ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ નેશનલ એવોર્ડ જીતીને ઇતિહાસ સર્જ્યો છે જાણો આ ફિલ્મની પાછળના પડકારોની કહાની

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૯

 ફિલ્મનું એક દ્રશ્ય....
 
૧૯૩૨માં પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા રજૂ થઈ હતી. ૨૦૧૯માં ગુજરાતીમાં બનેલી ‘હેલ્લારો’ ફિલ્મને સમગ્ર ભારતની તમામ ભાષાઓમાં બનેલી ફિલ્મો પૈકી સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મનો ઍવોર્ડ મળ્યો છે. અત્યાર સુધી આ ઍવોર્ડ બંગાળી, મલયાલમ, હિન્દી, સંસ્કૃત, ક્ધનડ, મરાઠી વગેરે ભાષામાં બનેલી ફિલ્મોને મળ્યો હતો. પ્રથમ વખત કોઈ ગુજરાતી ફિલ્મને આ ઍવોર્ડ મળ્યો છે. એ રીતે ‘હેલ્લારો’ ફિલ્મે ઇતિહાસ સર્જ્યો છે.
 
૧૯૭૫ના સમયકાળને આવરી લેતી આ ફિલ્મનો હીરો ઢોલ, સંગીત અથવા ગરબા છે. ‘હેલ્લારો’ એટલે તળાવ કે સરોવરનું એક એવું મોજું જે તમને વાગે અને તમારો મૂંઝારો દૂર કરે. આ મોજું સંવેદનાનું, અભિવ્યક્તિનું અને ઊર્જાનું હોય. કચ્છમાં એક એવું ગામ છે જે બીજાં ગામો કે નગરો સાથે ખાસ સંપર્ક ધરાવતું નથી. એકલું અને અટૂલું ગામ. આ ગામની મહિલાઓ જે મૂંઝવણ કે મૂંઝારો અનુભવતી તેને સંગીતના માધ્યમ દ્વારા એક રસ્તો મળે છે. ફિલ્મની કથા એવી છે કે ગામની મહિલાઓના મનમાં કશુંક પડેલું છે, તેમને કશુંક અભિવ્યક્ત કરવું છે, પરંતુ એવો કોઈ અવકાશ મળતો નથી.
 
ગામની મહિલાઓ પાણી ભરવા માટે દૂર જાય છે ત્યારે તેમને જે ખુલ્લું આકાશ મળે છે તેમાં તેઓ રાજી રહે છે. એક વખત રસ્તામાં તેમને એક ઢોલી મળી જાય છે. એ ઢોલી એટલે ‘હેલ્લારો’. એક એવું મોજું આ ગામની મહિલાઓને વાગે છે, જેથી તેમનો જીવનરસ બહાર આવે છે. આ ફિલ્મ સ્ત્રી જાગૃતિકરણની છે. આ ફિલ્મ સ્ત્રીશક્તિ અને સંગીતશક્તિને એક મુકામ પર ભેગાં કરે છે. આ ફિલ્મમાં કોઈ એક નાયિકા નથી, બાર નાયિકા છે. નોંધપાત્ર બાબત એ છે કે નેશનલ ઍવોર્ડ માટેની પસંદગી સમિતિના નિર્ણાયકોએ આ બારે બાર હીરોઈનોને જ્યૂરી સ્પેશિયલ મેન્શન ઍવોર્ડ જાહેર કર્યા છે. આ પણ એક મોટું પરાક્રમ છે અને વિક્રમ તો છે જ. કોઈ એક ફિલ્મની બાર અભિનેત્રીઓને આ રીતે વિશેષ પુરસ્કાર મળ્યો હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. કોઈ એક કળાકારને બાર ઍવોર્ડ મળે તેના કરતાં બાર કળાકારોને એક ઍવોર્ડ મળે તે ઘટના મોટી છે. આ ફિલ્મમાં બારેબાર નાયિકાઓ એકાકાર થઈ ગઈ છે તેવું નિર્ણાયકોએ નોંધ્યું હતું. ગરબો એ ગુજરાતનું સામૂહિક નૃત્ય છે.
 

