હિન્દુઓને બદનામ કરવાનું ષડયંત્ર ! જબરજસ્તીથી જય શ્રીરામ બોલાવનાર હિન્દુ નહીં પણ મુસ્લિમ નીકળ્યા

    ૨૦-જુલાઇ-૨૦૧૯   

 
 
આપણા દેશનાં કથિત સેક્યુલરવાદીઓ, બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષો અને આ જ જમાતનાં માધ્યમો અને બુદ્ધિજીવીઓની નસેનસમાં એટલી હદે હિન્દુવિરોધ દોડી રહ્યો છે કે, ભારતની જનતાની બરોબરની મોઢાની ખાધા પછી પણ તેઓની સાન ઠેકાણે આવી નથી. તેઓની હિન્દુવિરોધી માનસિકતા સમયે સમયે ઊછળી ઊછળીને બહાર આવતી રહે છે. હજી થોડા સમય પહેલાં જ આ આખી જમાતે મોબલિંચિંગના નામે ગૌ-રક્ષકોના હુમલાના નામ પર સડકથી માંડી સંસદ અને છેક યુએન સુધી હાય-તોબા મચાવી હતી. તે સમયે રેલવેની એક સામાન્ય બેઠકને લઈ થયેલ વિવાદ જેવી ઘટનાઓને પણ ગાય અને ધર્મ સાથે જોડી દેવામાં આવતી. ગાયને બહાને હિન્દુત્વ અને હિન્દુઓને બદનામ કરવાની પીપૂડી બરાબર ન વાગતાં આ જમાતની બદનજર હવે હિન્દુઓના સૌથી પવિત્ર જયઘોષ જય શ્રીરામ પર પડી છે. હાલ કોઈ કોઈ ટોપી-દાઢીધારી વ્યક્તિને સામાન્ય ધક્કો પણ વાગી જાય છે તો આખી ઘટનાને ‘જય શ્રીરામ’ના નારા સાથે જોડી હાય-તોબા મચાવવામાં આવે છે. અફસોસ એ વાતનો છે કે આ જમાતના ષડયંત્રમાં દેશનો સીધો-સાદો મુસ્લિમ પણ જાણ્યે-અજાણ્યે સામેલ થઈ રહ્યો છે. જોઈએ આ અંગે વિશેષ અહેવાલ...
ઘટના : ૧ : જબરજસ્તીથી જય શ્રીરામ બોલાવનાર હિન્દુ નહીં પણ મુસ્લિમ નીકળ્યા
 
થોડા સમય પહેલાં પશ્ર્ચિમ બંગાળના કૂચવિહાર જિલ્લાના તુફાનગંજ વિસ્તારમાં એક મુસ્લિમ યુવકને બળબજરીપૂર્વક ‘જય શ્રીરામ’ બોલાવતો અને કાન પકડીને ઉઠક-બેઠક કરાવતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો રામના નામ પર મુસ્લિમોને કેટલી હદે હેરાન કરવામાં આવી રહ્યા છે ના કેપ્શન હેઠળ ખૂબ જ વાયરલ થયો. મામલાની સંવેદનશીલતા જોઈ પોલીસ દ્વારા સક્રિયતા દાખવી તેની તપાસ કરવામાં આવી ત્યારે શું હકીકત બહાર આવી ? એક અંગ્રેજી અખબારના દાવા પ્રમાણે વીડિયોમાં દેખાઈ રહેલો યુવક અસગર અલી છે અને તેને ઉઠક-બેઠક કરાવનાર અને જય શ્રીરામના નારા લગાવડારનાર કોઈ હિન્દુ નહીં પણ આપસી મિયાં નામનો મુસ્લિમ યુવક હતો. પોલીસે આપસી મિયાંની ધરપકડ પણ કરી લીધી છે.
 
ઘટના : ૨ : ‘જય શ્રીરામ’ ન બોલવા પર કારથી કચડવાની ઘટના પણ નકલી
 
બીજી ઘટના દિલ્હીની છે. અહીંના રોહિણી વિસ્તારના ૪૦ વર્ષના મૌલાના મોમિને આરોપ લગાવ્યો હતો કે તેઓ જ્યારે મદ્રેસા અને મસ્જિદ બહાર ફરી રહ્યા હતા ત્યારે એક ગાડી આવી મારી પાસે ઊભી રહી અને મને હાલચાલ પૂછ્યા, તો મેં અલ્લાહની કૃપા છે નું કહેતાં તેઓ મારા પર ઉશ્કેરાઈ ગયા ને મને ‘જય શ્રીરામ’નો નારો લગાવવાનું કહ્યું, મેં ના પાડી અને ઝડપથી મસ્જિદ તરફ જવા લાગ્યો. ત્યારે તેઓએ મારા પર કાર ચઢાવી દીધી, પરંતુ પોલીસ તપાસમાં આજુબાજુના સીસીટીવી કેમેરા ફંફોળી નંખાયા છતાં આ પ્રકારની ઘટના બની હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી.
 
ઘટના : ૩ : જય શ્રીરામ ન બોલવા પર મુસ્લિમ રિક્ષાચાલકને માર મારવાની
 
અન્ય એક ઘટના કાનપુરની છે, જે પણ માધ્યમોમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. એવા દાવા કર્યા હતા કે કાનપુરના મોહમ્મદ આતિબ નામના એક રિક્ષાચાલકને એટલા માટે માર મારવામાં આવ્યો કે તેણે જય શ્રીરામ બોલવાની ના પાડી દીધી હતી. ઘટના બાદ હોબાળો તો મચવાનો હતો અને મચ્યો પણ ખરો. પરંતુ ઇન્ડિયા ટુડે એન્ટી ફેક ન્યૂઝ વોર રૂમ (APWA) ની તપાસમાં શું બહાર આવ્યું? તપાસથી સ્પષ્ટ થઈ ગયું હતું કે જય શ્રીરામ ન બોલવાને કારણે મોહમ્મદ આતિબને માર મારવાની ખબર બિલકુલ જૂઠી છે. આતિબ પર ત્રણ લોકો દ્વારા હુમલો જરૂર થયો હતો. પરંતુ હુમલાને અને જય શ્રીરામ બોલવાને કશો જ સંબંધ નથી. આતિબે ખુદ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેની પર જે ત્રણ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેઓએ મને આવા કોઈ જ નારા લગાવવાનું કહ્યું ન હતું. ન્યૂઝ ચેનલ્સ આજ તક પાસે આતિબના આ આખા નિવેદનનો વીડિયો પણ છે. આતિબ મુજબ ઝઘડો જય શ્રીરામના નારાનો ન હતો, ત્રણેય લોકો નશામાં હતા. એટલે મેં તેઓને રિક્ષામાં બેસાડવાની ના પાડતાં તેમણે મારા પર ઈંટ અને પથ્થરોથી હુમલો કર્યો હતો.
 
ઘટના : ૪ : ન તો, મોહમ્મદની ટોપી ઉછાળાઈ કે ન તો તેને જય શ્રીરામ બોલવા મજબૂર કરાયો
 
સાયબર સિટી ગુરુગ્રામની ઉપજાવી કઢાયેલ આવી જ એક અન્ય ઘટના બાદ પણ બિચારા હિન્દુઓને ભારે ગાળો પડી હતી. અહીંના મોહમ્મદ બરકત નામના એક મુસ્લિમ યુવકે આરોપ લગાવ્યો હતો કે, તે જ્યારે નમાઝ પઢી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ૫-૬ યુવકો મારી પાસે આવ્યા અને આવી ટોપી કેમ પહેરી છે કહીને ઝઘડો કરવા લાગ્યા. તેઓએ મારી ટોપી હવામાં ઉછાળી ફેંકી દીધી હતી અને મને જય શ્રીરામ અને ભારત માતાકી જયના નારા લગાવવાનું કહ્યું, મેં જ્યારે આમ કરવાની ના પાડી તો તેઓએ મારી સાથે મારપીટ કરી અને મારો કુર્તો ફાડી નાંખ્યો. આ ઘટનાની તપાસમાં શું બહાર આવ્યું તે જુઓ... પોલીસ દ્વારા આજુબાજુના સીસીટીવી કેમેરા ફંફોળાયા તો એક ફૂટેજમાં ખુલાસો થયો કે તે દિવસે લગભગ ૧૦ વાગે બરકત ગુરુગ્રામના સદર બજારની બડી મસ્જિદેથી નમાઝ પઢી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે એક નશામાં ધૂત યુવક તેની પાસે આવે છે અને તેની સાથે નાનો ઝઘડો થાય છે. આ દરમિયાન આરોપી ન તો બરકતની ટોપીને હાથ લગાડે છે કે ન તો તેનો કુર્તો ફાડે છે. આ બન્ને વચ્ચેના ઝઘડાને ત્યાં હાજર એક સફાઈકર્મી શાંત કરાવે છે. બરકત આરોપીને ધક્કો મારે છે અને પેલો ત્યાંથી ચાલ્યો જાય છે. આમ પોલીસ તપાસમાં બરકતના આરોપમાં કોઈ જ બરકત ન દેખાઈ અને માત્ર પોતાના સમાજની સહાનુભૂતિ મેળવવા જ બરકત મિયાંએ આ તરકટ કર્યું હોવાનું સાબિત થયું.
 
