અરે બાબુ મોશાય ! તર્ક, ઈતિહાસ અને અનુભૂતિની દૃષ્ટિએ પ્રભુ શ્રીરામ તો કણ કણમાં વ્યાપ્ત છે

    ૨૦-જુલાઇ-૨૦૧૯

 
 
‘જયશ્રી રામ’નો નારો બંગાળની સંસ્કૃતિનો નારો નથી : અમર્ત્ય સેન (નોબલ પ્રાઈઝ વિજેતા)
અમર્ત્ય સેન ચૈતન્ય મહાપ્રભુ, સ્વામી વિવેકાનંદ, કૃત્તિવાસ ઓઝા, રવીન્દ્રનાથ ટાગોરના આધ્યાત્મિક વારસાને ફગાવી દેવા માગે છે? શું તેઓ કાલીઘાટ ચિત્રકળાના કળાત્મક વારસાને જનમાનસમાંથી ભૂંસી ઇસ્લામી શાસન સ્થાપવા માગે છે ? પશ્ર્ચિમ બંગાળના તમામ વારસામાં રામાયણ અને તેનાં પાત્રો લોહીની જેમ વણાયેલા છે. એટલું જ નહીં, બાંગ્લાદેશનાં ગામેગામમાં પણ રામાયણ સૌથી લોકપ્રિય પર્ફોર્મિંગ આર્ટ છે.

જ્ઞાતા અમર્ત્ય સેનનું જ્ઞાન ભગવાન શ્રીરામની બાબતમા આટલું કાચું

 
અમર્ત્ય સેનને કોણ નહીં ઓળખતું હોય ? નોબલ પારિતોષિક વિજેતા, અર્થશાસ્ત્રી, પ્રતિષ્ઠિત હાર્વર્ડ કોલેજમાં પ્રાધ્યાપક, અનેક પુસ્તકોના લેખક, એવાં છોગાં જેમની આગળ ઉમેરાય છે તેવા અમર્ત્ય સેનના તાજેતરના નિવેદને પોતાના જ પક્ષના લોકોથી ભીંસમાં મુકાયેલાં, પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને નવું જોમ આપ્યું છે.
 
જાદવપુર યુનિવર્સિટીનું નામ તો તમને યાદ જ હશે. હા, એ પેલી દિલ્હીની યુનિવર્સિટી જ્યાં વર્ષ ૨૦૧૬માં જ.ન.યુ.ની જેમ ત્રાસવાદી અફઝલ ગુરુના સમર્થનમાં સૂત્રો પોકારાયાં હતાં. આ જાદવપુર વિશ્ર્વ વિદ્યાલયમાં પ્રવચન આપતાં અમર્ત્ય સેને કહ્યું કે જય શ્રીરામના સૂત્રને પશ્ર્ચિમ બંગાળની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથી. ખરેખર ?
 
આટલા મહાન જ્ઞાતા અમર્ત્ય સેનનું ભગવાન શ્રીરામની બાબતમાં જ્ઞાન આટલું કાચું ?! જે ભગવાન શ્રીરામની પૂજા ન માત્ર ભારત, પરંતુ ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ બહુમતીવાળા દેશમાં પણ થતી હોય તે શ્રીરામને પશ્ર્ચિમ બંગાળની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા ન હોય તેવું કેમ બને? જોકે અમર્ત્ય સેનને રાજકીય આશ્રય મેળવવો હોય કે ગમે તેમ, પણ અમર્ત્ય સેન આવું કહેનારા પહેલા વ્યક્તિ નથી. પશ્ર્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન ભાજપનો વિરોધ કરતાં કરતાં મમતા બેનર્જી ભગવાનને પ્રદેશમાં વહેંચવાની કુચેષ્ટા કરી ચૂક્યાં છે !
 
અંગ્રેજી સમાચારપત્ર ડીએનએના ૨૭ નવેમ્બર ૨૦૧૮ના અહેવાલમાં નોંધાયા પ્રમાણે, રામમંદિરના મુદ્દે બોલતાં મમતાદીદીએ પશ્ર્ચિમ બંગાળના ઝારગ્રામમાં કહ્યું હતું, તેઓ મંદિર બનાવશે અને આપણને જય શ્રીરામ બોલવાનું કહેશે. તેમના ભગવાન શ્રીરામ છે પરંતુ આપણે મા દુર્ગાની પૂજા કરીએ છીએ.
 
અરે ! મમતાદીદી આ શું બોલી ગયાં ? ભારત દેશ અને હિન્દુઓ તો વંદે માતરમ્ પણ ગાય છે, જેમાં મા દુર્ગાની સ્તુતિ છે (પરંતુ તમારા જેવા રાજકારણીઓના વોટબેન્કપ્રેમના લીધે આ સ્તુતિવાળા અંતરાઓ કાઢી નાખવામાં આવ્યા છે) અને સાથે જય શ્રીરામ પણ બોલે છે. શંકર, પાર્વતી, કાલી, દુર્ગા, અંબા, શ્રીરામ, સીતા માતા, હનુમાનજી, શ્રીકૃષ્ણ, રાધા, શ્રીવિષ્ણુ, મા લક્ષ્મી, સરસ્વતી દેવી વગેરે અનેક ભગવાન અને માતાઓને પૂજનારો આ દેશ છે. આનું કારણ એ છે કે તેઓ આદર્શ જીવન જીવી ગયા છે. તેઓ આ ભારતીયોને પ્રેરણા પૂરી પાડે છે. જે અર્ધમીઓ છે તેમની સામે લડવાનું જોમ આપે છે. દૈવીય રીતે મદદ પણ કરે છે.
 

ભગવાન શ્રીરામે મા-દુર્ગાને ચડાવાતા કમળ ઓછા પડતા પોતાની આંખ ચડાવી હતી.

ભારતવાસીઓ માટે રામાયણ શિરોધાર્ય છે

 
અમર્ત્ય સેન પહેલાં અને ભારતમાં સૌ પ્રથમ નોબેલ પારિતોષિક જીતનાર કવિવર રવીન્દ્રનાથ ટાગોરની કોઈ પણ વાતને ના કહેવાની કુચેષ્ટા ન તો અમર્ત્ય સેન કરી શકશે, ન તો મમતાદીદી. ટાગોરે રામાયણની ભારતીય જનજીવન પર વ્યાપ્તિ પર પ્રકાશ ફેંકતાં લખ્યું છે, રામાયણની કથાથી ભારતવર્ષમાં શું બાળક, શું વૃદ્ધ, શું સ્ત્રીઓ, બધાંને કેવળ શિક્ષણ જ નથી મળતું, શિક્ષણની સાથેસાથે તેમને આનંદ પણ મળે છે. ભારતવાસીઓએ રામાયણને શિરોધાર્ય જ નથી માની, તેમણે તેને પોતાના હૃદયસિંહાસન પર સ્થાપિત કરી છે.
 
શું મમતાદીદી અને અમર્ત્ય સેન ૧૫મી સદીના બંગાળી કવિ કૃત્તિવાસ ઓઝાના બંગાળી રામાયણ કૃત્તિવાસ રામાયણથી અજાણ હશે? આ રામાયણે બંગાળમાં વૈષ્ણવ પંથના ફેલાવામાં પ્રદાન કર્યું હતું. પ્રભુ શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે દેવર્ષિ નારદ શ્રીરામને મા દુર્ગાની પૂજા કરવા કહે છે. શ્રી રામ મા દુર્ગાને ૧૦૮ ભૂરાં કમળ ચડાવે છે. કમળ ઓછાં પડતાં પોતાની આંખ પણ કમળ સમાન હોવાથી ચડાવે છે. મા દુર્ગા તેમને આંખ પાછી આપે છે અને શ્રીરામને રાવણ સામેના યુદ્ધમાં મદદ કરે છે. આવી કથા સમગ્ર ભારતને જોડનારી છે, પરંતુ દુ:ખની વાત એ છે કે અમર્ત્ય સેન જેવા લોકો પોતાનાં ક્ષુલ્લક હિતો માટે થઈને ભગવાનને પણ પ્રદેશોમાં વહેંચી હિન્દુઓમાં ફૂટ પડાવવાનું રાક્ષસી કૃત્ય કરી રહ્યાં છે.
 

 બાંગ્લા સાહિત્યમાં રામાયણની કથા આધારિત સર્વપ્રથમ નાટક "રામેર બોનોબાસ"નું એક દ્રશ્ય

જય શ્રીરામ સૂત્ર બોલવા પર ઢોરમાર

 
‘શ્રી રામેર બોનોબાસ’ નાટક પણ મમતા બેનર્જી અને અમર્ત્ય સેન ભૂલી ગયાં હશે જે રામાયણ પર આધારિત હતું અને બાંગ્લા સાહિત્યમાં રામાયણની કથા પર આધારિત સર્વપ્રથમ નાટક હતું. દ્વિજતનયા રચિત આ નાટક કરુણ નાટક હતું. તે પછી ઈ. સ. ૧૮૬૩માં મનમોહન બસુએ રામાભિષેક નાટકની રચના કરી હતી. ઓગણીસમી સદીમાં પણ આ જ પરંપરા ચાલુ રહી. ભોલાનાથ મુખોપાધ્યાયે સીતાર વનવાસ, રામવિલાપ, રાવનેર દિગ્વિજય, રામેર રાજ્યાભિષેક જેવાં અનેક નાટકો માત્ર રામાયણના આધારે લખ્યાં. આ સિવાય, મહેશચન્દ્ર દાસ ડે, તીનકડી વિશ્ર્વાસ, ઈશ્ર્વરચન્દ્ર સરકાર, આશુતોષ ચક્રવર્તી, નગેન્દ્રકૃષ્ણ ઘોષ, હરિમોહન ચટ્ટોપાધ્યાય, નન્દલાલ રાય, વિનોદવિહારી શીલ, ગોપાલચન્દ્ર મિત્ર, અક્ષયકુમાર દેવ, ઈશ્ર્વરચન્દ્ર વિશ્વાસ, અઘોરચન્દ્ર ઘોષ, કૃષ્ણધન ચટ્ટોપાધ્યાય, ગોપાલચન્દ્ર સિંહ, વગેરે અનેકોએ રામાયણ પર આધારિત એકથી વધુ ગીતાભિનયની રચના કરી છે.
 
અખંડ ભારતની આગાહી કરનાર શ્રી અરવિંદ, વંદેમાતરમ્ રચનાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, મહાન નવલકથાકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, જયહિંદનો નારો આપનાર સુભાષચંદ્ર બોઝ અને ભારતવર્ષના મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ બંગાળની ભૂમિ પર જ થયેલા. એ બધા શ્રીરામમાં અપાર શ્રદ્ધા ધરાવતા હતા એ વાત અમર્ત્ય સેન ભૂલી ગયા લાગે છે.
મમતાદીદીએ પણ બંગાળનો ચૈતન્ય મહાપ્રભુનો એ મહાન વારસો ફગાવીને માત્ર તાલિબાની સંસ્કૃતિ (હકીકતે વિકૃતિ)ને અપનાવવાનો નિર્ણય કર્યો છે જેમાં બીજા કોઈ પંથનું સન્માન નથી અને જે કરવા જાય છે તેની હત્યા કરી દેવામાં આવે છે ! આ પ્રશ્ર્ન એટલા માટે છે કે આ લખાય છે ત્યારે સમાચાર આવ્યા છે કે પશ્ર્ચિમ બંગાળમાં મધ્ય હાવડા સ્થિત શ્રીરામકૃષ્ણ શિક્ષાલય નામની શાળામાં એક બાળકે જય શ્રીરામનો સૂત્રોચ્ચાર કર્યો એમાં તો એના શિક્ષકે તેને ઢોરમાર માર્યો ! આ બાળક પહેલા જ ધોરણમાં હજુ તો ભણે છે. તેને ખબર નહોતી કે તેના પ્રભુ શ્રીરામનું નામ લેવાથી મમતાદીદીના રાજકારણથી પ્રભાવિત શિક્ષક તેને માર મારશે. એવું હોય તો પછી શાળાનું નામ પણ શ્રીરામ અને શ્રીકૃષ્ણ પરથી જ છે. તે પણ બદલાવી દેવું જોઈએ !
 
હકીકતે ભક્તિ આંદોલન કાળના મહાન ધર્મપ્રચારક અને કવિ ચૈતન્ય મહાપ્રભુ પણ ઉપરોક્ત બાળકની જેમ જ પ્રભુ શ્રીરામના ભક્ત બાલ્યાવસ્થાથી હતા. ચૈતન્ય મહાપ્રભુનો ઉદ્દેશ્ય ભગવાન રામનો પ્રચાર કરવાનો અને સંસારમાં ભગવદ્ભક્તિ અને શાંતિની સ્થાપના કરવાનો હતો.
 

 

અમર્ત્ય સેન પણ જૂની વંશપરંપરાગત માનસિકતા ધરાવતા નાસ્તિક છે

 
સુવિખ્યાત ‘મેઘનાદ વધ’ કાવ્યના રચયિતા બંગાળી કવિ સમ્રાટ મધુસૂદન દત્ત હતા, જેઓ પાછળથી ખ્રિસ્તી બની માઈકલ મધુસૂદન નામ ધારણ કર્યું હતું. અંગ્રેજોના પ્રભાવ હેઠળ સમગ્ર બંગાળ આવવા લાગ્યું. હિંદુ ધર્મનો તિરસ્કાર કરવાની અને બંગાળના યુવાનોમાં ખ્રિસ્તી બનવાની ફેશન શરૂ થઈ હતી. હિન્દુ મૂલ્યોની મજાક ઉડાવવાનો શિરસ્તો બંગાળમાં શરૂ થયેલો. જાહેરમાં હિન્દુ યુવાનો ગૌ-માંસ ખાતા થઈ ગયેલા. પોતે પ્રગતિશીલ છે તેવું બતાવવાનો ખેલ શરૂ થયેલો. જે Rejection of Culture તરીકે ઓળખાય છે. માધવચંદ મલિક એક બુદ્ધિજીવી હતા. તેમણે કૉલેજની પત્રિકામાં લખ્યું કે, ‘હું અંતરમનથી હિન્દુ ઉપાસના પંથની ઘૃણા કરુ છું.’ એક વાર જ્યારે તેમને ન્યાયાલયમાં સોગંદ લેવા પડ્યા ત્યારે તેમણે તે સમયની પ્રચલિત પદ્ધતિને ઠુકરાવીને કહ્યું, ‘ગંગાજળને હું પવિત્ર માનતો નથી.’
 
આ જ પ્રકારની માનસિકતા બંગાળમાં પેઢીઓથી ચાલી આવે છે. તેના વંશજો આજે સાવ નાસ્તિક બની ભગવાન શ્રીરામનો વિરોધ કરી રહ્યા છે. અમર્ત્ય સેન પણ આવી જ નાસ્તિક વિચારધારાવાળા વારસોના નાસ્તિક વંશજ છે. ડાબેરી વિચારધારાથી દૂષિત છે તેથી તેઓ ભારતમાં રહીને ભારતનું ખાઈને ભારતના પૂજનીય પ્રભુ શ્રીરામનો વિરોધ કરી રહ્યા છે.
 

 રામના નામ પરથી જેમનું નામ પડ્યું તેવા બંગાળના પ્રસિધ્ધ ગુરૂ "શ્રી રામકૃષ્ણ પરમહંસ" તથા શિષ્ય વેવેકાનંદ

બંગાળીઓ પ્રભુ રામમાં માને છે

 
સ્વામી વિવેકાનંદે ૩૧ જાન્યુઆરી ૧૯૦૦ના રોજ અમેરિકાના કેલિફોર્નિયાની શેક્સપિયર ક્લબ ખાતે આપેલું પ્રવચન વાંચવા જેવું છે. આ પ્રવચનમાં સ્વામીજીએ સમગ્ર રામાયણનો મહિમા, તેની પૃષ્ઠભૂમિ અને રામાયણ ટૂંકમાં વર્ણવેલી છે. અંતમાં તેઓ કહે છે : શ્રીરામ અને સીતા માતા ભારતીય રાષ્ટ્રના આદર્શો છે. તમામ બાળકો, ખાસ કરીને ક્ધયાઓ સીતાજીની પૂજા કરે છે. દરેક સ્ત્રીની આકાંક્ષા સીતાજી જેવી શુદ્ધ, સમર્પિત અને સહનશીલતાની મૂર્તિ બનવાની હોય છે. જ્યારે તમે આ પાત્રોનો અભ્યાસ કરશો ત્યારે તમને ખબર પડશે કે ભારતના આદર્શો પશ્ર્ચિમથી કઈ રીતે જુદા છે. પશ્ર્ચિમ કહે છે, તમે કરીને શક્તિ બતાવો. ભારત કહે છે, સહન કરીને શક્તિ બતાવો. પશ્ર્ચિમે માણસ પાસે કેટલું હોઈ શકે તે સમસ્યા ઉકેલી છે, ભારતે માણસ પાસે કેટલું ઓછું હોઈ શકે છે તે સમસ્યા ઉકેલી છે પ્રશ્ર્ન એ નથી કે આ વાર્તા ઇતિહાસ છે કે નહીં, આપણે જાણીએ છીએ કે આદર્શ છે. બીજી કોઈ પૌરાણિક કથા નથી. જે સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ હોય, જીવનમાં વણાઈ ગઈ હોય. પશ્ર્ચિમ કહે છે કે અમે દુષ્ટને જીતીને તેને લઘુતમ કરી દઈએ છીએ. ભારત કહે છે, જ્યાં સુધી દુષ્ટ અમને કંઈ ન કરે ત્યાં સુધી અમે સહન કરીને દુષ્ટનો નાશ કરીએ છીએ. તે હકારાત્મક આનંદ બની જાય છે. બંને મહાન આદર્શો છે. દરમિયાનમાં, ચાલો, આપણે એકબીજાના આદર્શોનો નાશ કરવાનો પ્રયાસ ન કરીએ.
 
ઓછામાં ઓછું, સ્વામીજીએ જે પશ્ર્ચિમના સંદર્ભમાં જે કહેલું તે મમતા બેનર્જીએ પોતાના પર લાગુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેઓ અંગત રીતે માતા દુર્ગામાં માનતા હોય તો તેમણે જે બંગાળીઓ પ્રભુ શ્રીરામમાં માને છે તેમની લાગણીને ઠેસ ન પહોંચાડવી જોઈએ.
 

 બંગાળમાં કિશનગંજના નાડિયા વિસ્તારમાં આવેલું ૧૮મી સદીનું રામમંદિર

બંગાળમાં રામમંદિરો

 
સૌરાષ્ટ્રમાં જેમ જન્માષ્ટમીના મેળાનો મહિમા છે તેમ, પશ્ર્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં સોનામુખી ગામમાં રામનવમીએ મેળો યોજાય છે. હાવડામાં એક ગામનું નામ જ પ્રભુ શ્રીરામ પરથી છે. રામરાજાતલા. અહીં શ્રી રામનું મંદિર તો છે જ પણ વામન અવતાર અને સાવિત્રી સત્યવાનનાં મંદિરો પણ છે. અહીં શ્રી રામનવમીએ જે ઉત્સવ ચાલુ થાય છે તે ચાર માસ ચાલે છે ! હુગલીનું શ્રી રામચંદ્ર મંદિર ૧૮મી સદીનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાળનું મંદિર છે. આજે મેદિનીપુર તો પશ્ર્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોર પ્રત્યે ડાબેરી અને મમતા સરકારની કૂણી નીતિના કારણે મુસ્લિમો-હિન્દુઓ વચ્ચે રમખાણોના કારણે ચર્ચામાં રહે છે પરંતુ અહીં પણ રઘુનાથ મંદિર આવેલું છે. આ મંદિર બર્ધમાનના રાજા કૃતચંદે ૧૭મી સદીની શરૂઆતમાં બનાવેલું હોવાનું મનાય છે.

