ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વભરમાં દર અઠવાડિયે એક મુસીબત આવે છે

    ૦૯-જુલાઇ-૨૦૧૯

 
 
સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ મુજબ ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વભરમાં દર અઠવાડિયે ક્યાંક ને ક્યાંક પૂર, દુષ્કાળ અને ચક્રવાત જેવી પ્રાકૃતિક આપદાઓ આવે છે. આ પ્રકારની આપદાઓ મોટાભાગે વિકાસશીલ દેશોમાં આવે છે. અહેવાલ મુજબ મોઝાંબિકમાં ચક્રવાત અને ભારતમાં દુષ્કાળ એ એક મોટી સમસ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર આપદા બચાવ વિભાગનાં વિશેષ પ્રતિનિધિ મમી મિજૂતોરી મુજબ મોટા પ્રમાણમાં ઓછા પ્રભાવવાળી ઘટનાઓ મોત, વિસ્થાપન સહિતની પીડાઓનું કારણ બની રહી છે.

વિશ્વને મોટું નુકસાન

સંયુક્ત રાષ્ટ્ર મુજબ ગ્લોબલ વોર્મિંગ ના કારણે ઉદ્‌ભવતી પ્રાકૃતિક આપદાઓને કારણે દુનિયાને દર વર્ષે 358 ખરબ રૂપિયાનું નુકસાન થાય છે, જેને પહોંચી વળવા વર્ષે 98 ખરબ રૂપિયાની જરૂર પડે છે. જે બાબતે વિશ્વે વિચારવાની જરૂર છે.

નવા મૂળભૂત માળખાની તાતી જરૂર

વિશ્વને મૂળભૂત માળખા જેવા કે રહેઠાણ, રસ્તા, રેલવે નેટવર્ક, કારખાના, વીજળી અને પાણી પુરી પાડી શકે તેવા નેટવર્કની જરૂર છે. જેથી વિશ્વ દુષ્કાળ અને તોફાનોનો સામનો કરી શકે. સંયુક્ત રાષ્ટ્ર મુજબ જો લોકોને ખરાબ મૌસમ અંગે પહેલેથી જ જાણકારી મળી જાય તો ઓછા પ્રભાવવાળી આપદાઓમાની અનેક આપદાઓના પ્રભાવને ઓછો કરી શકાય છે. જેને કારણે વિશ્વને આર્થિક નુકસાનથી પણ બચાવી શકાશે.

ગરીબ જનસંખ્યા વધુ પ્રભાવિત

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ પ્રાકૃતિક આપદાઓથી વિકસીત દેશો પણ બચી શકતા નથી. તાજેતરમાં જ યુરોપ અને અમેરિકાના જંગલોમાં લાગેલી આગ તેના ઉદાહરણ છે. માટે અમીર દેશોને પણ કાર્બન ગેસોના ઉત્સર્જનમાં કમી સાથે સાથે મૂળભૂત માળખામાં પરિવર્તન લાવવાની જરૂર છે.
મિઝૂતોરી મુજબ આ આપદાઓનો પ્રભાવ ઓછો કરવા આપણે વિચારવું પડશે. વિશ્વએ ઝૂપડપટ્ટીઓમાં રહેતા લોકોની સુરક્ષા અંગે પણ વિચારવું પડશે. કારણ કે ત્યાં રહેતા ગરીબ લોકો સુવ્યવસ્થિત રીતે વસેલા શહેરમાં રહેતા લોકોની સરખામણીએ વધુ અસુરક્ષિત છે.