશમાં કાર્ય કરનારા શ્રમિકોની સંખ્યામાં ઘટાડો થાય છે ત્યારે ઉત્પાદન ઘટે છે. સાથે સાથે વૃદ્ધોની દેખ-રેખનો બોઝ વધે છે. તેને પરિણામે આર્થિક વિકાસ દર ઘટે છે. કોઈપણ દેશના આર્થિક વિકાસની ચાવી કાર્યરત વયસ્કોની સંખ્યા પાસે હોય છે.
 
યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના પ્રોફેસર જુલિયન સાઈમન કહે છે કે, હોંગકોંગ, સિંગાપુર, હોલેન્ડ અને જાપાન જેવા જનસંખ્યા સઘન દેશોની આર્થિક વિકાસ દર વધુ છે. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતા આફ્રિકાનો વિકાસ દર સુસ્ત છે. માટે સ્પષ્ટ વાત છે. ઉત્પાદન મનુષ્ય થકી થાય છે. જેટલાં વધુ મનુષ્ય તેટલું વધુ ઉત્પાદન અને તેટલો જ વધુ વિકાસ...
માટે ચીનના અનુભવથી ભારતે ધડો લેવો જોઈએ કે આબાદી સીમિત થવાથી આર્થિક વિકાસ મંદ પડશે. જ‚રૂર એવી આર્થિક નીતિઓની છે, જે વધારેમાં વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે.