વજન કરે તે હારે, ભજન કરે તે જીતે - મોરારિબાપુ

    ૨૮-ઓગસ્ટ-૨૦૧૯   

 
યાજ્ઞવલ્ક્ય ઋષિની કથા સાંભળ્યા બાદ પાર્વતીજી રામનાં દર્શન ન કરી શક્યાં ત્યારે શિવ કહે છે કે દેવી ! તમે અવસર ચૂકી ગયાં. હું જે ભાવમય અવસ્થામાં નતમસ્તકે હતો ત્યારે મારી સમક્ષ મારા ઇષ્ટદેવ રામ હતા. જેની કથા તમે સાંભળી એ પરબ્રહ્મ પરમાત્મા છે. એ તો જગતના જીવોનું કલ્યાણ કરવા ધરતી પર અવતર્યા છે.
 
સતીને ફરી શંકા ગઈ કે એ પરમાત્મા છે તો પોતાની પત્નીનું કોઈ અપહરણ કરી જાય તો એની ખબર ન હોય ? તે સામાન્ય મનુષ્ય જેમ આકળવિકળ ન થાય ?
 
શિવે કહ્યું કે વ્યવહારિકતાના માપદંડથી રામને માપશો તો એ પ્રાપ્ત નહીં થાય. બુદ્ધિને બારસાખે મૂકશો તો જ ઇષ્ટને પામી શકશો. ગ્રંથિમુક્ત ન થઈએ ત્યાં સુધી જીવનનો ગ્રંથ વાંચી નથી શકાતો. માનસિક રોગને દૂર કરવા સત્સંગ સિવાય કોઈ આરોઓવારો નથી. સાંભળવામાં અને શ્રવણ કરવામાં બહુ મોટો તફાવત હોય છે.
 
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, પેલાં રેલી ચાલ્યાં ‚રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર કાયા સરી જશે કોઈ ઝીલો જી, પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.
 
બાલમુકુન્દ દવેના આ શબ્દો. ઝેન શોધવા નીકળવું એટલે ઘોડા ઉપર બેસીને એ જ ઘોડો શોધવા જવું. એવું જ શિવતત્ત્વનું છે. શિવને આપણે બહાર શોધ્યા કરીએ છીએ પણ એ તો આપણી ભીતર છે. મંદિર સાધન છે અને મહાદેવ સાધ્ય છે. शिवो हरो मृडो रुद्रः पुष्कर: पुण्यलोचन: । अर्थिगम्य: सदाचार: शर्व: शम्भुर्महेश्वर । કલ્યાણ નિકેતન મહાદેવ એક પળ માટે ય કદી કોઈનું અહિત નથી ઇચ્છતા. દુશ્મનનું પણ ખરાબ ન વિચારનારા પરમેશ્ર્વર પુષ્પલોચનની લીલા અપાર છે. એમનો નિર્ણય હંમેશા નિર્પક્ષ અને નિર્ભેળ હોય છે. પોતાની ભૂલ હોય તો એ સ્વીકારવામાં પણ કદી નાનરૂપ નથી અનુભવી. એટલે જ સૌથી વધુ શિવમંદિરો સ્થપાય છે. એ મસાણથી મહેલ સુધીનો વ્યાપ છે. શિવ એટલે ૨૪ ગુણ્યા ૭... ૧૦૮ની સેવા... કાકા કાલેલકર કહે છે કે વાણી વિચારની ભાષા છે, કલા હૃદયની અને સદાચાર ધાર્મિકતાની એટલે કે જીવનની ભાષા.
 
પૂર્વકાળમાં દૈત્યો પ્રબળ રીતે લોકોને પીડા પહોંચાડી રહ્યા હતા. ધર્મનો લોપ કરવા લાગ્યા હતા. એ મહાબલી અને મહાપરાક્રમી દૈત્યોથી પીડિત થઈને દેવતાઓએ દેવરક્ષક શ્રીહરિને પોતાનાં બધાં દુ:ખ કહી બતાવ્યાં. ત્યારે શ્રીહરિ કૈલાસ પર જઈને ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. હજાર નામની શિવની સ્તુતિ કરવા લાગ્યા. પ્રત્યેક નામના ઉચ્ચારણ બાદ એક કમળ ચઢાવતા હતા. શિવે વિષ્ણુના ભક્તિભાવની કસોટી કરવા માટે એમના લાવેલા એક હજાર કમળમાંથી એક કમળ સંતાડી દીધું. શિવની માયાને કારણે ઘટિત થયેલી આ ઘટનાની ભગવાન વિષ્ણુને ખબર ન પડી. એમણે ઓછું થયેલું ફૂલ શોધવાનો પ્રયત્ન આરંભ્યો. ઉત્તમ વ્રતના પાલન કરનાર વિષ્ણુએ એ ફૂલની શોધ માટે આખી પૃથ્વીમાં પરિભ્રમણ કર્યું, પણ ક્યાંય ફૂલ ન મળ્યું. શિવની પૂજા અધૂરી રહી જાય તે કેમ ચાલે ? ખૂબ મનોમંથન પછી પોતાનું કમળ સમાન એક નેત્ર કાઢીને ચઢાવી દીધું. આ જોઈને સમગ્ર દેવપુરી આશ્ર્ચર્યચકિત થઈ ગઈ અને વિષ્ણુના ભક્તિભાવ પર વારી ગઈ. જગતના દેવ મહાદેવ કેમ વિષ્ણુને પોતાનાથી વધારે સન્માન આપે છે એની પ્રતીતિ થાય છે.
 
વિષ્ણુનું આ સમર્પણ જોઈ શંકર અતિપ્રસન્ન થઈ પ્રગટ થયા અને કહ્યું કે હે હરે, હું તમારી આરાધનાથી આનંદિત થયો છું. તમારી જે કોઈ ઇચ્છા હશે તે આજે હું પૂર્ણ કરીશ.
 
વિષ્ણુએ નમન કરી કહ્યું, હે નાથ, આપને માટે શું કહેવાનું હોય.. આપ અંતર્યામી છો, છતાં આપના આદેશના ગૌરવ માટે કહું છું, દૈત્યોના ત્રાસ સામે અમારા અસ્ત્રશસ્ત્ર કામ નથી લાગતાં.
 
વિષ્ણુનું આ નિવેદન સાંભળી શિવે તેજોરાશિમય સુદર્શન ચક્ર આપ્યું. એ ચક્રથી વિષ્ણુએ દૈત્યોનો નાશ કર્યો. આખું જગત ફરી એકવાર શાંતિનો શ્ર્વાસ લેવા લાગ્યું. શિવસહસ્ર નામાવલિના પાઠ કરવાથી મુશ્કેલમાં મુશ્કેલ આપત્તિ પણ દૂર થઈ જાય છે. અસદ્ને આત્માથી દૂર રાખે છે.
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી