પાકિસ્તાનની શરણાગતિ : નાકલીટી તાણીને એરસ્પેસ ખોલવી પડી

    ૨૯-જુલાઇ-૨૦૧૯

 
 
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન સામે આક્રમક વલણ અપનાવ્યું તેની અસર પાકિસ્તાન પર વર્તાઈ છે ને પાકિસ્તાને નાકલીટી તાણીને ભારતના શરણે આવવું પડી રહ્યું છે. પાકિસ્તાને પોતાની એરસ્પેસ ભારત માટે ખુલ્લી મૂકી એ તેનો પુરાવો છે.
 
પુલવામા આતંકવાદી હુમલાને પગલે ભારતે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનની સરહદમાં ધૂસીને એર સ્ટ્રાઈક કરી હતી અને બાલાકોટમાં આતંકવાદી કેમ્પોનો ખુરદો બોલાવી દીધો હતો. બાલાકોટ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ બંધ કરી દીધી હતી. પુલવામા હુમલા પછી ભારતીય એરફોર્સે બાલાકોટમાં જૈશે મોહંમદના આતંકી કેમ્પને ઉડાવી દેતાં પાકિસ્તાને ૨૬ ફેબુ્રઆરીના રોજથી પોતાની એર સ્પેસ ભારત માટે બંધ કરીને ભારતનાં વિમાનોને પોતાની સરહદમાંથી જવા દેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ૨૬ ફેબ્રુઆરીથી ૧૫ જુલાઈ એટલે કે લગભગ પોણા પાંચ મહિના દરમિયાન પાકિસ્તાને ભારતીય વિમાનો માટે ૧૧માંથી ફક્ત બે જ રૂટ ખોલ્યા હતા. ભારતની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગો દિલ્હીથી તુર્કીના ઇસ્તંબુલની ડાયરેક્ટ ફલાઇટ શરૂ કરવા માગતી હતી પણ પાકિસ્તાને તેને એરસ્પેસ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ રીતે ભારતની બીજી ફ્લાઇટને પણ નહોતી જવા દેવાતી.
 
હવે પાકિસ્તાને સામે ચાલીને એરસ્પેસ ખોલી દીધી અને તમામ નાગરિક ઉડ્ડયનને મંજૂરી આપી છે. તેનું કારણ પાકિસ્તાનને થઈ રહેલું નુકસાન છે. પાકિસ્તાનના ઉડ્ડયન પ્રધાન ગુલામ સરવર ખાને કબૂલ્યું છે કે, પાકિસ્તાન ઉડ્ડયન ઉદ્યોગને આ પ્રતિબંધને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને પાકિસ્તાન સરકારને પોતાને ૮૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. આ નુકસાનના કારણે જ પાંચ મહિના કરતાં પણ ઓછા સમયમાં પાકિસ્તાને ભારતના પગ પકડીને ફરી એરસ્પેસ ખોલવી પડી છે. ભારતની આ બહુ મોટી જીત છે. પાકિસ્તાનને કઈ રીતે સીધું કરી શકાય તે મોદી સરકારે દુનિયાને બતાવી આપ્યું છે.