ધારા ૩૭૦ નાબૂદી : કૂટનીતિથી ભારતનું મસ્તક ગર્વથી ઊંચું થયું !

    ૧૭-ઓગસ્ટ-૨૦૧૯   

 
ધારા ૩૭૦ સાત દાયકા જૂનું કલંક હતી. આઝાદી પછી સરદાર પટેલે ૫૬૨ દેશી રજવાડાંઓને અખંડ ભારતમાં વિલીન કર્યાં, ત્યારે જમ્મુ - કાશ્મીરમાં ડોગરા મહારાજા હરિસિંહનો વિલિનીકરણની શરતોનો કાગળ બ્રિટિશ અધિકારીઓએ જ તૈયાર કરેલો જેના પર લૉર્ડ માઉન્ટ બેટને ઠાવકાઈભરી વાતો કરીને ભારતના બંધારણની ડોક મરડેલી. તે દરમિયાન પાકિસ્તાન દ્વારા આક્રમણ, કાશ્મીરનો અમુક ભાગ પચાવી પાડવો અને પંતપ્રધાન નહેરુની અણઆવડતને કારણે યુનોમાં ચુકાદો મેળવવાની ઉતાવળમાં ધારા ૩૭૦ અને ૩૫-એ લદાઈ અને ભારતના જ અભિન્ન અંગ એવા કાશ્મીરમાં અલગ ધ્વજ, અલગ બંધારણ અને રહેણી-કરણીના અલગ નીતિ-નિયમો અસ્તિત્વમાં આવ્યા. ૧૯૬૪માં અનેક વિપક્ષો અને કોંગ્રેસ સરકારના યે પ્રતિનિધિઓ મળીને ૩૭૦ જે માત્ર કામચલાઉ મુસદ્દો હતો તેને સમાપ્ત કરવા માટે તૈયાર હતા છતાં ય તેનો કાર્યકાળ વધારતા જ રહ્યા. આ બધું ૭૨ વર્ષ જેટલા દીર્ઘકાળ માટે ચાલ્યું. સ્થાનિક રાજકીય પાર્ટીઓએ તેનો ગેરલાભ લીધો. કેટલાકે આતંક અને દહેશત ફેલાવી હિન્દુઓને ભાગવા પર મજબૂર કર્યા, ૪૨ હજારનો ભોગ લેવાયો, લાખ્ખો બેઘર બન્યા.
 
લેહ-લદ્દાખ અને કાશ્મીર ખીણ જેવા વિકટતમ વિસ્તારો સાથે રાજ્યની વૈધાનિક વ્યવસ્થામાં જ સૌથી વધુ પ્રતિનિધિત્વ ખીણવિસ્તારનું મેળવી, મુસ્લિમ બહુમુલ સમાજ અને પ્રપંચી નેતાઓ તથા અલગાવવાદી જૂથો વર્ષોથી કેન્દ્ર સરકારને ચૂસતા રહ્યા. ભારતની માત્ર ૧% વસ્તી ધરાવતા રાજ્યને અગણિત સહાય ઉપરાંત બોર્ડર રાજ્ય હોવાથી ડિફેન્સ પાછળ વર્ષે કરોડો ‚પિયાનો ખર્ચો વેઠતી સરકારને રાજકીય પક્ષો, મુલ્લા-મૌલવીઓ અને અલગાવવાદીઓએ સતત સંઘર્ષમાં રાખી, ભારતની જનતા સાથે ય ઓરમાયું વર્તન કર્યું. ખીણવિસ્તારમાંથી હિન્દુઓ ઉપર જોર-જુલમ અને સ્ત્રીઓ પર બળાત્કાર કરી પંડિતોને ઘરબાર મૂકી ’૮૦ના દાયકામાં ભગાડવા છતાં કોંગ્રેસ સરકારો મૂકપ્રેક્ષક બની રહી. કારણ ૩૭૦ અને ૩૫એ.
 
સાત દાયકા બાદ આ કલમ ૩૭૦ ખતમ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, સાથી સાંસદો અને વિવિધ પક્ષોના નેતાઓએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર કરી એક ઐતિહાસિક કામ કર્યું છે. હવે સંપૂર્ણ ભારતમાં એક વિધાન, એક પ્રધાન અને એક જ નિશાન બનશે. જમ્મુ-કાશ્મીરનું તથાકથિત બંધારણ અને ધ્વજ ધ્વસ્ત થયાં. વડાપ્રધાને કહ્યું તેમ આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં આતંક અને અલગાવવાદ નેસ્તનાબૂદ થશે, દલિતો પર અત્યાચાર અટકાવવા માટે કાયદો લાગુ થશે, લઘુમતીઓના રક્ષણનો માઇનોરિટી એક્ટ અમલી બનશે, ખાનગી મૂડીરોકાણનાં દ્વાર ખૂલશે, વિકાસની સંભાવનાઓ વધશે, રોજગારીની નવી તકો સર્જાશે અને ભવિષ્યમાં કાશ્મીર ખરા અર્થમાં સ્વર્ગ અને ભારતનો મુકટમણિ બની રહેશે.
 
