ભારતીય રાજકરણના ચાણક્ય અમિત શાહની કાર્યકર્તાથી કર્તાહર્તા સુધીની સફર

    ૦૬-જુલાઇ-૨૦૧૯
 
 
 
અમિત શાહ ઔર ભાજપા કી યાત્રા
 
લેખકો : અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદી  પ્રકાશક : બ્લુમ્સબરી, ૨૦૧૯  ભાષા : હિન્દી  કિંમત : ૩૦૦/-

કાર્યકર્તાથી કર્તાહર્તા સુધીની સફર

સામાન્ય રીતે અમિત શાહ એવું નામ હવે કોઈ સાંભળે તેના મનમાં માત્ર ને માત્ર એક રાજનૈતિક વ્યક્તિત્વનું ચિત્ર ખડું થઈ જાય. આ વાત હવે માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી. આજે સોશિયલ મીડિયા અને ૨૪૭ મીડિયાના જમાનામાં દેશ-વિદેશમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી સંભળાતું અને ચર્ચાતું રાજકીય વ્યક્તિત્વ હોય તો એ છે અમિતભાઈ અનિલચંદ્ર શાહ. ભારતના ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સામાન્યતમ કાર્યકર્તા તરીકે રાજનૈતિક કારકિર્દી શ‚ કરનાર આ વ્યક્તિ આજે ભારતીય રાજકારણમાં ‘ચાણક્ય’ તરીકે ઓળખાય છે. રાજકીય વિરોધીઓમાં આ નામ ભયપ્રેરિત આદર જન્માવે છે.
 
જો કે મહત્ત્વની વાત એ છે કે આવા ચર્ચાસ્પદ વ્યક્તિત્વ, કે જેણે પોતાની રાજનૈતિક કારકિર્દીને માત્ર વ્યવસાયિક રાજકારણનો હિસ્સો બનાવવાને બદલે પહેલાં રાજ્ય અને પછી દેશની સેવાનું માધ્યમ બનાવ્યું એવા અમિતભાઈ વિશે માધ્યમોમાં છપાયેલા અને ચર્ચાયેલા સમાચારો સિવાય કોઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ ન હતી. આ પુસ્તકે આ કમીને પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં અમિતભાઈની વાહવાહી નથી પરંતુ એક રાજકીય સૂઝબુઝવાળા યુવા કાર્યકરથી દેશની સહુથી મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ બનવા સુધીની તેમની મુશ્કેલ, સંઘર્ષમય રાજકીય મુસાફરીનો ચિતાર છે.
 
અમિતભાઈના રાજનૈતિક જીવન, તેમનો સંઘર્ષ, કૌટુંબિક જીવન અને વિજયયાત્રાની વાતો ખૂબ ઓછા લોકો જાણે છે.
આ એક એવા નેતાની વાત કરતું પુસ્તક છે જેણે ૧૯૮૦ના દાયકામાં અમદાવાદના નારણપુરા બુથથી કાર્યકર્તા તરીકે રાજનીતિની કારકિર્દીનો પ્રારંભ કર્યો અને આજે દેશના સૌથી શક્તિશાળી રાજકીય પક્ષના વડા પદે પહોંચ્યા છે. આ પુસ્તકમાં અમિતભાઈની રાજનૈતિક યાત્રાના વિભિન્ન પડાવો, તેમની સૂઝબુઝ અને વ્યૂહરચનાઓએ તેમને અને પાર્ટીને અપાવેલી સફળતાનું ચિત્રણ છે. અમિતભાઈ અને તેમની ટીમ સમય પારખીને કુશળ રણનીતિ દ્વારા ભાજપને સફળતાની ટોચ પર પહોંચાડવા માટે કરેલા અથાગ પ્રવાસો અને યાત્રાઓ કોઈપણ મેનેજમેન્ટ ટ્રેઇની માટે કેસ સ્ટડી બની રહે તેવા છે.
અમિતભાઈની રાજકીય યાત્રાની સાથે સાથે ભાજપનો વિસ્તાર, પ્રસાર અને તેને જનમાનસમાં ઉતારવાના પ્રયાસોમાં મળેલી સફળતાની કહાણી આ પુસ્તકનું હાર્દ છે. અહીં વર્તમાન સમયના એક પ્રભાવશાળી અને મહત્ત્વપૂર્ણ એવા આ નેતાની વાતને પ્રભાવિકતાથી, નિ:સંકોચ અને વિસ્તારપૂર્વક વણી લેવામાં આવી છે.
 
અમિતભાઈના રાજનૈતિક જીવન તેમજ પારિવારિક જીવનના મહત્ત્વપૂર્ણ પ્રસંગોની રંગીન તસવીરો આ પુસ્તકને રસપ્રદ બનાવે છે. કુલ ૧૪ પ્રકરણોમાં વહેંચાયેલા આ પુસ્તકમાં અમતિભાઈની સાથે જનસંઘમાંથી ભાજપ સુધીની પાર્ટીની સંઘર્ષમય યાત્રા અને અમિતભાઈના નેતૃત્વમાં સંગઠને મેળવેલી અપ્રતિમ સફળતા પાછળનાં કારણોની તલસ્પર્શી છણાવટ થઈ છે. ‘અમિત શાહના મિશન યુપી’ પ્રકરણમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ૮૦માંથી ૭૩ બેઠકો ભાજપે કબજે કરી તેની પાછળની રણનીતિ વિશે લેખકો નોંધે છે કે, ‘યહ જીત ભાગ્ય કી નહીં, રણનીતિ કી થી. શાહ કે ‘માઇક્રો મેનેજમેન્ટ’ ઔર નરેન્દ્ર મોદી કી લોકપ્રિયતા કી થી. યુપી મેં ગૈર યાદવ પિછડી જાતિયોં કો ઈકઠ્ઠા કરના શાહ કા ‘માસ્ટર સ્ટ્રોક’ થા. ઇસકે બાદ પાર્ટી કા સામાજિક ચહેરા બદલ ગયા. કોઈ ઐસી અતિપિછડી જાતિ નહીં થી જીસકા નેતા ભાજપા કે ટિકટ પર સાંસદ ન બના હો. યહ ઓબીસી કી રાજનીતિ મેં ક્રાંતિ થી. રાજભર, સૈની, ગડેરીયા, ધોબી, નિષાદ જૈસી જાતિઓં કો સંસદ મેં પ્રતિનિધિત્વ મીલા. યહ તબ હુઆ જબ ૨૦૧૨ કે ચુનાવ મેં ભાજપા કે પાસ મહજ ૧૫ પ્રતિશત વોટ કા જનાધાર થા.’
 
ઉપરોક્ત ફકરો તો એક નાનું એવું સેમ્પલ કહી શકાય, કારણ કે જે કોઠાસૂઝ અને કાર્યકર્તાઓની શક્તિના આધારે ભાજપ અધ્યક્ષે કામ કરી બતાવ્યું તેની ચમત્કૃતિ આપણે હજુ હમણાં જ જોઈ ચૂક્યા છીએ. આશા રાખીએ કે માત્ર ભાજપના યુવા કાર્યકરો જ નહિ પરંતુ રાજનૈતિક સંશોધનકારો, વિદ્યાર્થીઓ અને સામાન્યતમ વાચકો માટે આ પુસ્તક અમિતભાઈ શાહ વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી વધારનારો સ્રોત સાબિત થાય.
 
- શીરીશ કાશીકર 
( લેખક NIMCJ- Mass Communication Institute, Mass Communication College ના ડિરેક્ટર છે )