બાય બાય ગરીબી, વેલકમ સ્વસ્થ ભારત

    ૩૧-જુલાઇ-૨૦૧૯   

 
 

સરકારનો ટાર્ગેટ ૨૦૨૨?!

ગરીબી કોઈ પણ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ માટે અવરોધક છે. ૨૦૧૪માં ભારતને ફ્રેજાઈલ ફાઈવ અર્થાત્ સૌથી નબળા દેશમાં ગણવામાં આવતો હતો. છેલ્લાં પાંચ વર્ષની અંદર ભારતે ગરીબી ઘટાડી, અર્થતંત્રમાં મજબૂત સુધારો કરી વિશ્ર્વની છઠ્ઠા નંબરની અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવ્યું. આગામી પાંચ વર્ષમાં પાંચમા નંબરે અને ૨૦૨૫ સુધીમાં દેશને પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવી ગરીબીમાંથી મુક્ત થવાની સાથે સાથે ભારતને જ્ઞાન આધારિત, કૌશલ્ય સમર્થ તેમજ ટેકનોલોજીથી સજ્જ સમાજ બનાવી ગરીબીમાંથી ઉગારવાનોય દૃઢ સંકલ્પ કેન્દ્ર સરકારે કર્યો, સાથે સાથે આગામી પાંચ વર્ષમાં ગરીબી નીચે જીવતા લોકોનો આંક એક આંકડામાં લાવવા, ૨૦૨૨ સુધીમાં કાચા ઘરમાં રહેતા અથવા ઘરવિહોણાને મકાન આપવા, ઓછી આવકવાળા ૮૦ કરોડ લોકોને હજુ વધારે સસ્તું અનાજ આપવું, જનધનની અપાર સફળતાને વધારે મજબૂત કરતાં જનધન અને આધારના પ્લેટફોર્મ પર ડેટા શેરિંગ ફ્રેમવર્કની સાથે બેંકોની શાખાઓ દ્વારા પેમેન્ટ, બેંકિંગ કોરસપોન્ડન્સ સરળ બનાવવા, ગરીબ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધારીને તમામ ખેડૂતોને તેમાં સમાવી લેવા તથા નાના અને સીમાંત ખેડૂતોને પેન્શન જેવા સંકલ્પો કર્યા.
 

ભારતનો માનવ વિકાસ સુચકાંક ૦.૪૨૭થી વધીને ૦.૬૪૦ સુધી પહોંચ્યો છે 

 
દેશની દરેક સરકારોએ ગરીબી હટાવવામાં પ્રયત્નો કર્યા, પરંતુ દિશાવિહીન કાર્યક્રમોને કારણે ગરીબોની સંખ્યા વધતી જ રહી હતી. પરંતુ છેલ્લાં પાંચેક વર્ષમાં ગરીબી નોંધપાત્ર પ્રમાણમાં ઘટી. યુએનડીપી મુજબ વિશ્ર્વમાં ૧૦૩ બિલિયન લોકો ગરીબ છે. માત્ર આવકના હિસાબે નહીં, સ્વસ્થ, નોકરી તથા હિંસાના ભયને કારણે. ભારતીય ગરીબ આર્થિક ગરીબીમાં જીવવા છતાંય પણ અન્ય દેશોની સરખામણીમાં વધુ સંતુષ્ટ અને આધ્યાત્મિક બન્યો છે. ઝારખંડ, ઉત્તરપ્રદેશમાં ઘણું કામ કરવાનું બાકી પરંતુ અરુણાચલ, બિહાર, છત્તીસગઢ, નાગાલેન્ડ વગેરેમાં પ્રગતિને કારણે ગરીબી ઘટી છે. કેરાલામાં છેલ્લાં ૧૦ વર્ષમાં ગરીબીમાં ૯૨% ઘટાડો નોંધાયો. કેરલ માનવ વિકાસ સુચકાંકમાં પ્રથમ સ્થાને છે. એસટી અને મુસ્લિમ વસ્તીઓનો પણ નોંધપાત્ર ઘટાડો થયો. થોડા વરસો પહેલાં બિમારું રાજ્યો ગણાતા બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા ય આજે ડેમોગ્રાફિક ડિવિડંડનાં મામલે દેશમાં અંગ્રેસર પ્રગતિશીલ છે. ગરીબી ઉન્મૂલન વગેરે માટે કાર્ય કરનાર સંગઠન યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) મુજબ ભારતનો માનવ વિકાસ સુચકાંક ૦.૪૨૭થી વધીને ૦.૬૪૦ સુધી પહોંચ્યો છે.
 

ખેડૂતોની આવક બમણી કરાવાનું લક્ષ્ય

 
માનવવિકાસ સૂચકાંકને હજૂ વધુ ઉત્કૃષ્ઠ બનાવવા કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ. ગાંધીજીએ કહ્યું હતું કે, ભારતનો આત્મા ગામડાંઓમાં વસે છે. ગામડાંનો માણસ ગરીબ રહી જશે તો દેશ ગરીબ રહી જશે. મહાત્માની વાણી સાર્થક કરતાં કેન્દ્ર સરકારે બજેટમાં અંત્યોદયનો ભાવ વિકસાવ્યો. ગામડાના ગરીબી રેખા નીચે જીવતા લોકોને કેન્દ્રસ્થાને મૂક્યા. ૨૦૨૨માં બધા માટે આવાસનું લક્ષ્ય સેવ્યું. કુલ ૧.૯૫ કરોડ આવાસોના નિર્માણનુ લક્ષ્ય, જેમાં શૌચાલયથી માંડીને રસોઈ માટેના ગેસ અને વીજળી સુધીની સુવિધાઓ ઉપલબદ્ધ કરાવાશે. ખેડૂતોની આવક બમણી કરાવાનું લક્ષ્ય.
 