જમ્મુ-કાશ્મીરની સ્થાનિક પાર્ટીઓ વિરોધ કરે તે તો જાગીર લૂંટાઈ તેના ભાગરૂપે પરંતુ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈએમ, સમાજવાદી પાર્ટી, એનસીપી, એમડીએમકે, ડીએમકે વગેરે પક્ષોએ વિરોધ કર્યો. જાણે એમની ખાનદાની જાગીરો લૂંટાઈ ગઈ હોય એવી હોહા કરી. સદ્નસીબે કોંગ્રેસમાં ય ફૂટ પડી. યુવા નેતાઓ સરકારના સમર્થનમાં. માત્ર આઝાદ જેવા નેતાઓ, ખુરશી બચાવવા મેદાને પડ્યા.
 
બોર્ડર રાજ્ય, બહુમુલ મુસ્લિમ વસ્તી, અલગાવવાદી નેતાઓ, ૩૭૦ની આડમાં રાજકીય દુકાનો ચલાવતાં કુટુંબો, ગરીબ-અજાણ પ્રજા, મુલ્લા-મૌલવીઓની ઉશ્કેરણીએ પાકિસ્તાનને સતત સાથ આપતા આતંકવાદીઓને પનાહ આપી. ક્રોસ બોર્ડર ટેરરિઝમ છેલ્લાં ૩૦ વર્ષમાં ખૂબ વકર્યું અને સ્થાનિક નેતાઓ માત્ર વાતચીત ચાલુ રાખવાનો આલાપ ગાતા રહ્યા.
 
ચિદમ્બરમે કહ્યું કે, ભાજપા નિયમોનો દુરુપયોગ કરીને એક રાજ્યને તોડી રહી છે. ચિદમ્બરમ જવાબ આપે કે, કાશ્મીરમાં અત્યાચાર થયા ત્યારે તેઓ કેમ ચૂપ હતા ? કોંગ્રેસ બંધારણ બચાવોની બૂમો પાડે છે તો પીડીપીના સાંસદોએ રાજ્યસભામાં બંધારણની નકલ ફાડી ત્યારે તે નેતાઓ કેમ ચૂપ હતા ? કોંગ્રેસી નેતા ગુલામનબી આઝાદ બોલ્યા કે, મેં વિચાર્યું પણ નહોતું કે ભારતનું માથુ કાપી નંખાશે ? એમને કોણ સમજાવે કે આ નિર્ણયથી ભારતનું માથું કપાયું નથી પણ ગૌરવથી ઊંચું થયું છે.
કોંગ્રેસના નેતા ભૂવનેશ્ર્વર કલિતા અને સપાના સાંસદ સરેન્દ્ર નાગર, સંજય શેઠે પોતાની પાર્ટીની આવી બેહુદી વિચારધારાઓનો વિરોધ કરી ૩૭૦ કલમની નાબૂદીને સ્તુત્ય પગલું ગણાવી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, જે સરાહનીય છે.
 
પાકિસ્તાનનો સળવળાટ, રાજદ્વારી સંબંધો તોડવાની વાત કે સમજોતા એક્સપ્રેસ બંધ કરવાનું પગલું, વ્યાપારી સંબંધોને પૂર્ણ વિરામ વિ. ક્ષુલ્લક બાબતો જ ગણાય. યુનોની સિક્યોરિટી કે યુનાઈટેડ આરબ એમિરેટ્સ કોઈ તેની પડખે છે નહીં, હોઈ શકે નહીં. ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો ન કોઈને અધિકાર છે ન ભારત કોઈને એટલું નજીક આવવા દે. પાકિસ્તાનને હવે પીઓકે સાથે બલૂચિસ્તાનની ધરતી પગ નીચેથી ખેંચાઈ રહી હોય તેમ લાગે જ. ત્યાંના મીડિયામાં આવતા પત્રકારો-બૌદ્ધિકોએ સરકાર અને જનતા પર પસ્તાળ પાડી છે તે બદલાવ અખંડ ભારતની દિશામાં ય આવકાર્ય પગલું વિરોધીઓએ જોયું.
 
ભારતના લોકો આ નિર્ણયને બીજી આઝાદી ગણાવી રહ્યા છે. ઠેર ઠેર ઉજવણી-ઉત્સવો થઈ રહ્યાં છે. અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાં રહેતા ભારતીયોએ પણ આ નિર્ણય બાદ ઉજવણીઓ કરી છે. હિન્દુ ધર્મ આચાર્ય સભાએ આ નિર્ણય વધાવી લોકોને આશ્ર્વસ્ત કર્યા છે એ ય અનેરો આનંદ.
 
જમ્મુ-કાશ્મીર બાબતે જે થયું તે ભારતની શાણી-સમજુ જનતાએ સ્વીકાર્યું, આવકાર્યું અને બિરદાવ્યું છે. કાશ્મીરી લોકોએ પણ તેને સ્વીકારી નવી કેડી કંડારવી જોઈએ. કાશ્મીરિયત, જમ્મુરિયત, ઇન્સાનિયતથી જીવવાનો નવો માર્ગ પ્રશસ્ત કરવો જોઈએ. ભારતના લોકો અને સરકાર તેમની સાથે છે. તેમના આ નિર્ણયમાં માત્ર કાશ્મીર નહીં પણ સમગ્ર ભારતનું મસ્તક ગર્વથી ઊંચું થયેલું દેખાય છે. ભારત દેશની આ ગર્વની ક્ષણે આપણે સૌ નાગરિકો ગૌરવથી કહીએ, અખંડ ભારત... અમર ભારત !