બંગાળની કળામાં ભગવાન શ્રીરામ

 
બંગાળની કળા અને સંસ્કૃતિમાં પ્રભુ શ્રીરામ ગાઢ રીતે વણાઈ ગયા છે. ઓગણીસમી સદીમાં બંગાળમાં ચિત્રકળા પણ ખીલી ઊઠી હતી. ગ્રામીણ વિસ્તારોમાં કપડાં પર ચિત્રો દોરવાની પ્રથા હતી. તેમાં, મમતા કે તેમના સમર્થકો જે પ્રભુ શ્રી રામને ઉત્તર ભારતના કહે છે તેમના પર કવિ તુલસીદાસજીએ લખેલા રામચરિત માનસના શ્રીરામ અને અન્ય પાત્રોનાં ચિત્રો દોરાતાં હતાં. આ કલાકારો તેમનાં ચિત્રો સાથે ગામેગામ ફરતાં અને તેમનાં ચિત્રોમાં જે મહાકાવ્યો દોરેલાં હોય તેનાં ગીતો પણ ગાતા. આ કલાકારોને પટુઆ અથવા કાપડના ચિત્રકારો તરીકે ઓળખવામાં આવતા. અંગ્રેજોના આવ્યા પછી કોલકાતાના પ્રસિદ્ધ કાલી મંદિર પાસે કાલીઘાટ આસપાસ લોકચિત્રકારો આશ્રય લેવા લાગ્યા. તેમણે અહીં પોતાની દુકાનો લગાવી એમ મનાય છે કે આપણા દેશમાં કલાના બજારની શરૂઆત આ કાલીઘાટથી જ થઈ. આ ચિત્રોનો સામાન્ય આકાર ૨૦ ફીટ સુધીનો રહેતો હતો.
 
તેમાં મોટા ભાગે કાલી, ગૌરી, શ્રીરામ અને રામાયણનાં અન્ય પાત્રો, કાર્તિકેય, ગણેશ, સરસ્વતી, વિષ્ણુ ભગવાનના અવતારો, શ્રીકૃષ્ણની બાળલીલા વગેરે જોવા મળે છે. શું મમતા અને અમર્ત્ય સેન ચૈતન્ય, સ્વામી વિવેકાનંદ જેવા આધ્યાત્મિક વારસદારોની વાત કે પછી આ લોકકલાના વારસાને પણ ફગાવી દેવા આતુર છે અને માત્ર ઇસ્લામિક વારસાને સ્થાપવા માગે છે ? માત્ર પશ્ર્ચિમ બંગાળ જ નહીં, તેના વિખૂટા પડેલા ભાઈ જેવા પૂર્વ બંગાળ એટલે કે બાંગ્લાદેશ ઇસ્લામિક દેશ બની ગયા છતાં ત્યાં સૌથી વધુ લોકપ્રિય પર્ફોર્મિંગ આર્ટ જો કોઈ હોય તો તે રામાયણ છે તેમ ત્યાંના નાટ્યલેખક સાયમન ઝકારિયાનું કહેવું છે. બાંગ્લાદેશનાં ગામોમાં રામાયણને પતિ-પત્ની, ભાઈ-ભાઈ, અને પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો માટે આદર્શ મનાય છે. ઝકારિયાએ તેમના પુસ્તક બાંગ્લાદેશેર લોકનાટકમાં દેશના જિલ્લાઓની લોકસંસ્કૃતિ અને ઇતિહાસના સંદર્ભમાં રામાયણનાં જુદાં-જુદાં સ્વરૂપોને વર્ણવ્યાં છે, પરંતુ મત બેન્કના આંધળા પ્રેમમાં ગળાડૂબ મમતા બેનર્જી અને ડાબેરી વિચારધારાથી પ્રભાવિત જણાતા અમર્ત્ય સેનને આ કોણ સમજાવે ?
 

