ચીન ભારતીય નહીં પણ પોતાના દલાઈ લામા કેમ ઇચ્છે છે ?

    ૨૯-જુલાઇ-૨૦૧૯



 

ચીન સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવે છે. બીજાના પ્રદેશો પચાવી પાડવાની તેની માનસિકતા છે. આ માનસિકતાના કારણે ચીને પોતાના મોટા ભાગના પાડોશીઓના પ્રદેશો પચાવી પાડ્યા છે ને તિબેટ તો આખું પચાવી પાડ્યું છે. તિબેટ પર ચીને સંપૂર્ણ કબજો કરી લીધો છે પણ છતાં હજુ દલાઈ લામાના નેતૃત્વમાં એક મોટો વર્ગ ચીનના આધિપત્યને સ્વીકારવા તૈયાર નથી. તિબેટને સ્વતંત્રતા મળે એ માટેની તેમની લડાઈ ચાલુ જ છે. આ લડાઈને ખતમ કરી નાંખવા ચીન જાત જાતના દાવપેચ રમ્યા કરે છે ને તાજો દાવ દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીના મુદ્દે ચીને અપનાવેલું વલણ છે.

દલાઈ લામા તિબેટમાં ગેલુગ બૌદ્ધ સંપ્રદાયના સર્વોચ્ચ ધાર્મિક વડા છે પણ તેમને તમામ બૌદ્ધધર્મી પોતાના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ તરીકે સ્વીકારે છે. આપણે ત્યાં લોકો દલાઈ લામાને એક વ્યક્તિ ગણે છે પણ વાસ્તવમાં દલાઈ લામા એક હોદ્દો છે. ૧૩૯૧માં પહેલા દલાઈ લામાની નિમણૂક થઈ અને વર્તમાન દલાઈ લામા આ પરંપરામાં ચૌદમા દલાઈ લામા છે. વર્તમાનમા દલાઈ લામાનું નામ તેનઝિન ગ્યાત્સો છે અને એ છેક ૧૯૪૦થી દલાઈ લામા છે. દુનિયામાં છેલ્લી ચાર પેઢીએ તેમના સિવાય બીજા દલાઈ લામા જોયા નથી તેથી લોકો તેમનું નામ પણ ભૂલી ગયા છે. તેમનો હોદ્દો જ તેમનું નામ અને ઓળખ બની ગયાં છે.

ચીનની ભારતને ધમકી

વર્તમાન દલાઈ લામાની વય ૮૪ વર્ષ છે ને છેલ્લાં બે વર્ષથી તેમના ઉત્તરાધિકારી એટલે કે પંદરમા દલાઈ લામા કોણ બનશે એ સવાલ પુછાઈ રહ્યો છે. ચીન સતત એ વાત પર ભાર મૂક્યા કરે છે કે, હવે પછીના દલાઈ લામાની પસંદગી ચીનમાંથી જ થશે પણ દલાઈ લામા તથા તેમના સમર્થકો આ વાત સ્વીકારવા તૈયાર નથી. ચીન તેનાથી ગિન્નાયેલું હતું જ પણ હવે ચીન છેલ્લે પાટલે બેઠું છે. ચીને જાહેર કર્યું છે કે, દલાઇ લામાના ઉત્તરાધિકારીનો નિર્ણય ચીનની અંદર જ થવો જોઈએ અને બહારના કોઈ વ્યક્તિ, સંગઠન કે દેશની દખલગીરી તેમાં નહીં ચલાવી લેવાય. ચીને તો ભારતને પણ ધમકી આપતા કહ્યું છે કે, નવા દલાઈ લામાની પસંદગીની પ્રક્રિયામાં ભારત દખલ કરશે તો એની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડશે.


