વિકસિત દેશોના કચરા સામે નાના દેશોનો જંગ | મલેશિયાએ ૧૦૦ ટન કચરો પાછો કેમ મોકલ્યો?

    ૨૦-જુલાઇ-૨૦૧૯

 
દુનિયામાં પ્રદૂષણની સમસ્યા વધતી જાય છે ને તેનો ઉકેલ કઈ રીતે લાવવો તે કોઈને સમજાતું નથી. આ પ્રદૂષણ ફેલાવવામાં વિકસિત ને સમૃદ્ધ દેશોનો ફાળો મોટો છે પણ તેમની સામે બોલવાની કોઈની હિંમત નથી ચાલતી. એ લોકો પ્રદૂષણ ફેલાય તેવો કચરો મોટા પ્રમાણમાં પેદા કરે છે ને પછી તેને નાના દેશો પાસે ખડકીને જતા રહે છે. નાના દેશોને તેમાં થોડો ફાયદો થાય તેથી નાના દેશો એ કચરો લઈ લે ને તેને રીસાયકલ કરીને ઘણ બધી ચીજો બનાવે છે. આ પ્રવૃત્તિ વરસોથી ચાલે છે ને તેમાં બધાનાં હિત સચવાતાં હતાં.
 

 
 
હવે અચાનક જ મલેશિયા, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોએ તેની સામે બાંયો ચડાવી છે. મલેશિયાએ ગયા મહિને ઓસ્ટ્રેલિયાથી આવેલો આવો ૧૦૦ ટન જેટલો કચરો ( 100 tonnes of plastic waste ) ઓસ્ટ્રેલિયા ( australia )  માં પાછો મોકલ્યો હતો. મલેશિયા ( Malaysia) એ એ વખતે જ ચીમકી આપેલી કે, હવે પછી આવી હરકત ના કરતા, કેમ કે મલેશિયા કોઈના માટે ડમ્પિંગ સાઈટ નથી. હવે ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડે પણ એ જ રસ્તો અપનાવ્યો છે. ઇન્ડોનેશિયાએ ગયા અઠવાડિયે જાહેર કર્યું કે, ફ્રાન્સ તથા બીજા વિકસિત દેશોએ મોકલેલાં ૪૯ કન્ટેનર પાછાં મોકલશે. હવે થાઈલેન્ડે પણ એ જ રસ્તો અપનાવ્યો છે ને ૮ કન્ટેનર ઓસ્ટ્રેલિયાં પાછાં મોકલવાની જાહેરાત કરી છે.
 

 
 
આ દેશોએ આવાં આકરાં પગલાં કેમ લેવા પડ્યાં છે એ સમજવા જેવું છે. દુનિયાના વિકસિત દેશો આ નાના દેશોમાં કચરો મોકલે ત્યારે એવું કહીને મોકલતા હોય છે કે, આ બધી ન્યૂઝપેપરની પસ્તી છે. તેનો ઉપયોગ કરીને નાના દેશો ઘણી ચીજો બનાવે ને તેમને પાણીના ભાવે પડે. ધીરે ધીરે મોટા દેશો તેમાં બીજી ચીજો પણ ઉમેરવા માંડ્યા. પેપરની સાથે પ્લાસ્ટિક વેસ્ટ ને બીજો કચરો પણ આવવા માંડ્યો. નાના દેશો પોતાના ફાયદાને કારણે તેની સામે બોલતા નહોતા પણ હવે સ્થિતિ એ થઈ ગઈ છે કે, કાગળની સાથે ઝેરી કચરો ને મેડિકલ વેસ્ટ પણ આવવા માંડ્યો છે. તેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર તેની શું અસર પડે છે તેની ચિંતા કર્યા વિના એ લોકો કચરો ઠાલવ્યા કરે છે તેથી નાના દેશો ભડક્યા છે.
 
આ એક સારી નિશાની છે ને વાસ્તવમાં તો આ એક વૈશ્ર્વિક ઝુંબેશ બનવી જોઈએ.