 ફિલ્મના સર્જક અભિષેક શાહ...
 

ફિલ્મના સર્જક અભિષેક શાહ કહે છે શૂટિંગમાં મહિલાઓ બેભાન બની

 
આ ફિલ્મના સર્જક છે અભિષેક શાહ. અમદાવાદમાં રહેતા અભિષેક શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. ગુજરાતી ફિલ્મોમાં કાસ્ટ ડિરેક્ટર તરીકે સફળતાથી કામ કરી ચૂકેલા અભિષેક શાહને આ ફિલ્મ બનાવતાં ત્રણેક વર્ષ થયાં છે. તેમના એક મિત્ર તુષાર દવેએ તેમને એક શરદ પૂનમે કચ્છની લોકકથાની એક વાત કહી. અભિષેક શાહના હૃદયમાં એ વાત ચોંટી ગઈ.
‘હેલ્લારો’ ફિલ્મના સર્જનમાં તેમણે ખૂબ ઝીણું કાંત્યું. તેઓ અને તેમની ટીમ શ્રેષ્ઠ, જુદી અને મનોરંજક ફિલ્મ બનાવવા માગતા હતા. ફિલ્મનું શૂટિંગ કચ્છમાં કરવાનું હતું. કચ્છના ૧૯૭૫ના એક ગામની વાત હતી. અભિષેક અને તેમની ટીમ જુદા જુદા સંદર્ભ લઈને કચ્છના ખૂણે ખૂણે ફરી, જોકે ભૂંગા (કચ્છ પ્રદેશનાં પરંપરાગત ઘર) ઘાસ વગેરેથી બનાવવામાં આવે છે, જેમાં ઉનાળામાં ગરમી ના લાગે અને શિયાળામાં ઠંડી ના લાગે)વાળું એક પણ ગામ મળ્યું નહીં. છેવટે ભારત-પાકિસ્તાનની સરહદ પર કુરેન ગામથી આગળ, અફાટ રણની વચ્ચે એક આખું ગામ ઊભું કરવામાં આવ્યું. દિગ્દર્શક અભિષેક સેટ દ્વારા કામ ચલાવવા માગતા નહોતા. તેઓ વધુ અને વધુ વાસ્તવિકતા ઊભી કરવા માગતા હતા. વન વિભાગ, બીએસએફ અને જિલ્લા કલેક્ટર એમ ત્રણ એજન્સીઓની મંજૂરી લેવામાં આવી. ભૂજથી આશરે ૯૦ કિલોમીટરના અંતરે ૩૨ દિવસ શૂટિંગ કરાયું. એપ્રિલ મહિનામાં શૂટિંગ હતું એટલે ૪૪-૪૫ ડિગ્રી ગરમીમાં ૧૫૦-૨૦૦ વ્યક્તિનું વૃંદ (ક્રુ) કામ કરતી વખતે તપ કરતું હોય તેવું લાગતું હતું. શૂટિંગ વખતે અભિનેત્રીઓ બેભાન થઈ જવાના બનાવો બન્યા. સંડાસમાંથી રણના વિશેષ વખણાતા વીંછી પણ નીકળતા. ગરબાની સતત પ્રેક્ટિસ કરીને બહેનોના પગમાં છાલાં પડી જતાં. ઘણી વાર કળાકારોને ઊલટી પણ થતી. આવા સંજોગોમાં જબરજસ્ત પેશનથી આ ફિલ્મ બની.
આ ફિલ્મના સંવાદ અને ગીતો જાણીતા કવિ-દિગ્દર્શક-અભિનેતા સૌમ્ય જોશીએ લખ્યાં છે. આ ફિલ્મનું સુમધુર સંગીત નીવડેલા સ્વરકાર મેહુલ સુરતીએ આપ્યું છે. હિન્દી ફિલ્મોમાં છેલ્લા એક દાયકામાં જેમણે ગરબાની શ્રેષ્ઠ કોરિયોગ્રાફી કરીને અનેક ઇનામો મેળવ્યાં છે તેવા અર્શ તન્ના અને સમીર તન્નાએ આ ફિલ્મના ગરબાની કોરિયોગ્રાફી કરી છે.
 