 

પાકિસ્તાન જેવા અન્ય દેશો અને ભગવાન શ્રીરામ

 
પાકિસ્તાન ૧૯૪૭માં આઝાદ થયું. તેને લાગ્યું કે દેશને ઇતિહાસ વગર નહીં ચાલે, તે તો ખૂબ જરૂરી છે. આથી પાકિસ્તાને "Five thousand years of pakistan"ના નામે પોતાનો પાંચ હજાર વર્ષનો ઇતિહાસ લખાવ્યો. એ ઇતિહાસમાં તેણે નોંધ્યું કે, મોહેન્જો દડો અને હડપ્પાની સંસ્કૃતિનું અમને ગૌરવ છે. વેદો પાકિસ્તાનમાં લખાયા છે. મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિની અહીં જનમ્યા હતા. વિદેશીઓ સાથે સૌ પ્રથમ મુકાબલો કરનાર હિંદનો રાજા દાહર અમારો હીરો હતો. વિચાર કરો પાકિસ્તાનને આ સૌ પર ગર્વ છે અને અમર્ત્ય મહારાજ કહે છે, ‘શ્રીરામ અમારી સંસ્કૃતિનો ભાગ નથી !’ રામ...રામ..રામ...
પાકિસ્તાન જ નહીં અન્ય દેશોમાંય રામ સર્વસ્વીકૃત અને પૂજનીય છે. થાઈલેન્ડના પ્રત્યેક રાજાને રામ કહેવામાં આવે છે. તે લોકો પોતાના રાજાને ભગવાન શ્રીરામના વંશજો માને છે અને રામની પૂજા કરે છે.
 
ઇન્ડોનેશિયાનાં લોકો રોજ પ્રાત:કાળે રામાયણનો પાઠ કરે છે અને ત્યાં રામાયણ ભજવાય પણ છે.
 
પૌરાણિક ઈતિહાસ કહે છે કે ભગવાન રામના જન્મસ્થાન અયોધ્યાની રાજકુમારી સુરીરત્નના લગ્ન કોરિયાના રાજકુમાર સાથે થયા હતા. ત્યારથી કોરિયામાં પણ ‘રામ’ નામનો આદર થાય છે.
 
શ્રીલંકામાં પણ ભગવાન શ્રીરામનાં અનેક સ્થાનો આવેલાં છે. જેને શ્રીલંકનવાસીઓ આદરથી જુએ છે અને રામાયણ ટૂરિઝમ તરીકે તેનો વિકાસ કરી રહ્યા છે.
 
એટલું જ નહીં ભગવાન શ્રીરામ સમગ્ર દેશમાં એટલા પૂજનીય અને સ્વીકૃત છે કે જુદા જુદા દરેક પ્રાતોમાં, રાજ્યોમાં રામના નામ પરથી લોકોનાં નામ રાખવામાં આવે છે.
 
આમ અમર્ત્ય સેનને કોણ સમજાવે કે, અરે, બાબુ મોશાય ! તર્ક, ઇતિહાસ અને અનુભૂતિની દૃષ્ટિએ પ્રભુ શ્રીરામ સર્વવ્યાપી છે.
 