ચીનના કહેવા પ્રમાણે દલાઈ લામાના ઉત્તરાધિકારીને ચીનની સરકારની માન્યતા મળવી જરૂરી છે અને એ માટે દલાઈ લામાની પસંદગી દેશની અંદર ૨૦૦ વર્ષ જૂની ઐતિહાસિક પ્રક્રિયા હેઠળ થવી જોઈએ. દલાઈ લામાના ઉત્તરાધિકારી એક ઐતિહાસિક, ધાર્મિક અને રાજકીય મુદ્દો છે એ જોતાં બહારના કોઈ પણ પરિબળને કશું કરવાનો હક નથી. ચીનના કહેવા પ્રમાણે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે એક ઐતિહાસિક સંસ્થાની સ્થાપના સદીઓ પહેલાં કરવામાં આવી છે. એ જ પરંપરા પ્રમાણે અત્યાર લગી દલાઈ લામાની પસંદગી કરે છે એ રીતે જ પસંદગી કરાશે. આ નિર્ણય ચીનમાં લેવાતો રહ્યો છે ને ચીનમાં જ લેવાશે. ચીન અત્યારે તિબેટને ચીન જ ગણાવે છે તેથી તિબેટનો ઉલ્લેખ તેણે ચીન તરીકે જ કર્યો છે. ચીને દલાઈ લામાના ઉત્તરાધિકારી અંગેનો નિર્ણય કોઈ ખાનગી ઇચ્છા કે અન્ય દેશોમાં રહેતા લોકોના જૂથ કે સંગઠન દ્વારા લેવામાં આવી શકે નહીં. ચીને આ ઉલ્લેખ વર્તમાન દલાઈ લામાના સંદર્ભમાં કર્યો છે એ કહેવાની જરૂર નથી કેમ કે વર્તમાન દલાઈ લામા ભારતમાં રહે છે.

દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ચીનનું આક્રમક વલણ

ચીને દલાઈ લામાના ઉત્તરાધિકારીના મુદ્દે આ આક્રમક વલણ અપનાવ્યું તેનું કારણ વર્તમાન દલાઈ લામા છે. તિબેટના તેરમા દલાઈ લામાએ ૧૯૧૨માં તિબેટને સ્વતંત્ર જાહેર કર્યું હતું. વર્તમાન દલાઈ લામા ૧૯૪૦માં આવ્યા અને તેમની પસંદગીની પ્રક્રિયા વખતે ચીને તિબેટ પર આક્રમણ કરી દીધું હતું. તિબેટ આ લડાઈમાં હારી ગયું હતું પણ ચીન પોતે આંતરવિગ્રહમાં ફસાયેલું હતું તેથી તિબેટ પર તેનો કબજો ના રહ્યો. ચીનમાં ૧૯૪૮માં સત્તાપલટો થયો અને સામ્યવાદી શાસન સ્થપાયું. એકાદ દાયકાની શાંતિ પછી ચીને તિબેટ પર દાવો કર્યો. વર્તમાન દલાઈ લામાએ તેનો વિરોધ કર્યો એટલે ચીને ૧૯૫૯માં આક્રમણ કરી દીધું. એ વખતે દલાઈ લામા મોટી સંખ્યામાં તિબેટિયનો સાથે ભારત આવી ગયા હતા. જવાહરલાલ નહે‚એ તેમને રાજ્યાશ્રય આપ્યો હતો. તેના કારણે ચીન અને ભારતના સંબંધો તંગ બન્યા પણ ભારતે હંમેશાં દલાઈ લામાને સાથ આપ્યો, તિબેટની આઝાદીની લડતને ટેકો આપ્યો.