 

જેના પરથી હેલ્લારો ફિલ્મ બની છે તે લોકકથાઓ

 
આ ફિલ્મનું બીજ જે લોકકથામાં પડેલું છે તે કચ્છી લોકકથાની વાત તમે સાંભળશો તો સ્તબ્ધ થઈ જશો. માનવામાં ના આવે તેવી એ જબરજસ્ત લોકકથા છે. આ લોકકથા જુદી જુદી રીતે કહેવાય છે. મૂળ વાત એટલી છે કે સંગીત માટે સ્ત્રીનું સમર્પણ કેટલું જબરજસ્ત હોઈ શકે તે વાત આ લોકકથામાં જોવા મળે છે.
 
કચ્છના રાપર વિસ્તારમાં, ધોળાવીરા જતાં, વ્રજવાણી નામનું એક ગામ આવેલું છે. અહીં આહીરોની વિશેષ વસતી છે. ઇતિહાસ લખવાનું અને સાચવવાનું કામ કરનારા વહીવંચાઓની નોંધ પ્રમાણે વિક્રમ સંવત ૧૫૧૧ની વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ)ના દિવસે ગામની સ્ત્રીઓ ઢોલે રમતી હતી. ઢોલીના ઢોલની થપાટે આહીરાણીઓ ઉત્સાહથી ગરબે રમતી હતી. જાણીતા લોકકળાવિદ્ જોરાવરસિંહ જાદવ કહે છે કે વ્રજવાણીના ઢોલીની આખી લોકકથા સૌપ્રથમ દુલેરાય કાલાણીએ બહાર આણી હતી. જેમ સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનું પ્રદાન છે એ રીતે કચ્છના લોકસાહિત્યમાં દુલેરાય કાલાણીનું પ્રદાન છે. એ કથા પ્રમાણે આહીરાણીઓએ આખી રાત ગરબા રમ્યા. જોકે ઢોલીનો તાલ અને ગરબે રમનાર મહિલાઓનું તાન સહેજે ઓછાં ન થયાં. દિવસ ઊગી ગયો અને સૂરજદાદા આકાશમાં ઉપર ચડવા માંડ્યા તો પણ આ ઢોલે રમવાનું ચાલુ રહ્યું.
 

 
 
