સાબરમતીને સ્વચ્છ રાખવા આગળ આવ્યા અમદાવાદના નાગરિકો…પવિત્ર મૂર્તિઓને નદીમાં ન પધરાવી, તંત્રએ પણ તેને કુંડ સુધી પહોંચાડી…

    ૧૨-ઓગસ્ટ-૨૦૧૯

 
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની શરૂઆત થાય એ પહેલા જ સાબરમતી નદીને સ્વચ્છ બનાવવાનું અભિયાન ચલાવાયું હતુ. આ અભિયાન સફળ રીતે પાર પડ્યુ અને હવે અમદાવાદીઓ પણ તંત્રની સાથે હોય તેવું લાગી રહ્યું છે. કેમ ને નદીને સ્વચ્છ રાખવા માટે હવે અમદાવાદના લોકો પણ સાથ આપી રહ્યા છે. આવું હમણા દશામાંના વ્રત સમયે જોવા મળ્યું.
 

 
 
થયું એવું કે દશામાંનું દશ દિવસનું વ્રત હમણાં શનિવારે જ પૂર્ણ થયું. આ દરમિયાન ભક્તો ૧૦ દિવસ સુધી ઘરે દશામાંની મૂર્તિની સ્થાપના કરે છે અને દશામાની પૂજા કરે છે. છેલ્લા દિવસે વાજતે-ગાજતે મૂર્તિને નદીમાં પધરાવવામાં આવે છે. દર વર્ષે હજ્જારો મૂર્તિઓ સાબરમતી નદીમાં પધરાવવામાં આવે છે. પણ આ વખતે કંઇક અલગ થયું. ગયા શનિવારે દશામાંના વ્રતનો છેલ્લો દિવસ હતો. લોકોએ આ વખતે મૂર્તિ નદીમાં ન પધરાવી પણ આ વિધિ તેમણે સાબરમતીના કિનારે મૂર્તિઓને મૂકીને પૂર્ણ કરી.
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ અમદાવાના લોકોની આ પહેલનું સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટ કરે જણાવ્યું કે આજે અમદાવાદમાં કંઇક અદભુત થઈ રહ્યું છે. અમદાવાદના નાગરિકોએ નદીને સ્વચ્છ રાખવાની જવાબદારી લીધી છે. અવિસ્મરણીય પરિવર્તન….
 
 
 
 
મહત્વની વાત એ છે કે લોકોએ તો પોતાની જવાબદારી નિભાવી છે. પણ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી બને છે કે તે લોકોની આસ્થાને સમજે અને પવિત્ર મૂર્તિઓને યોગ્ય જગ્યાએ વિસર્જિત કરે. યોગ્ય નિકાલ કરે. જો અહીં ચૂક થશે તો લોકોએ બતાવેલો વિશ્વસ ટૂટશે. જે યોગ્ય ન કહેવાય.
 

૧૭ જગ્યાએથી ૩૨૨૦ મૂર્તિઓ એકત્રિત કરવામાં આવી 

રાજસ્થાન પત્રિકામાં છપાયેલા રીપોર્ટ પ્રમાણે લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું બરાબર ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની ૧૭ જગ્યાએથી મૂર્તીઓને એકત્રિત કરવામાં આવી છે અને તેને ગ્યાસપૂર લઈ જાવામાં આવી છે. અહી એક મોટો કુંડ બનાવવામાં આવ્યો છે અને અહી મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું છે. શહેરની ૧૭ જગ્યાએથી ૩૨૨૦ મૂર્તિઓ એકત્રિત કરવામાં આવી છે અને તેનું સુયોગ્ય રીતે કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧૫૭  ટન મૂર્તિ અને પૂજાનો સામાન આ કુંડ સુધી પહોંચી ગયો છે.