ઝાડ - પિતાજી હું આ વૃક્ષ કાપું?

    ૧૨-ઓગસ્ટ-૨૦૧૯

 
 

ઝાડ

 
નામદેવ નામનો એક કઠિયારાનો છોકરો હતો. પિતાના વ્યવસાયને અપનાવતાં એ પણ એક દિવસ જંગલમાં લાકડાં કાપવા માટે ગયો.
 
એક જગાએ સુંદર ઝાડ હતું. ત્યાં એક વિશાળ વૃક્ષ હતું. નામદેવે એના પિતાને કહ્યુ, ‘પિતાજી, હું આ વૃક્ષ કાપું ?’
 
‘હા, બેટા ! પિતાજીએ પરવાનગી આપી. નામદેવ હટ્ટોકટ્ટો અને શક્તિશાળી બાળક હતો. એણે પૂરેપૂરી શક્તિથી ઝાડના થડ પર કુહાડીનો પ્રહાર કર્યો છે. થડનું એક છોતરું ઊડીને દૂર ફંગોળાયું. ક્ષણભર માટે નામદેવ ‚આબથી એ કપાયેલા થડ સામે જોઈ રહ્યો. પછી ધીમે ધીમે એનો ઉત્સાહ ઓસરતો ગયો. એણે જોયુ કે, જ્યાં એણે પ્રહાર કર્યો હતો ત્યાંથી સફેદ દૂધ જેવું કોઈક પ્રવાહી નીકળતું હતું. નામદેવના મનમાં વિચાર સ્ફૂર્યો, મેં ઝાડ પર પ્રહાર કર્યો એટલે ઝાડ ઘાયલ થઈ ગયું. માણસને જેમ લોહી નીકળે છે એમ ઝાડને પણ સફેદ લોહી નીકળી રહ્યું છે. મારા પ્રહારથી ઝાડ દુ:ખી થઈને પીડાઈ રહ્યું છે. એ ધ્રૂજી રહ્યું છે. કોઈ મને મારે તો કેવું થાય ?
 
નામદેવ પિતા એની પાસે દોડી આવ્યા, ‘શું થયું બેટા?
‘પિતાજી, હું આજ પછી કયારેય ઝાડ નહીં કાંપુ’ !
‘કેમ બેટા ?’
 
‘કારણ કે આ હિંસા છે. હું શાળામાં ભણ્યો હતો કે ઝાડ સજીવ હોય છે. એનામાં પણ આપણી જેમ જ જીવ હોય છે. એ પણ આપણી જેમ જ મોટું થાય છે. એના પર પ્રહાર કરીએ તો એને દર્દ થાય. ઝાડ કાપીને આપણે હિંસા કરીએ છીએ. માટે હું હવે કોઈ હિંસા કરવા નથી માંગતો.
 
પિતાએ પુત્રને ગળે લગાવી દીધો.
ઝાડ જેવા ઝાડની વેદનાથી દ્રવી ઊઠેલા બાળકે દુનિયાને અહિંસાની એક નવી વ્યાખ્યા આપી હતી. નામદેવે આખી જિંદગી કોઈ જ હિંસા ના કરી. અને એ મોટા સંત તરીકે ખ્યાત થયા.