ઘટના : ૫ વાહન ઓવર ટેક કરવાના મામલાને જય શ્રીરામ સાથે જોડી દીધો
 
આવો જ અન્ય એક કેસ ઉત્તર પ્રદેશના કાનપુરનો છે. જ્યાંના બર્રા છહની હરી મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ લુકમાને આરોપ લગાવ્યો હતો કે તે જ્યારે બપોરે બે વાગે ઉસ્માન સ્થિત મદ્રેસાએ બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બે-ત્રણ બાઈક પર કેટલાક યુવકોએ મારી બાઈકને ઘેરી લઈ મને રોક્યો હતો અને મારી ટોપી ઉછાળી દીધી હતી. તેઓએ મને જય શ્રીરામ બોલવાનું કહ્યું, અને મેં જ્યારે ના પાડી ત્યારે તેમણે મને માર માર્યો. આરોપ બાદ મુસ્લિમો રસ્તા પર ઊતરી આવ્યા. પોલીસે તપાસ શરૂ કરી અને એ તપાસમાં શું વિગતો બહાર આવી ? ઘટનામાં જય શ્રીરામ તો ક્યાંય આવતું જ નથી. આખો વિવાદ વાહન ઓવરટેક કરવાને લઈને પેદા થયો હતો. પોલીસ દ્વારા આ સ્થળના સીસીટીવી ફૂટેઝ પણ તપાસવામાં આવ્યા તે પણ લુકમાનના તમામ આરોપોને ખોટા ઠરાવે છે.
 
ઘટના : ૬ ઉન્નાવમાં પણ ક્રિકેટના વિવાદને ભગવાન શ્રીરામ સાથે જોડવામાં આવ્યો
 
છેલ્લે ઉન્નાવમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી. જેમાં ક્રિકેટના સામાન્ય વિવાદને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિષ થઈ હતી. અહીં દારુલ-ઉલુમ-ફૈજેઆમ મદ્રેસામાં ભણતા કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યાં જ તેમનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો અને ધોલ-ધપાટ થઈ પરંતુ મુસલમાન વિદ્યાર્થીઓએ રાડારાડ કરી મૂકી કે, અમે ક્રિકેટ રમતા હતા ત્યારે ચાર લોકો આવ્યા અને અમને જયશ્રી રામ બોલવાનું કહ્યું. અને અમે જ્યારે ના પાડી ત્યારે તેઓએ સ્ટમ્પ ઉખાડી અમને ફટકાર્યા. ત્યારબાદ મદ્રેસાના મૌલવી દ્વારા કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. અને બે લોકોની ધરપકડ પણ થઈ. પરંતુ આ આરોપ પણ છેવટે ખોટો જ નીકળ્યો. પોલિસ તપાસ દરમ્યાન બહાર આવ્યું કે ક્રિકેટ વિવાદ દરમ્યાન મારપીટની ઘટના જરૂર બની હતી. પરંતુ તે વિદ્યાર્થીઓ પાસે ‘જયશ્રી રામ’ બોલાવડાવ્યું હોય તેવા કોઈ જ પુરાવા મળ્યા નથી.
 
દિલ્હી મંદિરમાં તોડફોડ પાછળ પણ જય શ્રીરામના નારાની અફવા
 
જય શ્રીરામના નારાનો ઉપયોગ માત્ર હિન્દુઓને બદનામ કરવા માટે જ થઈ રહ્યો છે. એવું નથી. કેટલાંક અસામાજિક તત્ત્વો આ નારાનો ઉપયોગ હિન્દુઓ વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવવા માટે પણ થઈ રહ્યો છે. તાજેતરમાં દિલ્હીના લાલ કૂવા વિસ્તારમાં એક સદી જૂના દુર્ગા મંદિરમાં તોડફોડની ઘટના પાછળ પણ જય શ્રીરામના નારા લગાવડાવ્યા હોવાની અફવા જ જવાબદાર હતી. હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે પાર્કિંગ વિવાદ બાદ કેટલાક મુસ્લિમોએ વ્હોટ્સએપ પર મુસ્લિમ યુવકને મારી બળજબરીપૂર્વક જય શ્રીરામના નારા લગાવડાવ્યા હોવાની અફવા ચલાવવામાં આવી હતી, જેના પરિણામે ૫૦૦થી વધુ મુસ્લિમોનું ટોળું એકત્રિત થઈ મંદિરમાં તોડફોડ કરી હતી.
 