બે વર્ષ પહેલાં વર્તમાન દલાઈ લામાએ જાહેર કર્યું કે, મારો ઉત્તરાધિકારી ભારતમાંથી જ કોઈ હશે. તેમણે કહ્યું હતું કે, મારી જિંદગીનાં ૬૦ વર્ષ મેં ભારતમાં વિતાવ્યાં છે અને ભારતમાંથી જ મારો ઉત્તરાધિકારી બનશે. ચીન દ્વારા જાહેર કરાયેલા કોઈ પણ ઉત્તરાધિકારીને તિબેટિયનો નહીં સ્વીકારે કે તેને સન્માન નહીં મળે. દલાઈ લામાએ તિબેટ છોડ્યું તેની વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે તેમણે ધર્મશાળામાં આ વાત કહી હતી. તેમણે તો એમ પણ કહ્યું કે, તમે ભવિષ્યમાં બે દલાઈ લામા જોઈ શકો છો. એક દલાઈ લામા આઝાદ દેશમાંથી આવ્યો હશે અને બીજો ચીનમાંથી હશે. દલાઈ લામાના આ વલણના કારણે ચીન ગિન્નાયેલું હતું જ ત્યાં હમણાં દલાઈ લામાએ પોતાને ભારતના પુત્ર ગણાવતાં ચીન ભડકી ગયું. દલાઈ લામાએ કહેલું કે, મારું મગજ નાલંદાના વિચારોથી ભરેલું છે. મારું શરીર ભારતીય વ્યંજનો દાલ-રોટી અને ઢોસા ખાઈને ચાલી રહ્યું છે એટલે શારીરિક અન માનસિક ‚પથી હું આ દેશનો છું અને આ રીતે હું ભારતનો દીકરો છું. ભારતદ્વેષથી પીડાતા ચીનને આ વાત ના ગમી તેથી તેણે સાવ આત્યંતિક વલણ અપનાવીને પોતાનો માણસ જ દલાઈ લામા બનશે એવી જાહેરાત કરી નાંખી.

ચીન પોતાની કઠપૂતળી સમાન દલાઈ લામા ઇચ્છે છે

ચીન પોતાના દલાઈ લામા ઇચ્છે છે તેનું કારણ સ્પષ્ટ છે. તિબેટ પર ચીનનો કબજો છે પણ તિબેટની આઝાદીની લડત સંપૂર્ણપણે ઠરી નથી. આ લડતના આગેવાન વર્તમાન દલાઈ લામા છે અને તેમને સમગ્ર વિશ્ર્વમાં સન્માન તથા માન્યતા મળ્યાં છે. હવે નવા દલાઈ લામા પણ ભારતમાંથી આવે તો આ લડત ચાલુ જ રહે ને ચીન એવું નથી ઇચ્છતું. તેને પોતાની કઠપૂતળી જેવા દલાઈ લામા જોઈએ છે કે જે પોતાના ઇશારે ચાલે અને તિબેટિયનોના વિરોધને દબાવી દેવામાં પોતાને મદદ કરે.

જો કે ચીનની આ મુરાદ બર આવશે કે કેમ તેમાં શંકા છે. તિબેટના બૌદ્ધ ધર્મીઓ દલાઈ લામાના મોત પછી તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરે છે. તેમની માન્યતા છે કે, દલાઈ લામા બોધિસત્ત્વનો અંશ છે અને એ કદી મરતા નથી, માત્ર શરીર બદલે છે. પુનર્જન્મ લે છે. દલાઈ લામાના મૃત્યુ પછી તેમનો આત્મા કોઈ નવજાત બાળકના શરીરમાં અવતરિત થાય છે.

આ માન્યતાના કારણે હવે પછીના દલાઈ લામાની પસંદગી ભારતમાંથી થાય તેવી પૂરી શક્યતા છે, કેમ કે દલાઈ લામા ભારતમાં રહે છે ને ભારતમાં જ દેહત્યાગ કરવાના છે.

ચીન એ સંજોગોમાં પોતાના દલાઈ લામાને બેસાડશે એ નક્કી છે પણ તેમને માન્યતા મળે તેવી શક્યતા નથી, તે જોતાં ચીન તિબેટની આઝાદીની લડાઈને સંપૂર્ણપણે દબાવી દે એ શક્ય નથી.