એ પછી કથામાં બે ફાંટા આવે છે. એક જ લોકકથા બે રીતે નોંધાઈ છે. એક કથાનો સૂર એવું કહે છે કે ઢોલીના તાલે ૧૪૦ આહીરાણીઓ મન મૂકીને, જાણે કે સમાધિ લાગી ગઈ હોય તે રીતે, સંગીતમાં સંપૂર્ણ રીતે ઓગળી જઈને, એકાકાર થઈને રમતી હતી. સવારે જાગી ગયેલાં બાળકોને દૂધ પીવડાવવાનું હતું, ગૌધન અને પશુધનને સાચવવાનું હતું, દરેક ઘરના વડીલોની સવારની જ‚રિયાતો પૂરી કરવાની હતી. જોકે સંગીતમય બની ગયેલી આહીરાણીઓને તો આ કશું યાદ જ નહોતું. સંગીતની ટોચના શિખરે તેઓ પહોંચી ગયાં હતાં. એક નવયુવાન ઢોલીને અટકાવે છે, તેને ઢોલ બંધ કરવાનું કહે છે, પરંતુ કોઈ અટકતું નથી. છેવટે એ નવયુવાન તેના માથા પર ડાંગ મારે છે. ઢોલીના માથામાંથી લોહીની ધારાઓ વછૂટે છે-વહે છે. જોકે એ મર્યા પછી પણ ઢોલ વગાડવાનું ચાલુ રાખે છે. એ પછી તો ૧૪૦ સ્ત્રીઓ પણ સંગીત પાછળ સતી થાય છે. પતિ પાછળ સતી થવાની પ્રથા તો ભારતમાં વર્ષો સુધી હતી, પરંતુ કોઈ સંગીત પાછળ કદાચ પહેલી વાર કોઈ સ્ત્રી, અને તે પણ ૧૪૦ સ્ત્રીઓ સતી થઈ. પછી તો અહીં તેમના પાળિયા પણ મુકાયા. પાળિયા મોટાભાગે બહાદુરોના હોય. કોઈએ ગાયોના ધણને બચાવવા કે સ્ત્રીઓનાં શીલ બચાવવા પ્રાણ ન્યોચ્છાવર કર્યા હોય તો તેના પાળિયા હોય, પરંતુ કળાસાધક સ્ત્રીઓના પાળિયા કદાચ આ એક જ જગ્યાએ છે. અહીં ઢોલીનો પણ પાળિયો છે. (કદાચ હવે નથી, હવે તેની જગ્યાએ રાધા-કૃષ્ણની પાષાણ પ્રતિમા મુકાઈ છે.)
 
બીજી કથાનો સૂર થોડોક જુદો છે. આહીરોમાં બે ભાગ હતા. બન્ને વચ્ચે કુસંપ હતો. એક કબીલાનો ઢોલી બીજા કબીલાની બહેનોને ઢોલે રમાડતો હતો તેથી એ કબીલાના કોઈ પુરુષે તલવારથી ઢોલીનું માથું ઉડાડી દીધું હતું. એ પછી ૧૪૦ બહેનો સતી થઈ હતી. (મહેન્દ્ર મેઘાણી સંપાદિત પુસ્તક અર્ધી સદીની વાચનયાત્રા (ભાગ- ૧)માં રામસિંહ રાઠોડે નોંધ્યું છે કે ૧૨૦ આહીરાણીઓ હતી. તેમાં એવી નોંધ છે કે એક વેડાંગ-પલાણ્યો વહીવંચો ત્યાંથી નીકળ્યો અને એ અદેખો જીવ સળગી ઊઠ્યો. ફાટફાટ થતાં જોબનવાળી આહીરાણીઓમાં મહાલતા ઢાઢી ઢોલીની સામે તેનું મોં મચકોડાયું. ત્યાં ઊભેલા એક જુવાનજોધ આહીર તરફ આંખ મીચકારીને તેણે ચાલતી પકડી. એ પછી એ આહીરને કમત સૂઝી અને અતાલો થઈને તે ઢોલી પર કૂદી પડ્યો અને તેના માથામાં કડિયાળી ડાંગ ફટકારી. ઢોલી ધરતીને ખોળે ઢળી પડ્યો. રાસમાં એકતાલ થયેલી આહીરાણીઓએ આ જોયું અને એકસોવીસેય પોતાના હાથના ધીંગાં બલોયાં પોતપોતાનાં કપાળ પર ફટકારી ઢગલો થઈને પડી. લોહીમાં લોહી એકાકાર થઈ ગયું. ગામમાં કાળો કેર વર્તાઈ ગયો.
 
સ્વધર્મ કે સ્વદેશ માટેની શહાદતો, રાજપૂતોનાં કેસરિયાં અને જૌહર, નીલકંઠ પર કમળપૂજા, કાશી-કરવત, ભૈરવ-જાપ, હેમાળો ગળવો, સતીનો અગ્નિપ્રવેશ એવાં દેહસમર્પણના અનેકવિધ પ્રકારોમાં, એક ઢોલી અને તેની વાદ્યકળા પાછળ ૧૨૦ કે ૧૪૦ આહિરાણીઓના દેહની થયેલી આ ન્યોચ્છાવરી ઇતિહાસમાં અજોડ છે.
 