 

અમર્ત્યસેન હિન્દુઓને ભડકાવી રહ્યા છે

 
હકીકતે ડાબેરી ઇતિહાસકારોએ આપણા માનસપટમાંથી આપણા આદર્શોને ભૂંસવા જે પ્રયાસો કર્યા તેની આગળની કડી તરીકે જ અમર્ત્ય સેનને જોવા જોઈએ. અમર્ત્ય સેન આ પહેલી વાર ખોટું નથી બોલ્યા. તેઓ નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી મનાય છે. વર્ષ ૨૦૧૩માં તેમણે કહેલું કે, ‘ભારતીય તરીકે હું નથી ઇચ્છતો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને.’ આ સમાચાર ૨૩/૭/૧૩ના સંદેશમાં છપાયા હતા.
 
આ નિવેદનના થોડા જ દિવસ બાદ તેમણે એક પત્રકાર પરિષદમાં એમ પણ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી સારો વિકલ્પ બની શકે તેમ છે. તે મારી કૉલેજમાં ભણ્યા છે. તે લોકશાહીમાં માને છે.’ આ સમાચાર પણ ૨૭/૭/૧૩ના સંદેશમાં છપાયા હતા.
૩૦ એપ્રિલ ૨૦૧૪ના રોજ તેમણે કહેલું કે લઘુમતીઓએ મોદીથી ડરવા માટે કારણ છે. યાદ રહે કે ૨૦૧૯ની ચૂંટણી પહેલાં જેમ નસીરુદ્દીન શાહ જેવા ડાબેરી કલાકારોએ મોદીને હરાવવા માટે સક્રિય ભૂમિકા બતાવેલી તેમ અમર્ત્ય સેનનું ઉપરોક્ત નિવેદન પણ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં આવેલું.
 
આટલેથી ન અટકતાં, ૧ મે ૨૦૧૪ના રોજ અમર્ત્ય સેને કહેલું કે મોદી વડાપ્રધાન પદના સારા ઉમેદવાર નથી. બીજા દિવસે એટલે કે ૨ મે ૨૦૧૪ના રોજ તેમણે કહેલું કે લોકોએ બીજા દેશમાં જવાના બદલે મોદીને મત ન આપવો જોઈએ. અમર્ત્ય સેનને પેટમાં દુ:ખવાનું કારણ એ પણ હોઈ શકે કે પ્રાચીન ભવ્ય નાલંદા વિશ્ર્વવિદ્યાલયને ફરીથી ચાલુ કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા અને તેઓ તેના કુલપતિ હતા તો પણ ૮૦૦ વર્ષ પછી તે ભવ્ય રીતે ચાલુ થઈ ત્યારે તેઓ ગેરહાજર રહ્યા. બોર્ડના ચેરમેન હતા ત્યારે યુનિવર્સિટીમાં થયેલી નિમણૂકો વિવાદથી ભરપૂર રહી અને સગાવાદના આક્ષેપો પણ થયેલા. અને મોદીનો સ્વભાવ જાણતા હોવાથી અમર્ત્ય સેને બીજી મુદત માટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધેલી. અમર્ત્ય સેનને કદાચ આ બાબત પણ પેટમાં દુ:ખતી હોઈ શકે.
 
૧૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ અમર્ત્ય સેને ફરીથી લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવા પ્રયત્ન કરેલો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ તેમનો ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કરેલો. તેમાં આર્થિક રીતે પછાત એવા બિન અનામતમાં આવતા વર્ગો માટે મોદી સરકારે ૧૦ ટકા અનામત જાહેર કરી તેને મારીમચડીને અમર્ત્ય સેને ઉચ્ચ વર્ણો માટે ગણાવીને ઉચ્ચ વર્ણ વિરુદ્ધ દલિતોને ભડકાવી હિન્દુઓને વિભાજિત કરવા પ્રયાસ કર્યો હતો.
 
આમ, અમર્ત્ય સેન મમતા બેનર્જીના હાથા હોય કે ન હોય પરંતુ તેમનો હિન્દુવિરોધ તો છતો થાય જ છે.
 
- જયવંત પંડ્યા
( લેખક ગુજરાતના રાજકિય વિશ્લેષક, ચિંતક અને વરિષ્ઠ ગણમાન્ય પત્રકાર છે.)