આજની વાર્તા - અમીર આળસુ

    ૧૭-ઓગસ્ટ-૨૦૧૯

 
 

આળસુ અમીર

 
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક નવાબના મહેલ ઉપર અંગ્રેજોએ હુમલો કરી દીધો. બહાર ઊભેલા સૈનિકોએ તેનો સામનો કર્યો પણ તેઓ ફાવ્યા નહીં. એક પછી એક સૈનિકને મારતા તેઓ આગળ વધ્યા. ધીમે ધીમે તેઓ નવાબનાં ઓરડા સામે આવીને ઊભા રહ્યાં. અંગ્રેજ સૈનિકોએ તેનો દરવાજો તોડવો શ‚ કર્યો. નવાબને આ વાતની ખબર પડી છતાં તે એટલો આળસુ અને નાદાન હતો કે, જોડા નોકરો પહેરાવે ત્યારે જ પહેરી શકે.
 
નાસવાને સમયે તેણે નોકરને બોલાવ્યો : ‘અરે અલિયા, અહીં આવ. આ જોડા પહેરાવ.’ નોકર આવ્યો અને જોડા લાવીને પહેરાવવા લાગ્યો, ત્યાં તેને ખબર પડી કે અંગ્રેજી સૈનિકો નજીક આવ્યા છે, તેથી તે બારીએથી નાસી ગયો.
 
નવાબ સાહેબથી કેમ નસાય ? જોડા પહેરે ત્યારેને ? બીજા નોકરને બોલાવ્યો : ‘ઓ કલિયા, અહીં આવ.’ તે આવ્યો, એટલે અર્ધો દરવાજો તૂટ્યો તેથી તે પણ સાવધાનીથી બારીમાંથી નાસી છૂટ્યો.
 
તો પણ મહાન એદી નવાબ ચેત્યો નહીં. ત્રીજા નોકરને બોલાવ્યો : ‘અરે સલીમ, જલદી આવ અને મને જોડા પહેરાવ.’ તે આવ્યો, તરત તેણે બળવાખોરોને અંદર આવતા દેખ્યા, એટલે નવાબને નાસવાનું કહી તે પણ નાઠો, પણ આ અમીરી‚પી કંગાલિયતમાં ફસેલા નવાબને પોતાને હાથે જોડા પહેરીને નાસવાનું ન સૂઝ્યું. અંગ્રેજોએ તેને પકડી કેદ કર્યો અને તેનો મુલક કબજે કર્યો. અત્યંત અમીરી ભોગવનારા અને આળસુઓનાં અંતે આવા હાલ થાય છે.