હેલ્લારો ફિલ્મનું બીજ આ ભવ્ય અને દિવ્ય લોકકથામાં પડેલું છે. કચ્છની આ લોકકથા સમગ્ર ભારતમાં ટોચનું સ્થાન પામી તેનો દરેકને આનંદ થાય એ સ્વાભાવિક છે.

હેલ્લારોનો અર્થ શો ?

 
હેલ્લારો શબ્દ તળપદો શબ્દ છે. મોટા ભાગે એ સોરાષ્ટ્ર (કાઠિયાવાડ)માં બોલાતો શબ્દ છે. સાર્થ જોડણી કોશમાં હેલારો શબ્દના જુદા જુદા અર્થ આપ્યા છે. હેલારો (હેલ્લારો નહીં) એટલે ધક્કો. હેલારો એટલે હેલકારો. હેલારો એટલે હેલ્લો. હેલ્લો એટલે આંચકો કે ધક્કો. ઝપાટો. હરકત. નુકસાન. ખાડા-ટેકરાવાળી જમીન ઉપર વાહનનું ઊછળવું તે. તેથી બેસનારને લાગતો ધક્કો. હેલારો માટે હેલેરો શબ્દ પણ વપરાય છે. હેલ્લારો શબ્દનો ઉપયોગ કરીને રમેશ પારેખે એક કાવ્યરચના પણ કરી છે. આ રહી એ રચના...
 
હેલ્લારો
આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાએ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો
આ ઈત્તો ઇત્તો હેલ્લારો
આ ચાંપપલિતો હેલ્લારો
આ સરખેસરખી કળીઓ રમતી સમણું સમણું હેલ્લારો
આ ખર્યા પાનનું ખરવું લાગે નમણું નમણું હેલ્લારો
આ સૂંડે સૂંડે હેલ્લારો
આ ઊંડે ઊંડે હેલ્લારો
કોઈ હાથ દઈને રોકો : આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો
આ બૂડી જવાનો મોકો આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો
એક તારામાં કાંકરી હેલ્લારો
એક મારામાં કાંકરી હેલ્લારો
આ છાતીમાંથી કોની કાંકરી દડી પડી આ પાન વચ્ચે હેલ્લારો
આ કોની કાંકરી ઝાકળ ઝાકળ થઈ જડી મેદાન વચ્ચે હેલ્લારો
આ દડી પડ્યાનો હેલ્લારો
આ જડી પડ્યાનો હેલ્લારો
આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાએ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો
- રમેશ પારેખ

ગુજરાતી ભાષાના વિભાગમાં ‘રેવા’ ફિલ્મને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ
 
૬૬મા રાષ્ટ્રીય ચલચિત્ર પુરસ્કારની નિર્ણાયક સમિતિએ સને ૨૦૧૯ના પુરસ્કારની કરેલી જાહેરાતમાં ગુજરાતી ફિલ્મ ‘રેવા’ને ગુજરાતી ભાષાના વિભાગમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરાયો છે. તેની શક્યતા હતી જ. આ એવોર્ડમાં ભારત સરકાર તરફથી ઇનામમાં એક લાખ રૂ‚પિયા ધનરાશિ અપાશે, પણ ગુજરાત સરકાર તરફથી આ ફિલ્મને એક કરોડ ‚રૂપિયા અપાશે. આ ફિલ્મ જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની તત્ત્વમસિ નવલકથા પરથી બની હતી. ખરેખર એક સુંદર ફિલ્મ છે. નવલકથામાં નિ‚પણ થયેલી ભાવનાને ફિલ્મમાં લાવી શકાઈ છે.
 

લેખક - રમેશ તન્ના