માનસમર્મ - ધર્મ વિના વિજ્ઞાન પાંગળું અને વિજ્ઞાન વિના ધર્મજ્ઞાન આંધળું

    ૧૭-ઓગસ્ટ-૨૦૧૯   

 
 
એકવાર એક તણખલાએ ફરિયાદ કરતાં કહ્યું કે હે પડછાયા, તું આખો દિવસ આજુબાજુ હલ્યા કરે છે, એને કારણે મને બહુ ડિસ્ટર્બ થાય છે. શાંતિથી સ્થિર ઊભો રહેતો હો તો ! પડછાયાએ કહ્યું કે ‘મારું તો કશું જ હલતું ચલતું નથી.’
 
ત્યારે તણખલાએ કહ્યું, ‘જો અત્યારે જ હલે છે.’
 
તો પડછાયાએ કહ્યું કે ‘હું નથી હાલતો, એ તો વૃક્ષ હલે છે. પવનની ગતિ પ્રમાણે અને પૃથ્વી તથા સૂર્ય વચ્ચેના પ્રકાશના કારણે વૃક્ષની ડાળીઓ હલે છે.’
 
ઘાસના તણખલાએ ઊંચી ડોક કરી, એણે પહેલીવાર જ આખું વૃક્ષ જોયું અને કહ્યું કે ઓહો ! કેટલું રમ્ય દૃશ્ય, આ વૃક્ષ તો મારા કરતાં અનેકગણું મોટું અને સુંદર છે.’ ત્યાર બાદ તણખલાએ કોઈ સામે કદી ફરિયાદ ન કરી.
 
ખલીલ જિબ્રાનના આ શબ્દો. તણખલાને ખબર જ હોતી નથી કે તાડનું પણ ઝાડ હોય છે. ત્યાં એની નજર પહોંચતી જ નથી. કૂવાના દેડકા જેવી સ્થિતિ હોય છે. સંકુચિત માણસ ક્યારેય ઉન્નત ન બની શકે. કોઈ પણ બાબતને બધા પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ. આપણે ત્યાં મંદિરમાં પરિક્રમા કરવાની પરંપરા છે. એનો અર્થ એ કે બધી બાજુથી બધી બાબતો જોવી જોઈએ. મહાપુરુષો વિશે કોઈ ચોક્કસ નિર્ણય કરતા પહેલાં એના સર્વાંગ દર્શન કરી લેવાં જોઈએ. એ પણ એક પરિક્રમા છે. ભારતીય મનીષી વિનોબાજીએ ધર્મવિજ્ઞાન લખ્યું છે. એમણે કહ્યું છે કે ‘યુદ્ધ અને સંઘર્ષ બે ધર્મ વચ્ચે કદી થતા નથી. બે અધર્મ વચ્ચે થાય છે. આ નાનકડું વાક્ય સમજી લઈએ તો કદી દંગાફિસાદ થશે નહીં.’
 
અહિંસાનો પર્યાય એટલે ગાંધીજી. એક ગાંધીમાં અનેક ગાંધી છુપાયેલા છે. ક્યારેક ભક્ત તો ક્યારેક દેશભક્ત, ક્યારેક યોગી તો ક્યારેક વિયોગી... ‘મધુરાધિપતેરખિલમ્’ જેવું વ્યક્તિત્વ હતા. કેટલાક લોકો ગાંધીજીની ટીકા કરતા હોય છે. મોટાભાગે બનતું એવું હોય છે કે જે વિષયમાં આપણું જ્ઞાન કે રસરુચિ ન હોય તેની નિંદા કરતા હોઈએ છીએ. બહુ વર્ષો પહેલાં મુંબઈમાં એક બહેને કહ્યું કે બાપુ, કથામાં મજા આવે છે પણ વચ્ચે વચ્ચે આ ટૂટા ટૂટા આવે છે એમાં મજા નથી આવતી. મેં કહ્યું કે આ ટૂટા ટૂટા નથી, સંગીત છે. મડદાને પણ બેઠા કરી દે એ સંગીત છે. મારો ઉતારો એ બહેનના ઘરે હતો એટલે કથા અધૂરી છોડીને જાઉં પણ કેમ ? એકવાર એક કવ્વાલીના કાર્યક્રમમાં એક મહાત્માને આવવા કહ્યું તો એમણે કહ્યું કે ભજન હોત તો આવત. સંગીતને કદી કોઈ ધર્મ ન હોઈ શકે. મારી સાથે સંગીતની ટીમમાં મુસ્લિમ છોકરો દિલાવર પણ છે. મેં એને કદી કહ્યું નથી કે તું માળા પહેર. તિલક કર. એ સાહજિક રીતે કરે છે એ એની મોજ છે. આવી આજ્ઞા આપતા પહેલાં મારી જીભ કપાઈ જાય, સાહેબ. શોભિત દેસાઈ કહે છે કે...
 
ઇચ્છું છું એવી દુનિયા કે અવતરતા જીવને
ધર્મો પસંદ કરવાની રમણીય રીત હોય.
 
દરેક માણસને એનો પસંદગીનો ધર્મ પાળવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ચાકડા પર કદી ચોરસ ન ઊતરે. દુનિયાનું ચક્ર ગોળગોળ ફર્યા કરે છે. એમાં લંબચોરસ માણસો પણ છે. એકવાર એક કલાકારે મારી પાસે આવીને કહ્યું કે બાપુ, મને લંબચોરસ ચક્કર આવે છે. આ બનેલી ઘટના છે. કોઈ કવિતા નથી. કથા કરવાની શ‚આત કરેલી ત્યારે તલગાજરડાના બે ભાઈઓ. એક તબલાં વગાડે અને એક હાર્મોનિયમ. ત્યારે અમારી પાસે હાર્મોનિયમ નહોતું. લોકોએ કથા સાંભળી, ફાળો કરીને અપાવ્યું હતું. પોતાનું મૂળ ન ભૂલવું જોઈએ. જે મૂળ ભૂલે એને નવાં ફૂલ આવવાં બંધ થઈ જાય છે. દરેકનું સ્વાગત કરવા મારી વ્યાસપીઠ બાંહો ફેલાવીને ઊભી છે. મેરા પયગામ મહોબ્બત હૈ. પ્રેમનો પ્રચાર મારો ધંધો છે. જેણે ચામડાની જીભ ચોંટાડી હોય એ અસત્ય બોલી શકે પણ જેને ઈશ્ર્વરે જીભ આપી હોય એણે તો સત્ય બોલવું જોઈએ.
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી