માનસમર્મ : જે ભજનમાં નિરંતર રત... તે ભરત...ભગવાન રામની યાત્રા

    ૩૧-જુલાઇ-૨૦૧૯   

 
सिय राम प्रेम पियुश पूरन होत जनमु न भरत को |
मुनि मन अगम जम नियम सम दम विषम ब्रत आचरत को |
दुख दाह दारिद दूषन सुजस मिस अपहरत को |
कलिकाल तुलसि से सठन्हि हठि राम सनमुख करत को |
 
એક વખત કૃષ્ણ અને યુધિષ્ઠિર ગોષ્ઠિ કરી રહ્યા હતા. વાતમાં એકત્વ સધાઈ ગયું હતું. ત્યાં એક બ્રાહ્મણ દક્ષિણા લેવા આવ્યો. વાતમાં ખલેલ ન પહોંચે એટલે યુધિષ્ઠિરે કહ્યું કાલે આવજો. કૃષ્ણએ તરત જ મોટા સ્વરમાં કહ્યું કે ઉત્સવની તૈયારી કરો યુધિષ્ઠિરે કારણ પૂછ્યું તો કહ્યું કે, ‘તમે કાળ ઉપર વિજય મેળવ્યો છે એટલે જ તમને ખબર છે કે તમે કાલ સુધી જીવવાના છો.’
 
યુધિષ્ઠિર વાત સમજી ગયા, દરવાજે પહોંચી ગયેલા બ્રાહ્મણને તુરંત બોલાવી દક્ષિણા આપી.
 
ઇતિહાસના કેટલાંક કાલજયી પાત્રો છે, એમાં ત્યાગમૂર્તિ ભરત તુરંત સ્મરણે ચડે. ભરતજીના જીવનનું કંઇક વિશેષ દર્શન કરીએ એ આવશ્યક પણ છે. હર એક એન્ગલથી ભરતજીનું દર્શન કરીશું તો ખ્યાલ આવશે કે એમની વિશેષતાનાં અનેક રૂપ છે. વંદના પ્રકરણમાં ગોસ્વામીજી શ્રી ભરતજીની વંદના કરે છે એ બે પંક્તિઓ અદ્ભુત છે. હું જે ગામમાં જન્મ્યો છું એ ગામમાં વર્ષો પહેલા એક કથા આયોજિત થઈ હતી અને પછી થયું કે કથા સ્થળનું નામ શું રાખવું ? એ સમયે મારા મનમાં પહેલું નામ જે આવ્યું એ ચિત્રકૂટધામ આવ્યું. પછી તો અમે આખા તલગાજરડાને જ ચિત્રકૂટ કહી દઈએ છીએ. આ સિદ્ધોની ભૂમિ છે, શ્રદ્ધાની ભૂમિ છે. વિશ્ર્વાસની ભૂમિ છે, વિયોગની ભૂમિ છે. અલબત્ત અહીં રામ-ભરતનું મિલન થયું છે, સૌનું મિલન થયું છે.
 
જેમના તીક્ષ્ણ નિયમ-વ્રત છે, જેમનું મન મધુપ બનીને નિરંતર લુબ્ધ રહે છે અને ક્યારેય એ ચરણથી વિરત થવા રાજી નથી, એવા ભરતજીને હું પ્રણામ કરું છું. ભરત શબ્દ બ્રહ્મ છે, ‘ભરત’ એક નામ છે, એક સંજ્ઞા છે.
 
ઉપર રામ, વચ્ચે ચરિત અને નીચે માનસ લખો એવી રીતે તમે રામચરિત માનસ ઉપરથી નીચે લખી દો અને એને સીડી સમજી લો તો ચઢવા માટે પહેલાં માનસ, પછી ચરિત અને અંતે રામ આવે છે. એનો મતલબ એવો થયો કે સદ્ચર્ચા કરતા આપણા માનસમાં, આપણા હૃદયમાં જેટલી પણ માત્રામાં વિનય હોય, એ નિર્ભય હોય. ત્યાર બાદ આપણે ચરિત્રમાં પ્રવેશ કરીએ છીએ. અંતે રામ સુધી પહોંચીએ છીએ. જેમ ભાવ કે કુભાવથી રામ બોલવાથી પુણ્યનો સંચય થાય છે એમ ભરત બોલવાથી પાપ-પ્રપંચનો નાશ થાય છે. માનસમાં આ મંત્રદીક્ષા છે. સ્વયમ્ રામ પણ ભરત નામનો મંત્રજાપ કરે છે. વિધિલેખને બદલવામાં સમર્થ વિવેકસાગર ભગવાન વશિષ્ઠ જ્યારે કૈકયી પુત્રનું નામ ભરત રાખે છે ત્યારે કેટલા સંદર્ભો સાથે રાખ્યું હશે. જે શબ્દબ્રહ્મ નામના ઉચ્ચારણથી અખિલ અમંગલ ભાર મટી જાય છે.
 

 
 
ભગવાન રામની યાત્રા જેને આપણે રામાયણ કહીએ છીએ. રામની યાત્રા અયોધ્યાથી જનકપુર સુધીની છે. પછી ચૌદ વર્ષની વનયાત્રા છે. અંતે લંકાથી પાછા ફરીને અવધમાં યાત્રા પૂર્ણ થાય છે. આ યાત્રામાં બે યાત્રા બહુ મહત્ત્વની છે, ભરત અને હનુમાનની. ભરતજીની યાત્રા અયોધ્યાથી ચિત્રકૂટની છે અને હનુમાનજીની યાત્રા કિષ્ક્ધિધાથી ત્રિકુટની છે. બંને યાત્રામાં ઘણું સામ્ય છે. હનુમાનજીના જામ્બવંતથી વિભિષણ સુધી માર્ગદર્શક છે. ભરતની યાત્રામાં માર્ગદર્શક કેવટ અને અન્ય છે. આપણે પણ યોગ્ય માર્ગદર્શક પસંદ કરવા જોઈએ. માર્ગદર્શક ચતુરાઈ ઓછી હોય તો ચાલે પણ સમજદાર હોવા ઘટે. ચિત્રકૂટનાં વન અને વૃન્દાવનમાં ઘણું સામ્ય છે. ભગવાન કૃષ્ણ વૃંદાવન છોડીને ક્યાંય ગયા નથી, આજે પણ વૃંદાવનવાસીઓ એવું માને છે વૃન્દાવનમાં રાસ છે, ચિત્રકૂટમાં રસ છે. મંદાકિનીમાં સાબુથી સ્નાન ન કરાય. એ તો તમારા વિકૃત વિચારોને ધોવા માટેની જગ્યા છે. ‘માનસ મંદાકિની’ તરવા માટે નહીં પણ ડૂબવા માટે છે. આપ સૌને ડૂબવા માટે અંતરનું આહ્વાન. અવધૂતી મસ્તીમાં જે ડૂબ્યો છે, એ જ તર્યો છે.
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી