બજેટ રજૂ કરવામાં અટલજી પછી મોદી સરકારે અંગ્રેજોની પરંપરાને જાકારો આપ્યો છે

    ૦૫-જુલાઇ-૨૦૧૯   

 
અંગ્રેજોએ આપણા પર ૨૦૦ વર્ષ રાજ કર્યુ. આજે અંગ્રેજો તો ભારતમાંથી ચાલ્યા ગયા છે પણ તેમની ગુલામીની અનેક નિશાની આજે પણ આપણી સિસ્ટમમાં રહી ગઈ છે. સમયે સમયે સરકારોએ આ નિશાની દૂર કરવાની કોશિશ કરી છે. હા, મોદી સરકાર તેમાં થોડી આગળ છે. સત્તા પર આવવાની સાથે જ તેમણે ૩૫૦ કરતા વધારે ફાલતું હોય તેવા અંગ્રેજોના જમાનાના કાયદા નાબૂદ કર્યા છે. અને આજે બજેટ રજૂ કરવાની ક્રિયામાં પણ સુધારા કર્યા છે.
 
આજે દેશનું બજેટ એક મહિલા રજૂ કરી રહી છે. ઇન્દિરા ગાંધી પછી નિર્મલા સીતારમણ દેશની બીજી મહિલા હશે જે બજેટ રજૂ કરશે. મોદી સરકારની બીજી ઇનિગ્સનું આ પહેલું બજેટ છે એટલે દેશ આખાને આ બજેટ પર આશા છે. સરકાર નક્કી કડક પગલા ભરી કંઇક નવું આ બજેટમાં જનતા માટે કરશે.
 
આર્થિક રીતે શું સુધારા આ બજેટમાં આવશે તે તો બજેટ રજૂ કર્યા પછી જ સામે આવશે પણ મોદી સરકારે બે સુધારા તો કરી દીધા છે. આ સુધારા લાગે સામાન્ય પણ આપણી ગુલામી અને અંગ્રેજો સાથે જોડાયેલા હતા. તેને આ બજેટથી દૂર કરવામાં આવ્યા છે. આ પહેલા અટલજીની સરકાર પણ આવું કરી ચૂકી છે. તો આવો તેના વિશે જાણીએ…
 

અટલજીએ આ સુધારો કર્યો…….

 

અંગ્રેજો આપણા બજેટને સાંભળી શકે તે માટે આપણું બજેટ સાંજે રજૂ કરવામાં આવતું!

 
તમને ખબર છે. પહેલા આ દેશમાં સંસદમાં બજેટ દિવસે નહિ પણ સાંજે રજૂ કરવામાં આવતું! હા, વર્ષ ૧૯૯૯ સુધી આપણું બજેટ સંસદમાં સાંજે રજૂ કરવામાં આવતું. કેમ ખબર છે? કારણ ચોકાવનારું છે.
 
વાત એમ છે કે બજેટ રજૂ કરવાની પરંપરા ૧૯૪૭ પહેલાની છે. ત્યારે આપણા દેશમાં અંગ્રેજોનું રાજ હતું. ત્યારે પણ બજેટ તો રજૂ થતું જ હતું. પણ ત્યારનું બજેટ ગુલામ ભારતનું હતું. જે લંડનમાં બેઠેલી સરકાર નક્કી કરે તેમ બનતું હતું. આ સરકારને ખુશ રાખવાના દરેક પ્રયત્નો થતા હતા. આપણી સંસદમાં સાંજે બજેટ રજૂ કરવાનું પણ કારણ હતું. ભારતમાં જ્યારે સાંજે પાંચ વાગે બજેટ રજૂ થતું ત્યારે ઈગ્લેન્ડમાં સવારના ૧૧.૩૦ વાગતા. એટલે ભારતના બજેટ પર ત્યાની સંસદ (હાઉસ ઓફ કોમન) સવારે ધ્યાન રાખી શકે રેડિયો પર સાંભળી શકે તે માટે ભારતમાં બજેટ સાંજે રજૂ કરવામાં આવતું…અંગ્રેજો ગયા પછી પણ આ પરંપરા ચાલુ જ રહી.
 
પણ આ પરંપરા ૧૯૯૯માં અટલજીની સરકારે બદલી. તે વખતે યસવંત સિન્હા નાણાપ્રધાન હતા. તેમણે બજેટ રજૂ કરવાના આ સમય પર વિચાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. બજેટ તૈયાર કરતા અધિકારીઓને અને ખૂદ અટલજીને પણ આ પ્રસ્તાવ ખૂબ ગમ્યો અને પહેલી વાર ૧૯૯૯માં આપણી સંસદમાં સાંજે પાંચ વાગ્યાની બદલે સવારે ૧૧ વાગે બજેટ રજૂ થયું.

 

મોદી સરકારે આવા જ બે સુધારા કર્યા છે….

 
સરકારે આ વખતે બજેટનું નામ જ બદલી નાખ્યું છે. હવે “બજેટ” નહી પણ “બહીખાતું” ગુજરાતીમાં “વહીખાતું” નામ રાખવામાં આવ્યું છે. જે કોમર્સના વિદ્યાર્થીઓ હશે તેને આ ખબર હશે. જે દેશીનામાં રાખતા હશે કે લખતા હશે તેને પણ ખબર હશે. ટૂંકમાં ભારતીય પદ્ધતિનું નામ રાખવામાં આવ્યું છે.
 

 
 
હવે બજેટ જેમાં લવાતું હતું તેમાં બીજો બદલાવ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરવા જાય ત્યારે બજેટને લગતા જે દસ્તાવેજ હોય તે એક ચામડાની બેગમાં લઈ જતા. આ પહેલા બજેટ પહેલાનો નાંણામંત્રીનો એ બેગ સાથેનો ફોટો તમે જોયો જ હશે! હવે આવો ફોટો જોવા નહી મળે કેમ કે ચામડાની એ બેગ દૂર કરવામાં આવી છે. ચામડાની બેગની જગ્યા હવે લાલ કપડાએ લઈ લીધી છે. એકદમ દેશી અને ભારતીય પદ્ધતિ. આ લાલ કપડામાં લપેટીને હવે બજેટને લગતા દસ્તાવેજ સંસદ સુધી નાંણામંત્રી લઈને આવશે. નિર્મલા સીતારમે આવું કર્યુ પણ છે. જુવો ફોટો…