તમારી મંઝિલની ઓળખ સ્વામી વિવેકાનંદ કરાવે છે...

    ૨૮-ઓગસ્ટ-૨૦૧૯

 
 
એક વખત સ્વામી વિવેકાનંદના આશ્રમમાં એક માણસ આવ્યો. દેખાવે ખૂબ જ દુ:ખી લાગતો એ માણસ આવતાંની સાથે જ સ્વામીજીના ચરણોમાં પડી ગયો અને તેણે કહ્યું, ‘મહારાજ, હું મારા જીવનથી ખૂબ જ દુ:ખી છું. ખૂબ જ મહેનત અને ખંતથી કામ કરું છું, છતાં પણ સફળતા મળતી નથી. ભગવાને મને એટલું ખરાબ નસીબ આપ્યું છે કે, આટલું ભણ્યો છું, મહેનત કરું છું છતાં સફળતા મળતી જ નથી.’
 
સ્વામીજી પેલા માણસની કમજોરી સમજી ગયા. એ દિવસોમાં સ્વામીજીએ એક નાનો કૂતરો પાળ્યો હતો. સ્વામીજીએ કહ્યું, ‘તમે મારા આ કૂતરાને થોડે દૂર સુધી ફેરવી લાવો. બાદમાં હું તમારા સવાલનો જવાબ આપીશ.’
 
પેલો માણસ આશ્ર્ચર્ય સાથે સ્વામીજી સામે જોવા લાગ્યો. બાદમાં કૂતરાને લઈ નીકળી પડ્યો. ઘણા સમય બાદ તે સ્વામીજી પાસે પરત ફર્યો, ત્યારે સ્વામીજીએ જોયું કે તેમનો કૂતરો ખૂબ જ થાકી ગયો હતો અને હાંફી રહ્યો હતો. સ્વામીજીએ પેલા વ્યક્તિને કહ્યું કે, ‘તારા ચહેરા પર જરા પણ થાક દેખાતો નથી, જ્યારે આ કૂતરો આટલો કેમ હાંફી રહ્યો છે ?’
 
પેલા માણસે જવાબ આપ્યો, ‘હું તો સીધો-સીધો મારા રસ્તે જ ચાલી રહ્યો હતો, પરંતુ આ કૂતરો ગલીના બીજા કૂતરાઓ પાછળ ભાગી તેમની સાથે લડી, ફરી મારી પાસે આવી જતો હતો. અમે બંનેએ અંતર તો સરખું જ કાપ્યું છે, પરંતુ આ કૂતરાએ મારા કરતાં આમ તેમ વધારે દોડાદોડી કરી છે, એટલા માટે તે થાકી ગયો છે.’
 
સ્વામીજીએ હસીને કહ્યું, ‘બસ, આ જ તારા સવાલનો જવાબ છે ભાઈ ! તારી મંજિલ તારી આજુબાજુ જ ક્યાંક છે, પરંતુ તું તેને પામવાને બદલે અન્ય લોકોની પાછળ ભાગ્યા કરે છે અને જાતે જ મંઝિલને તારાથી દૂર કરી રહ્યો છે.’