જય શ્રીરામ બોલવા પર જ્યારે મોબલિંચિંગ થાય છે ત્યારે કેમ કોઈ બોલતું નથી
 
કમનસીબે આ દેશના હિન્દુઓના ભાગ્યમાં માર-ખાઈને પણ બદનામ થવાનું લખાયેલું છે. દેશમાં જ્યારે કથિત‚પે જય શ્રીરામના નારા ન લગાવતા હિંસાની ઘટનાઓ બની છે, તો જય શ્રીરામના નારા લગાવનારા લોકો પર પણ હુમલાની ઘટનાઓ બની જ છે. થોડા સમય પહેલાં પશ્ર્ચિમ બંગાળના ૨૪ પરગણા જિલ્લાના વિષ્ણુપરના ઉચ્ચ વિદ્યાલયમાં કેટલાક હિન્દુ વિદ્યાર્થીઓ જય શ્રીરામના નારા લગાવી રહ્યા હતા, ત્યારે જ બહારના કેટલાક લોકો હાથમાં લાકડીઓ-દંડાઓ લઈ કેમ્પસમાં ઘૂસી આવ્યા હતા અને જય શ્રીરામ બોલનારા વિદ્યાર્થીઓને મારી મારી અધમૂઆ કરી દીધા હતા. આ એ જ પશ્ર્ચિમ બંગાળ છે, જ્યાં જય શ્રીરામના નારા લગાવનાર ભાજપના કાર્યકર્તાઓની લાશો ઝાડ પર લટકતી જોવા મળે છે. ગત વર્ષે પણ કથિત રૂપે પાલિતાણાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક મુસ્લિમ યુવકો કોઈ યુવકને માર મારી-મારી અલ્લાહુ અકબર બોલવા મજબૂર કરી રહ્યા હતા.
 
માધ્યમોમાં જ્યારે આ પ્રકારના વીડિયો વાયરલ થાય છે ત્યારે હિન્દુ સમુદાયને પીડિત કહી તેની સામે સહાનુભૂતિ કેમ દાખવવામાં આવતી નથી ?
 
તબરેજ અંસારીના કથિત મોબલિંચિંગ પર ‘કલ ઉસકા બેટા બડા હોકે બદલા લે તો ફિર ના કહેના કે મુસ્લિમ આતંકવાદી હોતે હૈ’ નો વીડિયો બનાવી વાયરલ કરનારી જમાત જ્યારે માસૂમ ટ્વિકલની શેતાનોને પણ સારા કહેવડાવે એટલી હદે બર્બરતાપૂર્વક હત્યા થાય છે, ત્યારે તેનો ભાઈ મોટો થઈ બદલો લેશે તેવો વીડિયો કેમ નથી બનાવતા ? દિલ્હીમાં નાના અમથા વિવાદમાં સદી જૂના મંદિરમાં તાલિબાની અંદાજમાં તોડફોડ કરવામાં આવે છે ત્યારે કલ હિન્દુ આપ કી મસ્જિદ કો ઢહાએંગે ફિર મત કહેના જેવા વીડિયો કેમ નથી બનતા ? કારણ કે આમ કરવામાં તેમને ધર્મ (ઇસ્લામ) આડે આવે છે. માટે ઘટનામાં પીડિત મુસ્લિમ હોય તો હાય-તોબા અને પીડિત હિન્દુ હોય તો ઘટનાને ધર્મ સાથે ન જોડવાની સુફિયાણી સલાહો ? આવું ક્યાં સુધી...??
 
આમ છેલ્લા કેટલાંક વર્ષોથી દેશમાં જાણે કે ચોક્કસ સંગઠિત જમાત સક્રિય થઈ છે, જે ક્યારેક ગૌરક્ષકોના આંતકના નામે તો ક્યારેક જય શ્રીરામના નામે ન માત્ર હિન્દુઓને બદનામ કરી રહી છે, સાથે સાથે મુસ્લિમોને હિન્દુઓ વિરુદ્ધ ભડકાવી પણ રહી છે. અફસોસ એ વાતનો છે કે જાણે-અજાણ્યે સામાન્ય મુસ્લિમ પણ આ ષડયંત્રમાં આવી તાકાતોનો હાથો બની રહ્યો છે. માધ્યમો પણ જ્યારે આ પ્રકારની કોઈપણ ઘટના બને ત્યારે તેની સાતત્યતા અને મૂળકારણને જાણ્યા વગર જ સીધે-સીધા હિન્દુઓને જ કઠેરામાં ઊભા કરી દે છે, પરંતુ જ્યારે ઘટનાનું સત્ય બહાર આવે છે ત્યારે સેક્યુલર ચુપકીદી સેવી લે છે.