બધી જ યોજનાના કેન્દ્રમાં ગરીબ, જરૂરિયાતમંદ જ કેન્દ્રસ્થાને છે

 
 બેરોજગારીની કૂખમાંથી જન્મતી ગરીબીને દૂર કરવા પાયા સમાન શિક્ષણની નીતિઓમાં સરકારે આમૂલ પરિવર્તન કર્યું. શાળાના શિક્ષણને સુલભ બનાવ્યા બાદ ગુણવત્તા પર ભાર, પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામની શરૂઆત, એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને મેનેજમેન્ટ સંસ્થાનોમાં આવતાં પાંચ વર્ષોમાં ૫૦ ટકા બેઠકો વધારાશે અને રાજ્ય સરકારોનેય ય પ્રોત્સાહિત કરાશે. ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ યોજનાઓ, ભારતીય અર્થવ્યવસ્થા ગતિમાન કરનારા ૨૨ ચેમ્પિયન સેકટર્સમાં નિર્ણાયક નીતિઓના માધ્યમથી રોજગારીની નવી - અપૂર્વ તકોના નિર્માણનું લક્ષ્ય, ઉદ્યોગસાહસિક યુવાનોને ૫૦ લાખ સુધીની વ્યાજમુકત લોન, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો માટે સિંગલ વિન્ડો કાર્યવાહી, આગામી પાંચ વર્ષમાં પચાસ હજાર નવા સ્ટાર્ટઅપની સ્થાપનાનું લક્ષ્ય, શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ૧૦૦ ઈનોવેશન ઝોન તૈયાર થશે, અનુસૂચિત જાતિ, જનજાતિ અન્ય પછાત વર્ગો અથવા આર્થિક ગરીબ વર્ગોના લોકો દ્વારા શરૂ કરવામાં આવતા ઉદ્યોગોને વિશેષ સહાય.
ગુજરાત સરકાર દ્વારા ય નવા બજેટમાં ગરીબી દૂર કરવા આવનારા ત્રણ વર્ષમાં ૬૦ હજારથી વધારે યુવાનોને સરકારી નોકરી આપવાનું આયોજન. ૭૦ હજાર નવાં સખીમંડળો, ૨૪ હજાર દિવ્યાંગોને રોજગારલક્ષી તાલીમ જેવી વિવિધ અનેક યોજનાઓ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ‘સરકારની બધી જ યોજનાઓ ગરીબ, નિમ્ન મધ્યમવર્ગને સશક્ત કરવા માટે જ છે.’ અને તે દિશામાં પગલાંય ભરી રહ્યાં છે. પેન્શન યોજના, આવાસ, આયુષ્યમાન ભારત, ઉજ્જ્વલા, નરેગા, વીમા, માતૃત્વ, મુદ્રા યોજના, મેઈક ઈન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મા અમૃતમ્ કાર્ડ - જેટલી યોજનાનાં નામ લઈએ તે બધી જ યોજનાના કેન્દ્રમાં ગરીબ, જરૂરિયાતમંદ જ કેન્દ્રસ્થાને છે તે દૃષ્ટિગોચર થયા વિના નથી રહેતું.
 

ગરીબી નિર્મૂલન માટે ભારતે વિરાટ છલાંગ લગાવી છે

 
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનાં ગરીબી નિવારણના પ્રયોગોની સરાહના થઈ રહી છે. ઓનલાઈન ડેટાબેઝ ધરાવતી સંખ્યા 'World Poverty Clock' ના જણાવ્યા પ્રમાણે વર્તમાનમાં ભારતમાં અત્યંત ગરીબોની સંખ્યા કુલ વસ્તીના માત્ર ૪.૬% જેટલી જ છે અને ભારત સરકારની ગરીબોના લાભાર્થે ચાલી રહેલી યોજનાઓના પરિણામે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતમાં અત્યંત ગરીબ લોકોની સંખ્યા કુલ વસ્તીના ૦.૫ % થી પણ નીચે આવી જશે. બ્રૂકિંગ્ઝ ઇન્સ્ટીટ્યુશન (Brookings Institution)ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે હવે ભારત અત્યંત ગરીબ લોકોનો દેશ રહ્યો નથી. ભારતમાં અત્યંત ગરીબ લોકોની સંખ્યા મે ૨૦૧૮માં ૭.૩ કરોડ જેટલી હતી તે આગામી ચાર જ વર્ષમાં ઘટીને માત્ર બે કરોડ જેટલી થઈ જશે.
સંયુક્ત રાષ્ટ્ર (UNO)માં એક રીપોર્ટ મુજબ પાછલાં દસ વર્ષમાં સર્વાધિક ૨૭.૧% કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા. ગરીબી નિર્મૂલન માટે ભારતે વિરાટ છલાંગ લગાવી છે.
 
સરકારના સંકલ્પો અને લક્ષ્યો ત્યારે જ સાર્થક થાય જ્યારે દેશનો એક એક નાગરિક તેમાં સહભાગી બને. અભણ-ગરીબ લોકો સુધી સરકારી સહાયો પહોંચાડવા ભણેલા-ગણેલા સૌ માધ્યમ બને. આપણે સૌ એક થઈ ગરીબી સામે લડીએ, ગરીબીને બાય બાય અને સ્વસ્થ ભારતને વેલકમ કરીએ.